Thursday, October 10, 2024

ઓળખ

એક વખત એક બાળક એક દુકાનદાર પાસે ગયો અને તેની પાસેથી ઈંડા માગ્યા. દુકાનદારે તેને ઈંડા આપ્યા અને કહ્યું કે, ‘આમાંથી જે બચ્ચા નીકળશે તે બહુ તોફાની અને ઝઘડાખોર હશે.’
તે બાળકે એ ઈંડા લઈ જઈને મરઘીના પાંજરામાં રાખી દીધા. થોડાક દિવસો બાદ એ ઈંડાઓમાંથી બચ્ચાઓ નીકળ્યા, દિવસો પર દિવસો પસાર થતાં રહ્યા. એટલે સુધી કે મરઘીના એ બચ્ચા મોટા થઈ ગયા. પરંતુ એ બાળકને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું કે આ તો પરસ્પર લડતા-ઝઘડતા નથી. આથી તે એ સૌ મરઘા-મરઘી લઈને દુકાનદાર પાસે ગયો અને તેને કહ્યું, ‘તમે તો કહ્યું હતું કે, આ બધા ખૂબજ ઝઘડાખોર હશે. પરંતુ આ તો લડતા-ઝઘડતા જ નથી ! આથી હવે મારા પૈસા તમે પાછા આપી દો.’
દુકાનદારે એ તમામ મરઘા-મરઘીઓ તેની પાસેથી લઈ લીધા અને તેને બીજા દિવસે આવવા માટે કહ્યું. તે બાળક જ્યારે બીજા દિવસે એ દુકાનદાર પાસે પહોંચ્યો તો શું જુએ છે કે દુકાનદારે બધા જ મરઘા-મરઘીઓને અલગ-અલગ રંગથી રંખી નાખ્યા છે અને તે બધા જુદા જુદા પાંજરામાં બંધ છે. જેવા જ દુકાનદારે એમને પાંજરાઓમાંથી બહાર કાઢયા કે તરત જ એ સૌ પરસ્પર એકબીજાથી લડવા-ઝઘડવા લાગ્યા.
બાળક આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો, કે ઘરે તો આ લડતા-ઝઘડતા ન હતા. પરંતુ હવે તે એકબીજાનો જીવ લેવા લડી રહ્યા છે. અંતે તેણે દુકાનદારને આનું કારણ પૂછયું તો તેણે જણાવ્યું કે, ‘કાલ સુધી તો આ બધા એકબીજાને ઓળખતા હતા, તેઓ નાનપણથી જ એકબીજાની સાથે રહેતા હતા, અને દેખાવે એક જેવા જ હતા. જ્યારે કે આજે મેં તેમને અલગ-અલગ રંગોથી રંગી નાખ્યા છે તો તેઓ એકબીજાને ઓળખી નથી રહ્યા. આથી લડી ઝઘડી રહ્યા છે.’
વ્હાલા બાળકો ! કંઈક આવી જ હાલત આપણી પણ થઈ ગઈ છે. આજે આપણે પણ વિવિધ રંગે રંગાયેલા છીએ. આપણે આ પ્રકારના દરેક બાહ્ય રંગને મિટાવી દેવાની જરૂરત છે. આ બંધનો અને ભેદભાવો કે પક્ષપાતોથી પોતાને મુકત કરી લઈએ અને પ્રેમ-સ્નેહપૂર્વક શાંતિની ચાદર ઓઢી લઈએ. અલ્લાહતઆલાએ તમામ માનવોને એક જ માતા-પિતાના સંતાન તરીકે સર્જ્યા છે. બાકી વર્ણ-વંશ તો માત્ર ઓળખ માટે છે, નહીં કે લડવા-ઝઘડવા માટે !!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments