દેશના વિકાસ, ઉન્નતિ અને સમૃદ્ધિ માટે પુર્વશરત છે કે તેમાં દરેક નાગરિકને શાંતિપુર્ણ માહોલ પ્રાપ્ત થાય. શાંતિપૂર્ણ માહોલ તેના નાગરિકોમાં આત્મવિશ્વાસનું સિંચન કરશે અને કંઇક સાહસ કરવા પ્રેરશે. ધંધા-વેપાર અને રોજગારનો વિકાસ શાંતિપુર્મ માહોલ વિના શક્ય નથી. દેશની આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થાય તેના માટે ધંધા રોજગાર અને વેપારની સમાન તકો દેશના નાગરિકોને મળે તે ખૂબ જરૂરી છે. આ તકો અને માહોલને પુરુ પાડવાની જવાબદારી સરકારની છે. દેશની આંતરિક સુરક્ષાને મજબૂત અને સક્ષમ બનાવવું અને દેશના નાગરિકોને સુરક્ષિત હોવાનો અનુભવ કરાવવો અતિઆવશ્યક છે.
પરંતુ દેશમાં વધતા જતા આતંકવાદ અને ઘુસણખોરીના કિસ્સાઓને કારણે દેશની આંતરિક સુરક્ષા બાબતે સુરક્ષા તંત્રની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ છે. પંજાબના ગુરુદાસપૂર અને પછી જમ્મુ-કાશ્મીરના ઉધમપૂરની આતંકવાદી ઘટના દેશની આંતરિક સુરક્ષાની ચાડી ખાય છે. અવાર-નવાર આતંકવાદી હુમલાઓની ઘટનાથી લોકોમાં ભય અને અસુરક્ષિત હોવાનો અહેસાસ પ્રબળ બનતુ જાય છે. દેશના દરેક ખુણામાં રહેતા માનવી માટે હવે આ ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. દેશની આંતરિક સુરક્ષાને ખલેલ પહોંચાડવા માટે અવળચંડાઈ કરતા બાહ્ય પરિબળોની તપાસ કરવી રહી. પાડોસી દેશો સાથે એમ તો આપણે મંત્રણાઓ અને સંધિઓ કરતા હોઈએ છીએ. મીડિયામાં છપાતા ફોટાઓમાં પાડોશી દેશો સાથેના નેતાઓ જોડે જાણે આપણો ઘરોબો હોય અને મિત્રતાના દાયકા ગુજરી ગયા હોય તેવા હસ્તા ચહેરા દેખાય છે. પરંતુ મંત્રણા ફકત મંત્રણા ખાતર થતી હોય તેવું લાગે છે, પરિસ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. સીમા ઉલ્લંઘનના અનેક કિસ્સાઓ ખાસ કરીને પાકિસ્તાન અને ચીન દ્વારા ખૂબ ઓછા સમયગાળા દરમિયાન બની ગયા છે.
આતો વાત થઈ બાહ્ય પરિબળોની. શાંતિને ફેલાવવા માટે જરૂરી છે કે આંતરિક પરિબળો પણ માથુ ન ઉચકે. દેશમાં વસ્તા કેટલાક અસામાજીક તત્વો નથી ઇચ્છતા કે દેશમાં શાંતિનો માહોલ કાયમ રહે અને સાંપ્રદાયિક સૌહાર્દની ભાવના સ્થપાય. કારણ કે જો એવું થાય તો તેમના સામાજીક, સંસ્થાકીય અને રાજનૈતિક લાભોને નુકસાન પહોંચવાનો તેમને ભય છે. ઉત્તરભારતમાં બે કોમો વચ્ચે ખુબજ ટુંકા ગાળામાં પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પરિસ્થિતિનું મુલ્યાંકન એવી રીતે કરે છે અને એવી રીતે નિવેદન આપે છે કે જેથી તેમને રાજકીય લાભ થાય. રાજકીય લાભ ન થતો હોય તો મુકબધીર બની રહેવામાં જ તેમને ‘ડહાપણ’ દેખાય છે. બીજી તરફ કેટલાક નેતાઓ સાંપ્રદાયિક હુલ્લડો ફેલાવવામાં સક્રીય છે. ક્યારેક રામઝાદા અને હરામઝાદાની પરિભાષા શીખવાડવામાં આવે છે તો ક્યારેક પાકિસ્તાન જતા રહેવાની વણમાંગેલી સલાહ આપવામાં આવે છે. ક્યારેક એક કોમ વિરુદ્ધના અભિયાનો રાષ્ટ્રવાદ તેમજ રાષ્ટ્રભક્તિના નામે છેડવામાં આવે છે જેમને સરકાર દ્વારા છુુપો ટેકો પણ હાંસલ હોય છે. આમ દેશને અશાંત રાખવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બધુ કરવાથી દેશને તો ચોક્કસ કોઈ ફાયદો થતો નથી પરંતુ ભોળી જનતાને આર્થિક અને સામાજીક સ્તરે ખૂબ નુકસાન જરૃર પહોંચે છે.
જનતા કે પ્રજાએ આવા ઢોંગી રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમના માસ્ક પહેરીને નાપાક ઇરાદાઓ ધરાવતા લોકોને ઓળખવા પડશે અને દેશની એકતા અને સમાનતામાં જ દેશનો વિકાસ રહેલો છે એ સમજવું પડશે. આવા નેતાઓ અને ધાર્મિક આગેવાનોની વાતને કાને ન ધરવાની જવાબદારી આપણી છે. આપણે જ તેમની વાકછટાથી મોહિત થઈને તેમના કહ્યા પ્રમાણે આવેશમાં આવી અશાંતિ ફેલાવવા તૈયાર થઈ જઈએ છીએ. આપણે આપણા મન-મસ્તિષ્ક પર કાબૂ રાખવાની જરૃર છે અને પરિસ્થિતિને સમજી નિર્ણય લેવાની જરૃર છે. જ્યારે દેશના લોકો આ વાતને સમજી જશે ત્યારે અશાંત માહોલ ફેલાવવા અને કોમી સંવાદિતાને તોડવાનો પ્રયાસ કરનારા લોકો કામ વગરના થઈ જશે અને દેશ સફળતા અને ઉન્નતિના પાટા પર દોડશે.
ન્યાયની બાબતમાં પણ દેશમાં ન્યાયતંત્રની પરિસ્થિતિ હોવી જોઈએ તેવી નથી રહી. ન્યાય તંત્ર સરકારના રાજનૈતિક નિર્ણયોને પાર પાડવા લાગી ગયો છે. અને લોકશાહીમાં તેમની સ્વતંત્ર ભૂમિકા પર બટ્ટો લાગ્યો છે. હાલમાં જ યાકુબ મેમણને આપવામાં આવેલી ફાંસી તેનો તાજો ઉદાહરણ છે. બીજી તરફ ટ્રાયલમાં હોય તેવા કેસો જેમકે સમઝૌતા એક્ષપ્રેસ, માલેગાંવ,અજમેર શરીફ અને મક્કા મસ્જિદની સુનાવણી ગોકળ ગતિએ ચાલી રહી છે અને એક પછી એક સાક્ષીઓ ફરી રહ્યા છે. મોડાસાનો કેસ પુરતા પુરાવા ન હોવાથી પહેલેથી બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે આ કેસોનો ભવિષ્ય પણ અંધારામાં દેખાઈ રહ્યું છે. માલેગાંવ કેસમાં સીબીઆઈના એક ઓફિસર દ્વારા પબ્લિક પ્રોસીક્યુટર રોહીણી સાલિયાનને કહેવામાં આવેલી વાત તેમણે જે નિર્ભયતાથી મીડિયા સમક્ષ કહીને ચકચાર જગાવ્યું તેના પરથી સીબીઆઈની ‘સ્વતંત્ર તપાસ’ અંગેની માન્યતા પણ ખોટી પુરવાર થઈ રહી છે. માયાબેન કોડનાની અને બાબુ બજરંગીને આજીવન કારાવાસની સજા ફટકારનાર જજને મળતી ધમકીઓ અને તેમની સુરક્ષા વધારવાને બદલે ઓછી કરવામાં આવવું અચરજ પમાડનારું છે.
હાલમાં જ એઆઈપીએમટી ની પરીક્ષામાં કેવા કપડા પહેરીને આવવું તે બાબતે એક સર્કયુલર બહાર પાડવામાં આવ્યું જેમાં સ્લીવ લેસ અને હલકાં કપડા પહેરીને પરીક્ષા આપવા આવવાનો આદેશ હતો. જેમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓની હાલાકી થાય તેવા સ્પષ્ટ નિર્દેશ હતા. મુસ્લિમ વિદ્યાર્થિનીઓને પડદા સાથે પરીક્ષામાં બેસવા દેવામાં આવે તેવી અરજી સાથે સુપ્રિમ કોર્ટના બારણા ખખડાવવામાં આવ્યા જ્યાંથી કોઈ ન્યાય તો ન મળ્યો પરંતુ ચીફ જસ્ટીસ એચ.એલ. દત્તુ તરફથી “એક દિવસ પડદો ન કરો તો તમારી શ્રદ્ધા ગાયબ થઈ જવાની નથી” તેવી ટિપ્પણી જરૃર મળી. જજ સાહેબ જો તમે એક દિવસ પોતાના બ્લેક ગાઉન પહેરીને કોર્ટમાં ન આવો તો ચાલે?
ન્યાયની આ પરિસ્થિતિ સંલગ્ન લોકોમાં અવિશ્વાસની લાગણી પેદા કરે છે અને અન્યાય થયાનો અહેસાસ થયા કરે છે. દેશના લોકોમાં દેશ અને સરકારમાં વિશ્વાસ ટકી રહે તેના માટે જરૂરી છે કે ન્યાય તંત્રને દરેક પ્રકારના પુર્વગ્રહો અને પક્ષપાતથી દૂર રાખવામાં આવે અને નિર્ભયતાથી ચુકાદો આપવામાં આવે. પછી ભલે દેશનો પ્રભાવશાળી અને લોકનેતા પણ કસુરવાર હોય. કુઆર્નમાં લોકોને કહેવામાં આવ્યું છે, “ન્યાયના ધ્વજવાહક બનો.” (સૂરઃનિસા ૧૩૫)
યુવાસાથીના વાચકોને આ વિશે વિચારવા અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ આ ફોકસ ઇસ્યુ પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે. દેશના જવાબદાર અને સમજુ નાગરિક તરીકે આપ આ તરફ જરૃર વિચારશો, તેવી આશા છે. આ અંકમાં દેશની શાંતિ, ન્યાય અને સાંપ્રદાયિક સૌહાર્દની હાલતનો સંપૂર્ણ ચિતાર પ્રસ્તુત કરવામાં આવ્યું છે. શાંતિ, સલામતી, ન્યાય અને કોમી સંવાદિતા કઇ રીતે સ્થપાય અને રાષ્ટ્રનિર્માણ તેના વિચાર સમાજના જાગૃત લોકો દ્વારા લખાવવામાં આવ્યા છે અને લગભગ તમામ મુદ્દાઓને સમાવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.