Thursday, October 10, 2024
Homeઓપન સ્પેસતકવાનો અર્થ

તકવાનો અર્થ

પશ્ચિમી સંસ્કૃતિ ઇસ્લામી વિચારધારાના તાત્પર્યોથી આજપર્યત સાવ અભણ છે એટલે આજના યુગના વિવિધ પારિભાષીક શબ્દોમાં ‘તકવા’ના મૂળ અર્થભેદને વ્યક્ત કરી શકે એવો કોઈ શબ્દ મળવો અશક્ય છે. અંગ્રેજી શબ્દ પીટી (Piety)ને પોપ અને પાદરીઓ દ્વારા એટલી હદે વિકૃત કરી દેવાયો છે કે તકવાના મફહૂમની અભિવ્યક્તિ કરવામાં એનો ઉપયોગ યથાયોગ્ય રહ્યો નથી. વળી શબ્દ Pietyમાં ભાવાર્થની તે વિશાળતા પણ નથી જે અરબી શબ્દ ‘તકવા’માં વ્યક્ત થયેલ છે. આ બેઉ માર્ગો વચ્ચેનો તફાવત માત્ર વ્યક્તિગત જીવન સુધી જ મર્યાદીત નથી બલ્કે માનવજાતના સામૂહિક જીવનની રચના અને ગઠન સાથે તેનો ગાઢ સંબંધ જોડાયેલો છે.

જે માનવસમુહોમાં સ્વછંદતાપૂર્વક વર્તનારા લોકોની ભરમાર હશે, જે સમાજનો જીવન ઢાંચો જ મૂળભૂત રીતે સ્વચ્છંદતાપ્રિય હશે, અને એવા હાથોમાં જ જીવનની તમામ લગામો સોંપી દેવાએલી હશે તથા એવી સ્વચ્છંદતાપ્રિય લોકો જ તેનું નેતૃત્વ કરતા હશે તે માનવ સમાજોનો જીવનઢાંચો સ્વચ્છંદી વ્યવહારો અને સ્વચ્છંદી આચાર-વિચારોથી ગ્રસ્ત હશે. તેમની જીવનધારા તેમના નૈતિક-અનૈતિકતા અંગેના ધારાધોરણોમાં તેમની અર્થવ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા અને પ્રશિક્ષણમાં તેમની રાજ્યવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સ્વચ્છંદતા અને સ્વાર્થ પરાયણતાનું સામ્રાજ્ય છવાએલું હશે. એ શક્ય છે કે તેમના અંદર અમુક લોકો વ્યક્તિગત સ્વાર્થ સાધૂતા અને અબાધિત લાભપ્રિયતાની અમાનવીય લાગણીઓથી દૂર રહેવાનું પસંદ કરતા હોય, તેમ છતાં ઉચ્ચ સદ્ગુણિતાના જે સ્થાન સુધી પહોંચવું તેમના માટે શક્ય બની શકે છે તેની હદમર્યાદાઓ માત્ર એટલી જ હશે કે પોતાનાં વ્યક્તિગત લાભાલાભોને તેઓ કૌમીધારામાં એ રીતે ગુમ કરી દે, કે એ સમાજની પ્રગતિમાં જ તેમનું હીત-અહીત ડૂબી જાય અને તેની પડતીમાં જ તેને પોતાની પડતી દેખાવા લાગે. એટલે એવા સમાજ સાથે રહીને ચાલનારા અમુક લોકોમાં ફુજુર (સ્વચ્છંદતા)નું પ્રમાણ નહીવત ભલે હોય પરંતુ તેનાથી તેમના સામૂહિક જીવનની ધારામાં કોઈ ફરક પડી શકતો નથી. એવા સમાજોનું સામુહિક જીવન માત્ર પોતાનાં અંગત લાભાલાભો, તકસાધૂતા, ભૌતિકવાદ અને કોમી હીતોની જાળવણી માટે નિતીમત્તા વિરૂદ્ધ આચરવામાં આવતી મસલેહતપસંદી ઉપર નિર્ભર કરતું હોય છે.

આ વૈચારિકતાથી વિપરીત ‘તકવા’ ઉપર આધારિત જીવનવ્યવસ્થા એક આગવી પ્રતિભા ધરાવે છે. અહીંયા વ્યક્તિગત કે સામૂહિક લાભાલાભ માટે મૂળભૂત સિદ્ધાંતો અને આદર્શોમાં કોઈપણ પ્રકારનાં ફેરફારને જરાય અવકાશ નથી. આ અનોખી વિચારધારા અને પ્રાકૃતિક આસ્થાઓને વરેલા માનવસમૂહોમાં જ્યારે અને જ્યાં પણ તકવાનું પ્રભુત્ત્વ છવાએલું રહે છે અને એવા સમાજનું ડરનું પ્રભુત્તવ વ્યાપક પણે છવાએલું રહે છે. આવા સમુહોનું જીવન ઈશ સમર્પણતાના રંગે રંગાએલું રહે છે. તેઓ સામાયિક અને હંગામી પરિસ્થિતીઓમાં પણ પોતાનાં સિદ્ધાંતો અને આદર્શો સમયને અનુરૃપ રીતે ઘડવા અને ચલાવવા માટે પોતાની જાતને અધિકૃત સમજતા નથી. બલ્કે તેઓ તેમને ઘડીને આપવામાં આવેલા ખાસ બંધારણ અને નીતિનિયમોના દાયરામાં રહીને જ પોતાની વ્યવસ્થાને ચલાવવામાં કૃતિનિશ્ચયી રહે છે અને પોતાના મૂળભૂત જીવન ધ્યેયને સંપૂર્ણપણે સમર્પિત રહે છે. પોતાનાં આદર્શો અને મુલ્યો પ્રમાણેની વ્યવસ્થા ચલાવવામાં તેઓ એટલા અટલ હોય છે કે તેના અનુપાલનમાં પોતાની કોમને કયા લાભ કે શું નુકસાન પહોંચે છે તેની જરાય ગણના કરતા નથી. તેઓ ભૌતિક લાભાલાભની પાછળ પડીને પોતાના સિદ્ધાંતો અને આદર્શોને કોરાણે મુકવા કદી તૈયાર હોતા નથી. બલ્કે પોતાની સમાજ વ્યવસ્થાને મજબૂત આત્મીક અને નૈતિકતાના ધારાધોરણો ઉપર જાળવી રાખવા પોતાની તમામ શક્તિઓને ખર્ચી નાખવા તત્પર રહે છે. તક સાધૂતા તેમને જરાય ડગમગાવી શકતી નથી. તેના માટે તેઓ પોતાનાં સિદ્ધાંતો અને આદર્શોને તોડવાનું દુઃસાહસ કદી કરતા નથી. પરિસ્થિતીઓ વિપરીત જ કેમ ન હોય તેઓ હંમેશા તેમને બતાવવામાં આવેલા સત્યના આધારો ઉપર જ કામ કરતા રહે છે. તેઓ એ વાતને કદી ગણનામાં લેતા નથી કે તેમની પ્રતિસ્પર્ધી કોમો શક્તિ અને સાધન સંપ્પનતામાં મજબૂત છે કે કમજોર, તેઓ તેમના ઉપર સંપૂર્ણ અધિકાર ધરાવતા પોતાના સર્જનહાર અને પાલનહાર ખુદાથી જ ડરતા રહે છે. તેની સામે ઉપસ્થિત થઈને પોતાના કર્મો અને કાર્ય પ્રણાલીઓનો તેમણે જવાબ આપવો જ પડશે એ વાતની ચિંતા તેમને હરહંમેશ ડરાવતી રહે છે.

ઇસ્લામી પ્રશિક્ષણ મુજબ ધરતી ઉપર ફસાદની જડ અને માનવતાને ખંડીત કરનારી જો કોઈ બાબત હોય તો તે સ્વચ્છંદતાની છત્રછાયામાં ચાલનારા જીવનવ્યવહારો છે. ઇસ્લામ આ સ્વચ્છંદતાની વ્યવસ્થાને માવનજીવનમાંથી સદંતર રીતે નાબૂત કરવાનો અભિગમ ધરાવે છે. તે આ ઝહેરીલા સાપને જ મારી નાંખવા માંગે છે અથવા તો કમસેકમ તેનાં દાંત તોડી નાંખવા માંગે છે જેથી જો આ સાપ જીવતો રહે તો પણ માનવજાતને ડસવાની શક્તિ તેનામાં બાકી જ ન રહે. આ કામ માટે માનવજાતમાંથી તે એવા લોકોને વીણી વીણીને એક પ્લેટફોર્મ ઉપર લાવવા અને પોતાના પક્ષમાં સમાવિષ્ટ કરવાની ઇચ્છા ધરાવે છે. જેઓ શુદ્ધ ચરિત્ર, નિષ્કામ ભાવના અને તકવા આધારિત જીવનને જ પ્રાથમિકતા આપતા હોય. ઇશવિમુખ થઈને સ્વચ્છંદતા તરફ ઢળી જનાર લોકો માનવજાતની આમૂલ ભલાઈના આ કામમાં સહાયભૂત થઈ શકતા નથી. પછી ભલે તેઓએ સંજોગવશ મુસ્લિમ ઘરાનાઓમાં જ જન્મ કેમ ન લીધો હોય? આવા ડગમગીત થઈ જનારા લોકો દેખાવમાં મુસ્લિમ કોમની યાતનાઓનું ગમે એટલું દુઃખ દર્દ વ્યક્ત કેમ ન કરતા હોય, પણ વાસ્તવમાં તેઓ માનવજીવનની ઈશઅર્પીત આધારો ઉપર સુધારણા કરવાનાં કામમાં મદદરૃપ બની શકતા નથી.

ઇસ્લામી સુધારણા કાર્યક્રમને એવા લોકોની જરૃર છે જેમના અંદર તેમના ઉપર લાગુ કરવામાં આવનારી જવાબદારીઓનું સંપૂર્ણ ભાન હોય, જેઓ પોતે જ પોતાનો હિસાબ લેવાનો અભિગમ ધરાવતા હોય, જેઓ પોતાની નિયતો અને ઇરાદાઓ ઉપર સતત નજર રાખતા રહે. કાનૂન મર્યાદાઓના પાલન માટે તેમને કોઈપણ પ્રકારના બાહ્ય દબાવની કોઈ આવશ્યકતા જ ન હોય. તેમનાં અંતરમાં જ એક એવો ચોકીદાર બેઠેલો હોય જે તેમના અંતરિક અને બાહ્ય રીતે કાનૂનમર્યાદાઓના પાબંદ બનાવી રાખે અને અનાયાશે જો તેમનાથી કોઈ કાનૂનભંગ થઈ જાય તો અંતરનો આ ચોકીદાર તેમને ડંખતો રહે, ચેતવણી આપતો રહે. ભલે પછી પોલીસ કે કોઈ અદાલતને તેની ગંધ શુદ્ધાં આવી શકતી ન હોય. તેમનો અંતરઆત્મા જ તેમના માટે પોલીસ અને અદાલતી કાર્યવાહીની સેવા બજાવતો હોય.

ઇસ્લામ એવા વ્યક્તિવિશેષોની ઝંખના કરે છે જેમને આ વાતનું મજબૂત યકીન હોય કે અલ્લાહની આંખ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે. તેમના પ્રત્યેક કૃત્યોને જોઈ રહી છે. ઇસ્લામ પોતાની સેવા માટે એવા લોકો ઇચ્છે છે જેમને સદા એ વાતનું ભાન હોય કે આખરે અને અંતે તેમણે અલ્લાહની અદાલતમાં ઉભા થવાનું છે અને તેમને સોંપવામાં આવેલ જવાબદારીઓ તેમણે કેવી અને કેટલી અદા કરી તેનો રજેરજનો હિસાબ તેમના પાસેથી અચૂક લેવામાં આવશે. જે લોકો દુનિયાના ગુલામ ન હોય, સામયિક મસ્લેહતો તરફ ઢળી જનારા ન હોય અને માત્ર કોમના લાભાલાભ જ જેમનું જીવનલક્ષ્ય ન હોય તેવા જ લોકો સામૂહિક સુધારણાના આ કામને પાર પાડી શકશે. ઉમ્મતને જ્યારે પણ આવા દિલેર, ખુદાપરસ્ત અને સંયમી લોકોની વિસ્તૃત સેવાઓ મળી જશે ત્યારે અલ્લાહનો આ દીન, ઇસ્લામની આ જીવનવ્યવસ્થા સાચા અર્થમાં પોતાનાં અસલ રંગરૃપ બતાવી શકશે અને માનવજીવનને સ્વચ્છંદતાએ પેદા કરી દીધેલી યાતનાઓથી મુક્ત કરી શકશે. —

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments