Friday, December 27, 2024
Homeઓપન સ્પેસ કમાણી કરવાનો નવો કીમિયો : ફેસબુક

કમાણી કરવાનો નવો કીમિયો : ફેસબુક

ઇ-લર્નિંગ

શું તમે જાણો છો કે આજકાલ એક નવો દેશ અસ્તિત્વમાં આવ્યો છે જેનું નામ છે ‘ફેસબુક કન્ટ્રી’. આપણા ઝીકર ભાઈ (માર્ક ઝૂકરબર્ગ)ના આ દેશના નાગરિકોની સંખ્યા વિશ્વના ત્રીજા નંબરના દેશ જેટલી જ અધધધ છે અને હજુ એમાં વધારો થવાનું ચાલૂં જ છે. બીજા દેશોની જેમ જ આ દેશને પણ પોતાના આગવા વેપારધંધા (પેજ ક્રિએશન, એડ ક્રિએશન, ગ્રુપ ક્રિએશન, બ્રાન્ડ અવેરનેસ, કસ્ટમર સપોર્ટ…), લાક્ષણિક્તાઓ (પોસ્ટિંગ, શેરિંગ, કમેંટ્સ, લાઇક્સ…) અને તહેવારો (આ દેશ કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક દેશની ઉજવણીઓમાં ભાગ લે છે અને ફૂટબોલ મેચથી માંડી પોલિંગ ડે સુધી દરેક બાબતનો હરખપદૂડા થઈ આનંદ માણે છે) તેમજ રિવાજો (ટેગિંગ, ગેમિંગ, પોકિંગ વિગેરે આ રિવાજો ઘણાને અણગમતા હોય વિરોધ પ્રદર્શનો પણ ચાલુ છે.) ધરાવે છે.

આપણે મુસ્લિમો પણ આ દેશના બહોળા પ્રમાણમાં નાગરિક છીએ અને મહદ્અંશે દરેક સરેરાશ નાગરિક બે સીટીઝનશીપ (એકાઉન્ટ્સ) ધરાવીએ છીએ. તેમ છતાં આપણે આપણી આર્થિક સ્થિતિ મજબૂત કરવા પર ધ્યાન દેવા ના બદલે વધુ સમય રિવાજો અને ઉજવણીઓમાં વિતાવીએ છીએ આને લીધે અહીં પણ મુસ્લિમ (ગરીબી રેખા નીચે) જોવા મળે છે.

દરેક સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ જેમકે ટ્વિટર, ગૂગલપ્લસ, ટમ્બલર અને ‘વોટ્સએપ’ અગ્રેસર હોવા છતાં પાછળ ‘લાઈન’ અને ‘હાઈક’ પણ રાહ જોઈને ઊભી જ છે. પણ આજકાલ મુસ્લિમો વધુ સમય વિતાવે છે. જેમાં પણ ફેસબુક અને વોટ્સએપ આગળ છે. વધુ નવાઈની વાત તો એ છે કે અમુક મુસ્લિમ યુવાઓ ઓછુ ભણેલા હોવા છતાં પણ આ અંગ્રેજી સાઈટ્સ પર સારો એવો ચાહક વર્ગ ધરાવે છે. જે સાબિત કરે છે કે વ્યક્તિને રસ હોય એવી બાબતોમાં કશું જ આડુ આવતું નથી. ના ઉંમર, ના સ્ટેટસ, ના ભાષા, ના ભણતર.

આ બાબત મુસ્લિમો માટે ઘણી સારી છે. કારણ કે આ ઓનલાઈન યુગમાં દરેક વ્યક્તિએ પોતાના એક્ચુયલ અસ્તિત્વની જેમ વરચ્યુઅલ ઓળખ પ્રસ્થાપિત કરવી જરૂરી બની ગઈ છે. પણ દુઃખદ વાત એ છે કે મોટાભાગના મુસ્લિમો આ બે વચ્ચે તાલમેલ જાળવી શકતા નથી અને આ સાઈટ્સનો ઉપયોગ મોજશોખ ખાતર જ વધુ કરી રહ્યા છે. એ કુદરતનો નિયમ છે કે સારી કરતા નરસી બાબતો આપણને વધુ આકર્ષે છે. પણ મુસ્લિમો એ ભૂલી રહ્યા છે કે હજાર-બે હજાર ફ્રેન્ડ્સ બનાવવાથી કે પોસ્ટ્સ પર વધુ કમેંટ્સ કે લાઈક મળવાથી ડિજિટલ સકસેસ પ્રાપ્ત થઈ એમ ન કહેવાય. પરંતુ આપણે વારંવાર જોઈએ છીએ કે ઘણા વિદ્વાન, બુદ્ધિશાળી અને ખ્યાતિ પ્રાપ્ત મુસ્લિમો પણ પોતાનું ગ્રુપ બનાવી એકબીજાના વખાણ કર્યે રાખવામાં કે બિન જરૂરી ચેટિંગમાં સમય બગાડે છે. જે લાંબે ગાળે તેમના વિચાર, ધંધા અને ફેમિલી લાઈફમાં પણ વિપરીત અસર કરે છે.

ઉપરાંત આજકાલ સાઈબર ક્રાઈમના કિસ્સા પણ ખૂબ વધી ગયા છે. એકાઉન્ટ હેકિંગ દ્વારા લોકો આર્થિક, સામાજિક અને લાગણીશીલ રીતે સાઈબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. પણ મુસ્લિમો એ આવી સમસ્યાઓને અવરોધીને પણ ડિજિટલી સફળ થવું જરૂરી છે. ઇન્ટરનેટ મુસ્લિમો માટે સારા પ્લેટફોર્મ અને માર્ગદર્શનની ગરજ સારે એમ છે પણ એનો પોઝિટિવ ઉપયોગ થાય તો.

ફરીથી મૂળ વાત પર આવીએ તો ફેસબુક એ નેટ પર કમાવા માટે એક નવો સ્ત્રોત બની ગયું છે પણ અફસોસની વાત છે કે મુસ્લિમો પોતાના વેપારધંધા માટે તેનો ઉપયોગ કરતાં નથી. ચાલો, આપણે ફેસબુક દ્વારા સફળ થયેલ એક ગુજરાતીનું ઉદાહરણ લઈએ.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પેઈજના ધર્મેશ વ્યાસ (ધમભા)

મૂળ રાજકોટના અને છેલ્લે ૧૧ વર્ષથી દુબઈ સ્થિત ધરમેશભાઈ વ્યવસાયે કોમ્પ્યુટર એન્જિનિયર છે. દુબઈની સારી એવી નોકરી અને સુખી કુટુંબ ધરાવતા ધમભાને પહેલેથી જ ગુજરાતી ભાષાના વાંચનનો ખૂબ શોખ. આથી શોખ+સ્કિલનો સરવાળઓ કરી = ડિજિટલ સકસેસ એમણે પ્રાપ્ત કરી લીધી.

આજે ૫ લાખ સાથેના ફેસબુક પરના સૌથી લોકપ્રિય પેઇજની શરૃઆત તેમણે ૨૦૧૧માં કરેલી ત્યારે પ્રથમ પોસ્ટને માત્ર એક જ લાઇક મળી ત્યારથી અત્યાર સુધીની સફળ તેમણે તેમના ‘જ્ઞાન સાથે ગમ્મત’ પેજના ઓફિસિયલ વેબ બ્લોગ ‘મોજમોજ.કોમ’ પર વર્ણવી છે.

ધમભા આજે તો અનેક વેબ પેજિસના એડમીન, કો-એડમીન છે. આ ઉપરાંત મોજમોજ.કોમ, ભેળપૂરી.કોમ, ટેકટ્રિપટ્રિક્સ.કોમ, જેવી વેબસાઈટના સર્જક પણ છે. પણ તેમની ખરી સફળતા તો ધૂમખરીદી.કોમ માં છુપયેલી છે. ધર્મેશ ભાઈ આ સાઈટ દ્વારા આખા વિશ્વમાં ફ્રી શિપિંગ, ડિસ્કાઉન્ટ અને કેશ ઑન ડીલિવરી સહિતના સાત ઓપ્શન સાથે ઘરે બેઠા આપણને ગુજરાતી પુસ્તકો પૂરા પાડે છે.

આવા તો અનેક ઉદાહરણો છે. જેમકે, પ્રખ્યાત ગઝલકાર આદિલ મનસૂરીના ભત્રિજા મુહમ્મદ તાહા મનસૂરી જે કોન્ફ્લુયન્સ નામના ઇ-મેગેઝીનના સર્જક છે. આ મેગેઝીનની સાઈટ ગુજરાતી અને અંગ્રેજીમાં નવા સાહિત્યકારોને અને ફોટોગ્રાફરોને તક આપે છે. ખાસ કરીને નવા ફોટોગ્રાફરો માટે અહીં ઘણા ઓપ્શન છે. ફેસબુક પર તેમનું ઓફિસિયલ પેજ છે જેમાં એમના આસાનીથી સંપર્ક થઈ સકે છે.

આઇઆઇટી માંથી સ્નાતક થયેલ અરનાબ અને તેની દોસ્તોઓ ૯ થી ૫ ની આરામદાયક નોકરી કરવાને બદલે ટીવીએફ (ટોટલ વાયરલ ફીવર) વિડીયો નામે નવી સાઈટ બનાવી છે જેમાં તેઓ વ્યંગ અને કટાક્ષ યુક્ત વિડિયો બનાવે છે. આ લોકોએ પણ ફેસબુક પર વિડિયો મૂકીને શરૃઆત કરેલી. હવે તો યુટ્યુબ પર તેમની વેબ-સિરિયલ ચાલે છે અને આજે તો આ ૫ દોસ્તો એ ભેગા મળી પોતાનું યૂથ નેટવર્ક પણ ચાલુ કરી દીધું છે.

ઘણા નેટવર્ક માર્કેટરો ફેસબુકનો ઉપયોગ કરી વસ્તુઓ વેચે છે. બિઝનેસ ગ્રુપોને પોતાની માઉથ ટુ માઉથ પબ્લિસિટિ કરવા આવા જેન્યુન ‘વર્ચ્યુયલ’ જાહેરાત કર્તાઓની જરૃર રહે છે. જેઓ તેમની પ્રોડક્ટની સાચી અર્થસભર કમેંટ કરી, કે રિવ્યુઝ કે પોતાના અનુભવો શેર કરી પૈસા રળી લે છે. પણ આને માટે માર્કેટને સમજવાની અને સામેવાળાને સમજાવી શકવાની ત્રેવડ હોવી જોઈએ. મોદી’ફાઇડ’ માર્કેટિંગનું લેટેસ્ટ ઉદાહરણ આપણે જોઈ જ ચુક્યા છીએ.

આ ઉપરાંત ઓનલાઈન કામ કરવા માટે ડબલ્યુડબલ્યુ.ગુરુ.કોમ અને ડબલ્યુડબલ્યુ.ઇલાન્સ.કોમ નોકરિયાતો માટે પાર્ટટાઈમ કામ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે પણ અત્યારે આપણે માત્ર સોસિયલ સાઈટ્સની વાત કરી રહ્યા છે. બાકી નેટ તો ખજાનો છે એમાંથી તો નીકળે એટલું ઓછું. તો ચાલોં ‘ધમભા’ના બ્લોગમાં ‘ધમભા’એ નવા ફેસબુક વર્કરો માટે આપેલ થોડી ટિપ્સ સાથે સમાપ્ત કરીએ.

ફેસબુક પર મફત પેજ બનાવવા મળે એટલે કોઈ પ્લાનિંગ વગર કોઈ રોડમેપ વગર કે કોઈ ટાર્ગેટ ઓડિયન્સ વગર પેજ બનાવીને મૂકી દેવાનો કોઈ અર્થ નથી કોઈપણ પેજને સફળ બનાવવા નીચેના મુદ્દા યાદ રાખો.

પેજનું કન્ટેન્ટ સારું અને સભ્ય હોવું જોઇએ.

પેજના ફોલોઅર્સને જ્યારે જરૃર પડે ત્યારે જવાબ આપવા જોઈએ.

પણ યાદ રાખો કે પેજ બનાવી દેવાથી પૈસા મળતા નથી એ તો પ્રથમ પગથિયું છે પેજ સફળ થયા બાદ બ્લોગ (જેમાં એડ્સ દ્વારા થોડી કમાણી કરી શકાય છે) અને બ્લોગ સફળ થયા બાદ વેબસાઈટ દ્વારા સારી એવી આવક મળે છે.

આ ઉપરાંત જો ઇંગ્લિશ સારું હોય તો ફેસબુક દ્વારા કોઈપણ કંપની જોઈન કરી કસ્ટમર સપોર્ટર, નેટવર્ક માર્કેટર, એડસેન્સ ધરાવતા સોશિયલ નેટવર્કર બની શકાય છે. આના માટેના મોટા શહેરોમાં એજન્ટ હોય છે તેમજ ઓનલાઈન પણ આવા એજન્ટ મળી રહે છે.

બીજું બધુ તો ઠીક, હવે કહો કે આ લેખને કેટલી લાઈક મળશે? 🙂

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments