Thursday, May 30, 2024
Homeઓપન સ્પેસકોણ જાણે કેટલા બાળકોને ઉમરે મારી નાંખ્યા...

કોણ જાણે કેટલા બાળકોને ઉમરે મારી નાંખ્યા…

ઇબ્ને અસદ, અબુઉબૈદા અને ઇબ્ને અસાકર હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદી.થી સાંભળીને વર્ણન કરે છે કે,

વેપારીઓનો એક કાફલો મદીનામાં મસ્જિદે નબવીના પાસે રોકાયો. હઝરત ઉમર રદી.એ પ્રસિદ્ધ સહાબા અને મદીનાના મોટા વેપારી હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ રદી.થી પૂછયું કે, શું તમે આજની રાત મારા સાથે આ કાફલાની હિફાઝત કરશો? અબ્દુર્રહમાન તૈયાર થઈ ગયા. બંને રાત્રે ત્યાં જ કાફલાના નજીક જ નમાઝ પઢવામાં મશ્ગુલ થઈ ગયા. આ દરમ્યાન  હઝરત ઉમર રદી.એ એક બાળકના રોવાનો અવાજ સાંભળ્યો તો તે તરફ ધ્યાન આપીને તે બાળકની મા પાસે જઈને કહ્યું, “અલ્લાહથી ડર અને બાળક સાથે સદ્વર્તન કર” આમ કહીને ઉમર પાછા વળી ગયા. થોડીવાર પછી ફરીથી બાળકનો રોવાનો અવાજ સંભળાયો. હઝરત ઉમર રદી. ફરીવાર તેની મા પાસે ગયા તેને ઠપકો આપ્યો અને પાછા વળી ગયા. રાતના અંતિમ પહોરમાં હઝરત ઉમર રદી.એ ફરીથી બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો તો તેઓ ફરીથી તે સ્ત્રીના ઘરે ગયા થોડી ઉત્તેજના સાથે… કહ્યું, તારૃં ખરાબ થાય, તુ ઘણી ઝાલીમ મા છે… શું વાત છે? કેમ તારૃ બાળક આખી રાત રડયા કરે છે… બેચેન અને વ્યગ્ર છે… કેમ તેને ઘવડાવતી નથી?

બાળકની મા એ જવાબ આપ્યો, “હે અલ્લાહના બંદા! હું મારા આ બાળકનું દૂધ છોડાવવા માંગુ છું, પરંતુ આ માનતું જ નથી… જીદ કરે છે” – હઝરત ઉમર રદી.એ પૂછયું, “દૂધ કેમ છોડાવવા માંગો છે!” સ્ત્રી બોલી, “એટલા માટે કે ખલિફા ઉમર માત્ર એ જ બાળકને વેતન (વઝીફો) આપે છે જે માનું દૂધ ન પીતુ હોય.” હઝરત ઉમર રદી.એ પૂછયું, “બાળકનું દૂધ છોડાવવામાં હજુ કેટલો સમય બાકી છે?” તેણીએ કહ્યું, આટલા મહીના (જેટલા મહીના બાકી હતાં તે કહ્યા) બાકી છે. હઝરત ઉમર રદી.એ તે સ્ત્રીથી સ્નેહપૂર્વક કહ્યું, “બહેન દૂધ છોડાવવામાં ઉતાવળ ન કર.” તે પછી સમય થતાં હઝરત ઉમર રદી.એ સવારની નમાઝ પઢી. નમાઝમાં આપના ઉપર એટલી હદે વિલાપ અને પશ્ચાતાપના આંસુ છવાયેલા હતા કે લોકો આપની તિલાવત પણ બરાબર સાંભળી શકતા ન હતા. જ્યારે નમાઝની પૂર્ણતાએ સલામ ફેરવ્યો તો ફરમાવ્યું, “ઉમર માટે તબાહી અને સર્વનાશ છે! કોણ જાણે કેટલા મુસલમાન બાળકોને ઉમરે મારી નાંખ્યા.” તે પછી તરત જ જાહેર ઘોષણા કરાવી દીધી કે, “લોકો પોતાના બાળકનું દૂધ છોડાવવામાં ઉતાવળ ન કરે – આજથી દરેક બાળકનું જન્મતાના સાથે જ વેતન નક્કી કરી દેવામાં આવે છે.”

અહીં બે ચરિત્ર રજૂ કરવામાં આવ્યા છે. એક સ્ત્રીનું ચરિત્ર જે પોતાના બાળકનું સમય પહેલાં દૂધ છોડાવવા માંગતી હતી. એટલા માટે કે બૈતુલમાલ (રાજ્યકોષ)થી વેતન એ જ બાળકને મળે છે. જે બાળકે પોતાની માનું દૂધ પીવાનું બંધ કરી દીધું હોય. બીજું ચરિત્ર દ્વિતિય ખલિફા હઝરત ઉમર રદી.નું છે કે તેમણે એક બાળકના રડવાને પણ એટલું મહત્ત્વ આપ્યું કે વારંવાર જઈને તેના રડવાનું કારણ જાણવા પ્રયત્નો કર્યા. અને જ્યારે કારણ જાણવા મળ્યુ તો હૃદય દ્રવી ઉઠયું કે બાળકોના વેતન સંબંધે તેમના જ કાયદાના કારણે આ બાળક અને તેના જેવા અન્ય બાળકો પોતાની માના દૂધથી મહેરૃમ  થઈ જાય છે – ભૂખ્યા રહી જાય છે. જ્યારે પોતાની આ ભૂલ સમજાઈ તો ખૂબ જ લજ્જિત થયા – પસ્તાવો થયો – વેદના થઈ અને પશ્ચાતાપના અંતિમ ચરણમાં રડી પડયા અને તરત જ હુકમ કરીને તે જ દિવસથી પ્રત્યેક નવા જન્મનાર બાળકનું વેતન નક્કી કરી દીધું.

આ પ્રસંગ એક સત્યનિષ્ઠ ખલિફાના ચારિત્ર્યને સ્પષ્ટ કરે છે, જે પોતાની પ્રજાની ખબર રાખવા અને તેમની પરેશાનીઓને દૂર કરવા કેટલા ચિંતિત  અને સંવેદનશીલ છે. રાત્રે ઉજાગરા કરે છે – પહેરો ભરે છે – શહેરમાં ફરે છે. લોકોની જરૂરતોને ધ્યાન રાખે છે. ત્યાં સુધી કે કહે છે કે, “દજલા નદીના કિનારે કોઈ બકરી તરસી મરી જાય તો પણ ઉમરથી તેનો જવાબ માંગવામા ંઆવશે.” (દજલા નદી મદીનાથઈ સેંકડો માઈલ દૂર છે.)

આ પ્રસંગ એક સ્ત્રીના ચરિત્રનું સકારાત્મક પાસુ પણ રજૂ કરે છે કે તે બાળકોના અધિકાર સંબંધે સર્વ સત્તાધીશની નીતિ બાબતે નિર્ભય થઈને સ્વતંત્રાપૂર્વક ટીકા કરી શકે છે. પોતાનો અવાજ રજૂ કરી શકે છે અને તેની નિર્ભય ટીકા જ કાયદામાં પરિવર્તનનો સબબ બને છે.

આ જ આત્મા હતી જે ઇસ્લામે તે બહેનોને અર્પણ કરી હતી જે ઉમ્મતની સમસ્યાઓમાં રસ લેતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments