Wednesday, April 17, 2024
Homeઓપન સ્પેસગુજરાતમાં દલિતોનો પુણ્યપ્રકોપ

ગુજરાતમાં દલિતોનો પુણ્યપ્રકોપ

આર.એસ.એસ.ના નેતૃત્વ, માર્ગદર્શન અને એજન્ડા ઉપર કામ કરતી ભાજપ સરકારે જ્યારથી કેન્દ્રમાં સત્તાના સુત્રો સંભાળ્યા છે ત્યારથી નફરત, ઘૃણા અને ધાર્મિક તેમજ સામાજીક ભેદભાવની રાજનીતિ ઉપરાંત શામ, દામ, દંડના હથિયારોથી લેસ થઈને ભારતના દરેક રાજ્યો ઉપર યેન-કેન પ્રકારેણ સત્તા પ્રાપ્ત કરવાના અંતિમ કક્ષાના પ્રયાસો શરૃ કરી દીધા છે. રાજનીતિક ધ્રુવીકરણ કરવાને માટે સતત આતંકવાદ, લવ-જિહાદ, ઘરવાપસી, સમાન સીવિલ કોડ, બાબરી મસ્જિદ જેવા ભ્રામક, મનઘડંત, અસત્ય ઉપર આધારિત અનેક મુદ્દાઓને સમયાંતરે ઉછાડતા રહ્યા છે. આવા મુદ્દાઓની એક્સપાયરી ડેટ કે આયુષ્ય માત્ર થોડાક દિવસો કે મહિનાઓનું રહ્યું છે. તેને દેશ કે પ્રજા હિત સાથે કોઈ લેવા દેવા નથી. આ બધા મુદ્દાઓ અસરકારક ન રહેતા અંતે ભારતમાં વસતા કરોડો હિન્દુભાઈઓની લાગણી અને ભાવના જેની સાથે જોડાયેલી છે કે જેને હિન્દુભાઈઓ પુજ્ય માને છે તે ગૌ માતાનો આશરો લીધો છે. એક તરફ ગાય બહુમતી હિન્દુભાઈઓ માટે પુજ્ય છે જ્યારે બીજી તરફ મુસલમાનો, ઈસાઈઓ, યહુદીઓ, દલિતો જેવા લઘુમતિઓ માટે વ્યવસાય, રોજગાર, ભોજન જેવી મૂળભૂત જરૂરીયાત સાથે સંબંધ ધરાવતી બાબત છે. જેથી કરીને રાજકીય ધ્રુવીકરણ માટે પત્તાની રમત રૃપી ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં હુકમના એક્કા તરીકે ગાયનો મુદ્દો ઉછાળવામાં આવ્યો છે. દાદરી કાંડ તેમજ હરિયાણામાં મુસલમાનોને નિશાન બનાવવામાં આવ્યા. ગાયના નામે ખૂબજ અત્યાચાર આચરવામાં આવ્યો. મુસલમાનો વિરુદ્ધ પ્રથમ ચરણમાં ગાયનો મુદ્દો કોઈપણ જાતના રાજકીય, સામાજીક, કાયદાકીય કે ધાર્મિક અવરોધ કે અંતરાય વગર વિના વિઘ્ને સફળ થતા દલિતો વિરુદ્ધ તેના બીજા ચરણનો ગુજરાતના ઊનામાં પ્રારંભ થયો છે. ઊનાની ઘટના બીજા ચરણની શરૃઆત માત્ર છે. ઘટનાના લાભા-લાભ, લેખા-જોખા અને રાજકીય ગણતરીઓ માંડયા પછી આગળનો માર્ગ સાફ કરવામાં આવશે.
ઊનાના સમઢિયાળા ગામમાં ૧૧ જુલાઈના રોજ ગામની સીમમાં મૃત ગાયનું ચામડું ઉતારવાનું વ્યવસાયી કાર્ય દલિત યુવાનો કરી રહ્યા હતા. ત્યારે ગાયની કતલની અફવા ફેલાવવામાં આવી અને તેને આધાર બનાવીને દલિત યુવાનોને પશુ અને ગુલામથી પણ બદતર સ્થિતિમાં કપડા ઉતારીને હાથ બાંધીને વારાફરતી લાકડી અને પાઇપો દ્વારા ક્રુરતાપુર્વક ઢોર માર મારવામાં આવ્યો. આ ઘટના દલિત નહીં માનવ સમાજને માટે કલંક રૃપ કહેવાય. આમ તો આવી ઘટનાઓ ગુજરાત કે ભારત માટે નવી નથી. સમયાંતરે આવી ઘટનાઓ ઘટતી જ રહે છે. પરંતુ હદ તો એ છે કે આ ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો અને તેને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો. સામાન્ય રીતે આરોપી ક્યારેય પોતાની અપરાધયુક્ત ઘટનાનો વીડિયો ઉતારીને પોતાની જ વિરુદ્ધ પુરાવાઓ પુરા ન પાડે. લાગે છે અપરાધીઓને વધુ પડતો આત્મવિશ્વાસ હતો કે અમે સર્વોપરી છીએ, અમને કોઈ રોકી નહીં શકે, અમારૃં કોઈ કાંઇ જ બગાડી નહીં શકે અને ખરેખર તેઓ તેમના આત્મવિશ્વાસમાં ખરા નીકળ્યા. જાહેરમાં દલિત યુવાનોને ક્રુરતાપુર્વક વારાફરતી માર મારવા છતાં પણ મુક તમાશો જોતી ભીડમાંથી એક વ્યક્તિ પણ તેમને રોકવા કે પ્રતિકાર કરવા સામે ન આવી. સામાન્ય પ્રજાની શું વાત કરીએ? ન્યાય વ્યવસ્થાની ફરજ નિભાવતા પોલીસ અધિકારીઓ પણ તેમને રોકી ન શક્યા. ‘ઉલટાં ચોર કોતવાલ કો ડાંટે’ની ઉક્તિને યથાર્થ ઠેરવતા પોલીસ, પોલીસ સ્ટેશનમાં દલિત યુવાનોની પ્રથમ તો અટકાયત કરે છે અને અપરાધીઓને આદર અને સન્માનપુર્વક જવા દે છે. આ ઘટનામાં એક તરફ તો અપરાધીઓનો પ્રભાવ જોવા મળ્યો, જ્યારે બીજી તરફ પીડિત દલિત યુવાનો તરફથી કોઈ પ્રતિરોધ કે વિરોધ જોવા ન મળ્યો. પશુ સાથે જો આવો વ્યવહાર કરો તો પશુ પણ પ્રાકૃતિક રીતે તેનો વિરોધ કરે જ છે. જરૃર પડે સામે પણ થાય છે. વર્ષોના દુર્વ્યવહાર અને હીન ભાવનાની જાણે આદત પડી ગઈ હોય તેમ લાચાર અને નિરુપાય જોવા મળે છે. દલિતની ચામડીની નીચે પણ દલિત જ છે.
ઊના ઘટનાથી વર્ષોથી પીડિત, વંચિત, દબાયેલા, કચડાયેલા દલિત વર્ગને દબાવી રાખતી સ્પ્રીંગ છકટે છે, દલિતોનો પુણ્ય પ્રકોપ ભભૂકી ઉઠે છે, ભયાનક દમન પછી દલિતોમાં પ્રતિરોધ, ક્રાંતિ અને ગુસ્સો જોવા મળે છે. સ્વંયભૂ જુવાળ ઊભો થાય છે. જાણે કહી રહ્યો હોય દલિતો સાથે પશુઓ જેવો વ્યવહાર હવે નહીં ચાલે. બસ, ઘણું થયું હવે. ગામડાનો સામાજીક દલિત સહાનુભુતીને પાત્ર છે. દલિત સમાજના હોવાના કારણે માર ખાય છે. આ વ્યવસ્થાની સામે ક્રાંતિ છે, સંઘર્ષ છે. અત્યાચાર અને અન્યાયનો વિરોધ પ્રદર્શિત કરવાને માટે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈ રેલી અને સભાનું આયોજન કરે છે. સરકાર અને પોલીસ તંત્ર તેની પણ પરવાનગી નથી આપતું. દલિત સમાજની જ્યાં વસ્તી વધારે એવા વિસ્તારોમાં સજ્જડ બંધ જોવા મળે છે. અન્ય વિસ્તારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળે છે. આ કોઈ આર્થિક, રોજગાર કે આરક્ષણની બાબત નથી. આત્મસન્માનની લડાઈ છે. માનવ સમાજને માટે કંલકરૃપ ઘટના ઘટી હોવા છતાં અન્ય ઉચ્ચ વર્ણ કે ધર્મ સંપ્રદાયનો સમાજ તેમને બંધ પાળવામાં સાથ ન આપીને જાણે આ વ્યવસ્થાને પોતાની મુક સંમત્તિ આપે છે. દલિત સિવાયના કોઈ અન્ય રાજકીય, ધાર્મિક કે સામાજિક આગેવાનનું એક પણ નિવેદન જોવા કે સાંભળવા નથી મળતું. આશ્ચર્ય તો એ વાતનું છે કે સરકાર અને ભાજપના દલિત આગેવાનો પણ એક શબ્દ નથી ઉચ્ચારતા. દલિત સમાજનો સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ વેપાર ધંધા માટે કોઈ મોટો વિસ્તાર કે બજાર નથી. કોઈ મોટો વ્યવસાય નથી. એટલે અન્ય લોકોના સાથ સહકાર વગર સંપૂર્ણ બંધ પાળવો મુશ્કેલ જ નહીં અશક્ય છે.
દાદરી ઘટના ઉપર મૌન જાળવનાર મુસ્લિમ સમાજને ઊના ઘટના બળ પુરૃં પાડે છે. પાડોશી સમાજ પોતાનો પાડોશી ધર્મ અને કર્મ બજાવે છે. પુર્વ આયોજન ન હોવા છતાં પણ મુસ્લિમોના અનેક મોટા વિસ્તારો અને બજાર બંધ પાળીને દલિત સમાજને સંપૂર્ણ સાથ અને સહકાર આપે છે. માનવતા મહેંકી ઉઠે છે. મુસ્લિમ સમાજને માટે આ સામાજીક જવાબદારીની સાથે સાથે ધાર્મિક જવાબદારી પણ છે. “અલ્લાહના અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ કહ્યું પીડિતની પણ મદદ કરો અને અત્યાચારીની પણ મદદ કરો. તેમના સાથીઓએ પુછયું, પીડિતની મદદ તો સમજમાં આવે છે પરંતુ અત્યાચારીની મદદ કેમ કરવી? કહ્યું, અત્યાચારીનો હાથ રોકીને તેને અત્યાચાર કરતા અટકાવીને મદદ કરો.”
ઊના ઘટનાના સંદર્ભમાં સુરેન્દ્રનગરના દલિત ભાઈઓનો વિરોધ ઉડીને આંખે વળગ્યો. ખૂબજ બોધ દાયક હતો. જેવા સાથે તેવાનો જવાબ હતો. ત્રણ ટ્રેકટર ભરીને મૃત ગાયો કલેકટર ઓફિસે નાંખી ગયા. કહ્યું કે, હવે તમે કરો તમારી ગાય માતાની અંતિમ ક્રિયા. ગાય જીવે છે આર્થિક ઉપાર્જન કરે છે ત્યાં સુધી જ તે ગાય માતા છે. તેનું મૃત્યુ થતા જ તે શુદ્રની જેમ અસ્પૃશ્ય થઈ જાય છે. તેની પુજા કરનારા લોકો મૃત ગાયનો સ્પર્શ સુદ્ધાં પણ નથી કરતા. અંતિમ સંસ્કાર તો બહુ દૂરની વાત છે. પોતાના સ્વાસ્થ્યના ભોગે પણ દલિત ભાઈઓ મરેલા જાનવરોની અંતિમ ક્રિયા કરે છે. કહેવાતા સભ્ય સમાજને રોગ મુક્ત રાખવા માટે પોતે રોગી બની જાય છે. કાગડા અને કુતરાઓ જેવા સફાઈ કરનારા પશુ પક્ષીઓની હરોળમાં આવી જાય છે. આ કાર્ય દ્વારા ભોજન અને રોજી રોજગાર મેળવીને જેમતેમ જીવનનું ગાડુ ગબડાવે છે. શાસ્ત્રોક્ત પ્રમાણિત અને વર્ણ આધારિત વ્યવસાય અને કર્મ કરવા છતાં પણ ભુખ્યા પેટને ઢોર માર ખાવો પડયો. જો દલિત ભાઈઓ તેમનું આ કાર્ય કે જેના કારણે તેમને અત્યાચાર સહન કરવાનું આવ્યું છે છોડી દે તો શું થાય તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. વળતર અને પુરસ્કાર આપવાને બદલે તેમની ઉપર અતિશય દમન ગુજારવામાં આવે છે.
ગુજરાતના અનેક શહેરો, ગામડાઓ અને વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. અનેક રાષ્ટ્રીય નેતાઓ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, માયાવતી, શરદ યાદવ જેવા ઊનાના પીડિત પરિવારની મુલાકાત લઈ રહ્યા છે. લોકસભામાં બહેનજીએ ઊનાનો મુદ્દા ઉઠાવીને તેને રાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં સિંહ ફાળો આપ્યો છે. આ વિરોધ પ્રદર્શનો માત્ર ઉત્તર પ્રદેશની ચૂંટણી કે ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી કે આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પુરતા મર્યાદિત ન રહેવા જોઈએ. પરંતુ જ્યાં સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવી જાય ત્યાં સુધી સતત આ લડાઈ ચાલુ રાખવી પડશે લોકતંત્ર અને કાયદાની મર્યાદામાં રહીને. અન્યાય અને અત્યાચારની સામે ચુપ બેસી રહેવુ પણ અન્યાય અને અત્યાચારને વધારવાનું મુખ્ય કારણ છે. ઊના ઘટનાના વિરોધ પ્રદર્શનમાં અનેક દલિત યુવાનોએ ઝેર અને એસિડ પીને આત્મહત્યા કરવાના પ્રયાસો કર્યા છે જે નિરાશાનું પ્રતીક છે. તેમણે જાણે એમ માની લીધું છે કે અમને ન્યાય નહીં મળે. ન્યાય મેળવવાનો આ માર્ગ ખોટો છે. આનાથી દલિત સમાજે રોકાઈ જવું જોઈએ. આત્મસન્માનની સાથે પોતાના અધિકારો પ્રાપ્ત કરવા અંતિમ કક્ષાની લડાઈ લડવા પોતાની જાત પોતાના સમાજ અને સહયોગી સમાજને તૈયાર કરવા જોઈએ, આત્મહત્યાએ ઉકેલ નથી.
સૌ પ્રથમ તો રાજ્ય અને કેન્દ્ર સરકાર જો આ બાબતે ગંભીર હોય તો તેણે ગૌરક્ષા દળ અને સમીતિ ઉપર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. આમ પણ ન્યાય અને વ્યવસ્થાની ફરજ માટે પોલીસ તંત્ર છે જ. ઊના ઘટનામાં સંકળાયેલા આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત નિષ્ક્રિય પોલીસ અધિકારીઓ સામે પણ આરોપીઓ જેવો વ્યવહાર કરવામાં આવે. માત્ર સસ્પેન્ડ કરવાથી નહીં ચાલે. કાયદાકીય પગલા ભરવાની જરૃર છે. પીડિતોને ન્યાય ઉપરાંત યોગ્ય વળતર ચુકવવું જોઈએ. તેમજ તેમની આ વ્યવસાયિક જવાબદારી અદા કરવા માટે કાયદાકીય વ્યવસ્થાને મજબૂત કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments