અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
૧૭. હા, એ જાણી લો કે અલ્લાહ ઉપર તૌબાના સ્વીકારનો હક્ક તે લોકો માટે જ છે જેઓ અજાણતામાં કોઈ ખરાબ કૃત્ય કરી બેસે છે અને તે પછી તરત જ તૌબા કરી લે છે. આવા લોકો તરફ અલ્લાહ પોતાની કૃપાદૃષ્ટિથી ફરી ધ્યાન આપે છે, અને અલ્લાહ બધી જ વાતોની ખબર રાખનાર અને તત્ત્વદર્શી અને ઊંડી સમજ ધરાવનાર છે.
૧૮. પરંતુ તૌબા તે લોકો માટે નથી જેઓ ખરાબ કૃત્યો કરતા જ રહે છે, ત્યાં સુધી કે જ્યારે તેમનામાંથી કોઈના મૃત્યુનો સમય આવી જાય છે તે વખતે તે કહે છે કે હવે મેં તૌબા કરી, અને તે જ રીતે તૌબા તે લોકો માટે પણ નથી જેઓ મૃત્યુ-પર્યંત કાફિર (ઇન્કાર કરનાર બની) રહે. આવા લોકો માટે તો અમે દુઃખદાયી યાતના તૈયાર કરી રાખી છે.
૧૯. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! તમારા માટે એ હલાલ (વૈધ) નથી કે બળજબરીપૂર્વક સ્ત્રીઓના વારસદાર બની બેસો, અને એ પણ હલાલ નથી કે તેમને પજવીને તે મહ્રનો કેટલોક ભાગ પડાવી લેવાની કોશિશ કરો જે તમે તેમને આપી ચૂક્યા છો. હા, જો તેઓ કોઈ ખુલ્લી બદકારીનું કામ કરે (તો ચોક્કસ તેમને તંગ કરવાનો હક્ક છે.) તેમના સાથે ભલી રીતે જીવન વિતાવો. જો તેઓ તમને પસંદ ન હોય તો બની શકે છે કે એક વસ્તુ તમને પસંદ ન હોય પરંતુ અલ્લાહે તેમાં જ ઘણીબધી ભલાઈઓ મૂકી દીધી હોય.
૨૦. અને જો તમે એક પત્નીની જગ્યાએ બીજી પત્નીને લઈ આવવાનો ઇરાદો જ કરી લીધો હોય તો ચાહે તમે તેને ધનનો ઢગલો જ કેમ ન આપ્યો હોય, તેમાંથી કંઈ પણ પાછું ન લેશો. શું તમે તેને ખોટું કલંક લગાવીને અને ખુલ્લો અન્યાય કરીને પાછું લેશો ?
૨૧. અને તમે તે કેવી રીતે લઈ લેશો જ્યારે કે તમે એકબીજાથી આનંદ પ્રાપ્ત કરી ચૂક્યા છો અને તેણીઓ તમારા પાસેથી પાકું વચન લઈ ચૂકી છે ?
૨૨. અને જે સ્ત્રીઓ સાથે તમારા પિતાઓ નિકાહ (લગ્ન) કરી ચૂક્યા હોય તેમના સાથે કદાપિ નિકાહ ન કરો, પરંતુ જે પહેલાં થઈ ગયું તે થઈ ગયું. હકીકતમાં આ એક અશ્લીલ કૃત્ય છે, અપ્રિય છે અને ખરાબ પ્રથા છે. (રુકૂઅ-૩)
૨૩. તમારા માટે હરામ (અવૈધ) કરવામાં આવી તમારી માતાઓ, પુત્રીઓ, બહેનો, ફોઈઓ, માસીઓ, ભત્રીજીઓ, ભાણીઓ અને તમારી તે માતાઓ જેમણે તમને દૂધ પીવડાવ્યું હોય, અને તમારી દૂધ-બહેનો, અને તમારી પત્નીઓની માતાઓ, અને તમારી પત્નીઓની પુત્રીઓ જેઓ તમારા ખોળામાં ઉછરી છે. – તે પત્નીઓની પુત્રીઓ જેમના સાથે તમારો પતિ-પત્ની તરીકેનો સંબંધ સ્થાપિત થઈ ચૂકયો હોય, અન્યથા જો (માત્ર નિકાહ થયા હોય અને) પતિ-પત્નીનો સંબંધ ન થયો હોય તો (તેમને છોડીને તેમની પુત્રીઓ સાથે નિકાહ કરી લેવામાં) તમારી કોઈ પકડ નથી – અને તમારા તે પુત્રોની પત્નીઓ જેઓ તમારા વીર્યથી હોય. અને તમારા માટે તે પણ હરામ (અવૈધ) કરવામાં આવ્યું છે કે એક સાથે બે બહેનોથી નિકાહ કરો, પરંતુ જે અગાઉ થઈ ગયું તે થઈ ગયું, અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે.
સૂરઃ નિસા-૪