Friday, December 13, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપગુજરાત ઇલેકશન ૨૦૧૭ – ભાગ ૨

ગુજરાત ઇલેકશન ૨૦૧૭ – ભાગ ૨

‘વિકાસ ગાંડો થયો છે’ સોશ્યલ મીડિયા ઉપર હાલ તો વિકાસે ધૂમ મચાવી છે. જે બીજેપી બીજાને આ માધ્યમથી પજવતું હતું તેને સમજાતું નથી કે આનો શું જવાબ હોઈ શકે. એક તરફ રૃપાણીના આક્ષેપાત્મક ખુલાસા આ વ્યંગને વધુ ધાર આપી રહ્યા છે તો બીજી તરફ હાઈકમાન્ડ અને આઈ.ટી. સેલ પણ ગુંચવાઈ ગયું છે.

નર્મદા રથ થકી પ્રચારને ગામડા સુધી લઈ જવામાં બીજેપીને ખૂબ જ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે અને ખાસ તો પાટીદાર અને કિસાન વર્ગ તરફથી સીધો વિરોધ પણ જોવા મળી રહ્યો છે.

ભાજપનો છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામોનો જયજયકાર કરવાને બદલે નર્મદાને મુદ્દે અસ્મિતાની લાગણી બહેકાવવાનો આ વિચાર ચીમન પટેલની કોપી-પેસ્ટ છે. જે અત્રે અપ્રસ્તુત છે. માજી મુખ્યમંત્રી સુરેશ મહેતાએ આપેલ વિગત અનુસાર કેનાલોનું કામ આટલા વર્ષે પણ જો પુરૃં ન થતું હોય તો ૨૦ વર્ષ પહેલાંની કોંગ્રેસને કે કેન્દ્રને દોષ દેવાનો કોઈ જ મતલબ નથી.

કોઈ જ ઉપલબ્ધિને તેઓ પ્રચારમાં પણ લાંબુ ખેંચી શકે તેમ નથી તે ભાજપ સમજે છે અને તેથી આ મુદ્દે શરૃઆત કરી કેડરમાં જોમ પૂરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સરદારની પ્રતિમા પણ પ્રચારમાં નથી દેખાતી કારણ ચીનને પધરાવેલ ફંડનો સવાલ સામે આવે છે. સોશ્યલ મીડિયા પ્રચાર-અપપ્રચારનું મહત્ત્વનું સાધન છે. પણ આ બૂમરેંગ અસરને ખાળવાની મથામણ ભાજપને પહેલીવાર ડીફેન્સીવ રમવા મજબૂર કરી રહી છે તે સ્પષ્ટ દેખાય છે. વીરેન્દ્ર સેહવાગને બેટીંગ પીચ પર ચોક્કા-છક્કાને બદલે ૧-૨ રન લેવા મથામણ કરતો જોઈ ભલે તેના નબળા ફોર્મ કે નસીબને દોષ આપીએ પણ બોલર તો સ્વાભાવિક રીતે પોરસાવાના- હરખાવાના…

રાજ્યસભાની છેલ્લી ચૂંટણીમાં જે ખેલ ભાજપા અધ્યક્ષે પાડી બતાવ્યો તે રાજકારણનું નવું અને બેમિસાલ પ્રકરણ છે. ધારાસભ્યોનો ઉઘાડો વેપલો બિલકુલ નફટાઈથી ૧૦-૧૫ દિવસ ચલાવે રાખવો અને બાપુની કૂકરીને ફેરવી કોંગ્રેસને રક્ષણાત્મક કરી દઇ ધારાસભ્યોને પોતાની સરકારના કવચ હેઠળ છેક કર્ણાટકના રિસોર્ટમાં લઈ જવા મજબૂર કરવા એક તરફ રાજકારણનો માસ્ટર સ્ટ્રોક ગણાવાઈ રહ્યો છો તે બીજી તરફ આ રાજકારણની અદ્યોગતિ સામાન્ય નાગરિકને ચિંતિત કરી રહી છે. લાજવાને બદલે ગાજવાનો આ નવો તાલ અને તેમાં પ્રસાર માધ્યમો – મીડિયાની નવી વરવી લય આ દેશના રાજકારણમાંના નીતિ મૂલ્યોને ક્યાં લઈ જશે તે આમ આદમીને નથી સમજાતું. આયારામ ગયારામ જે ગઈ કાલ સુધી શરમનો પર્યાય ગણાતો તે હવે રાજકારણનું અનિવાર્ય અનિષ્ટ ગણાવાઈ રહ્યું છે. નૈતિકતાનો દંભ પણ હવે બીનજરૂરી છે. કરોડો રૃપિયાની ઉથલપાથલ તરફ બધા ઇશારો કરે છે પણ લાચારી સિવાય કરવાનું કાંઈ જ રહેતું નથી.

કોંગ્રેસીઓ માંડ લાજ બચાવી તે જાણે કોઈ મોટો વિજય હોય તેમ પ્રદર્શિત કરીને એક તરફ પોતાની હિંમત વધારવા મથી રહ્યા છે તો બીજી બાજુ એહમદ પટેલની ચાપલુસીની તક પણ શોધી રહ્યા છે. કારણ ટિકિટ અને હોદ્દાની ફાળવણીમાં તેઓનો શું રૉલ છે તે કોઈનાથી છાનું નથી. અને તાજેતરમાં પાટલી બદલુનો દિલ્હીની પેટાચૂંટણીમાં ભૂંડો પરાજય પણ ધ્યાને લેવો પડશે. આમ આદમી પાર્ટી “આપ”ને આ વિજયે ગુજરાત ચૂંટણી લડવા સારૃ બળ આપ્યું છે તો કોંગ્રેસમાં ખાલી પડેલ સીટ માટે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. એક સીટ પર તો ૨૮ ઉમેદવારોએ પોતાનો દાવો નોંધાવી દીધો છે જે આશ્ચર્યજનક છે. શહેરી સીટો જ્યાં કોંગ્રેસનો દેખાવ પરંપરાગત રીતે નબળો રહ્યો છે ત્યાં “આપ” કોઈ કાઠું કાઢી શકશે, જ્યારે કે તેની પાસે કોઈ તૈયાર કેડર દેખાતી નથી, તે જોવું રહ્યું.

છેલ્લા અઢી દાયકાથી ભાજપા ગુજરાતમાં સત્તા સ્થાને છે. યુવા મતદારો કોંગ્રેસના સત્તાકાળથી અપરિચિત છે. તેથી સ્વાભાવિક રીતે શાસન વિરોધી (Anti Incumbuency) લાગણી બળવત્તર હોય પરંતુ કોંગ્રેસમાં તો જાણે Killing instinct જ નથી જે પ્રજાને અપેક્ષિત છે. તે એક spent force લાગી રહી છે. કોંગ્રેસ યુક્ત ભાજપા પ્રક્રિયા સતત ચાલુ છે. ક્યાંક તાપી જીલ્લામાં તો ક્યાંક ખેડામાં જીતેલી બાજી કોંગ્રેસ લાચારીથી ગુમાવી રહી છે. અને પક્ષ નેતાગીરી આક્રમકતા તો એક બાજુ, સારો બચાવ પણ ગોઠવી નથી શકી. સત્તાની લાલચ અને ડરનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે અને કોંગ્રેસ સિંહના ઝૂંડ સામે શિકાર બનેલ વિવશ અને લાચાર હરણ જેવી હાલતમાં દેખાઈ રહી છે.

પટેલ આંદોલન ભારેલા અગ્નિની જેમ પડેલ છે. શાસકપક્ષને તેનો ડર સતત પજવી રહ્યો છે. પણ સામે તેનું શું સ્વરૃપ પકડાશે તે કળી શકાતું નથી. અલ્પેશઠાકોરે હાકલા પડકારા ઓછા કરી નાંખ્યા છે અને હવે પોતાના barganing powerને ઓપ આપી રહ્યા છે. જનમતના નામે સભાઓ કરી ૨જી ઓકટોબરે પોતાના પત્તા ખોલશે પણ હાલતો તેઓ ભાજપા તરફ સરકી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. દલિતોમાં જીગ્નેશ મેવાણીએ ઉનાકાંડ પછી પોતાનું નામ મીડિયામાં તો ગાજતું કર્યું છે પણ દલિતોના જૂદા જુદા તડાંને એકસૂત્રમાં બાંધવા મોટો પડકાર છે. ભાજપા આદિવાસીઓમાં પણ ફાટફૂટનું શસ્ત્ર અજમાવી તાપીમાં તુષારચૌધરીને પંચાયતના હોદ્દેદારોને ફોડી સીધો પડકાર આપ્યો છે.

ખેડૂતો ખૂબ જ નારાજ છે. ટેકાના ભાવ મળી નથી રહ્યા. કૃષિ નીતિ આ સરકારમાં અત્યંત નબળી રહી છે. જમીનો હવેના ખેડૂતો પાસે માથાદીઠ માત્ર ૧ હેકટર બચી છે જે આઝાદી સમયે ૪ હેકટર હતી. ઇઝરાયલના મોડલની વાતો તો બધાને સારી લાગે છે પણ અમલમાં green houseની મોટી નિષ્ફળતા પછી ખેડૂત ધૂંધવાયેલ છે. નર્મદાની લોલીપોપમાં તેઓએ હવે રસ અને વિશ્વાસ બન્ને ગુમાવી દીધો છે. માર્કેટ ફોર્સ પર ચાલતી આર્થિક નીતિએ તેઓને બેહાલ કરી નાંખ્યા છે.

સંઘની સ્વદેશી નીતિ મમરાવવામાં સારી લાગે છે પણ વ્યવહારમાં તેની સ્પેસ જ બચી નથી. એટલે ખેડૂત વધુ ધુંધવાયેલ છે. એક તરફ મોટા ઉદ્યોગગૃહો અને કોર્પોરેટ હાઉસ સરકાર થકી મલાઈ તારવી રહ્યા છે તો બીજી બાજુ ધરતીનો તાત વધુ લાચારી અનુભવી રહ્યો છે. ખેતી ફજેતી છે અને તેનું ભાવિ ધુંધળું છે પણ બીજો option પણ હાથવગો નથી જણાતો. આ ગુસ્સો જો શાસન વિરોધી જુવાળ બની જાય તો તે ખૂબ જ ભારે પડી શકે તેમ છે. નવા વીજ કનેકશનો આપી, પાવર ૮ કલાકથી થોડો સમય વધારે આપી તેઓને હંમેશની જેમ મનાવવા રીઝવવાનો પ્રયાસ આરંભાશે તે નિશ્ચિત છે. RSSનું ફરજંદ કિસાન સંઘ જે એક જમાનામાં મજબૂત અને પડકાર રૃપ સંગઠન હતું તેને ભાજપાએ જે રીતે હાંસિયામાં ધકેલી દીધું છે બલ્કે હવે તો અસ્તિત્વ જ ખતમ કરી દીધું છે તે સાચે જ આશ્ચર્યજનક અને અભ્યાસનો વિષય છે.

વેપારીઓ અને ઉદ્યોગકારો પહેલાં નોટબંધીથી અને હવે GSTથી ખૂબ જ ત્રસ્ત છે. પણ તેઓના લાંબા વિરોધને પણ ઠારી દેવાયો છે. અલબત તે ચૂંટણીમાં સામે ન આવે અને નડે નહીં તેની મથામણ સરકાર અને પક્ષ બન્નેને સતત કરવી પડી રહી છે. સામે પક્ષે કોંગ્રેસ તેને ચગાવવામાં આક્રમક નથી જણાઈ રહી તે નવાઈ પમાડે છે. વિરોધ પણ હવે વિપક્ષ થકી ન થતાં સોશ્યલ મીડિયાથી જ વધુ થઈ રહ્યો છે. પછી તે વિપક્ષ પોતાના પક્ષે વોટમાં કઈ રીતે તબદીલ કરી શકે તે મોટો પડકાર કોંગ્રેસ સામે છે. ડૉકટરો, આશા વર્કરો, હંગામી તથા ફિક્સ પગારદારો ખાનગી શિક્ષણથી અકળાયેલા વાલીઓ, સરકારી દવાખાનામાં ઠેબા ખાતાં ગરીબ લાચાર દર્દીઓ, સરકારી લાલફીતાશાહીથી તથા ભ્રષ્ટાચારથી અકળાયેલા નાગરિકો બધાનો આક્રોશ શાસન વિરોધી લાગણી બળવત્તર બનાવી રહ્યો છે. પણ આ anti cumbencyને રોકડી કરવી અને વોટમાં તબદીલ કરવું વિપક્ષો સામે પડકાર છે.

અહીં નરેન્દ્રમોદીના કેન્દ્રમાં ગયા પછી ઓરિસ્સાના નવીન પટનાયક તથા આંધ્રના રાજશેખર રેડ્ડી જેવી કોઈ પ્રતિભાનો સદંતર અભાવ હોવા છતાં ભાજપા આક્રમક રીતે પ્રજાને સતત ભરમાવવામાં સફળ થઈ રહી છે તે સાચે જ અદ્ભૂત છે. રૃપાણી કે નીતિન પટેલ કે વાઘાણી પોતાની કોઈ જ આભા બનાવી શકયા નથી તો બીજી બાજુ આનંદી બહેન પટેલ જે રીતે પુનઃ સ્થાન મેળવવા મથામણ કરી રહ્યા છે તે ભાજપાના આંતરિક સમીકરણોની ચાડી ખાઈ રહ્યા છે.

કોંગ્રેસની આંતરિક લડાઈ જુની છે અને પ્રગટ પણ છે. જ્યારે ભાજપાની આ લડાઈ હવે બાળ સ્વરૃપમાંથી યુવાનીના ઉંબરે પહોંચી રહી છે. મોદી-શાહના કડપ વચ્ચે તે ભલે વિકસતી ન દેખાતી હોય પણ તે ઉધઈની જેમ સુષુપ્ત છે અને સ્થળાંતર કરી રહી છે. તેનો સંપૂર્ણ સફાયો અત્યંત મુશ્કેલ બલ્કે અશક્ય છે. અલબત્ આ ચૂંટણીમાં તે વકરી જાય તેવી શક્યતા નહિવત છે.

શંકરસિંહ વાઘેલા ભલે સીધા ભાજપમાં જોડાયા નથી પણ રાજ્યસભા ચૂંટણી પછી તેમનું સ્થાન હવે જોખમમાં છે. ભાજપમાં અડવાણીના સ્થાને જવું પરવડે તેમ નથી તેથી જ તે બહાર છે અને જો અચાનક કંઇ વચલી પરિસ્થિતિ આવી જાય તો પોતાનો ઉલ્લુ સીધો કરી લેવો નહીં તો પોતાના બાળવારસ મહેન્દ્રસિંહને ટિકિટ મળી જાય તો પણ ઘણું છે તે સ્વીકારવું રહ્યું. તેઓની સાથે હવે સતત જોડાયેલા રહે અને તેમના ઇશારે જ ચાલે તે હવે બન્ને પક્ષમાં શક્ય નથી. હવે જ્યારે કોંગ્રેસની દાળ નથી ગળી રહી તો પોતાના સારૃ અવકાશ છે તે ધારણાએ આપ, બસપા, સપા, એનસીપી, લોકસ્વરાજ પક્ષ, સ્માર્ટ પાર્ટી અને બીજા નાગરિક સંગઠનો આગળ આવવા મથામણ કરી રહ્યા છે. બે પાર્ટી સીસ્ટમ જે ગુજરાતમાં વર્ષોથી સ્થાપિત થયેલી છે તેને દિલ્હી અથવા યુ.પી.ની જેમ બદલી નાંખવી હાલ તો શક્ય નથી જણાતું. તેથી તેનો ભરપૂર લાભ લેવા બન્ને મુખ્ય પક્ષો મથામણ કરશે તે સાહજિક છે.

શાસન વિરોધી મતોમાં ભાગ પડાવવા જૂની બધી જ રીતો તો હાથ વગી છે જ પણ જે નવો અને અદ્યતન વિકાસ ભાજપા અધ્યક્ષે વિકસાવ્યો છે તેનો જોટો જડવો મુશ્કેલ છે. Manipulaton સખળડખડ થકી તામિલનાડૂ જ્યાં કાંઇ જ સ્થાન ન હોવા છતાં બધે તોડીને તો ત્યાં જોડીને પોતાનો લાભ સેરવી લેવાની જે તરકીબ તેઓએ અમલમાં મૂકી બતાવી છે તે અકલ્પનીય છે. ભલે પછી NEET થકી તામિલનાડુમાં પણ કેન્દ્ર અને ભાજપ વિરુદ્ધ લોક જુવાળ હોય.

શિક્ષણ ક્ષેત્રે NEETનો આક્રોશ તો વાલીગણમાં અહીં ગુજરાતમાં પણ ઘણો જ છે તો ફી વધારાને કાબૂમાં લેવાના દેખાડામાં મુકેલા મોટા મોટા હોર્ડીંગ્સ અને જાહેરાતો અને પાછલા બારણે સંચાલકો સાથેની મીલીભગતે વાલીઓ અને નાગરિકોને દિગ્મૂઢ કરી દીધા છે. ગુણોત્સવના વર્ષોના તાયફા પછી શું પરિણામ મળ્યું તે સંશોધનનો વિષય છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાતમાં ખોલી વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાની વાતોના ગુબ્બારા ચલાવવા અને નીચે ભાર વગરના ભણતરે બાળકો પર કેટલો બોજ નાંખ્યો છે તે ચકાસીએ તો સમજાઈ જાય છે કે રાજકીય પક્ષો આંબા આંબલીના કેવા સપના વેચે છે અને નાગરિકની શું વલે થાય છે.

સ્વાસ્થ્ય ક્ષેત્રે શહેરોની જ સ્થિતિ આટલી બદતર હોય કે (epidemic) રોગચાળો નિયમિત આવતો રહે સ્વાઈન ફ્લુ કે ડેન્ગ્યુ કે બર્ડફ્લુ સમયે આપણું તંત્ર નઘરોળ જ જોવા મળે તે નક્કી. કોઈ બોધપાઠ નહીં. કુપોષણની બાળકો પર અસર વિષે માધ્યમો રાડારાડ કરે ત્યારે થીગડાં મારવા નીકળે એટલું જ.

એક તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવી રિવરફ્રન્ટ ઉપર સંવાદ કરી ગયા તો બીજી બાજુ ભાજપા અધ્યક્ષ અમિત શાહ પણ ટાઉનહોલ સંવાદના નામે પ્રચારને ગતિ આપવા મથામણ કરી ગયા. રાહુલ બાબાની પપ્પુ વાર્તા પ્રજામાં શું અસર ઉભી કરશે તેના વિષે પ્રસાર માધ્યમો, સોશ્યલ મીડિયા સમેત એટલા બધા જોક્સ રમતા કરે છે કે બિચારાની ગંભીર અને મહત્ત્વની વાતની પણ ભાગ્યે જ હકારાત્મક રીતે પ્રજા સમક્ષ પહોંચે તો બીજી બાજુ ભાજપા અધ્યક્ષ જે ગુજરાતની વિધાનસભામાં વિપક્ષ સહિતની પ્રશ્નોત્તરી ફિક્સ કરાવી શકતા હોય તે કેટલો ધારધાર સંવાદ પ્રજા સાથે કરી ગયા હશે તે કોઈનાથી છુપું નથી. તમે યુવાનો સાથે સેલ્ફી ખેંચાવી લો તો જાણે સાચો સંવાદ થઈ ગયો અને ગુગલમાં ૧.૫ લાખ પ્રશ્ન પૂછવાનો વર્લ્ડ રેકોર્ડ!

હવે જ્યારે જાપાનના વડાપ્રધાન સાથે અહમદાબાદમાં આવી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું વડાપ્રધાન ખાતમુહર્ત કરી ગયા અને નર્મદાનું લોકાર્પણ પણ back to back કરી દીધું. તે એ જ જુની તર્જ ઉપર છાકો પાડી દેવા અને આંજી દેવાની વાત છે. પૂરા એક સપ્તાહ સુધી જે જાપાની ગુડિયા સાથે પ્રજાએ પ્રસાર માધ્યમો થકી લાડ લડાવ્યા તે ૩ માસ સુધી આ જ રંગમાં જકડાઈ રહે તેનો કીમીઓ શોધવાની મથામણ ભાજપાએ કરવી પડશે કારણ જો મુખ્ય મુદ્દા ભૂલે ચૂકે પણ સપાટી પર આવ્યા તો ખુલાસા ભારે પડી જશે તે નક્કી.

મોંઘવારી એ માઝા મૂકી છે પેટ્રોલ ડીઝલ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા છે. રોજગારીની નવી તકો skill india – digital india થકી વિપુલ પ્રમાણમાં આવશે, vibrant gujarat દ્વારા થોકબંધ ઉદ્યોગો અને નવા રોકાણો આવી ગયા છે. આ બધા દાવા છતાં બેરોજગારી વિકરાળ સ્વરૃપ પકડી રહી છે, યુવાનોનો રોષ વધી રહ્યો છે અને જ્યારે કોંગ્રેસે બેકારી ભથ્થાનો માસ્ટર સ્ટ્રોક માર્યો છે ત્યારે પ્રજાને બહેકાવવા ગુમરાહ કરવાનું કપરૃં કામ માથે છે. બોફોર્સ તોપનો મુદ્દો કોંગ્રેસને ઘેરવા પાછો ઉછળી શકે છે. ફરી કોઈ તમાશો, હુલ્લડો, આતંકવાદની વારદાતો ઊભી ન થઈ શકી તો પ્રજામત વિફરી શકે છે અને આડે હાથે લઈ શકે છે તેવો ડર ભાજપને સતત રહેશે તેવું લાગી રહ્યું છે.

બાકી દિલ્હી બિહારમાં હારતી વખતે પણ છેલ્લી રાત્રે ડીબેટ, એકઝીટ પોલ વિ.માં ૨/૩ બહુમતીથી જીતી જ રહ્યા છે નોે મીડિયા પરનો સતત તોપમારો પ્રજાને ભ્રમિત કરવા અજમાવાશે તે પણ નક્કી. અને જ્યારે ગોલ જ +૧૫૦ રાખ્યો છે તો ભલેને IBના અહેવાલો ૯૦ની અંદર ઇશારો કરતા હોય આપણે બંદા ગાજતા વરસતા જ રહીશું જ્યાં સુધી નવી સરકાર બની ન જાય પણ કોની? લેટ અસ વેઇટ – જ્યાં સુધી પરિણામ પૂરા આવી ન જાય. /

(લેખક નિવૃત્ત મુખ્ય ઇજનેર ગેટકો – જીઈબી છે. આપનો સંપર્ક mgvgetco@yahoo.co.in ઉપર કરી શકાય છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments