સમીર કંપનીના કામથી બેંગ્લોર જવા માટે રેલ્વે સ્ટેશને ટ્રેનની રાહ જોઇ રહ્યો હતો. ત્યારે જ તેની નજર મુંબઇથી આવનારી ટ્રેનથી ઉતરનાર એક વ્યક્તિ પર પડી. તેણે તરત જ બૂમ પાડી રાજૂ… રાજેશ ચોંકી ગયો. કારણ કે સ્કૂલના હુલામણાં નામે પોકારનાર કોઇ જૂનો મિત્ર હોવો જોઇએ. તેણે પાછળ વળીને જોયું તો એક ઓળખાતો ચહેરો દેખાયો. પરંતુ સમય ખુબજ વીતી ગયો હોવાથી સ્પષ્ટ ઓળખ ન કરી શક્યો. પેલી વ્યક્તિએ નજીક આવીને પ્રશ્ન કર્યો ઓળખાણ પડી? રાજુએ કહ્યું અવાજ તો પરીચિત લાગે છે. થોડીવાર વિચારીને બોલ્યો સમીર!. પેલી વ્યક્તિ બોલ્યો હા.
બંને એક બીજાને ભેટી પડ્યા. અબે કિતાબી કીડે તું તો ખૂબ જાડો થઇ ગયો છે, ઓળખાતો પણ નથી, બીજું શું ચાલે છે લગન બગન કર્યા કે નહીં? રાજેશ પુછ્યું.
લગ્ન તો ક્યારના થઇ ગયા યાર. ત્રણ બાળકો, સુંદર મજાની સુશિલ પત્નિ અને પોતાનો બંગ્લો ધરાવો છું. બસ લાઇફમાં આનંદ જ આનંદ છે. બી ફાર્મ પછી એમ.ફાર્મ કર્યું કે તરત જ એક પ્રખ્યાત મલ્ટી નેશનલ કંપનીની ખુબજ સારી ઓફર મળી. મે આ તકને ઝડપી લીધી. મમ્મી પાપાએ લગ્ન ગોઠવી નાખ્યા. આજે આસિસ્ટન્ટ મેનેજરનો મોભાદાર હોદ્દો સંભાળી રહ્યો છું. આકર્ષક પગાર છે. બેંગ્લોરમાં પણ એક લકઝરીયસ ફલેટ છે. ભવિષ્યમાં ત્યાં જ સેટ થઇ જવાનું વિચારું છું. અરે યાર મારી છોડ તારા વિશે જણાવ. ચાલ ત્યાં સુધી કંઇક ઠડંુ ગરમ થઇ જાય. તે તો કોલેજમાં છોકરીઓ પાછળ ખુબજ પૈસો ઉડાવ્યો છે. આજે મને તારા માટે થોડો ખર્ચ કરવા દે. અને હાં, તારી પેલી વેલેન્ટાઇન “પારો”નું શું થયું.
રાજેશ એકાએક ગંભીર થઇ ગયો. યાર જવા દે ને મારુ તો જીવન જ નર્ક સમાન બની ગયું છે. પારોની પાછળ ભણતર બગાડ્યું. પૈસા લુંટાવ્યા. મા-બાપને નારાજ કર્યા. તેમની મરજી વિરૂદ્ધ જઇને તેની સાથે લગ્ન કર્યા. લગ્ન પછી તેણે તેનું અસલ પોત પ્રકાશ્યું. નાની નાની વાતે ઝઘડાઓ ઘરમાં થવા લાગ્યા. આવક કરતા વધારે ખર્ચ કરવાના શોખને કારણે આજે દેવાદાર થઇ ગયો છું. ઘર ગિરવે મુકી દીધુ છે. માતા-પિતા કંકાશને કારણે જુદા રહેવા જતા રહ્યા છે. ખુબજ બીમાર છે. તેમની સેવા પણ નથી કરી શકતો. તેના કર્કશ સ્વભાવને કારણે મહીના પહેલા મારી એક બેબી અને એક બાબાને લઇને પીયર જતી રહી છે. કોર્ટમાં કેસ કરવાની ધમકી આપે છે. ખાધા ખોરાકીના પૈસા માંગે છે. બાળકોને મળવા સુધ્ધા નથી દેતી. અને છુટા છેડાની નોટિસ મોકલાવી દીધી છે. બોલતા બોલતા રાજેશ પોક મુકીને રડવા લાગ્યો.
સમીરે તેને સાંત્વના આપતા કહ્યું, રાજેશ ઇશ્વર ઉપર શ્રદ્ધા રાખ. બધુ સારૃ થઇ જશે. આંખોમાંથી સરતા આંસુઓ લુછતા રાજુએ કહ્યું, સમીર તુ સાચું જ કહેતો હતો ભણવા પાછળ ધ્યાન આપ અને છોકરીઓના ચુંગલમાંથી બહાર નિકળ. કોલેજનો સમય આપણા માટે બહુ મુલ્ય છે તે આપણા ભવિષ્યને ઘડવા માટે છે, મૌજ મસ્તી કરવા માટે નહીં. આજે તારા એ વાક્યો અને શિખામણો મારા મગજમાં અનેકવાર ગુંજતા રહે છે. ત્યારે તો મોજ મસ્તી ખાતર ધ્યાન નહોતા આપતો પરંતુ હવે….. વાત કાપતા સમીરે કહ્યું હવે શું? ભૂતકાળને એક બિહામણું સ્વપ્ન સમજીને ભૂલીજા અને નવેસરથી વિશ્વાસપુર્વક જીવન જીવવાની શરૃઆત કર. કોઇ યોગ્ય પાત્ર શોધી લે.
તારી વાત ખરી છે. મમ્મી પપ્પા પણ એ જ ચિંતામાં રહે છે. હવે મારે કોઇને શોધવી નથી. મમ્મી પપ્પા જ્યાં ગોઠવશે ત્યાં ગોઠવાઇ જઇશ.
હવે તુ બરાબર સમજ્યો, સમીરે કહ્યું. અને કોઇ પણ જાતની ચિંતા ન કર તારો આ મિત્ર ક્યારે કામ આવશે. લે આ મારૃ કાર્ડ. અઠવાડિયા પછી ઓફિસે આવીને મળી જજે. સરસ નોકરીની વ્યવસ્થા થઇ જશે. કંપનીનું ઘર પણ અપાવી દઇશ. અને હા, મમ્મી પપ્પાને યાદ આપજે. ટ્રેન ઉપડવાની તૈયારી છે. પાછા ફરીશું તો મળીશું બાય, સીયુ અગેન. ટેક કેર.