Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઉત્ક્રાંતિવાદની ભ્રામક માન્યતાઓ

ઉત્ક્રાંતિવાદની ભ્રામક માન્યતાઓ

ઉત્ક્રાંતિનો સિદ્ધાંત એક ફિલસૂફી છે અને એક એવી વિભાવના છે જે ખોટી પૂર્વધારણાઓ, અનુમાનો અને કાલ્પનિક દૃશ્યોના આધારે માત્ર સંજોગાવશાત જીવનના અસ્તિત્વ અને ઉદ્ભવને સમજાવે છે.

બધી જ નાસ્તિક વિચારધારાઓ કે ફિલસૂફીઓ સર્જનને માનવાથી ઇન્કાર કરે છે અને જાણીજોઇને કે અજાણતા ઉત્ક્રાંતિના વિચારનો બચાવ કરે છે કે તરફદારી કરે છે. વિશ્વના ત્રણ મોટા અને મહાન ધર્મોના ધર્મગ્રંથો સ્પષ્ટ પણે જણાવે છે કે સમગ્ર સૃષ્ટિ, માનવજાત અને પ્રાણીજગતનું સર્જન એક અને માત્ર એક સર્જનહારે કર્યું છે. એટલે આ ત્રણ (ઇસ્લામ, ખ્રિસ્તી, યહૂદી) ધર્મોના અનુયાયીઓ ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતને ન માને તો આશ્ચર્ય નથી. એમના મતે માનવજાત માત્ર એક પિતા (આદમ) અને માતા (હવ્વા)ના સંતાનો છે. મનુષ્ય સહિતના બધા સજીવો આજે જેવા છે એવા જ સ્વરૃપે ભૂતકાળમાં ઉદ્ભવ્યા માટે તેઓ ઉત્ક્રાંતિ પામ્યાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, જોકે કેટલાક વૈજ્ઞાનિકો આને માત્ર ધાર્મિક થિયરી ગણે છે, વૈજ્ઞાનિક હકીકત નહિ.

જે વિચારધારાઓ ધર્મથી વિમુખ છે કે અજ્ઞેયવાદી છે તેઓ ઉપર જણાવ્યું એમ ઉત્ક્રાંતિની વિચારધારામાં માને છે. આ ઉત્ક્રાંતિનો વિચાર છેલ્લી દોઢ સદીમાં વૈજ્ઞાનિક વેશપલટો કરી પોતાને સાચો પુરવાર કરવા મથામણ કરી રહ્યું છે. પરંતુ ઓગણીસમી સદીના મધ્યમાં આ વિચાર વૈજ્ઞાનિક સિદ્ધાંતો ઉપર આધારિત છે એ સાબિત કરવાની ઉત્ક્રાંતિવાદીઓની બધી જ મથામણ કોઇપણ વૈજ્ઞાનિક શોધના આધારે સત્ય પુરવાર થઇ નથી. વાસ્તવમાં ‘વિજ્ઞાન’ના જે આધાર ઉપર ઉત્ક્રાંતિનો આ સિદ્ધાંત આધારિત હોવાનું માનવામાં આવે છે એનાથી તો એ જ તારણ નીકળે છે કે આ સિદ્ધાંતનું કોઇ મૂલ્ય નથી.

પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગો અને સંભવિત ગણતરીઓએ આ બાબત સ્પષ્ટ કરી દીધી છે કે જેના દ્વારા જીવન ઉત્પન્ન થયું છે એ પ્રોટીન્સ કોઇ અકસ્માતે કે ચાન્સ દ્વારા બનાવી શકાતા નથી. ઉત્ક્રાંતિવાદીઓની માન્યતા અનુસાર કોષનો ઉદ્ભવ પ્રાચીન અને અનિયંત્રિત પરિસ્થિતિઓમાં થયો હતો, પરંતુ આજની ખૂબ જ સુવિધાઓવાળી અને હાઇટેક લેબોરેટરીઓમાં સેન્દ્રિય દ્રવ્યોમાંથી કૃત્રિમ રીતે કોઇ કોષ બનાવી શકાયો નથી. નવ-ડાર્વિનવાદના સિદ્ધાંત મુજબ સજીવ પ્રાથમિક અવસ્થામાં ઉન્નત અવસ્થામાં સંક્રમણ કરે છે પરંતુ આવા ‘ટ્રાન્સીશનલ ફોર્મ’ અથવા ‘સંક્રમક રૃપ’ના કોઇ અશ્મિભૂતો કે ચિહનો વિશ્વમાં ક્યાંય પણ મળ્યા નથી.

આજે ઉત્ક્રાંતિવાદનો જે પ્રચલિત સિદ્ધાંત છે એને રજૂ કરવાનો શ્રેય અંગ્રેજ જીવવિજ્ઞાની ચાર્લ્સ રોબર્ટ ડાર્વિનને જાય છે. કેટલીક વખત ઉત્ક્રાંતિવાદને ‘ડાર્વિનવાદ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાર્વિને ઇ.સ. ૧૮૫૯માં ‘ઓન ધી એરિજીન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેકશન’ નામના પુસ્તકમાં જણાવ્યું કે બધા સજીવો રંગેરૃપે અને રીતભાતે સાવ જુદા બન્યા તેનું કારણ ‘પ્રાકૃતિક પસંદગી’ હતું. અને આ નેચરલ સિલેકશન ‘સર્વાઇવલ ઓફ ધી ફિટેસ્ટ’ના ધોરણે થતું હતું. પ્રાકૃતિક સંજોગો પ્રતિકુળ હોવા છતાં જે સજીવ તેમાં ટકી જાય તેનો વંશવેલો આગળ ચાલે બાકીના ઘણાખરા વંશવૃદ્ધિ કર્યા વગર મરી પરવારે, માટે સરવાળે તમામ સ્પીસીસ જે સજીવ ટકી ગયો હોય તેના જ થોડા ઘણા શારીરિક ફેરફારો પામેલા વંશજોની બને. માણસજાત પ્રાકૃતિક પસંદગીની આ પ્રક્રિયામાંથી ઉદ્ભવેલી સૌથી વિકસિત નીપજ છે ટુંકમાં કહીએ તો એક પ્રાણીજાતનું મૂળ બીજ પ્રાણી જાતના મૂળમાં છે.

ડાર્વિનના આ વિચારને કેટલાક રાજકીય જુથોએ પણ પ્રસિદ્ધિ અપાવી. આ સિદ્ધાંત લોકપ્રિય બનવાનું એક કારણ આ પણ હતું કે એ સમયે લોકોનું જ્ઞાન-વિજ્ઞાનનું સ્તર એટલું ઊંચુ ન હતું કે ડાર્વિનના આ કાલ્પનિક વિચારને પડકારીને ખોટો જાહેર કરી શકે. ડાર્વિને પોતાનો વિચાર તરતો મૂક્યો ત્યારે જેનેટીક્સ (જનનશાસ્ત્ર), માઇક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી જેવી વિજ્ઞાન શાખાઓનું અસ્તિત્વ ન હતું. જો એ વખતે વિજ્ઞાનની આ શાખાઓ હોત તો ડાર્વિનને પોતનો વિચાર આગળ ધપાવ્યો જ નહોત. કેમ કે જનનોમાં સજીવ વર્ગોની બધી જ માહિતી સંગ્રહાયેલી હોય છે અને પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંત મુજબ જનનોને પરિવર્તિત કરી નવી જાતિ કે પ્રજાતિનું સર્જન કરવું શક્ય નથી.

ડાર્વિનના પુસ્તકના પડઘા ગુંજી રહ્યા હતા ત્યારે જ ઓસ્ટ્રિયાના વનસ્પતિશાસ્ત્રી ગ્રેગર મેન્ડેલે વટાણાના છોડના પ્રયોગ દ્વારા જનીનો દ્વારા આનુવંશિક્તાનો સિદ્ધાંત ઇ.સ. ૧૮૬૬માં શોધી કાઢ્યો. આ સિદ્ધાંતને ‘મેડેલના નિયમો’ તરીકે ઓળખવામાં આવે છે. જેઓ જનીનશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો બન્યા. વીસમી સદીના પ્રારંભમાં જનીનો અને રંગસુત્રો (જીવકોષના કેન્દ્રમાં જોડીમાં રહેલી આનુવંશિક લક્ષણો – જીન્સનુ વહન કરનારી રચના)ની શોધ થઇ. ૧૯૫૦માં ડીએનએ (ડીઓકસીરીબો ન્યુકલીઇક એસિડ)ના રેણુની શોધ થઇ કે જે જનીનીક માહિતીનો સંગ્રહ હતો. આ શોધોએ ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતને મુશ્કેલીમાં મુકી દીધો, કારણ કે ડીએનએમાં સંગ્રહાયેલી આનુવંશિક લક્ષણોની માહિતી આકસ્મિક ઘટના તરીકે સમજાવી શકાય નહિ. આ બધી વૈજ્ઞાનિક પ્રગતિ ઉપરાંત જીવીત પ્રાણી કે સજીવના પ્રાથમિક સંરચનાથી લઇ ઉચ્ચકક્ષાની પ્રગતિ સુધીના સંક્રમકરૃપમાં આટલા વર્ષોની શોધ પછી પણ વિશ્વમાં ક્યાંય પણ કશું મળ્યું નથી.

આટલું થયા પછી કોઇને એમ થાય કે ડાર્વિનનો સિદ્ધાંત અભરાઇ ઉપર ચઢાવી દેવામાં કેમ ન આવ્યું ? આવું એટલા માટે ન થઇ શક્યું કે કેટલાક જુથો આ સિદ્ધાંતમાં સુધારા વધારા કરી કશુંક નવું ઉમેરી આને વૈજ્ઞાનિક પ્લેટફોર્મ ઉપર ચઢાવવામાં લાગેલા હતા. આવો જ એક જુથ નવ-ડાર્વિન વાદીઓનો છે. એમની માન્યતા એવી છે કે સજીવોના જનીનીક પરિવર્તન થતા કુદરતી પસંદગીમાં જે બળીયા હતા (ફિટેસ્ટ) એ સજીવો અસ્તિત્વ ટકાવી શક્યા. પરંતુ જ્યારે એ સાબિત થઇ ગયું કે નવ-ડાર્વિનવાદીઓએ સૂચવેલી પ્રક્રિયા મુજબ આવા કોઇ જનીનિક ફેરફાર સંભવ નથી અને આવા પરિવર્તનો સજીવોના જન્મ માટે પૂરતા નથી ત્યારે આ ઉત્ક્રાંતિ વાદીઓએ એક નવું મોડેલ શોધી કાઢ્યું. એન. એલ્ડ્રીજ અને સ્ટીફન ગાઉન્ડે ૧૯૭૨માં ‘પંકચ્યુએટેડ ઇકવીલીબ્રીયમ’ નામક પૂર્વ સિદ્ધાંત શોધી કાઢ્યો. આ મુજબ સજીવો કોઇપણ જાતના સંક્રમક પરિવર્તન વિના બીજી જાતિના સજીવમાં પરિવર્તિત થઇ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઇપણ ઉત્ક્રાંતિવાદના ‘પૂર્વજ’ વિના સજીવો અચાનક પ્રગટ થઇ જાય છે ! પોતાની આવી ભૂલોને સુધારવા માટે આ ઉત્ક્રાંતિવાદીઓ લીપાપોતી કરી એને ઢાંકવાનો અને બીજાને ગેરમાર્ગે દોરવા માટે વિચિત્ર ઉદાહરણો રજૂ કરી પોતાનો નિરર્થક બચાવ કરે છે. ઉ.ત. તેઓ કહે છે કે વિશ્વના ઇતિહાસમાં સૌ પ્રથમ પક્ષી , સર્પ જેવા પેટ ઘસડીને ચાલતા પ્રાણીના ઇંડામાંથી જન્મયા હતા ! એવી જ રીતે તેઓ માને છે કે ધરતી ઉપરના માંસભક્ષી પ્રાણીઓ અચાનક પરિવર્તન પામી વિશાળ વ્હેલ જેવા પ્રાણીઓ બની ગયા !

આવા વિચિત્ર દાવાઓ, જનનશાસ્ત્ર, બાયોફિઝિક્સ અને બાયોકેમીસ્ટ્રીના નિયમો વિરૂદ્ધ છે. જાણે કે પરીઓની કથામાં દેડકાઓ રાજકુમાર બની જાય એવી વાત છે ! એમ છતાંય કેટલાક અશ્મિભૂત શાસ્ત્રીઓ આ સિદ્ધાંતને વળગી રહ્યા છે અને એમના વિચારો નવ-ડાર્વિનવાદથી પણ વધુ તરંગી છે.

આ સિદ્ધાંતનો હેતુ અશ્મિઓ વચ્ચેના સમયગાળાને સમજાવવાનો હતો. જે નવ-ડાર્વિનવાદમાં શક્ય ન હતું. પરંતુ એમણે રજૂ કરેલી દલીલો અને ઉદાહરણો એકદમ બિનતાર્કિક છે. ઉત્ક્રાંતિવાદીઓની માન્યતા મુજબ ઉત્ક્રાંતિ દરમિયાન એક વર્ગના સજીવોને બીજી જાતિના સજીવોમાં પરિવર્તિત થવા માટે એમના જનીનોમાં મોટાપાયે અને લાભકારક પરિવર્તન થવા જોઇએ. જો કે જનીનિક પરિવર્તન જનીનની માહિતીમાં ઉમેરો કરે એ શક્ય છે.

જનીનીક પરિવર્તન જનીનીક માહિતીમાં ગોટાળા ઉભા કરે છે તેથી ‘ગ્રોસ મ્યુટેશન’ (એકંદર ગુણવિકાર)ની કલ્પના ‘પંકચ્યુએટેડ ઇકવીલીબ્રીયમ’ મોડેલમાં કરવામાં આવી છે એનાથી તો જનીનીક માહિતીમાં ‘એકંદર’ ઘટાડો કરીને નબળા પાડે છે. યાદ રહે કે ડીએનએમાં આવી જાતનું પરિવર્તન વારંવાર થતું નથી અને કદી મોટા પાયે થતું નથી. હજારો પૈકી એકાદ જિન ક્યારેક સહેજ પુરતો બદલાય છે. મ્યુટન્ટ થાય છે. આ સિદ્ધાંત કલ્પનાની નિપજ હોવા છતાંય ઉત્ક્રાંતિવાદીઓએ પકડી રાખ્યો છે. હકીકત આ છે કે ડાર્વિને સૂચવેલા ઉત્ક્રાંતિવાદને માત્ર અશ્મીઓના રેકોર્ડના આધારે સાબિત કરી શકાય એમ નથી.

ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત દલીલ કરે છે કે એક સજીવ જાતિ બીજી સજીવ જાતિમાં એક પછી એક પગથિયાપૂર્વક ક્રમીક રીતે લાખો વર્ષના ગાળામાં પરિવર્તન પામે છે. આ વાત માની લેવામાં આવે કે સજીવો જીવ્યા હતા તો અત્યારે આપણને એમના અશ્મિભૂતો પણ જોવા મળવા જોઇએ. ડાર્વિનવાદીઓ ડાર્વિનના સમયથી આવા અશ્મિઓની શોધખોળ કરે છે પરંતુ એમને નિરાશને જ મળે છે. ડાર્વિન પણ આ વાતથી વાકેફ હતો પરંતુ એને આશા હતી કે ભવિષ્યમાં કદાચ આવા અશ્મિઓ મળે. આ આશા વચ્ચે આ સંક્રમક રૃપના અવશેષો અને અશ્મિઓના મળવા એની ઉત્ક્રાંતિવાદની કથા વચ્ચે સૌથી મોટો રોડો હતો. એટલે જ ડાર્વિને પોતાની પુસ્તક ‘ધી ઓરિજીન ઓફ સ્પીસીસ’માં લખ્યું હતું, “… સજીવ જાતિઓ બીજી જાતિઓમાંથી ક્રમિક રીતે ઉદ્ભવે છે, શા માટે આપણે બધી જગ્યાએ અસંખ્ય સંક્રમક રૃપમાં અશ્મિઓ જોતા નથી ? …. આ મુશ્કેલી ઘણા સમયથી મને મુંઝવે છે.” (પૃ.૧૩૪)

ડાર્વિન અને એના સમર્થકોને આ મુંઝવણ થાય એ સ્વભાવિક હતું. પ્રસિદ્ધ અંગ્રેજ અશ્મિભુતપ્રાણી વિદ્યાશાસ્ત્રી કેરેક વી. એગર આ કડવી વાસ્તવિક્તાને સ્વીકારે છે કે, “મુદ્દો આ છે કે આપણે ઝીણવટથી અશ્મિભૂતોનો અભ્યાસ કરીએ તો જોવા મળે છે કે દરેક વખતે ક્રમિક ઉત્ક્રાંતિ નહિ પરંતુ અચાનક વિસ્ફોટ દ્વારા એક જાતિમાંથી બીજી જાતિનો ઉદ્ભવ થાય છે.” (ધી નેચર ઓફ ધી ફોસિલ રેકોર્ડ, પ્રોસીડીંગ ઓફ ધી બ્રિટીશ જીઓલોજિકલ એસોસીએશન, વોલ્યુમ ૮૭, ભાગ-૨, ૧૯૭૬, પૃ. ૧૩૩)
અશ્મિભૂતોના રેકોર્ડની વચ્ચેના ખાલીગાળાને એવી રીતે ન સમજાવી શકાય કે બધા જ અશ્મિભૂતો શોધી કાઢવામાં નથી આવ્યા એટલે ભવિષ્યમાં મળી જશે. બીજી અશ્મિભૂત પ્રાણીશાસ્ત્રી ટી. નેવિલ જ્યોર્જ આનું કારણ સમજાવતા લખે છે, “અશ્મિભૂતોનો પુરતો રેકોર્ડ ન મળવાથી હતાશ થવાની જરૃર નથી…. અશ્મિભૂતોના રેકોર્ડમાં વચ્ચેનો ખાલી સમયગાળો જોવા મળે જ છે.” (ફોસીલ્સ ઇન ઇવોલ્યુશનરી પર્સપેક્ટીવ, સાયન્સ પ્રોગેસ, વોલ્યુમ – ૪૮, જાન્યુ. ૧૯૬૦, પૃ.૧-૩)
જ્યારે ધરતીના સ્તર અને અશ્મિભૂતોના રેકોર્ડનું પૃથ્થકરણ કરવામાં આવ્યું તો જોવા મળ્યું કે અશ્મિભૂતો અને હાલના સજીવો વચ્ચે ઘણી સામ્યતા જોવા મળી. કેમ્બિઅન યુગના જે સજીવોના અશ્મિઓ મળ્યા છે એ એમના પૂર્વજો વિનાના સજીવો હતા. જીવીત પ્રાણીઓના વર્ગમાં જ્યાં સરળથી એકદમ જટીલ શરીર રચના ધરાવતા સજીવો અચાનક ચમત્કારિક રીતે ઉદ્ભવે એને વિજ્ઞાનની ભાષામાં ‘કેમ્બ્રીઅન એક્સપ્લોઝન’ (કેમ્બ્રિઅન વિસ્ફોટ) તરીકે ઓળખવામાં આવે છે.

પૃથ્વી ઉપર હજારો લાખો પ્રાણીઓના વર્ગો કે જાતિઓ કેવી રીતે ઉદ્ભવ્યા હતા આ પ્રશ્નનો ઉત્તર આપવા ઉત્ક્રાંતિવાદીઓ એવી પૂર્વધારણા બાંધેલી છે કે કેમ્બ્રીઅન યુગના પ્રારંભ પહેલાના ૨ કરોડ વર્ષમાં જીવન ઉદભવ્યંુ અને ‘કશુંક અજુગતું થયું.’ આ યુગ ‘ઇવોલ્યુશનરી ગેપ’ તરીકે ઓળખાય છે. જો કે આનો કોઇ પુરાવો આજદિન સુધી મળ્યો નથી.
૧૯૮૪માં દક્ષિણ પશ્ચિમ ચીનના એન્જીઆંગ પ્રદેશમાંથી કેટલાક કરોડ રજ્જુ વિનાના જટીલ પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા હતા જે આના કરોડ રજુ વિનાના પ્રાણીઓથી મળતા આવતા હતા.

અશ્મિઓના અવશેષો ઉપરથી આટલું તો સ્પષ્ટ થઇ ગયું છે કે સજીવો સાદી સંરચનાથી ઉચ્ચ કક્ષાની શારીરિક સંરચનામાં સંક્રમણ પામ્યા નથી પરંતુ એમનો ઉદ્ભવ અચાનક અને સંપૂર્ણ અવસ્થામાં થયું હતું. સંક્રમણ યુગની અવસ્થાના કોઇ અવશેષો ક્યારે પણ ક્યાંય પણ જોવા મળ્યા નથી. બીજા શબ્દોમાં કહીએ તો સજીવો ઉત્ક્રાંતિ દ્વારા અસ્તિત્વમાં આવ્યા નથી પરંતુ એમનું સર્જન કરવામાં આવ્યું હતું.

“તેણે જ દરેક પ્રકારના ફળોની જોડીઓ પેદા કરી છે” (રઅદ ઃ ૩)
“લોકો ! પોતાના રબ (માલિક)થી ડરો, જેણે તમને એક જીવથી પેદા કર્યા અને તે જ જીવથી તેનું જોડું બનાવ્યું અને આ બંનેથી ઘણા પુરુષો અને સ્ત્રીઓ દુનિયામાં ફેલાવી દીધો.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments