Saturday, November 2, 2024
Homeઓપન સ્પેસઝીંદગી કી તલાશ મેં હમ કહાં આ ગએ!

ઝીંદગી કી તલાશ મેં હમ કહાં આ ગએ!

હુમાયુ કંઇક ટાઈપ કરીને સ્ક્રીન ઉપર મીટ માંડીને વેબપેજ ખુલવાની પ્રતીક્ષા કરી રહ્યો હતો. તેના ચહેરા ઉપર ચિંતાની લાગણી વ્યક્ત થઈ રહી હતી. વેબપેજ ખુલતાં જ તે ઉછળી પડયો અને પોતાના બંને હાથ ઊંચા કરીને કિકિયારી પાડી – “યા… હુ … I got it.”

વાસ્તવમાં હિન્દુસ્તાનની ગર્વ પ્રદાન સંસ્થા IITમાં અભ્યાસ કરનાર હુમાયુએ B.Techમાં યુનિવર્સિટીમાં ટોપ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કેમ્પસ ઇન્ટરવ્યુ દ્વારા સર્વોત્તમ પેકેજવાળી જોબ પહેલાંથી જ તેના હાથમાં હતી એના કારણે આજે તે ઘણો જ ખુશ હતો. તેણે રાત્રે મિત્રો સાથે પાર્ટી મનાવવાનો નિર્ણય કરી દીધો. મગરિબના સમયે મુઅઝ્ઝિને “અલ્લાહુ અકબર”નો અવાજ બુલંદ કર્યો, તે સમયે હુમાયુ પોતાની સફળતાની ઉજવણી કરવા માટે વ્યાકુળતાપૂર્વક પોતાના મિત્રોના આગમનની પ્રતીક્ષા કરી રહ્યો હતો. “લા-ઇલાહા-ઇલ્લલ્લાહ” સાથે અઝાન સમાપ્ત થઈ તો તેની માતાએ તેને કહ્યું કે, “બેટા! જાવ, અલ્લાહનો શુક્ર અદા કરીને આવો.” પરંતુ તે જ સમયે તેના મિત્રો આવી ચડયા અને તે તેની માતાની શિખામણને અવગણીને ચમકદાર કારમાં નિકળી પડયો. તે ડ્રાઈવિંગ સીટ પર હતો અને તેના મિત્રો તેની બાજુમાં તથા પાછળની સીટો ઉપર બેસીને ગપ્પાં મારવામાં તલ્લીન હતા. એવામાં અચાનક હુમાયુનું ધ્યાન વિચલિત થયું અને કાર એક ધડાકા સાથે રસ્તાના કિનારા પર ઉભેલા કન્ટેઇનર સાથે ટકરાઈ ગઈ.

એક ભયંકર અવાજ સાથે વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. હુમાયુની આંખોમાં અંધકાર છવાઈ ચુક્યો હતો. પીડા અને વેદના સાથે તેણે પોતાની આંખો ખોલી તો તેને અનુભુતિ થઈ કે તે એક સમતળ અને સપાટ માર્ગ પર દોડી રહ્યો છે, પરંતુ તે રસ્તાની સામે તરફ તો આગની જવાળાઓ ભભૂકી રહી છે. ઘુમાડાનું મોટુંુ વાદળ છે જે આકાશમાં છવાઈ ગયું છે.થોડો વધારે નજીક જવાથી તેને ખ્યાલ આવ્યો કે તે તો એક આગની મોટી ખાઈ તરફ દોડી રહ્યો છે. હુમાયુએ પોતાને રોકવા માટે પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો. તેના પગ તો જાણે તેનો હુકમ માનવાનો ઇન્કાર કરી ચુક્યા હતા. દોડતાં-દોડતાં તેણે પોતાની આસપાસના વાતાવરણ ઉપર નજર દોડાવી તો પોતાની સાથે હજારો લોકો દોડી રહેલા નજરે પડયા, જે તેની જેમ જ દોડી રહ્યા હતા. તેને થોડા-થોડા સમયના અંતરે બનાવટી અક્ષરોમાં લખેલા Milestone પણ નજરે આવવા લાગ્યા. જે માર્ગની જમણી અને ડાબી બાજુ લટકાવેલા હતા. પહેલા પર ધોરણ ૧૦ – ૯૦% લખેલું હતું, બીજા ઉપર ધોરણ ૧૨ – ૯૫%, ત્રીજા ઉપર IIT ટોપર, ચોથા ઉપર MNC જોબ. ન જાણે કેટલા Milestone તે એક પછી એક પસાર કરતો ચાલ્યો ગયો. આગની ખાઈ હવે તેની એકદમ નજીક આવી ચૂકી હતી. તેની સાથે દોડી રહેલું ટોળુ પણ પાછળ રહી ગયુ હતું. તે જ વખત તેની નજર અચાનક જમણી બાજુની સડક પર પડી. તે એક અસમતળ, કાંટાઓથી ભરેલો માર્ગ હતો. તે માર્ગ ઉપર પણ કંઇક આત્માઓ દોડતા જઈ રહ્યા હતા. તે રસ્તાના અંત પર ખુશનુમા સુંદર બાગ-બગીચા દૂરથી દેખાઈ રહ્યા હતા. હુમાયુ ચાહતો હતો કે તે લપકીને એ સુંદર બગીચાઓવાળા રસ્તા પર ચાલે પરંતુ તે એમ ન કરી શકયો. બગીચાઓવાળા માર્ગ પર દોડનારાઓમાં કો’ક તેનો પરિચિત હતો. એક ઓળખીતો ચહેરો. પરંતુ કોણ??? એ કંઇક વિચારે તેના પહેલાં તો તે રસ્તાના અંતિમ છેડે પહોંચી ગયો અને આગની ખાઈમાં ઉપરથી નીચે પડવા લાગ્યો. જેમ-જેમ નીચેની તરફ પડતો જતો હતો, આગની ગરમી તેના શરીરને વધુને વધુ દઝાડે જતી હતી અને તે આગમાં પડવાની તૈયારીમાં જ હતો કે તેણે તેની આંખો બંધ કરી દીધી. “હય્યા-અલલ-ફલાહ”ની ધ્વનીની સાથે જ તેની આંખ ઉગડી ગઈ અને તે ફડાક કરતો બેઠો થઈ ગયો. સામેની ઘડિયાળમાં જોયું તો સવારના ૬ વાગ્યા હતા અને તે પથારીમાં બેઠો બેઠો હાંફી રહ્યો હતો. નજીકની મસ્જિદમાં મોઅઝ્ઝિન અઝાન દઈ રહ્યો હતો. તેનું શરીર પસીનાથી રેબ-ઝેબ થયેલું હતું અને તે હજુ સુધી આગની ગરમી અનુભવી રહ્યો હતો.

તો શું તે એક સ્વપ્ન હતું? તેને યાદ આવ્યું કે તે તો રાત્રે પાર્ટી કર્યા પછી ગાઢ નિંદ્રામાં ઊંઘી ગયો હતો તો શું તેનું એકસીડેન્ટ નહોતુ થયું? તે જીવંત હતો. હા! તેણે પોતાના શરીર ઉપર હાથ ફેરવીને જોયું અને ઘણો ખુશ થયો. ઓચિંતો તેના મગજમાં ધડાકો થયો. તે!..તે!… બગીચાઓ તરફ દોડી રહેલ તેનો પરિચિત બીજો કોઈ નહીં, પરંતુ સલીમ હતો, તેનો મિત્ર સલીમ! એ જ જે તેને નમાઝ માટે સમજાવ્યા કરતો હતો. તે જ જે તેને દીનની ખિદમત કરવા અને દીનની સ્થાપના કરવા માટેની તેહરીકમાં ભાગ લેવા માટે કહ્યા કરતો હતો. તે જ સલીમ જે દાઈ હતો અને હુમાયુને પણ દાવત માટે ઉપદેશ આપતો રહેતો. જોકે તેના જવાબમાં હુમાયુ આવું કહીને ટાળી નાખતો હતો કે, “યાર!… પહેલાં ભણી-ગણી લો દીનની ખિદમત માટે તો આખી જીંદગી પડી છે.” પરંતુ સલીમ તેને સમજાવતો કે “જો, હું દીનની ખિદમત પણ કરૃં છું અને અભ્યાસમાં પણ ધ્યાન આપું છું.” પરંતુ સલીમના આ ઉપદેશની હુમાયુ ઉપર કોઈ જ અસર નહોતી થતી. પરંતુ આજના સ્વપ્ન એ તેને ઝંઝેડીને મૂકી દીધો હતો. તેને સ્વપ્નનું ફળ સમજમાં આવવા લાગ્યું. તેને ઘણા દિવસો પહેલાં સલીમે “સૂરઃ અત્-તકાસુર” સમજાવી હતી. પરંતુ તે સમયે તેની સમજમાં કંઇ જ આવ્યું ન હતું. જ્યારે આજે એક સ્વપ્નના રૃપમાં “સૂરઃ અત્-તકાસુર”ની સંપૂર્ણ તફસીર તેની આંખો સામે હતી. તે બંને હાથો વડે પોતાના ચહેરાને ઢાંકીને બહુ જ રડયો અને તેણે Careeriesm અને ભૌતિકવાદના પટ્ટાને પોતાના ગળામાંથી કાઢીને ફેંકી દેવાનો નિશ્ચય કરી દીધો. ખુદાપરસ્તીના જુસ્સાથી સમર્પિત હુમાયુ ફજરની નમાઝ માટે વઝુ કરવા લાગ્યો… તેની જીભ પર “સૂરઃ અત્-તકાસુર” ચાલુ હતી.

સૂરઃ અત્-તકાસુર: “તમને લોકોને વધુને વધુ અને એકબીજાથી વધીને દુનિયા પ્રાપ્ત કરવાની ધુને ગફલતમાં નાખી રાખ્યા છે, યાં સુધી કે (આ જ ચિંતામાં) તમે કબરોના કિનારા સુધી પહોંચી જાઓ છો. કદાપિ નહીં, ટૂંક સમયમાં તમને ખબર પડી જશે. પછી (સાંભળી લો કે) કદાપિ નહીં, ટૂંક સમયમાં તમને ખબર પડી જશે. કદાપિ નહીં, જો તમે વિશ્વસનીય જ્ઞાાનના રૃપે (આ વર્તનના અંજામને) જાણતા હોત (તો તમારું આ વર્તન ન હોત). તમે જહન્નમ (નર્ક) જોઈને રહેશો, પછી (સાંભળી લો કે) તમે વિશ્વાસની સાથે તેને જોઈ લેશો. પછી જરૃર તે દિવસે તમારા પાસેથી આ કૃપાઓ વિષે જવાબ માગવામાં આવશે.”*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments