૩ જૂન, ૨૦૧૬ના રોજઔ વિશ્વના મહાન બોકસરનાઔ જીવનની આખરી બેલ વાગી અને નાશવંત દુનિયારૃપી રોગમાંથી તેમને વિદાય લીધી. હર હંમેશની જેમ જ એક ચેમ્પિયન તરીકે મુહમ્મદ અલી એક અપરાજિત મુક્કેબાજ અને અમેરિકન અશ્વેત મુસ્લિમ. અમેરિકાના વિયેતનામ વિરુદ્ધ યુદ્ધ વખતે અમેરિકાને પોતે વિશ્વની મહાસત્તા તરીકેના કર્તવ્યની પ્રતિતિ કરાવતા કેદ વહોરનાર એક જવાબદાર અમેરિકન નાગરિક. અમેરિકન અશ્વેતોને રંગભેદની લઘુતાગ્રંથિમાંતી કાઢી, સમાન અને સક્ષમ મનુષ્ય તરીકેનું સ્થાન અપાવનાર એક અમેરિકન અશ્વેત. માત્ર કથનોથી નહીં પરંતુ ઇસ્લામને જીવીને ઇસ્લામ પર ઘડી કાઢવામાં આવેલા આરોપોનો જવાબ આપનાર અને મુસ્લિમોને વાચા આપનાર અમેરિકન મુસ્લિમ એટલે જ આ તેજસ્વી સૂર્યના અસ્ત સાથે જ વિશ્વની ચારેય દિશાઓમાંથી શ્રદ્ધાંજલિની વર્ષા થવા લાગી અને કેટલાંય દિવસો સુધી મીડિયામાં મહાન બોકસરની ગાથાઓ સાંભળાતી રહી. પરંતુ સંભવતઃ આ શ્રદ્ધાંજલિઓના પ્રવાહ પર પૂર્ણવિરામ મૂકવા અને સામાન્ય નાગરિકોનું ધ્યાન વિચલીત કરવા ૧૨ જૂન ૨૦૧૬ના રોજ એક અન્ય ઘટના ઘટી, અથવા કહો કે ઘડી કાઢવામાં આવી. સેન્ટ્રલ ફ્લોરિડાના ઓરલેન્ડો શહેરના ગે-નાઇટક્લબની માસ શૂટીંગ.
આ હત્યાકાંડમાં આશરે ૫૦ જેટલી વ્યક્તિઓ મૃત્યુ પામી, જ્યારે અન્ય ૫૩ જેટલા નાગરિકો ઘાયલ થયા. આ ઘટનાને પાર પાડનારક માસ શૂટર ‘ઓમર મતીન’ને પણ ઘટના સ્થળે ઠાર મારવામાં આવ્યો. આમ તો અમેરિકામાં માસ શૂટીંગની ઘટનાઓ અવારનવાર થતી રહે છે પરંતુ આ શૂટરના નામમાં કંઇક વિશિષ્ટ હોય એમ ફરીથી ‘ઇસ્લામીક ત્રાસવાદ’ અને ‘રેડીકલ ઇસ્લામ’ જેવી ચર્ચાઓ વેગ પકડવા માંડી. અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના અગાઉના વિધાનની પૃષ્ટિ કરતા જણાવ્યું કે – ઓમર મતીન જેવા મુસ્લિમોનું અમેરિકા તરફી સ્થળાંતર બંધ કરવું એ જ આવા ત્રાસવાદી હત્યાકાંડોને રોકવાનો એકમાત્ર ઇલાજ છે, આવી ત્રાસવાદી ઘટનાઓ એ ફકત બે જ શબ્દોનું પરિણામ છે – ‘રેડીકલ ઇસ્લામ’. એક વ્યક્તિના વ્યક્તિગત અક્ષમ્ય ગુનાને આધારિત વિશ્વની દ્વિતિય નંબરની આબાદીને દોષી બનાવી દેવામાં આવી.
કોણ છે ઓમર મતીન?
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જન્મેલ, ૩૦ વર્ષીય અફઘાન મૂળનો અમેરિકન નાગરિક. મિત્રો અને સહવિદ્યાર્થીઓના મત મુજબ તે બાળપણથી ક્રોધી અને અસમાન્ય પ્રવૃત્તિઓનો આદી હતો. તેની પ્રથમ પત્નિ સિતોરા યુસુફીના કહેવા પ્રમાણે તે માનસિક અસંતુલિત અને મનોરોગી હતો. તે ‘બાઈપોલર’ નામની માનસિક બિમારીથી પીડાતો હતો અને સ્ટીરોઈડ્સ તથા અન્ય ડ્રગ્સનું સેવન કરતો હતો. લગ્નના થોડાં જ મહિનાઓમાં પોતાના પર ઓમર મતીન દ્વારા થતા અત્યાચારોને કારણે તેણીએ તેની સાથે છેડો ફાડયો. તેની અસામાન્ય પ્રવૃત્તિઓના કારણે તે બે વખત એફબીઆઈ ની નજરમાં આવ્યો પરંતુ કંઇક નોંધપાત્ર માહિતી ન મળતાં તેને છોડી મૂકવામાં આવ્યો. જુદા-જુદા ગે-પુરુષોના કથન મુજબ ઓમરમતીન અવારનવાર ગે-એટ્સ અને ગે-નાઇટક્લબ્સની વિઝિટ કરતો હતો. નજીકના સૂત્રો અને સંબંધીઓ પ્રમાણે તે થોડે ઘણે અંશે ધાર્મિક હોવા છતાં ધર્મને લગતી બાબતોમાં ક્યારેય અંતિમવાદી વલણ ધરાવતો ન હતો.
આ ઓમર મતીન જેવા અસામાન્ય માનસિક અસંતુલિત વ્યક્તિ માટે આ પ્રકારના હત્યાકાંડ આચરવા માટે ઘણાં પ્રેરણાસ્ત્રોત અને કારણો હોઈ શકે, પરંતુ તે બધાં જ કારણોને નજર-અંદાજ કરીને મીડિયાએ તેના ધર્મને નિશાન બનાવવાનું શરૃ કરી દીધું. જાણે કે આવું કરવું એ પુર્વાનુયોજીત હોય.!! અને જોત-જોતામાં ‘ઇસ્લામિક હોમોફોબિયા’ જેવી ભારે-ભરખમ ટર્મીનોલોજી લોકોના માનસ પર પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો શરૃ થઈ ગયા. કોઈ કે સાચું જ લખ્યું છે કે, જ્યારે કોઈ અશ્વેત કોઈ ગુનો આચરે ત્યારે તેના કાળા રંગની તીવ્રતા ચકાસવામાં આવે છે, જ્યારે કોઈ મુસ્લિમ કોઈ ગુનો આચરે તો તેની ધાર્મિકતા મૂલવવામાં આવે છે, પરંતુ કોઈ શ્વેત વ્યક્તિ એ જ ગુનો કરે ત્યારે તેની માનસિક સ્થિતિ તપાસવામાં આવે છે.
મુસલમાનોની પ્રતિક્રિયા
વિશ્વના કોઈપણ ખૂણે કોઈ અમાનવીય ક્રૂરતા આચરવામાં આવે અને જો તે પાર પાડનાર કોઈ મુસ્લિમ ઓળખ ધરાવતી વ્યક્તિ હોય તો ઇસ્લામને નિશાન બનવું એ સહજ બની ગયું છે. અને સામાન્ય મુસ્લિમોનો એક મોટો વર્ગ દર વખતની જેમ આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી અને ઇસ્લામ શાંતિ પ્રિય ધર્મ છે જેવા સંરક્ષણાત્મક વિધાનો સાથે પોતાને દોષી માની લેવાની વૃત્તિ ધરાવતો થઈ ગયો છે. શું દરેક ધર્મના અનુયાયીઓમાં આવા ‘ધર્મ ઝનૂની’ તત્ત્વો આવું અમાનવીય કર્મ આચરતા નથી? રિપોર્ટ્સ પ્રમાણે ગતવર્ષે (૨૦૧૫)માં અમેરિકામાં ૨૦૭ માસ શૂટીંગની ઘટનાઓ બની, જેમાં એક જ ઘટનાનો ગુનેગાર મુસ્લિમ ઓળખ ધરાવતો હતો. તો શા માટે મુસ્લિમોએ સ્વયંને દોષી સ્વીકારી વણ માંગી માફી માંગવાનું વલણ અપનાવવું જોઈએ?
બીજી તરફ મુસ્લિમ બુદ્ધિજીવી વર્ગ તરફથી ‘ઇસ્લામમાં સમલૈંગિકતા અને સમલૈગિકોનું સ્થાન’ જેવા મુદ્દાઓ જે ખરેખર આવકાર્ય અને સંતોષકારક અને તેમાં ઇસ્લમને ફકત ધર્મ તરીકે નહીં પરંતુ ‘જીવન પ્રણાલી’ તરીકે પ્રસ્થાપિત કરવાનું વલણ પ્રતિત થાય છે. અલ્લાહતઆલાથી દુઆ છએ કે દરેક નકારાત્મક કાવતરાંઓમાંથી મુસ્લિમોને આવી પરિપકવ પ્રતિક્રિયા આપવાની અને ઇસ્લામને સાચા પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાની સમજ આપે. આમીન.