Sunday, September 8, 2024
Homeમનોમથંનજાપાનની ગુજરાત મુલાકાત : એક ચર્ચા

જાપાનની ગુજરાત મુલાકાત : એક ચર્ચા

ભારતમાં હેરીટેજ સીટીનો દરજજો હાંસલ કરનાર એક માત્ર શહેર એવા અહમદાબાદની જાપાનના પ્રધાનમંત્રી શિંજો એબેએ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી. જાપાની વડાપ્રધાનના આગમન પૂર્વે અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોપેશન દ્વારા એવી તડામાર તૈયારીઓ કરવામાં આવી કે અહમદાબાદ સમગ્ર દેશ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ. જાપાનની ગુજરાત મુલાકાતનો ઘટનાક્રમ ચર્ચા માગી લે છે.

વરસાદી માહોલ વચ્ચે આપણા રસ્તાઓ કેવા ધોવાઈ જાય છે તેનું વર્ણન શબ્દોમાં ન થઈ શકે, તેનો જાત અનુભવ થયા પછી જ ખ્યાલ આવે. આવો જાત અનુભવ આપણી પ્રજા કરે તો ભલે ને કરતી એમાં શું વાંધો છે? પરંતુ વાંધો ત્યારે આવે જ્યારે કોઈ વિદેશની વ્યક્તિ દેશમાં રોકાણ કરવા માટે આવતી હોય. તેથી જ અહમદાબાદ એરપોર્ટથી લઈને છેક સીદી સૈયદની જાળી સુધીના રીવર ફ્રન્ટના રસ્તાઓ અને પુલો દરમ્યાન જબરદસ્ત રોશની કરવામાં આવી કે જેથી જાપાની વડાપ્રધાન અંજાઈ જાય કે આવું અહમદાબાદ?!!! ખરેખર તો મ્યુનિ. એ પ્રાથમિક ધોરણે પ્રજા માટે રસ્તા વ્યવસ્થિત કરવા જોઈએ જે તેમને પ્રોપર્ટી ટેક્ષ ચુકવે છે. પરંતુ એવું થયુ નહીં જાપાની વડાપ્રધાન જે રસ્તેથી પસાર થવાના હતા ફકત તેટલા જ રસ્તાઓને રીપેર કરવામાં આવ્યા. બાકીના રસ્તાઓ તો ધૂળ અને ખાડાઓેથી ભરેલા છે. અહમદાબાદના રસ્તાઓ ગુજરાતના વિકાસ મોડેલની ચાડી ખાય છે. આ પ્રજા એટલી શાંત અને ભોળી છે કે જે ચુપચાપ સતત અન્યાય સહન કરી જાય છે. અને નેતાઓ (પછી તે મ્યુનિ.ના કેમ ન હોય) તેનો ગેરલાભ ઉઠાવતા જાય છે.

જાપાનના વડાપ્રધાનને હેરીટેજ વારસા તરીકે જે અદ્ભૂત જગ્યાની મુલાકાત કરાવવામાં આવી તે હતી સીદી સૈયદની જાળી. ગુજરાતમાં વસ્તા દરેક કલાપ્રેમીએ સીદી સૈયદની જાળીને જરૃર નિહાળી હશે અને તેની સાથે આસપાસની ગંદકી અને સારસંભાળના અભાવને પણ ચોક્કસ નિહાળ્યુ હશે. પરંતુ સીદી સૈયદની જાળી અને મસ્જિદને ખૂબ શણગારવામાં આવી અને રોશની કરવામાં આવી અને આસપાસની ગંદકીને પણ દૂર કરવામાં આવી. મજાની વાત છે કે આ ધરોહરનું મહત્ત્વ હવે સમજાયું? પરંતુ ના. આ મહત્વ સમજાયું એટલે નથી શણગારયું પરંતુ જાપાનના વડાપ્રધાન સમક્ષ દેખાડો કરવાનો હતો એટલે શણગારયું. અહમદાબાદમાં સીદી સૈયદની જાળી સિવાય શાહી જામા મસ્જિદ, રાણીનો હજીરો, ત્રણ દરવાજા, સરખેજ રોઝા, શાહઆલમ, વટવા જેવી ઘણી જગ્યાઓ છે જે ૧૫મી સદીની બેનમૂન કલાકૃતિઓ અને બાંધકામની યાદ અપાવે છે. તેમની જાળવણી કરવી જોઈએ અને એટલા માટે કરવી જોઈએ કે આ આપણો વારસો છે.
જાપાનના વડાપ્રધાન સાથે વડાપ્રધાન મોદીના પણ ભાગ્ય ખુલ્યા તેમને પણ ‘પહેલી વાર’ સીદી સૈયદની જાળી નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ગુજરાતના સતત ૧૨ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા છતાં તેમને ક્યારેય સીદી સૈયદની જાળી જોવાનો સમય ન મળ્યો. કદાચ તેમની જમણેરી વિચારધારાએ તેમને સીદી સૈયદના પગથિયા ચઢતા રોક્યા હશે.

જાપાનના વડાપ્રધાનનો મુખ્ય આશય આ દેશમાં બુલેટ ટ્રેનમાં રોકાણ કરવાનો હતો. હવેે અહમદાબાદથી મુંબઈ સુધી ૩૫૦ કિ.મિ. પ્રતિ કલાકથી બુલેટ ટ્રેન દોડશે.!!! સામાન્ય સમજ ધરાવતા માનવીને પણ આ વાત ગળે ઉતરતી નથી કે જ્યાં માળખાગત સુવિધાઓના જ ઠેકાણા નથી, ગરીબ પ્રજાની મુળભુત જરૃરિયાતો સંતોષાતી નથી ત્યાં બુલેટ ટ્રેનની શી જરૃર છે? ખૈર હવે જ્યારે બુલેટ ટ્રેન લાવવાનંક નક્કી જ કરી નાંખવામાં આવ્યું છે તો તેના નફા-નુકસાન વિશે પણ વિચારી લઈએ. સરકારી યોજના અનુસાર બુલેટ ટ્રેન સેવા ૨૦૨૩માં શરૃ થશે. આ યોજનાનો અંદાજીત ખર્ચ એક લાખ વીસ હજાર કરોડ થશે. આ રકમ પૈકી એંસી ટકા ખર્ચની રકમ જાપાન ચુકવશે. જે લગભગ ૯૭૬૩૬ કરોડ છે. આ રકમ જાપાનને ૫૦ વર્ષમાં ભરપાઈ કરવાની છે. ટ્રેન સેવા શરૃ થવાના ૧૫ વર્ષ સુધી કોઈ રકમ ચુકવવાની નથી. જ્યારે ૧૬માં વર્ષથી મુદ્દલની સાથે ૦.૧ ટકા વ્યાજ ચુકવવાનું થશે. બાકીની રકમ કેન્દ્ર સરકાર ૮ ટકાના વ્યાજે આપશે. બુલેટ ટ્રેનના ખર્ચા અને આર્થિક રીતે પરવડે તેના માટે જરૂરી છે કે બુલેટ ટ્રેનમાં રોજ ૮૮૦૦૦થી ૧૧૮૦૦૦ લોકો મુસાફરી કરે. આ આંકડાઓને જાતાં બુલેટ ટ્રેન આર્થિક રીતે ગુજરાતને નુકસાન તો કરશે જ સાથે સાથે એ પણ જાણી લેવાની જરૃર છે કે આના કારણે નવી રેલ્વે લાઈન ટ્રેક નાંખવો પડશે. એક બાબત આ પણ છે કે વર્તમાન રેલ્વેને જે આવક થાય છે તેની ઉપર પણ માઠી અસરો પડશે. નવાઈની વાત તો આ છે કે બુલેટ ટ્રેનનું ભાડુ ૨૫૦૦થી ૩૫૦૦ અંદાજવામાં આવી રહ્યું છે જે હવાઈ મુસાફરી કરવા કરતા પણ મોંઘી પડશે.

આમ જાપાનની ભારત યાત્રા કદાચ જાપાન માટે ફાયદાકારક નિવડે પરંતુ દેશ માટે તો ફાયદાકારક નથી જ. દેશના નેતાઓ દેશની જનતાને સાવ મૂર્ખ સમજીને પોતાના ઠાઠ અને રાજને ટકાવવા મેહનત કરી રહ્યા છે. જે દેશ હિત કે પ્રજા હિતમાં નથી. દેશની જનતાને દર પાંચ વર્ષે નેતાઓની સારી કે ખરાબ નેતાગીરીનો જવાબ આપવાનો મોકો મળે છે. આ મોકો ગુજરાતની પ્રજાને નવેમ્બરમાં મળી રહ્યો છે. તો આ મોકાનો જનતા લાભ લે તેવી આશા. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments