Saturday, July 27, 2024
Homeમનોમથંનજુલ્મ અને અત્યાચાર ક્યાં સુધી?

જુલ્મ અને અત્યાચાર ક્યાં સુધી?

ગાઝા પર અવિરતપણે ચાલુ રોકેટ અને ડ્રોન હુમલામાં અત્યાર સુધી ૩૧૮ (સરકારી આંકડા મુજબ) નિર્દોષોનો ભોગ લેવાઈ ગયો છે, જેમાં ૭૦ બાળકો શામેલ છે!!! દમન ઓછો હોય તેમ હવાઈ હુમલા ઉપરાંત જમીની કાર્યવાહી લાનતી ઇઝરાયેલે શરૃ કરી છે. ગાઝા પર વસતા પેલેસ્ટાઈનો પર પવિત્ર રમઝાન માસમાં જુલ્મ, અન્યાય અને તેમના નરસંહારની નાપાક ઇરાદા સાથે ઇઝરાયેલ કત્લેઆમ કરી રહ્યો છે. કયો ગુનો કર્યો ગાઝા વાસીઓએ??? કે તેમની આટલી મોટી કીંમત ચુકવવી પડી રહી છે??? હજી બે વર્ષ પહેલા જ તેમની પર આ રીતે કત્લે આમ કરવામાં આવ્યું હતું. કોઈ મદદે આવે એ તો બહુ દૂરની વાત છે, તેમની ઉપર ગુજારવામાં આવી રહેલા દમનને લોકો સુધી પહોંચાડવાની પણ દરકાર સુદ્ધા મીડિયા નથી લઈ રહી!!!

ઇઝરાયેલએ અમેરિકા અને યુરોપ દ્વારા ૧૯૪૭માં અસ્તિત્વમાં લાવવામાં આવ્યું હતું. દુનિયાભરના યહુદીઓએ હિજરત કરીને પેલેસ્ટાઈનના એક નાના ટુકડા પર રહેવા ગયા. પેલેસ્ટાઈનના લોકોએ તેમને આવકાર આપ્યો. ઈઝરાયેલે પોતાની સરહદો નિરંતર વધારવાનું ચાલુ રાખ્યું. ધીમે ધીમે પેલેસ્ટાઈનના લગભગ ૯૦% હિસ્સા પર ઇઝરાયેલે કબ્જો જમાવ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેની મેલી મુરાદ ફકત પેલેસ્ટાઈન પર કબ્જો કરવાની નથી પરંતુ તેનો ઇરાદો મધ્યપૂર્વના મોટા હિસ્સા પર કબ્જો જમાવવાનો છે આ તેણે પોતાની સંસદની ઉપર કોતરાવ્યું છે. !!! કોઈ પણ દેશ જ્યારે કોઈ દેશ પર આક્રમણનો કે કબ્જો જમાવવાનું આયોજન કરે છતાં પણ તે તેને લખીને જણાવતો નથી. ઇઝરાયેલ દ્વારા આવી કૂચેષ્ટા ખુબજ બેશરમીથી કરવામાં આવી છે. આશ્ચર્યની બાબત છે કે કોઈ પણ દેશે (વાંચો અમેરિકા અને યુરોપ) આનો વિરોધ પણ નથી કર્યો અને એકેય શબ્દ પણ ન ઉચ્ચાર્યો. આવો આતંકવાદી ઇઝરાયેલ મધ્યપૂર્વના દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરારૃપ છે.

ગાઝાની વર્તમાન પરિસ્થિતિ સમજવાની જરૃર છે. તેને કઈ રીતે લાચાર બનાવવામાં આવ્યું છે. તેની પાતળી ઝલક અહીં રજૂ કરવામાં આવી રહી છે.

૧૯૬૭થી ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર કબ્જો જમાવ્યો છે. ગાઝા પટ્ટીને ત્રણ બાજુએથી ઇઝરાયેલે ઘેર્યું છે, જ્યારે ચોથી બાજુએથી ઇજિપ્ત અને યુ.એન. ઓબઝરવર્સની મીલીટરી ટુકડીઓએ ઘેર્યું છે, જે ગાઝામાં પ્રવેશતા અને નિકળતા દરેક વ્યક્તિ પર નજર રાખે છે. એટલે કે ગાઝા એક મોટી જેલમાં પરિવર્તિત થઈ ગયું છે. ઇઝરાયેલી સૈનિકોની પરવાનગી વગર કોઈ અંદર જઈ પણ શકતું નથી અને નીકળી પણ શકતું નથી.

ગાઝામાં કોઈ એરપોર્ટ નથી, કોઈ પોર્ટ નથી અને કોઈ રેલવે સ્ટેશન પણ નથી.

ગાઝાના નાગરિકો ગાઝા છોડી બીજા દેશમાં જઈ શકતા નથી કેમકે તેમની પાસે પાસપોર્ટ નથી. બીજું, બીજા દેશના નાગરિકો ઇઝરાયેલની મંજૂરી વગર ગાઝા જઈ શકતા નથી. સાધારણ વ્યક્તિની વાત તો જવા દો, વગદાર રાજકારણીઓને પણ ઇઝરાયેલે ભૂતકાળમાં ગાઝામાં પ્રવેશવાનો ઇન્કાર કરી દીધો છે. એટલે કે ગાઝા દુનિયાના બીજા દેશો સાથે સંપર્કમાં જ નથી.

સંપૂર્ણ ગાઝા ઇઝરાયેલી ચેકપોઈન્ટથી ઘેરાયેલું છે. રોજબરોજની વસ્તુઓ પણ ચેકપોઈન્ટથી પસાર થઈ ગાઝાવાસીઓને મળે છે. ઇઝરાયેલ ચેકપોઈન્ટથી પસાર થતી દરેક ચીજવસ્તુ પર ટેક્સ વસૂલ કરે છે પછી ભલે તે દૂધ હોય કે દવા.!!!

ગાઝાના નાગરિકોને અવારનવાર ઇઝરાયેલી સૈનિકો દ્વારા અત્યાચાર અને સતામણીના સામનો કરવો પડે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા અવારનવાર ઇઝરાયેલને વિનંતી કરવામાં આવી છે કે “આ ગેરકાનૂની કબજો છે ઇઝરાયેલે ગાઝાથી દૂર રહેવું જોઈએ.” છતાં ઇઝરાયેલ આંખ આડા કાન કરે છે.

ખાદ્ય પદાર્થોને હંમેશા મોડું પહોંચાડવામાં આવે છે. ગાઝા દ્વારા આયાત કરવામાં આવેલી ચીજવસ્તુઓને ગાઝાના નાગરિકો ઉપયોગમાં લે તેમ ઇઝરાયેલ ન ઇચ્છતો હોવાથી ચેકપોઈન્ટમાં તે આયાત કરવામાં આવેલી વસ્તુઓને રખડાવવામાં આવેે છે.

ગાઝાના નાગરિકો પાસે પૂરતી દવાઓ નથી, પેટ્રોલ કે ગેસ નથી, ઇલેકટ્રીસીટી પણ ખૂબ ઓછી સપ્લાય કરવામાં આવે છે. આજે ૭૦% ગાઝામાં અંધારપટ છવાયેલું છે. આના કારણે ફુગાવાનો દર ખૂબ ઊંચો છે. ખાદ્યપદાર્થો અને જીવન જરૃરિયાતની ચીજો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત ન થવાથી ગાઝાના બાળકો દુનિયાના સૌથી ખરાબ કૂપોષણથી પીડાય છે.

દવાખાનામાં જરૂરી ડૉકટરો નથી, સાધનો નથી કે જેથી બીમારોની, ઇજાગ્રસ્તોની સમયસર સારવાર કરી શકાય. બોમ્બમારામાં ઈજા પામેલ લોકોને સારવાર અર્થે બહાર જવા માટે ઈઝરાયેલી ચેકપોઈન્ટ પર રીતસરનું કગરવું પડે છે છતાં તેમને જવા દેવામાં નથી આવતા, જેના કારણે ઈજાગ્રસ્ત લોકોને સારવાર સમયસર મળતી નથી, તેથી તેવા લોકોને કાયમી અપંગ થઈ બાકીનું જીવન ગાળવું પડે છે.

એક સમયના સારા અને અમીર લોકો પોતાના જ દેશમાં કેદી અને ભીખારી બની ગયા છે. તમે તેમના દિલના અહેસાસને મહેસૂસ કરી શકો છો??? જેમને તેમની જ જમીનથી હાંકી કાઢવામાં આવી રહ્યું હોય અને તેમની હાલત ગુલામો જેવી થઈ ગઈ હોય!!!

તેઓ છેલ્લા ૫૦ વર્ષથી સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહ્યા છે. દરેક જતા દિવસે ઇઝરાયેલ તેના નાગરિકો માટે નવી વસાહતો બાંધતો જાય છે અને ગાઝા વાસીઓની સ્વતંત્રતાની આશા ધુંધળી થતી જાય છે. દર્દની સાથે તેઓ પથારીવશ થાય છે અને દુઃખની સાથે તેમની સવાર થાય છે. આ છે તેમનું રોજનું જીવન.

આટલું થવા છતાં દેશના માનવહક્કોના જાગીરદારો જાણે મોઢામાં મગ ભરીને બેઠા હોય. ફકત નિવેદનો આપીને સંતોષ માનનારા દેશોએ વિચારવું જોઈએ કે અન્યાય અને જુલ્મ હંમેશા ટકતા નથી. આ સાથે જગતજમાદાર અમેરિકાની બેવડી નીતિ પણ ઉઠીને આંખે વડગે છે, ઓબામાએ ઇઝરાયેલી વડાપ્રધાન બેનજામીન નિતનયાહુને ફોન પર તાકીદે યુદ્ધ બંધ કરવાનું કહ્યું છે. બીજી તરફ અમેરિકાએ ઇઝરાયેલને નાણાંકીય મદદ આપવાનું ચાલુ રાખ્યું છે. હાલમાં પેન્ટાગોને ઇઝરાયલની મિઝાઈલની કવચ સિસ્ટમ માટે વધારાના ૧૭.૫ કરોડ ડોલર ફાળવવાની દરખાસ્ત અમેરિકી કોંગ્રેસમાં મુકી છે જે મંજૂર થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.

હમાસના આક્રમણ સામે ઇઝરાયેલની સફળતા મિઝાઈલ કવચ સિસ્ટમને જ આભારી છે. આયર્નડામ નામની આ પદ્ધતી યહૂદી દેશને અમેરિકાએ આપી છે અને તેના કારણે જ હમાસના જવાબી રોકેટ હુમલા ઈઝરાયેલને નુકસાન પહોંચાડી શકતા નથી. આ સિસ્ટમ માટે અમેરિકા અત્યાર સુધીમાં ૭૨૦૦ લાખ ડોલર ઇઝરાયેલને આપી ચુક્યું છે.

પરંતુ બધી હકીકતો અને તથ્યો વચ્ચે એક હકીકત કોઈએ ભુલવી ન જોઈએ કે અલ્લાહ જોઈ રહ્યું છે. ઇઝરાયેલની પાસે પ્રવર્તમાન આર્થિક સંપત્તિ, સાધનો અને શક્તિઓ હોવી અને પેલેસ્ટાઈનો માટે દુઃખ, પીડા અને દર્દ હોવું એ અલ્લાહની મસલેહત છે અને તેની હિકમત છે. અત્યાચારના દિવસો વધુ નથી હોતા અને અન્યાય કરનાર પણ વધારે નથી ટકતો.

“અને કેટલીય એવી વસ્તીઓ અમે નષ્ટ કરી ચૂક્યા છીએ જેમના લોકો પોતાની આર્થિક સંપન્નતા પર મિથ્યાભિમાની થઈ ગયા હતા…. અને અમે વસ્તીઓને નષ્ટ કરનાર ન હતા જ્યાં સુધી તેમના રહેવાસીઓ અત્યાચારી ન થઈ જતા.” (સૂરઃ કસસ – ૫૮,૫૯)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments