Thursday, September 12, 2024
Homeઓપન સ્પેસજીવનના ઇસ્લામીકરણ માટેના પ્રોગ્રામ

જીવનના ઇસ્લામીકરણ માટેના પ્રોગ્રામ

મુસ્લિમ તરીકે આપણા વ્યક્તિગત અને સામુહિક સમાજજીવનમાં સાચાં ઇસ્લામી જીવનમૂલ્યોના સ્થાપન માટે ઇસ્લામ આપણને કેવી તાકીદ કરે છે તેની થોડી ચર્ચા આપણે આગલા એક લેખમાં કરી ગયા. આપણને સમજાઈ ગયું કે હવે ઢીલોઢાલો, નામ માત્રનો, અને વિપરીતતાઓભર્યો ઇસ્લામ ધારણ કરીને ચાલતા રહીશું તે હવે ચાલશે નહીં. હવે એમાં ઊંડા ઉતરીને સાચી ઇસ્લામી જીવનધારા અપનાવવી આપણા માટે અનિવાર્ય છે. અલ્લાહ રસૂલથી વફાદારીનો એ જ તકાદો છે. માશાઅલ્લાહ આપણામાંના ઘણા લોકો હવે સારા એવા શિક્ષિત છે. જોકે શિક્ષણ માટે હજી ઘણું બધું કરવાની ખૂબ જરૂરત છે. પણ શિક્ષણ તરફના મંડાણ શરૃ થઈ ગયાં છે. આપણો યુવાવર્ગ પણ હવે એ તરફ ખાસી જાગરૃકતા ધરાવે છે. પણ આપણે એટલું ધ્યાન જરૃર રાખવું પડશે કે દુન્યવી જ્ઞાાનની સાથે સાથે જ આપણે ઇસ્લામના આધારમૂલ્યોને પણ જાણવા પડશે. ઈશઅર્પિત જ્ઞાાનનો પ્રકાશ જગતને પહોંચાડવા માટે અલ્લાહે પ્યારા નબી સ.અ.વ.ની ઉમ્મત તરીકે આપણને પસંદ કર્યા છે. અલ્લાહ અને રસૂલ સ.અ.વ.એ જ્ઞાાનના તમામ દરવાજા આપણા માટે ખોલી દીધા છે. કોઈ ઉણપ રહેવા દીધી નથી. જીવનને બગડતું અટકાવવા અને તેને માનવતાના આધારો ઉપર સજાવવા-શણગારવાના ખાસ પ્રોગ્રામો ઘડીને આપણને બતાવી દીધા છે. જુઓ સૂરઃઇન્ફીતાર (૮૨મી સૂરઃ)માં અલ્લાહતઆલા પુરી માનવજાતને સંબોધીને કહે છે,

“હે માનવી, કઈ વસ્તુએ તને તારા એ કૃપાળુ પાલનહારથી ભ્રમણામાં નાંખી દીધો છે? જેણે તને પૈદા કર્યો, તને સર્વાંગ સુડોળ (અને સુંદર) બનાવ્યો તને સજાવ્યો સંવાર્યો (Fashioned thee in due proprotion) અને જે (સુંદર) સ્વરૃપમાં ઇચ્છયો તે પ્રમાણેનો ઝોક આપીને તને તૈયાર કર્યો (And gave thee a just bias).” (સૂરઃ ઇન્ફિતાર- ૬ થી ૮)

પૃથ્વીપ્રલય અને આખેરતના જીવનની શરૃઆતની ઘટનાઓની તેર નિશાનીઓ બતાવીને (સૂરઃતકવીર ૧ થી ૧૩)એ પછીની આયતમાં કહ્યું “અલેમન નફસૂન મા અહદરત”  (અર્થાત્ – તે સમયે પ્રત્યેક માનવીને ખબર પડી જશે કે તે શું લઈને આવ્યો છે. – ૮૧/૧૪). સૂરઃઇન્ફિતારની પાંચમી આયતમાં કહ્યું “અલેમન નફસૂન મા કદદમત વ અખ્ખરત” (અર્થાત્ – પ્રત્યેક નફ્સ/ માનવી એ જોઈ અને જાણી લેશે કે આખેરતના જીવનની સફળતા માટે તેણે શું સામાન આગળથી મોકલી રાખ્યો છે અને તે શું છોડી આવ્યો છે.) શું આ શબ્દો આપણને જાગૃત (Alert) કરી દેવા માટે પુરતા નથી? તો ચાલો, હવે આગળની કેડી કંડારવા માટે, આગળના સફળ તરફ પ્રયાણ કરવા માટે આપણે તૈયારી શરૃ કરી દઈએ. એમ ન કહેશો કે અમને અભ્યાસનો સમય નથી. અલ્લાહ એ દલીલને નહી ંમાને. આપણને અભ્યાસનો ખૂબ સમય છે. દુન્યવી જ્ઞાાન માટે આપણે કેટકેટલો અભ્યાસ કરીએ છીએ? આ તો તે જ્ઞાાન છે જે મૃત્યુની સાથે જ ખતમ થઈ જવાનું છે. વકીલ, ડોકટર, એન્જીનીયર, પ્રોફેસર, લેખક, આલોચક, ગઝલકાર, ગીતકાર, કોલમિસ્ટ અને વિવિધ શાખાઓના સ્પેશિયાલીસ્ટ (વિશેષજ્ઞા) બનવા માટે આપણે થોથાંના થોથાં ફેરવી નાંખીએ છીએ! શું આપણો રબ એ જોતો નથી? ત્યારે સમય ન મળવાની આપણી દલીલને તે સ્વીકારશે ખરો? સફર બેઉ તરફનો ચાલુ રાખવો પડશે. દુન્યવી જ્ઞાાનની સાથે સાથે જ દીની જ્ઞાાનના ગુઢ રહસ્યો જાણવાની પણ આપણે મથામણ કરવી જ પડશે.

શરૃઆત આપણે અલ્લાહની કિતાબથી કરીશું. તેને શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારોમાં પઢતા આપણે શીખવું પડશે. સાથે  સાથે જ એની પ્રાથમિક સમજ કેળવવા તરફ પણ આપણે ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. એના ખુલાસાઓને જાણવા પ્યારા નબી સ.અ.વ.ના સ્પષ્ટીકરણોને પણ આપણે શોધીને તેનો ભાગ મેળવવો પડશે. માશાઅલ્લાહ, તફસીર (કુઆર્ન વિવરણ)ની વિવિધ કિતાબોમાં હવે આવી સામગ્રી ભરપૂર માત્રામાં મળે છે. ઇસ્લામી ચિંતકોએ દરીયાઓને ખંગાળીને ઘણાબધા હીરામોતી ભેગાં કરી દીધાં છે. વિશેષથી વિશેષતમ જ્ઞાાનના ભંડારો લાવીને આપણી સામે મુકી દીધા છે. આજના સમયમાં કુઆર્નના અનુવાદ અને તેના ઉપર વિવરણના ગ્રંથોમાં (૧) મુફ્તી મુહમ્મદ શફી સાહબ લિખિત અનુવાદ અને વિવરણ ‘મઆરિફુલ કુઆર્ન’ આ કામ માટે લખ્યા છે. (૨) મૌલાના મૌદુદી રહ. દ્વારા લિખિત તફસીર ‘તફહીમુલ કુઆર્ન’ પણ ખુલાસાઓના અદ્ભૂત ભંડારોથી ભરેલ છે. અને (૩) અંગ્રેજીમાં અબ્દુલ્લાહ યૂસુફઅલી લિખિત અનુવાદ અને તેના ઉપર વિવરણનોંધો પણ ખૂબ રસપ્રદ અને માહિતીસભર છે. દુન્યવી જ્ઞાાનના મોઘાંદાટ પુસ્તકોની સાથે સાથે જ આપણે આ પુસ્તકોને પણ આપણા જ્ઞાાન સફરમાં સાથે લેવાં પડશે. આપણે ડબલ ડિગ્રી મેળવવી પડશે. દુન્યવી જ્ઞાાનની  ડીગ્રી પણ અને દીની જ્ઞાાનની ડીગ્રી પણ. We must  effort for it.

જ્યારે આ સફળમાં તમે ધીમેધીમે આગળ વધશો ત્યારે અનેક રહસ્યો તમારી સામે ખુલતાં જશે. અસલ વસ્તુ શું છે અને સમાજજીવનમાં શું ચાલી રહ્યું છે? દીન અસલમાં કેવો છે અને તેને કેવા રૃપમાં લેવામાં આવી રહ્યો છે? તેનો સારો એવો તાગ તમને મળવા લાગશે. અસલ તરફનું તમારું પ્રયાણ હવે શરૃ થઈ ગયું છે એટલે ભેળસેળ કયાં ક્યાં છે, ગલત સલટ શું વ્યાપ્ત થઈ ગયું છે અને એના બારામાં અસલ વાસ્તવિકતા શું છે એ તમને બરાબર દેખાવા લાગશે. ધ્યાન મુદ્દાની ખાસ વાતો ઉપર જ કેન્દ્રીત રાખજો. કાયદાકીય જોગવાઈઓની વિવિધતાઓની આંટીઘૂંટીઓમાં પડીને સમય બરબાદ કરશો નહીં અને નકામી બહશો (જીભાજોડી)માં પડશો નહીં. અનેક મસ્લાઓમાં અનેક વિવિધતાઓ છે. અલગ અલગ મંતવ્યોની ભરમાર છે. Best towards the facts  શું છે તે જોઈજાણી લઈને તમારી જાતને સંતુષ્ટ કરી લેજોે. ખોટી ચર્ચાઓ અને શાબ્દિક ટકરાવોમાં જરાય પડતા નહીં. શયતાન એમ કરીને તમને જ્ઞાાન સફરની આ યાત્રાથી રોકવા ખૂબ પ્રયાસ કરશે. તમારે ઇસ્લામી જ્ઞાાનના સ્કોલર બનીને તૈયાર થવું પડશે, કારણ આવનારા યુગો તમારી રાહ જોઈ રહ્યા છે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments