Thursday, May 30, 2024
Homeબાળજગતએક બાદશાહ એક ફકીર

એક બાદશાહ એક ફકીર

એક બાદશાહ હતા. તેમનું નામ ખલીફા હારૃન રશીદ હતું. હારૃન રશીદપોતાના યુગના સૌથી મોટા બાદશાહ હતા. હારૃન રશીદને અલ્લાહે ઘણી નેઅમતો ને ઉપહારો પ્રદાન કર્યા હતા. હારૃન ક્યારેક પોતાની હુકૂમત અને સંપત્તિ પર ગર્વ પણ કરતા હતા.

એક વખત હારૃન રશીદ શિકાર કરવા નીકળ્યા. તેમના સાથે તેમનો પ્રખ્યાત દરબારી ઇબ્રાહીમ પણ હતો. અને સાથે નાનકડુ લશ્કર પણ હતું. હારૃન રશીદ શહેરમાંથી નીકળીને જંગલના સમીપ પહોંચ્યા. ત્યાં પહોંચીને તેમણે ઇબ્રાહીમથી પૂછ્યું, “કેમ ઇબ્રાહીમ તે કઈ નેઅમત છે અને કઈ ખુશી છે જે મને પ્રાપ્ત નથી?”

ઇબ્રાહીમ ઃ હુઝર! દરેક નેઅમત અને દરેક ખુશી આપને પ્રાપ્ત છે.

ઇબ્રાહીમનું આટલું કહેતા જ એક ઝાડીમાંથી અવાજ આવ્યો, “તમે બંને નાદાન છો – તમે જાણતા જ નથી કે સાચી ખુશી કોને કહેવાય?”

આ અવાજ સાંભળીને બંને ચોંકી ઉઠ્યા. ઝાડી તરફ જોયું તો તેમાં એક વ્યક્તિ બેસેલો હતો જેણે ફાટેલા ને જુના કપડા પહેરેલા હતા. તેને જોઈને ઇબ્રાહીમે કહ્યું, “હુઝુર કોઈ પાગલ માણસ લાગે છે.”

ઇબ્રાહીમની આ વાત પર ફરીથી તે ઝાડીમાંથી અવાજ આવ્યો – “વિચિત્ર વાત છે આ તો… તમે પોતે તો નાદાનો જેવી વાતો કરો છો અને બુદ્ધિશાળી વ્યક્તિને પાગલ કહો છો.” અને આ અવાજ સાથે એક ફકીર ઝાડીમાંથી બહાર નીકળી આવ્યો. દુબળો, પાતળો, અશક્ત… ખલીફાએ તેનાથી પૂછ્યું ઃ

હારૃન રશીદ ઃ તમે કોણ છો?

ફકીર ઃ અલ્લાહનો એક બંદો છું.

હારૃન રશીદ ઃ તમે મારી પ્રજામાંથી છો કે કોઈબીજા દેશના રહેવાસી છો?

ફકીર ઃ મારો અને તમારો બધાનો બાદશાહ અલ્લાહ છે.

ઇબ્રાહીમ ઃ તને ખબર છે તુ કોનાથી વાતો કરી રહ્યો છે?

ફકીર ઃ હા જાણું છું – તેનાથી વાત કરી રહ્યો છું જે ખુદા અને આખેરતથી પુછપરછથી ગાફેલ છે અને આ દુનિયાને જ બધું સમજે છે.

આ સાંભળીને ઇબ્રાહીમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો પરંતુ હારૃન રશીદે તેનાથી કહ્યું, “ઇબ્રાહીમ ગુસ્સો કરવાની જરૃર નથી હવે આપણે પાછા વળીએ છીએં તમે આ ફકીરને પોતાના સાથે લાવો મે મારા મહેલમાં લાવીને મારા સામે હાજર કરો, જેથી હું તેની પરખ કરૃં કે આ સાચો ફકીર છે કે બનાવટી.”

આ વાતચીત પછી હારૃન રશીદ જંગલમાંથી પાછો વળી ગયો. બગદાદ પહોંચીને ઇબ્રાહીમને આજ્ઞા આપી કે ફકીરને મહેલમાં હાજર કરો. ઇબ્રાહીમ બહાર જઈને ફકીરને સાથે લઈ આવ્યો. ફકીરે બાદશાહ સામે આવીને ઇસ્લામી તરીકાથી સલામ કર્યો – અસ્સલામુ અલયકુમ – ખલીફાએ જવાબ આપ્યો – વ અલયકુમ અસ્સલામ.

તે પછી હારૃન રશીદે હુકમ આપ્યો કે ખાવાનું લાવવામાં આવે. શાહી દસ્તરખાન બિછાવવામાં આવ્યું અને જાત જાતની વાનગીઓ પરોસવામાં આવી. હારૃન રશીદે ફકીરને પણ ખાવાનું આમંત્રણ આપ્યું. ફકીર બધા સાથે ખાવાનું ખાતા ખાતા કહેતો હતો, “આપણા પાલનહારે કેવી કેવી સ્વાદિષ્ટ નેઅમતો આપણને આપી છે તમામ પ્રશંસા તેના માટે જ છે.”

એક સેવકે ફકીરના શબ્દો સાંભળીને કહ્યું, “આ શાહી દસ્તરખાનની નેઅમતો છે જે ભાગ્યશાળીને જ મળે છે તમે ખલીફાનો આભાર માનો.”

ફકીરે કહ્યું, “પરંતુ હારૃન રશીદને પણ આ નેઅમતો તો અલ્લાહે જ આપી છે એટલા માટે આભારને પાત્ર તો તે અલ્લાહ જ છે.”

ખલીફા આ સાંભળીને બોલ્યા, ફકીર સાચુ કહે છે.

ખાવાનું ખાધા પછી હારૃન રશીદે ફકીરથી કહ્યું, હું કંઇ પુછવા માંગુ છું શું તમે મારા સવાલોના યોગ્ય જવાબો આપશો.

ફકીર ઃ ઇન્શાઅલ્લાહ મારી સમજ મુજબ યોગ્ય જ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.

હારૃન રશીદ ઃ એ બતાવો કે ફીરઔન અલ્લાહનો વધારે નાફરમાન (કૃતઘ્ન) હતો કે હું?

ફકીર ઃ ફીરઔનને ખુદાઈનો દાવો કર્યો તે કાફિર હતો અને અલ્લાહની પ્રશંસા કે તમે મુસલમાન છો.

હારૃન રશીદ ઃ હઝરત મુસા અલૈ. તમારાથી ઉત્તમ હતા કે તમે તેમનાથી ઉત્તમ છો?

ફકીર ઃ હઝરત મુસા અલૈ. અલ્લાહના પયગંબર હતા અને હું એક સામાન્ય બંદો છું મારી અને તેમની શું તુલના?

હારૃન રશીદ ઃ અલ્લાહે તેમને ફીરઔન પાસે શિખામણ આપવા મોકલયા ત્યારે આજ્ઞા આપી હતી કે તેનાથી નરમાશથી વાત કરવી પરંતુ તમે મારા સાથે નરમીનો વર્તન કેમ ન કર્યો જ્યારે કે હું મુસલમાન છું.

ફકીર ઃ નિઃશંક મેં શિખામણ આપવામાં કડકાઈથી કામ લીધું. અલ્લાહ મને માફ કરે – હું તમારાથી પણ માફી ચાહું છું.

હારૃન રશીદ ઃ મેં તમને માફ કર્યા તમે મારા સવાલોના જવાબ સાચી રીતે આપ્યા છે.

તે પછી તેમણે આદેશ કર્યો કે ફકીરને દસ હજાર રૃપિયા આપવામાં આવે. હુકમ થતાં જ સેવકે દસ હજારની થેલી લાવીને આપી.

ફકીર ઃ હું આ થેલીઓને લઈને શું કરીશ. આને આપ લોકોમાં વહેંચી દો.

એક સૈન્ય અધિકારીએ ફકીરને ખખડાવતા કહ્યું, તું કેવો જાહીલ છે હુઝુરની ભેટને સ્વીકારતો નથી.

ફકીરે તેના સામે જોઈને કહ્યું, આ માલ દૌલત તમારા જેવા લોકો માટે છે.

આ કહીને ફકીર ઊભો થઈ ગયો તેને જતો જોઈને હારૃન રશીદે તે અધિકારીને જોરથી કહ્યું કે તું કેમ વચ્ચે બોલે છે – અને ફકીરને કહ્યું, હું તમને મોહતાજ સમજીને નથી આપ તો બલ્કે મારો તરીકો છે કે જે મારા પાસે આવે છે તેને કંઈક ને કંઈક જરૃર આપું છું.

ફકીર ઃ જો આ જ વાત છે તો મારા બે હાથ છે એટલે હું બે થેલીઓ લઈ લઉં છું.

આટલું કહીને ફકીરે બે થેલીઓ ઉઠાવી લીધી અને મહેલની બહાર જવા લાગ્યો. હારૃને ઇબ્રાહીમને કહ્યું, જાવ જઈને જુઓ આ ફકીર થેલીઓ લઈને જાય છે કે રસ્તામાં જ ક્યાંક ફેંકી દે છે. ઇબ્રાહીમ તેના પાછળ ચાલ્યો હારૃન રશીદ મહેલની છત પરથી જોવા લાગ્યા – તેમણે જોયું કે ફકીર ખાલી હાથ આકાશ તરફ ઉઠાવતો જઈ રહ્યો છે અને કહી રહ્યો છે કે દુનિયાએ મને દગો દેવાનું વિચાર્યું પરંતુ મારા રબે મને બચાવી લીધો.

હારૃન રશીદ આ જોઈને છતથી ઉતરી આવ્યો અને પોતાની જગ્યાએ બેસી ગયો. થોડીવારમાં ઇબ્રાહીમ પણ આવી ગયો. તેણે કહ્યું, હુઝુર! મહેલના દરવાજે પહોંચીને તેણે બંને થેલીઓ ખોલી નાંખી અને દરવાજો સામે ઊંધી કરીને ઠાલવી દીધી અને કહ્યું, “આ ખલીફાનો માલ છે રક્ષકો જ તેના હકદાર છે.”

આ સાંભળીને હારૃન રશીદે ઇબ્રાહીમથી કહ્યું ઃ “ઇબ્રાહીમ! જે વ્યક્તિ દુનિયાને લાત મારી ચૂક્યો હોય તે બાદશાહના રોફ અને દબદબાને નથી માનતો. અલ્લાહ તઆલાથી મારી દુઆ છે કે મારી બાદશાહતમાં હંમેશા આવા લોકો મૌજૂદ રહે.”

અને આમ કહેતા કહેતા હારૃન રશીદથી આંખો અને અવાજ ભરાઈ આવી. ***

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments