Wednesday, November 13, 2024
Homeઓપન સ્પેસકોઇપણ એક રાજકીય પક્ષ પર મદાર રાખવાના બદલે પોતે જ ગતિશીલ થવું...

કોઇપણ એક રાજકીય પક્ષ પર મદાર રાખવાના બદલે પોતે જ ગતિશીલ થવું પડશે : ડૉ. શકીલએહમદ

તાજેતરમાં યોજાઇ ગયેલ સામાન્ય ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ જે સ્પષ્ટ બહુમત મેળવી નવી સરકાર રચવામાં સફળતા મેળવી છે તે સંદર્ભમાં યુવાસાથીએ જમાઅતે ઇસ્લામી હિન્દ, ગુજરાતના અધ્યક્ષ ડૉ. શકીલ અહેમદ સાથે એક વિશેષ વાર્તાલાપ કર્યો જેના મુખ્ય અંશો આ મુજબ છે.

પ્રશ્ન : ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એન.ડી.એ. દ્વારા ચૂંટણીઓમાં જે ઐતિહાસિક સફળતા મેળવી છે તેની પાછળ કયા કારણો પ્રેરક છે ?
ઉત્તરઃ આ વખતની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા જે રણનીતિ અપનાવવામાં આવી તે ખરેખર અભૂતપૂર્વ હતી. આ સૌ પ્રથમ વખત હતું કે ચૂંટણીઓ પાછળ હજારો કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાયો, એક વ્યક્તિ વિશેષને માણસથી વિશેષ દરજો આપી દેવામાં આવ્યો. કોર્પોરેટ જગતે પણ ભાજપની સરકાર ચૂંટાઇ આવે તેના માટે તમામ બનતું કરી નાખ્યું. ભાજપની આ જીત પાછળ કોંગ્રેસ અને યુ.પી.એ. સરકારની કમજોરીઓ પણ કારણભૂત રહી જેઓએ આમ જનતાને મોંઘવારીના બોજ નીચે કચડી નાખી હતી.
પરંતુ આ સમગ્ર ચર્ચાઓને ઉંડાણ પૂર્વક સમજીએ તો આ ચૂંટણીઓમાં કુલ ૫૫ કરોડ લોકોએ મતદાન કર્યું જેમાં ભાજપને આશરે ૧૭ કરોડ મતો મળ્યા જે લગભગ ૩૧% ની આસપાસ આવે. આમ દેશની ૬૯% જનતાએ તો ભાજપ વિરૂદ્ધ જ મતદાન કર્યું છે. આપણા દેશમાં લોકશાહીની જે વ્યવસ્થા સ્વીકારવામાં આવી છે તેની આ ખૂબ મોટી નબળાઇ છે કે જે પક્ષ સામે ૬૯% મતદાન થયું હોય તેમને સ્પષ્ટ બહુમત મળી જાય અને તેમના કોઇ નિર્ણયોને પડકારવા માટે કોઇ સક્ષમ ન હોય.

પ્રશ્ન: ઉત્તર પ્રદેશમાં માયાવતીએ અને બિહારમાં નીતિશ કુમારે એવું નિવેદન આપ્યું છે આ ચૂંટણીઓમાં વિશેષ કરીને મુઝફ્ફરનગરની હિંસાઓ વચ્ચે મતોનું કોમી ધ્રુવીકરણ થયું છે. શું તમે માનો છો કે ચૂંટણીઓમાં કોમી ધ્રુવીકરણ થયું છે?
ઉત્તરઃ આ ચૂંટણીઓમાં કોમી ધ્રુવીકરણ થયું છે તે વાતને હું નકારતો નથી પરંતુ ચૂંટણી પરીણામોને ઉંડાણપૂર્વક સમજવાની જરૃર છે. બહુજન સમાજ પાર્ટીએ એક પણ બેઠક ન મેળવી હોય પરંતુ તેણે કુલ ૧૯% મતો મેળવ્યા છે. આ બસપા માટે દલિત વર્ગ જે મતદાન કરે છે તેમાં કોઇ પણ ફેર નથી આવ્યો. આમ દલિત વર્ગમાં આવું કોઇ પણ ધ્રુવીકરણ જોવા નથી મળ્યું. મુસલમાન વર્ગ માટે જે મતદાન કરવામાં આવ્યું તેમાં બહુમતિએ તો ભાજપ વિરૂદ્ધ જ મતો આપ્યા છે. પરંતુ તેમણે કોઇ એક વિશેષ પક્ષને મતો નથી આપ્યા પરંતુ તેમને જે ગમે તેવા કોઇ પણ એક ધર્મનિરપેક્ષ પક્ષને મતદાન કર્યું છે. તેમણે પોતાના મતદાન વડે તેવો સંદેશ આપ્યો છે કે તેઓ કોમવાદી અને ફાસિસ્ટ પરિબળોને દેશહિતમાં નથી સમજતા પરંતુ તેઓ કોઇ એક પક્ષની વોટબેંક પણ નથી. તેમના મતોનું ધ્રુવીકરણ થયું હોત તો કોઇ એક પક્ષને તેમના મતો મળત પરંતુ મુસલમાનોમાં આવું કોઇ વિશેષ ધ્રુવીકરણ નથી થયું.

પ્રશ્ન: તમે આ નવી સરકારના આવનાર પાંચ વર્ષોને કઇ રીતે જોઇ રહ્યા છો? શું આર્થિક નીતિમાં, વિદેશ નીતિમાં અને કાનૂન વ્યવસ્થામાં તમે કોઇ વિશેષ ફરક જોઇ રહ્યા છો?
ઉત્તરઃ સરકારની નીતિઓમાં કોઇ વિશેષ ફરક આવે તેવું મને જણાતું નથી. આપણે તો તે જ ઉમ્મીદ રાખીએ કે નવી સરકાર કોઇ વિશેષ સમૂહ કે વિચારધારાની તરફેણ કરનારી ન બને અને સમગ્ર દેશ માટેની સરકાર બને આ સમયે આપણે તેવી આશા રાખીએ કે તેઓ રાજધર્મનું પાલન કરે.

પ્રશ્ન: શું તમે માનો છો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) આ સરકારનો દોરીસંચાર કરવાનો પ્રયત્ન કરશે અને પોતાના હિંદુત્વના એજન્ડા માટે ગતિવિધીઓ તેજ કરશે?
ઉત્તરઃ આર.એસ.એસ.નો ઇતિહાસ જોઇએ તો તે કહેવા માટે તો સાંસ્કૃતિક સંગઠન છે પરંતુ હંમેશથી તેનો એક રાજકીય એજન્ડા રહ્યો છે. આર.એસ.એસ. પર ભૂતકાળમાં જ્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો ત્યારે તે શરતે જ ઉઠાવવામાં આવ્યો હતો કે પોતાને સાંસ્કૃતિક ક્ષેત્રે જ સીમિત રાખે અને રાજકીય ગતિવિધીઓથી પોતાને દૂર રાખે. પરંતુ આર.એસ.એસ. પરોક્ષ રીતે હંમેશથી પોતાના રાજકીય હેતુ સર કરવા માટે વિવિધ પક્ષોનો ઉપયોગ કરતું આવ્યું છે. ભાજપ અને આર.એસ.એસ. સાથે આ ખતરો તો રહેવાનો જ છે કે તેઓ પોતાના એજન્ડા માટે આ સરકારનો ઉપયોગ કરે.

પ્રશ્ન : ભાજપે સરકાર બનાવી લીધી એ બાબત પર કદાચ તમને અસંતોષ હોય પરંતુ શું તમને એ બાબતનો સંતોષ છે કે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઇ ગયો. ?
ઉત્તરઃ ના હું તેવું નથી માનતો. ભારત દેશમાં જે પ્રકારની વિવિધતા છે તેનું પ્રતિનિધિત્વ કોઇ એક પક્ષ કરી શકે તે સ્થિતિમાં નથી. આ ચૂંટણીઓમાં તો ભાજપને જે પ્રકારનો બહુમત મળ્યો છે તેમાં તો તેમની સરકારના સાથી પક્ષો પણ તેમના નિર્ણયોને પડકારવાની સ્થિતિમાં નથી. વિપક્ષની આટલી કમજોર અને પાંખી હાજરી લોકશાહી માટે ક્યારેય ઉપયોગી બને નહીં. આદર્શ સ્થિતિ તો તે હોત કે એક ધર્મનિરપેક્ષ પક્ષ ઘણા બધા પ્રાદેશિક પક્ષોના સહયોગથી સરકાર રચત જેથી કરીને ભારતની વિવિધતા સમાવી શકાઇ હોત.

પ્રશ્ન : શું તમે માનો છો કે આ સરકાર લઘુમતિઓ માટે અને વિશેષ કરીને મુસલમાનો માટે ખતરારૃપ હશે?
ઉત્તરઃ હું નથી માનતો કે લઘુમતિ, પછાત અને આદિવાસી વર્ગો માટે કોઇ વિશેષ શારીરિક ખતરો હોય જેમાં તેમના જાનમાલ સામે વિશેષ ખતરો ઉભો થાય. પરંતુ અંગ્રેજી ભાષામાં એક સંજ્ઞા છે. સ્ટ્રકચરલ વાયોલેન્સ (Structural Violence) જેમાં આવા વર્ગોને સંવિધાન દ્વારા અર્પણ કરાયેલા અધિકારોને તંગ કરી દેવામાં આવે અને લાંબાગાળે તેમની સ્થિતિ વધૂ કમજોર બનાવી દેવામાં આવે. આ પ્રકારના પ્રયત્નો થાય તેની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

પ્રશ્ન : તો આવા સમયે તમે મુસલમાન સમૂદાયને શું સૂચન કરશો ? શું તેઓએ ભાજપ અને સરકાર સાથે નજકીદીઓ કેળવવી જોઇએ અને તેમની સાથે વાટાઘાટોને વધૂ મજબૂત કરવા જોઇએ?
ઉત્તરઃ હું મુસલમાન સમૂદાયને ફકત તેટલું જ સૂચન કરીશ કે સંવિધાન દ્વારા તેમને જે હકો અપાયા છે જેમાં ન્યાયપાલિકા છે, વિવિધ કમીશનો છે, સરકારી યોજનાઓ અને સંસ્થાઓ છે તેમનો ઉપયોગ કરી પોતાના વિકાસ માટે પ્રયત્નશીલ રહે. તેમણે કોઇ પણ એક રાજકીય પક્ષ પર મદાર રાખવાના બદલે પોતે જ ગતિશીલ થવું પડશે.

પ્રશ્ન : આ સમગ્ર વાતાવરણમાં ઇસ્લામી ચળવળોની ભુમિકા અને ભવિષ્ય વિશે તમે શંં માનો છો?
ઉત્તરઃ આ પ્રકારનો બદલાવ ઇસ્લામી ચળવળની ભૂમિકામાં કોઇ ઝાઝો ફેર નથી પાડતો. હાં, કદાચ પ્રાથમિકતાઓમાં થોડો ઘણો અંતર આવે પણ ઇસ્લામી ચળવળોએ તો પોતાની તે શ્રધ્ધા કે નેક લોકોના હાથમાં સત્તા હોય અને અલ્લાહના દીનની સ્થાપના ધરતી પર થાય તેના માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. બિન મુસ્લિમ ભાઇઓમાં ઇસ્લામનું સાચું શિક્ષણ આપવાની તેમની જવાબદારીમાં કોઇ ફેર નથી આવતો. આ ચૂંટણી પરીણામોનું મને એક જમા પાસુ લાગે છે તે આ છે કે મુસલમાન હવે પોતાનો ભરોસો કોઇ એક પક્ષ કે સમૂહમાં નહીં પરંતુ અલ્લાહ માટે ખાલિસ કરી દેશે તેવા અણસારો છે.

Previous article
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments