એક દિવસ મારે શહેરથી દૂરના વિસ્તારમાં જવાનું થયું. ત્યાં એક સાહેબને મળવું હતું. મેં વિચાર કર્યો શક્ય છે કે ત્યાં કોઈ કોઈ રીક્ષા વિગેરે ન મળે, એટલા માટે એક રીક્ષાવાળાને આવવા જવા માટે રીટર્ન ભાડા સાથે નક્કી કરી લીધો. અને રીક્ષામાં બેસીને નિકળી પડયો. રસ્તામાં રીક્ષાવાળાના ખબર અંતર પૂછી તેની પરિસ્થિતિની જાણકારી લેતો રહ્યો. આપ ક્યાંના રહેવાસી છો? કેટલા બાળકો છે? તેઓ શું કરે છે? વિગેરે વિગેરે. મેં પોતાનો સંક્ષિપ્ત પરિચય પણ આપ્યો. આવી રીતે લાંબો રસ્તો સહેલાઈથી કપાઈ ગયો અને એ દરમ્યાન રીક્ષાવાળાથી મને સ્નેહ પણ થઈ ગયો.
મુકામ પર પહોંચ્યા પછી મેં રીક્ષાવાળાને બહાર છોડી દીધો અને હું એકલો ઘરમાં પ્રવેશ કરી ગયો. ઘર માલિકે ચા-નાશ્તાથી મારૃં આતિથ્ય કર્યું. મેં સાહેબને કહ્યું કે મારી સાથે રીક્ષાવાળો છે. જેને હું રીટર્ન ભાડૂ નક્કી કરીને સાથે લાવ્યો છું. તે બહાર ઊભો છે. આ સાંભળી સાહેબે કહ્યું કે તમારો સાથી ક્યાં છે? તેને અંદર કેમ નથી બોલાવતા? તેને પણ આપ અંદર બોલાવી લો. અને આપણી સાથે શામેલ કરી લો. સાહેબે રીક્ષાવાળાને અંદર બોલાવી તેનું પણ સ્નેહપૂર્વક આતિથ્ય કર્યું. થોડીવારની વાતચીત પછી હું તે જ રીક્ષામાં પાછો ફર્યો. રસ્તામાં મને અનૂભુતિ થઈ કે રીક્ષાવાળો સાહેબના સ્નેહપૂર્વકના આતિથ્ય અને મારા સદ્વર્તનથી ખૂબ જ પ્રભાવિત છે. મેં જોયું કે રસ્તામાં ઉંચાણ-નિચાણ કે ખરબચડા માર્ગ ઉપર તે ખૂબ જ સાવચેતી અને મહેનતથી રીક્ષા ચલાવવા લાગ્યો. કદાચ જો કોઈ ઊંચાણવાળો માર્ગ આવતો અને ત્યાં હું ઉતરી જવાનો પ્રયત્ન કરતો તો તે સખત રીતે ના પાડી દેતો અને રીક્ષામાં જ બેસી રહેવાની તાકીદ કરતો. યાદ રાખો કે આ પેડલ રીક્ષા હતી.
ઘરે પાછા આવીને મે નક્કી કરેલ રીક્ષા ભાડૂ રીક્ષાવાળાને આપ્યું. પરંતુ તેણે ખૂબ જ શિસ્ત અને નમ્રતા સાથે રીક્ષા ભાડાના પૈસા લેવાથી ઇન્કાર કરી દીધો. મેં તેને કહ્યું કે ભાઈ હું તો નક્કી કરેલ ભાડૂ આપને આપી રહ્યો છું. અગર જો આપને ઓછું પડતું હોય તો વધારે આપી દઉં? મે સ્નેહપૂર્વક તેને કહ્યું. રીક્ષાવાળો ખૂબ જ વિનમ્ર ભાવે કહેવા લાગ્યો કે સાહેબ અમોને તો લોકો હડધૂત કરે છે. નિચ અને જાનવર સમજે છે. નાની-અમથી વાતમાં અમોને ગાળો આપે છે. અને મારવાનું શરૃ કરી દે છે. આપે મારી સાથે જે સદ્વર્તન કર્યું છે. તેનાથી મને ઘણું બધું મળી ગયું છે. હું આપથી પૈસા નથી લઈ શકતો. વાત સ્પષ્ટ હતી કે તે પૈસા લેવાથી કેમ ઇન્કાર કરી રહ્યો છે.
પછી મેં તેને કહ્યું કે ભાઈ અમોએ આપની સાથે જે સદ્વર્તન કર્યું છે. તે તો અમારી ફરજ છે. અમોએ કોઈ ઉપકાર નથી કર્યો. આપ મારા સાથી હતાં અને અલ્લાહના પવિત્ર ગ્રંથ કુઆર્નમજીદમાં અમો મુસ્લિમોને આ સૂચના આપી છે કે પોતાના સાથી જોડે સદ્વર્તન કરો. તેને તેનો હક આપો. ચાહે તેનો સંગાથ કાયમી, હંગામી કે થોડા સમય પુરતો જ કેમ ન હોય. એટલા માટે અમોએ તમારા ઉપર ઉપકાર નથી કર્યો. બલ્કે ફરજ અદા કરી છે અને ન જ રીક્ષા ભાડાથી આને કોઈ લેવા દેવા છે. આ વાત સાંભળી એ બિનમુસ્લિમ રીક્ષાવાળો અચરજ પામી બોલી ઉઠયો. શું કુઆર્નની વાતો ઉપર બધા જ મનુષ્યોએ આચરણ કરવું જોઈએ. આમ કહેતા તે ગદ્ગદીત થઈ ગયો. મેં તેને કહ્યું કે ભાઈ કુઆર્નમજીદ બધા જ મનુષ્યો માટે મોકલવામાં આવ્યું છે. આમ કહીને મેં આગ્રહપુર્વક તેના ખિસ્સામાં પૈસા નાખી દીધા. અને ઝડપથી આગળ વધી ગયો. ત્યાર પછી હું ચિંતનમાં ગરકાવ થઈ ગયો કે જે કુઆર્નના શિક્ષણને અમો સાધારણ સમજીને કોઈ મહત્તવ આપતા નથી તેની અંદર મનુષ્યને પ્રભાવિત કરવાની અસાધારણ શક્તિ મોજૂદ છે. ખરેખર કુઆર્ન અલ્લાહનો ગ્રંથ છે.