ઘણી વખત એવું બને છે કે ખૂબજ જરૂરી અને બુનિયાદી કામો તરફથી આપણે બેદરકારી વર્તીએ છીએ. કોઈ વ્યક્તિ એવી જોઈ છે જે માત્ર બિલ્ડીંગનું નિર્માણ કરતી હોય પરંતુ તેને એ ખબર ન હોય કે તેનું નિર્માણ એ શા માટે કરી રહી છે. કદાચ નહીં હોય કેમકે ધ્યેય સ્પષ્ટ ન હોય તો એ ઈમારત તમે ખૂબજ સુંદર બનાવી દો તો પણ નિરર્થક છે. આપણે દવાખાનું બનાવીએ કે શાળા બાંધીએ, કોઈ પણ નિર્માણ કાર્ય કરતા પહેલા તેનું ધ્યેય નક્કી કરીએ છીએ. યાત્રાની શરૃઆત કરતા પહેલા મંઝિલ નક્કી કરીએ છીએ. ટિકિટ વિન્ડો પર જઈને સૌપ્રથમ ઓપરેટર આ જ પ્રશ્ન પૂછે છે અથવા ફોર્મમાં લખીએ છીએ. બેગ ઉપાડી એમ ને એમ ક્યારેય નથી નીકળી પડતાં. પરંતુ જીવનની બાબતમાં આપણે આવું કરવા કે વિચારવામાં ચૂક કરતા હોઈએ છીએ અને આ કોઈ સામાન્ય ચૂક નથી બલ્કે મોટી ભૂલ છે. નાવિકને મંઝિલની ખબર ન હોય તો દરિયાઈ સફરનો રોમાંચ જ છૂ થઈ જશે. વિશાળ લહેરો પર ડગમગાવવાની મજા, ઊંચા મોજાઓથી ભિગવાનો આનંદ અને તોફાની ચક્રવાત જોવાનું અપૂર્ણ અનુભવ ક્ષણિક જ રહેશે. ઉંમરના અંતિમ પડાવ પર ક્યારે વિચારવાનો અવસર મળે છે અથવા ક્યારે જીવનમાં પડકારો આવી પડે તો વ્યક્તિ ફ્રશ્ટ્રેશનમાં વિચારવા મજબૂર બને છે કે જીવન શું છે? આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે? મૃત્યુ પછી શું થશે? જીવનનો ઉદ્દેશ્ય શું? આ સામાન્ય પ્રશ્નો નથી, જીવનના મૂળ પ્રશ્ન છે તેના થકી જ જીવનની દિશા અને મંઝિલ નક્કી થાય છે. જીવનનો ઉદ્દેશ્ય જાણ્યા-સમજ્યા વગર જીવન ગુજારવા રણમાં ભટકતી વ્યક્તિ જેવી છે.
“શું તમે એમ સમજી લીધું હતું કે અમે તમને વ્યર્થ જ પેદા કર્યા છે અને તમારે અમારા તરફ ક્યારેય પાછા ફરવાનું જ નથી ?” (સૂરઃ મુ’મિનૂન- ૨૩ઃ૧૧૫)
ચાલો થોડુંક ગહન વિચાર કરીએ. કુઆર્નનું શિક્ષણ છે કે કોઈ વસ્તુને એમને એમ જ સ્વીકાર ન કરો તર્કની કસોટી પર તપાસી લો, બુદ્ધિનો ઉપયોગ કરો, કેમકે જે વસ્તુ માનવને પ્રાણીઓ અને પંખીઓથી જુદી તારે છે તે બુદ્ધિ અને જ્ઞાન જ છે.
“ધરતી અને આકાશોની રચનામાં અને રાત અને દિવસના વારાફરતી આવવામાં તે બુદ્ધિશાળી વ્યક્તિઓ માટે ઘણી નિશાનીઓ છે જેઓ ઉઠતાં-બેસતાં અને સૂતાં, દરેક સ્થિતિમાં અલ્લાહને યાદ કરે છે અને આકાશો અને ધરતીની સંરચનામાં ચિંતન-મનન કરે છે, (તેઓ સહસા બોલી ઉઠે છે) ”પાલનહાર ! આ બધું તે નિરર્થક અને નિરુદ્દેશ્ય નથી બનાવ્યું, તું પવિત્ર અને મહાન છે એનાથી કે વ્યર્થ કામ કરે. પછી હે રબ ! અમને દોજખ (નર્ક)ની યાતનાથી બચાવી લે.” (સૂરઃ આલે-ઇમરાન-૩ઃ૧૯૦,૧૯૧)
જીવનને સમજવા માટે મૂળભૂત રીતે ત્રણ કોયડાને ઉકેલવા પડે. જીવનનો સ્ત્રોત શું છે? જીવનના કાર્યો શું છે? અને જીવનનું અંતિમ પરિણામ શું છે? જે વ્યક્તિને આ પ્રશ્નોનો ઉત્તર મળી જાય તે ઉદ્દેશ્યને પામી સફળતા તરફ કૂચ કરી શકે.
કોઈ વ્યક્તિ જ્યારે કુદરતના સુંદર અને નયન રમ્ય દૃશ્ય જુએ તો મન પ્રફુલ્લિત થઈ જાય છે અને તેના મોથી સ્વયંભૂ નીકળી પડે છે ‘ઑહ વોટ અ બ્યુટીફૂલ વર્લ્ડ ઇઝ ધિસ’. બ્રહ્માંડમાં અજ્ઞાત વસ્તુઓની શોધમાં પ્રતિબદ્ધ એક વૈજ્ઞાનિક દુનિયાની અદ્ભૂત રચના અને જબરદસ્ત વ્યવસ્થા જુએ છે તો તેની જીભ પણ આ જ વસ્તુનો સ્વીકાર કરતા કહે છે ‘વોટ અ પરફેક્ટ વર્લ્ડ ઇઝ ધિસ’. સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી એકમાત્ર જગ્યા છે જ્યાં માનવ વસ્તી જોવા મળે છે. સેટેલાઈટ વડે બીજા ગ્રહોના જે ચિત્રો આપણા સુધી પહોંચ્યા છે તે પણ ખૂબ રમણીય લાગે છે. પરંતુ કોઈ ગ્રહ એવું નથી જ્યાં માનવ જીવન શક્ય હોય કેમકે જીવનને ટકાવી રાખવા માટે જે વ્યવસ્થા અને આયોજનની જરૃર છે એ આ જ પૃથ્વી પર જોવા મળે છે. હવા, પાણી, તાપ, પ્રકાશ વિગેરે એવી વસ્તુઓ છે જેનાં વિના જીવન શક્ય નથી. બલ્કે સંપૂર્ણ વ્યવસ્થા એટલી સુદૃઢ છે કે એક પણ વસ્તુ સમગ્ર તંત્રને વેરવિખેર કરી શકે છે. સૂર્યનું પૃથ્વીથી જે અંતર છે એમાં કોઈ વધઘટ થાય તો દુનિયા હિમગ્રહમાં ફેરવાઈ જશે અથવા બળીને રાખ થઈ જશે. જે સૂર્ય પ્રકાશ આપણે દરરોજ મેળવીએ છીએ જો એ ન હોય તો શું વનસ્પતિઓ ઉગી શકે છે? ના, અને વનસ્પતિઓ ન ઉગે તો ન માત્ર મનુષ્ય બલ્કે પ્રાણીઓનું જીવન પણ જોખમાઈ જશે. અરે, વૈજ્ઞાનિકો બતાવે છે કે આપણી પૃથ્વી ઉપર ઓઝોનનું આવરણ છે જે નુકસાનકારક અલ્ટ્રા વાયલેટ કિરણોને સીધી આવતાં રોકેે છે. જો એ ન હોય તો શું થાય? શું મનુષ્ય જીવિત રહી શકશે? શું આ વ્યવસ્થા આકસ્મિક છે, સ્યંભૂ છે? કોઈ અજ્ઞાત વિસ્ફોટનું પરિણામ છે! કે પછી આ સૃષ્ટિ કોઈ વ્યવસ્થાપક, કોઈ ગણિતજ્ઞ, કોઈ ઇજનેર, કોઈ બુદ્ધિની સાબિતી આપે છે? બ્રહ્માંડનો એક એક કણ આ સંસારના એક રચિયતાના હોવાની સાક્ષી આપે છે.
“શું તે લોકો, જેમણે (પયગંબરની વાત માનવાનો) ઇન્કાર કરી દીધો છે, વિચાર કરતા નથી કે આ બધા આકાશો અને ધરતી એકબીજા સાથે જોડાયેલા હતા, પછી અમે તેમને અલગ કર્યા, અને પાણી વડે દરેક સજીવ વસ્તુ પેદા કરી ? શું તેઓ (અમારી આ સર્જન-શક્તિનો) સ્વીકાર કરતા નથી ?” (સૂરઃ અંબિયા-૨૧ઃ૩૦)
બ્રહ્માંડના મુકાબલામાં જીવનની જટિલતા વધુ છે. એક સર્જનહારે જીવનસૃષ્ટિનું સર્જન કર્યું છે. શું માનવી જીવન અને બીજા જીવોનું જીવન સમાન છે? એ સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિ પણ તે ફરકને મહેસૂસ કરે છે. જન્મ લેવું, શરીરનો વિકાસ થવો, પેઢીની વૃદ્ધિ કરવી અને નષ્ટ થઈ જવું. આ પ્રક્રિયા કુદરતી નિયમાને પાલન કરે. કોઈ વ્યક્તિ હંમેશા નાની રહેવા માંગતી હોવ તો નહીં રહી શકે. એ અસીમ જીવન ઇચ્છતો હોવ તો પણ ન મળે. માનવી પણ આ પ્રાકૃતિક નિયમને બંધાયેલ છે. આ પ્રક્રિયામાં કોઈ પણ સજીવને કોઈ સ્વતંત્રતા નથી. તો પછી બીજા જીવો અને માનવી જીવનમાં શું ફરક છે? બીજા સજીવને કર્મની કોઈ આઝાદી નથી. એ જન્મથી મૃત્ય પર્યંત બંધાયેલ છે. જ્યારે કે માનવીને બુદ્ધિ આપવામાં આવી છે, કર્મની સ્વતંત્રતા આપવામાં આવી છે, ઇશ્વરે ઇચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ અને સ્વપ્ન સાકાર કરવાના સંસાધનો આપ્યાં છે કેમ? શું માત્ર પ્રાણીઓ અને વનસ્પતિઓની જેમ જીવવા માટે? ના. આ નકારાત્મક જવાબ જ આપણાં માટે દલીલ છે કે બીજા લિવિંગ બિંગ અને હ્યુમન બિઇંગના જીવનનું ઉદ્દેશ્ય જુુદું છે.
“શું તમે એમ સમજી લીધું હતું કે અમે તમને વ્યર્થ જ પેદા કર્યા છે અને તમારે અમારા તરફ ક્યારેય પાછા ફરવાનું જ નથી?” (સૂરઃ મુ’મિનૂન-૨૩ઃ૧૧૫)
“અમે આ આકાશ અને ધરતીને, અને આ દુનિયાને જે તેમની વચ્ચે છે, નિરર્થક પેદા નથી કરી દીધા. આ તો તે લોકોનું અનુમાન છે જેમણે ઇન્કાર (કુફ્ર) કર્યો છે, અને આવા કાફિરો માટે વિનાશ છે જહન્નમની આગ દ્વારા. શું અમે તે લોકોને જેઓ ઈમાન લાવે છે અને સદ્કાર્ય કરે છે અને તેમને જેઓ ધરતીમાં બગાડ ફેલાવે છે, સમાન કરી દઈએ ? શું અલ્લાહથી ડરનારાઓ (સંયમીઓ)ને અમે દુરાચારીઓ જેવા કરી દઈએ ?” (સૂરઃ સૉદ-૩૮ઃ૨૭,૨૮)
પ્રશ્ન આ છે કે જીવનનું કોઈ લક્ષ્ય છે તો એ શું હોઈ શકે અને કોણ નક્કી કરશે? જવાબ એ જ હોઈ શકે કે નિર્માતાને જ આ હક્ક છે કે તે તેનો ઉદ્દેશ્ય નક્કી કરે. આપણી દુનિયા પણ આ જ નિયમને અનુસરી રહી છે. આપણો સર્જનહાર આપણને બતાવે છે.
“મેં જિન્નાતો અને મનુષ્યોને આના સિવાય બીજા કોઈ કામ માટે પેદા કર્યા નથી કે તેઓ મારી બંદગી (ઉપાસના) કરે. હું તેમનાથી કોઈ રોજી નથી ઇચ્છતો અને ન એવું ચાહું છું કે તેઓ મને ખવડાવે. અલ્લાહ તો પોતે જ રોજી આપનાર છે, ખૂબ શક્તિશાળી અને પ્રભુત્વશાળી.” (સૂરઃ ઝારિયાત-૫૧ઃ૫૬,૫૭,૫૮)
આ ઇબાદત શું છે? એ માત્ર માથું ટેકવવાનું નામ નથી, માત્ર એની મહિમા અને ગુણગાનનું નામ નથી, માત્ર તેની પુજા અને ઉપાસનાનું નામ પણ નથી, બલ્કે સમગ્ર જીવનને તેના આધીન કરવાનું, તેના ગુલામ અને આજ્ઞાકાર બનવાનું નામ ઇબાદત છે. જ્યારે જીવનસ્ત્રોત અલ્લાહ (ઇશ્વર) છે તો તેના સાથેનો સંબંધ જીવંત રહેવો જોઈએ. અને એ માત્ર રસ્મી પુજા ઉપાસનાથી શક્ય નથી. હાં આ ક્રિયા તો આપણને તેની યાદ તાજા રાખવામાં મદદરૃપછે. આપણું નેટવર્ક તેની સાથે સતત જોડાયેલ રહે. તેના માટે જરૂરી છે કે આપણે દરેક ક્ષણ તેના આદેશ પ્રમાણે ગુજારીએ અને તેને ખૂબ પ્રેમ કરીએ. મૃત્યુ પર્યંત સુધી વ્યક્તિગત અને સામુહિક જીવનમાં અલ્લાહનાં આદેશની પાબંદી જ પ્રેમની સાચી નિશાની છે.
અલ્લાહના આદેશો ક્યાંથી મળશે તેનાં સુધી જવાનો સાચો સરળ અને સાદો માર્ગ કયો છે? દુનિયામાં એક નહીં હજાર પંથો અને સંપ્રદાયો છે જે સત્ય હોવાના દાવો કરે છે પરંતુ સાચો માર્ગ કયો એ હું કે તમે નક્કી નહીં કરી શકો. અલ્લાહ ફરમાવે છે,
“અલ્લાહના નજીક દીન (ધર્મ) માત્ર ઇસ્લામ જ છે. આ દીન (ધર્મ)થી વિચલિત થઈને જે વિવિધ પદ્ધતિઓ તે લોકોએ અપનાવી, જેમને ગ્રંથ આપવામાં આવ્યો હતો. તેમના આ વર્તન માટેનું કારણ માત્ર તે જ હતું કે તેમણે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી પરસ્પર એક-બીજા ઉપર અત્યાચાર કરવા માટે આવું કર્યું અને જે કોઈ અલ્લાહના આદેશો અને માર્ગદર્શનનું પાલન કરવાનો ઇન્કાર કરી દે, અલ્લાહને તેની પાસેથી હિસાબ લેતાં વાર લાગતી નથી.” (સૂરઃ આલે ઇમરાન-૩ઃ૧૯)
એ જ અલ્લાહ આપણને બતાવે છે કે જીવનનું પરિણામ શું છે? આ અંતિમ મંઝિલ નથી, મૃત્યુ કે નાસ્તિક પણ જેનો અસ્વીકાર કરી શકતો નથી તેનાં પછી એક અસીમ અને સ્થાયી જીવન છે. મૃત્યુ એ માનવ જીવનનો અંત નથી માત્ર કર્મ કરવાની મહેતલનું અંત છે અને અનંત અને વાસ્તવિક જીવન તરફ પ્રયાણ કરવાનો માર્ગ છે.
“દરેક સજીવે મૃત્યુનો સ્વાદ ચાખવાનો છે, અને અમે સારી અને ખરાબ પરિસ્થિતિઓમાં મૂકીને તમારા સૌની પરીક્ષા કરી રહ્યાં છીએ. છેવટે તમારે અમારી જ તરફ પાછા ફરવાનું છે.” (સૂરઃ અંબિયા-૨૧ઃ૩૫)
પ્રશ્ન એ થઈ શકે કે શું આ જીવન બધા માનવીઓ માટે સમાન હશે? માનવ બુદ્ધિ પણ એ જ કહેશે કે જો મૃત્યુ પછી જીવન છે તો સાંસારિક જીવનના કર્મો પ્રમાણે તેમાં ફરક હોવો જોઈએ. બધા જ ધર્મો પરલોકના જીવનને સ્વીકાર કરે છે. બલ્કે ઇનામ સ્વરૃપે સ્વર્ગ અને સજા સ્વરૃપે નર્કની વાત કરે છે. જેની શ્રદ્ધા અને કર્મો સારા હશે તે હંમેશા માટે સ્વર્ગવાસી બનશે અને જેનો ઇમાન અને અમલ ખોટા હશે તે નર્કનું ઈંધણ બનશે. કુઆર્ન કહે છે,
“દોજખ (નર્ક)માં જનારા અને જન્નત (સ્વર્ગ)માં જનારા કયારેય સમાન હોઈ શકે નહીં. જન્નતમાં જવાવાળા જ હકીકતમાં સફળ છે.” (સૂરઃ હશ્ર-૫૯ઃ૨૦)
“તમારા પર ફરજિયાત કરવામાં આવ્યું છે કે જ્યારે તમારામાંથી કોઈના મૃત્યુનો સમય આવે અને તે પોતાની પાછળ સંપત્તિ મૂકી જઈ રહ્યો હોય, તો માતા-પિતા અને સગાઓ માટે સામાન્ય નિયમાનુસાર વસિયત કરે. આ હક્ક છે, અલ્લાહથી ડરનારા લોકો માટે.” (સૂરઃબકરહ-૨ઃ૧૮૦)
જે લોકો ભૌતિક સુખને જીવનનું લક્ષ્ય સમજે છે તેઓ સત્યથી વિમુખ છે. આવી કોઈ વ્યક્તિને જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો નાસીપાસ થઈ જાય છે, બીમાર થઈ જાય, કોઈ વ્હાલાસોયાનું દેહાંત થઈ જાય, કોઈ અકસ્માત થઈ જાય, બેરોજગાર થઈ જાય. ટુંકમાં કોઈ પણ સમસ્યા આકસ્મિક આવી પડે તો આકુળ વ્યાકુળ થઈ જાય છે. ઘણાં બધા લોકો આખી પરિસ્થિતિમાં નિરાશ થઈ આત્મહત્યા કરી લે છે. પરંતુ જેને ખબર હોય કે આ જગતમાં કોઈ વસ્તુ સ્થાયી નથી દરેક વસ્તુ પરીક્ષા માટે છે અને વિવિધ પરિસ્થિતિ તેની આજમાયશ માટે છે. તે નાસીપાસ થતો નથી બલ્કે પડકારનો સામનો કરવા શક્તિ એકઠી કરે છે. જીવન એક પરીક્ષાખંડ છે તે વાસ્તવિક પર પ્રકાશ પાડતા કુઆર્ન ફરમાવે છે, “જેણે મૃત્યુ અને જીવનનો આવિષ્કાર કર્યો જેથી તમને લોકોને અજમાવીને જુએ કે તમારામાંથી કોણ સારાં કર્મ કરનાર છે, અને તે પ્રભુત્વશાળી પણ છે અને ક્ષમા કરવાવાળો પણ.” (સૂરઃ મુલ્ક-૬૭ઃ૨)
મિત્રો ચાલો મૃત્યુ પછીના જીવનમાં સફળતા મેળવવા સત્યમાર્ગ ઉપર ચાલી જીવનના ઉદ્દેશ્યને સાર્થક કરીએ. બુદ્ધિમાન તે છે જે અસીમ જીવનનો આનંદ મેળવવા માટે મરે છે અને મુર્ખ તે છે જે મૃત્યુ માટે જીવે છે. તો ચાલો આખિરત (પરલોક)ના જીવનને નજર સમક્ષ રાખી જીવન વ્યતીત કરીએ. /