Friday, April 19, 2024
Homeમનોમથંનકાળા નાણાં અને ભ્રષ્ટાચારનો અંત : પરંતુ કેવી રીતે?

કાળા નાણાં અને ભ્રષ્ટાચારનો અંત : પરંતુ કેવી રીતે?

દરેક દેશનો આર્થિક વિકાસ તેની સત્તા ભોગવતા રાજનેતાઓ અને નાગરિકો પર નિર્ભર છે. સરકાર આર્થિક વિકાસ સાધવા પુર્ણ ઈમાનદારીથી આર્થિક નીતિઓ ઘડે, ન્યાય આધારિત કાયદાઓ બનાવે અને નિષ્ઠાવાન અધિકારીઓ પર આધારિત વ્યવસ્થાતંત્ર ઊભું કરે. પરંતુ બીજી તરફ દેશના નાગરિકો કાયદાઓની છટકબારીઓનો ઉપયોગ કરી ચુકવણી ન કરે, કર આયોજનથી આગળ વધી કર ચોરી કરવા માંડે, વ્યવસ્થા તંત્રમાં કાર્યરત્ સરકારી કર્મચારીઓને લાંચ-રૃશ્વત આપવાની તૈયારી બતાવે તો ભ્રષ્ટાચારનો વ્યાપ વધે અને આર્થિક વિકાસ સાધવામાં અવરોધ ઊભો થાય. બીજી પરિસ્થિતિ આ છે કે દેશના નાગરિકો ઈમાનદારીથી કર ચુકવણી કરવા તૈયાર હોય પરંતુ બીજી તરફ સરકાર અતિશય વધારે કર ઉઘરાવવાની નીતિ અપનાવે, વ્યવસ્થા તંત્રના અધિકારીઓ કાયદાની અસમતોલ જોગવાઈઓના સહારે લાંચ-રુશ્વત લેવા અધીરા બને ત્યારે નાગરિકો ન છૂટકે ભ્રષ્ટાચારનો રસ્તો અપનાવવા મજબૂર બને છે. પહેલી પરિસ્થિતિમાં સરકારની નૈતિકતાના કારણે અમુક અંશે ગરીબો અને જરૂરતમંદો સુધી તેમના હક્કો પહોંચતા રહેશે અને બીજી પરિસ્થિતિમાં નાગરિકોની નૈતિકતા અને ઈમાનદારીના કારણે અમુક અંશે ગરીબોની મદદ થતી રહેશે. ત્રીજી અને અત્યંત ભૂંડી પરિસ્થિતિ આ છે કે સરકાર અને નાગરિકો તમામ નૈતિકતા, મૂલ્યો અને ઈમાનદારીને નેવે મુકી ફકત પોતાની તિજોરી ભરવા માંડે ત્યારે દેશનો વિકાસ તો ચોક્કસ નોંધાશે પરંતુ દેશના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને જીવન ટકાવવા માટે પણ મુશ્કેલી પડશે. એક સમજૂ અને ગંભીર વ્યક્તિ સારી રીતે જાણી શકે છે કે આ ત્રીજી પરિસ્થિતિ એટલી ઘાતક અને નુકસાનકારક છે કે ગરીબો અને મધ્યમ વર્ગીય લોકોમાં દ્વેષ, નફરત અને અવિશ્વાસને જન્મ આપે છે. જે આગળ જતા લૂંટફાટ, ચોરી, હત્યા અને હુલ્લડોમાં પરિણમે છે.

કોઈ નથી ઇચ્છતુ કે દેશમાં કાળુ નાણું કે ભ્રષ્ટાચાર હોય પરંતુ કાળા નાણાં અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે શું કરવું જોઈએ, કેવી નીતિ અપનાવવી જોઈએ તેના વિષે દરેક પોતપોતાના વિચારો રજૂ કરતા હોય છે. ચા ની કિટલી અને પાનના ગલ્લેથી લઈ મોટા કોર્પોરેટ્સ અને મોટા રાજકીય માથાઓ સુધી લોકોના વિચારો અને મંતવ્યો જુદા જુદા હોય છે. તમામ વિચારો અને દલીલોમાં સૌથી મહત્ત્વની દલીલ સત્તા પક્ષની હોય છે કારણ કે તેની પાસે તેને અમલમાં મુકવાની સત્તા હોય છે. આ જ સત્તાનો ઉપયોગ કેન્દ્ર સરકારે બજારને કાળા નાણાં મુક્ત અને દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવા કર્યો છે.

વિમુદ્રીકરણ દ્વારા કાળા નાણાંનો ખરેખર અંત આવી શકે છે અને આર્થિક વ્યવહારો બેંકિંગ ચેનલોથી થાય તો ભ્રષ્ટાચારનો અંત જરૃર આવી શકે છે પરંતુ તેની કેટલીક શરતો છે.

* સરકારનો ઇરાદો, તટસ્થતા અને પ્રતિબદ્ધતા

તમામ રાજકીય પક્ષો ભ્રષ્ટ છે અને ભ્રષ્ટાચાર કરવા મજબૂર છે. કારણકે દરેકને ચૂંટણી લડવા ભંડોળની જરૃર પડે છે. આ ભંડોળની જરૂરીયાત નાના મ્યુનિ. કોર્પો.થી લઈને મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુધી તમામને હોય છે. જે ઉદ્યોગપતીઓ દ્વારા જ સંતોષાય છે. તેથી સત્તા પક્ષ ઉદ્યોગપતીઓના ઉપકારને કારણે સતત હીન ભાવનાથી (Infriority complex) પીડાતી હોય છે. જેનો બદલો વાળવા આર્થીક નીતિઓમાં ક્યાંકને ક્યાંક ઉદ્યોગપતીઓને ફાયદો પહોંચાડવાનો આશય જોવા મળે છે. (યાદ કરો ૨૦૧૫નું બજેટ) તેથી ઈરાદો હોવા છતાં સરકાર કાળા નાણાંનો અંત લાવી શકતી નથી અને કદાચ બીજી વાર ચૂંટણી ભંડોળ નહીં લેવાની પ્રતિજ્ઞાા સાથે કોઈ સરકાર કાળા નાણાં અને ભ્રષ્ટાચારનો ખાત્મો બોલાવવા કઠોર પગલાં લે તો પણ ઉદ્યોગપતિના મજબૂત નેટવર્ક અને લોબીંગને કારણે આ કામ અઘરૃ બની જાય છે. આમ સરવાળે સરકારની જાહેરાત “હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા” વાળી કહેવતને સાર્થક કરે છે.

* ટુંકા અને લાંબાગાળાનું આયોજન

વિમુદ્રીકરણથી ટુંકાગાળે કઈ કઈ મુશ્કેલીઓ પેદા થશે તેનું આયોજન ખુબજ બારીકાઈથી અતિસુક્ષ્મ બાબતોને ધ્યાને લઈને થવું જોઈએ. દેશના ગરીબ અને મધ્યમવર્ગીય લોકો કે જેઓ પરંપરાગત રીતે લગ્ન, શિક્ષણ, ઘર, દુકાન વગેરે જેવી પાયાની જરૂરીયાતો પુરી કરવા પૈસા જમા કરે છે તેમને હેરાનગતી ન થાય તેની ખાસ તકેદારી લેવી જોઈએ. પરંતુ એવું થયું નહીં. વિમુદ્રીકરણ કરવાની જાહેરાત થઈ તે પછી બેંકોમાં સૌથી મોટી ભીડ અને લાંબી લાઈન ગરીબોની જ છે. હવે તેમની પાસે કેટલું કાળું નાણું હશે? તેમની પાસેથી કર લેવાની ઇચ્છા જ મુર્ખામી સમાન છે. જેમની પાસે ખરેખર કાળું નાણું છે તેઓએ પોતાની વગ વાપરીને બેંકોમાં વગર લાઈને પૈસા જમા કરાવી દીધા.

બિહાર ને ઉત્તરપ્રદેશ જેવા ગરીબ રાજ્યો કે જ્યાં બેંકોની સુવિધા જ નહિવત પ્રમાણમાં છે ત્યાં લોકોની લાઈનો નાના શહેરથી શરૃ થઈને મોટા ગામડા સુધી પહોંચે છે. રોજ મહેનત મજૂરી કરીને ૪૦૦-૫૦૦ કમાતા લોકો બે-ત્રણ દિવસ લાઈનોમાં બગાડી રહ્યા છે. એવું લાગે છે કે જાણે તેમની સાથે ક્રૂર મજાક કરવામાં આવી હોય. “વિમુદ્રીકરણના કારણે ગરીબ શાંતિથી ઊંઘી રહ્યા છે અને અમીરો ઊંઘની ગોળી લઈ રહ્યા છે” તેવી વડાપ્રધાનની ટીપ્પણી તેમની દેશની પરિસ્થિતિથી અવગત રહેવાના જ્ઞાાન પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. બેંકોનું શહેર અને ગામડે હોવું, બેંકોમાં કર્મચારીઓની સંખ્યા, તેમની નૈતિકતા, જાહેર જીવન પર નિર્ણયની અસર, કાળા નાણાં ધરાવતા લોકો દ્વારા લેવામાં આવતાં પગલાઓ વગેરે બાબતો પર પુરતો વિચાર અને સઘન ચર્ચા કર્યા વગર વિમુદ્રીકરણનો નિર્ણય ઉતાવળે લેવામાં આવ્યો છે. અને એવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે કે આ નિર્ણય દ્વારા સરકાર ગરીબોને વ્હારે છે અને તેમને જ સૌથી વધુ ફાયદો થવાનો છે. કેવો દંભ કહેવાય???

ટુંકા ગાળાનું આયોજન તદ્દન ખામીયુક્ત છે તો લાંબાગાળાનો આયોજન કેવું હશે તે તો લાંબા ગાળે જ ખબર પડશે.

* લોકોમાં સ્વીકૃતિ અને અમલનો ઇરાદો

દેશની બહુમતી પ્રજા ધાર્મિક સ્થળે ૧૦ રૃપિયાનું દાન કરીને ઇશ્વરથી પોતાનું કામ કઢાવી આપવાનું કહે છે! આપણે વિચારી શકીએ કે દેશની પ્રજાની માનસિકતામાં જ ભ્રષ્ટાચાર છે. તો પછી ભ્રષ્ટાચાર તેમનાથી કઈ રીતે છુટવાનો? ૫૦૦-૧૦૦૦ની નોટ બદલાવવાથી માનસિકતા બદલી શકાય નહીં માનસિકતા બદલવા માટે લોકોને એક વિચાર આપવો પડે કે ભ્રષ્ટાચારથી તેમને વ્યક્તિગત રીતે કેવા ફાયદા અને નુકસાન થઈ શકે છે. પરંતુ નિર્ણય લેનારા લોકો પાસે એવો કોઈ વિચાર નથી જે ભ્રષ્ટ અને કાળા બજારીયાઓને હચમચાવી મુકે. એવો વિચાર ફકત ઇસ્લામ પાસે છે જે તેમને ભલાઈને સ્વીકારવા અને સારૃં અમલ કરવા મજબૂર કરે છે. તેમજ બુરાઈ અને ખોટા કાર્યો સામે સખત ચેતવણી આપે છે અને મૃત્યુ પછીના જીવનમાં મોટી યાતનાઓના ખ્યાલથી ડરાવે છે.

જે  રીતે નોટ બદલાવવા માટે લોકો દોડાદોડી કરી રહ્યા છે અને કાળા નાણાંને ધોળા કરવા સલાહ-સુચનો માંગી રહ્યા છે તેને જોતા એવું લાગે છે કે સરકારના નિર્ણયથી લોકોમાં થોડો સમય ભય જરૃર રહેશે પરંતુ ઇચ્છિત પરિણામો હાંસલ કરી શકાશે નહીં.

* સખત કાયદાઓ અને તેનો અમલીકરણ

સરકાર પાસે ઇન્કમટેક્ષ એક્ટ, સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ, સર્વિસ ટેક્સ, મની લોનડ્રીંગ એક્ટ જેવા કાયદાઓ છે. જેમાં કેટલાક સુધારાઓની તાતી જરૃર છે. બીજી આ કાયદાઓને ઈમાનદારીથી અમલીરૃપ આપવા માટે જે વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવે છે તે ખૂબ જ ભ્રષ્ટ છે. કોઈપણ વ્યક્તિને આ વાત ગળે ઉતરે જ નહીં કે તેની આવકનો ૧૦ ટકાથી ૪૦ ટકા હિસ્સો સરકાર રાખી લે. કર માળખામાં કરની ટકાવારીમાં ફેરફાર કરવાથી લોકો ઈમાનદારીથી કર ચુકવતા થશે, નહીંતર “૧૦ ટકાથી ૪૦ ટકા સુધી ટેક્સ ચુકવવા કરતા અધિકારીને જ ‘કેટલીક રકમ’ આપી દેવામાં શું વાંધો છે” વાળી માનસિકતા બદલી શકાશે નહીં. હમણાં સરકાર પાસે એન્ટી કરપશન બ્યુરો અને એન્ફોર્સમેન્ટ ડાયરોક્ટોરેટ વગેરે એજન્સીઓ છે જેનો અસરકારક ઉપયોગ કરવામાં આવે તો ભ્રષ્ટાચારને મહદ્અંશે રોકી શકાય છે. પરંતુ આ એજન્સીઓની કાર્યક્ષમતા  અને કાર્યપદ્ધતી એવી નથી કે જેથી ભ્રષ્ટાચાર પર લગામ કસી શકાય.

* વિમુદ્રીકરણના પરિણામો

હાલની પરિસ્થિતિ જોતાં વિમુદ્રીકરણથી કોઈ લાભ આમ જનતાને કે સ્વંય દેશને થશે તેવી કલ્પના કરવી મુર્ખામી સમાન છે. લોકોમાં ભય જરૃર છે પરંતુ કાળા નાણાંને ધોળા કરવાના માર્ગો લોકોએ શોધી કાઢયા છે કાં તો સરકારે પોતાના વચેટીયાઓથી શોધાવી દીધા છે. તેથી ભયનો માહોલ વધારે સમય જોવા નહી ંમળે. સરકાર દીર્ઘદૃષ્ટિનો ઉપયોગ કરી કાળા નાણાંને રોકી શકતી અને ભ્રષ્ટચારને પણ કચડી શકતી પરંતુ તેના ઇરાદામાં ઉણપ છે, અને અંતરાત્મામાં દેખાડો અને ખોટ છે. માટે ફકત વાત કરવાથી પરિવર્તન લાવી શકાતું નથી. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments