હઝરત અબુ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે અલ્લાહના રસૂલ (સ.અ.વ.)એ ફરમાવ્યુંઃ મજબૂત આસ્થાવાળો નબળી આસ્થાવાળા કરતાં અલ્લાહને વધારે પસંદ છે. ભલાઈ સર્વેમાં છે પરંતુ જેમાં તમને લાભ હોય તેની આશા સેવો (આખેરતમાં) અને અલ્લાહથી મદદ ચાહો અને હૃદયભગ્ન ન થાઓ અને જો કોઈ મુસીબત આવી પડે તો એમ ન કહો કે જો હું આમ ન કરતો તો આમ ન થાત વિગેરે. પરંતુ કહો, અલ્લાહે તે જ કર્યું જેનો તેણે આદેશ આપેલ છે અને તમારા “જો” અને “તો” શેતાનના દ્વાર ખોલે છે. (સહીહ મુસ્લિમ)
અર્થાત્ઃ ઈમાનવાળાની જીંદગીમાં તકદીરનું મહત્ત્વ સમજાવવા આ હદીસ ખૂબ અગત્યની છે. સાચા ઈમાનવાળા માટે તકદીરમાં શ્રદ્ધા મજબૂતી અને શક્તિ પ્રદાન કરે છે. અડગ શ્રદ્ધાથી મજબૂત વ્યક્તિત્વ અને દૃઢ મનોબળ પ્રાપ્ત થાય છે. અને તેથી જ નિષ્ફળતા કે કહેવાતી બદનસીબી ન તો તેને નિરાશાવાદી બનાવે છે કે ન તો તેનો જુસ્સો ઓછો થવા દે છે.
આવી પડેલ વિપદાનો સાચો ઈમાનવાળો બહાદુરીથી સામનો કરે છે, એ વિશ્વાસ સાથે કે અલ્લાહ જ તેને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ કરશે અને જો તે આને પાર પાડવામાં અહીં આલોકમાં નિષ્ફળ જશે તો પણ પરલોકમાં તો તેને બદલો મળશે જ.
સમયને વેડફ્યા વગર ઇમાનવાળાની દૃષ્ટિ તેના ભવિષ્ય તરફ અને તેના હાથ વર્તમાન સ્થિતિ સારૃ કાર્યરત હશે અને કોઈ “જો” અને “તો”માં પોતાનો સમય નહીં બગાડે.
આ હદીસ અડગ ઈમાનની દૃઢતાની અને બધી જ શક્યતાઓની પ્રેરણા આપે છે.*