અમેરિકન પ્રેસિડેન્ટ બરાક હુસૈન ઓબામાની ભારત યાત્રા ઉપર મનોમંથન કરતાં નીચે મુજબના તારણો દ્રષ્ટિગોચર થાય છે; અમેરિકન પ્રેસિડેન્ટની ભારત યાત્રાનું રાજકીય, આર્થિક, ધાર્મિક, બંને દેશોના સંબંધો એમ અલગ અલગ પાસાઓ ધ્યાનમાં રાખીને અવલોકન કરી શકાય. ઓબામાની ભારત યાત્રા અગાઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા અને ચીનના પ્રમુખ જીંગપીંગની ભારત યાત્રા વિશે વિચારવું અયોગ્ય નહીં ગણાય.
ભારતના વડાપ્રધાનની અમેરિકા યાત્રા અને અમેરિકન પ્રેસિડેન્ટની ભારત યાત્રા વચ્ચે આભ-જમીન જેટલો તફાવત જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે અમેરિકા ગયા ત્યારે અમેરિકન પ્રેસીડેન્ટ તો બહુ દૂરની વાત છે કોઈ મોટા મંત્રી પણ તેમને આવકારવા એરપોર્ટ પર ગયા ન હતા. નરેન્દ્ર મોદી ભાષણમાં પોતાને કોમનમેન કહેતા આવ્યા છે. અમેરિકાએ ખરેખર તેમની સાથે કોમનમેન જેવો જ વ્યવહાર કર્યો હતો. મીડિયામાં પણ જોઈએ એવી નોંધ લેવાઈ ન હતી. સરકારી તંત્રે પણ જાણે રૃટીન કાર્ય હોય તે મુજબનું વ્યવહાર કર્યું હતું. ત્યાં સુધી કે વાહન વ્યવહાર પણ રાબેતા મુજબનો જ રહ્યો હતો. કોઈ અલગથી વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને લાલ જાજમ પાથરીને આવકાર્યા હતા. તે પણ મોદીને માટે જરૂરી ન લાગ્યું. મેડિસીન સ્કેવર ઉપર કોઈ અમેરિકન મંત્રી હાજર રહ્યા ન હતા. માત્ર મોદીનું ઇવેન્ટ મેનેજમેન્ટ કામ કરી ગયું હતું અને ત્યાંના ગુજરાતીઓમાં મોદીની વાહવાહ થઈ હતી.
થોડાક દિવસો અગાઉ ચીનના પ્રમુખ જિંગપિંગ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમને હિચકે ઝુલાવ્યા, ઢોકળા ખવડાવ્યા, રીવર ફ્રંન્ટ ઉપર ડિનર કરાવ્યું અને તેમને પ્રભાવિત કરવા દરેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ ઓબામાની ભવ્યાતિ ભવ્ય ભારત યાત્રાએ ચીનના પ્રમુખ જિંગપિંગની યાત્રાને ખૂબજ ઝાંખી પાડી દીધી. ચીને પણ તરત જ પાકિસ્તાન સાથે હાથ મિલાવી ભારતને વળતો જવાબ આપી દીધો. ચીનની નારાજગીને ઓછી કરવા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ચીન મોકલવામાં આવી રહ્યા છે કે જેથી ભારતના લોકોને પણ જાણ થાય કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ જ છે.
અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામાની ભારત યાત્રાનું મુખ્ય પાસું ન્યુક્લિઅર ડીલ અને શસ્ત્રોની સોદાગરી રહ્યું હતું. યાત્રા અગાઉ જ પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી કે જ્યાં સુધી અમેરિકન પ્રેસિડેન્ટ ભારત યાત્રા ઉપર હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરવી નહીં. નહિતર તેના ખરાબ પરિણામ ભોગવવા પડશે. હા યાત્રા પછી ભારત પાકિસ્તાન અંદર-અંદર લડવા ઇચ્છે તો તેમને કોઈ વાંધો નથી. તે માટે હથિયાર જોઇતા હોય તો અમેરિકા આપવા તૈયાર છે અને ભારત યાત્રામાં ખૂબજ મોટો શસ્ત્રો સોદો પણ થયો છે. યુ.એન.માં કાયમી સભ્યપદ વીટો પાવર સાથે અપાવવાની ચોકલેટ આપીને ન્યુક્લિઅર ડીલ ઉપર હસ્તાક્ષરો કરાવી લીધા.
અમેરિકન પ્રેસિડેન્ટની આગતા-સ્વાગતામાં ગણતંત્ર દિવસના પ્રોટોકોલનો પણ ભંગ કરવામાં આવ્યો. સામાન્ય રીતે ધ્વજવંદન વખતે ભારતના પ્રેસિડેન્ટ અને સૈન્ય વસ્ત્રોમાં સજ્જ અધિકારીઓ જ સલામી આપી શકે છે. બાકીના લોકોએ ચુપચાપ ઉભા રહેવાનું હોય છે, જેમ કે ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી ધ્વજવંદન વખતે ઊભા રહ્યા હતા. તેમ છતાં મીડિયાએ પ્રોટોકોલનો ભંગ કરનારા વડાપ્રધાન અને અન્ય લોકોને નજર અંદાજ કરીને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી કે જે અનાયાસે મુસ્લિમ છે તેમને ટીકાના ભોગ બનાવ્યા હતા.
અમેરિકન પ્રેસિડેન્ટ સીરીફોર્ટમાં આપેલા પ્રવચનમાં શાહરૃખ ખાન, મિલખા સિંહ, મેરીકોમ અને સત્યાર્થીના વર્ણનો કરીને જાણે સંદેશ આપ્યો છે કે અમે ભારતને ખૂબજ નજદીકથી જોઈ રહ્યા છે એ અહીંના લોકોની નાડને પારખી લીધી છે. લોકોના સ્વભાવ અને પસંદગીને અમે સારી રીતે જાણીએ છીએ. તેથી જ તેમના પ્રવચનને સારો એવો આવકાર મળ્યો અને લોકો રાજીનારેડ થઈ ગયા. તેમાં નામો લીધા તેઓ દીવાસ્વપ્નો જોઈ ખૂબજ રાજી થવા લાગ્યા. આશ્ચર્યજનક બાબત એ પણ રહી કે અમેરિકન પ્રેસિડેન્ટને મળવા અને હસ્થધુનન કરવા માટે ભારતના ખૂબજ મોટા ઉદ્યોગપતિઓએ લાઈનમાં ઉભા રહેવુ પડ્યું જેમાં ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી તથા ગૌતમ અદાણી વિગેેરેનો સમાવેશ થાય છે.
અમેરિકન પ્રેસિડેન્ટની યાત્રા દ્વારા નરેન્દ્ર મોદી વૈશ્વિક વિકાસ પુરુષનું સર્ટિફિકેટ મેળવવા માંગતા હોય તેવું લાગ્યું અને આ માટે ઇવેન્ટ મેનેજમેન્ટના ગુરૃ ગણાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ પણ કચાશ રાખી નહીં. ત્યાં સુધી કે પ્રોટોકોલનો ભંગ થયો અને દિલ્હીની પ્રજાને ખૂબજ અગવડતા ભોગવવી પડી. ત્રણ દિવસ માટે દિલ્હીના જ લોકો જાણે નજર કેદ થઈ ગયા હોય તેવી સ્થિતિ રહી. ભારતીયો જ્યારે અમેરિકા જાય છે ત્યારે તેમની ઝડતી લેવામાં આવે છે પરંતુ અમેરિકન પ્રેસિડેન્ટના ભારત પ્રવાસ દરમિયાન કોઈપણ અમેરિકનની નહીં ઊલ્ટાનું ભારતના લોકોની ઝડતી લેવામાં આવી. લોકોના માન-સંમાનનો મલાજો પણ જાળવવામાં ન આવ્યો.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કે જેઓ ભાષણમાં પોતાને ‘ચા’ વેચનારા તરીકે ઓળખાવતા રહ્યા છે, ઓબામાની મુલાકાતમાં પણ તેમનો આ અનુભવ તેમને કામે લાગ્યો અને તેમણે પોતાના હાથે ‘ચા’ બનાવી ઓબામાને પીવડાવી. અને આ ‘ચાય પે ચર્ચા’ દરમિયાન શું વાતો થઈ હશે તે આપણા માટે કલ્પના બહારનો વિષય છે.
જતાં-જતાં અમેરિકન પ્રેસિડેન્ટ ઓબામા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઠપકારવાનું ચૂક્યા નહીં અને ભારતીય બંધારણની કલમ ૨૫નો ઉલ્લેખ કરીને સ્પષ્ટ જણાવી દીધું કે જ્યાં સુધી ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા લોકોને પ્રાપ્ત રહેશે ત્યાં સુધી ભારત વિકાસ કરતો રહેશે. મોદીને શાણપણમાં જણાવી દીધું કે બંધારણ ઉપર અમલ કરાવવો તમારી બંધારણીય ફરજ છે અને અમે તેનું નિરીક્ષણ અને દેખરેખ કરી જ રહ્યાં છે. આ સંદેશની સાથે જ ઓબામાએ એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા છે. અમેરિકન લોકોને પણ આશ્વત કર્યા છે કે ઈસાઇઓ વિરુદ્ધ ભારતમાં થતા હુમલાઓ બાબતે વડાપ્રધાનનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સાથે જ પોપને પણ દિલાસો આપવામાં આવ્યો છે કે ધાર્મિક સ્વતંત્રતા બાબતે અમે કોઈ બાંધછોડ નથી કરતા. સાથે જ મુસ્લિમ સમુદાયને પણ સાંત્વના આપવાનો યશ લઈ ગયા, અને કલમ ૨૫ની સાથે ગાંધીજીને પણ યાદ કર્યા જે તેમની રાજકીય કુનેહ દર્શાવે છે. પ્રેમના પ્રતીક એવા તાજમહલ કરતાં તેલના બજારને મહત્ત્વ આપતા હોય તેમ સઉદી અરબના રાજાના નિધન ઉપર ખરખરો કરવા તાજમહલની મુલાકાત રદ કરીને સઉદી અરબ પહોંચી ગયા, જ્યાં તેમણે નવા પદોનિત રાજા સલમાન સાથે મુલાકાત કરી અને દિલાસો પાઠવ્યો, મુલાકાત વખતે અસરની અઝાન થતાં જ સઉદી સત્તાધીશો નમાઝ પઢવા જતા રહ્યા ત્યારે અમેરિકન પ્રેસિડેન્ટ આશ્ચર્ય અને હેરત સાથે એકલા ઊભા રહ્યા. રાજા સલમાને પણ ભવિષ્યના ખૂબ જ સારા સંકેત આપી દીધા હોય તેમ જણાય છે.