Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપધર્મ, હિંસાથી રોકનારૃં : એક ઇસ્લામી દૃષ્ટિકોણ

ધર્મ, હિંસાથી રોકનારૃં : એક ઇસ્લામી દૃષ્ટિકોણ

પ્રોફેસર ડી. જી. એ. ખાન

ધર્મ એક અનુશાસિત જીવન જીવવાનો માર્ગ છે અને તે જીવો અને જીવવા દો એમ બંને શીખવાડે છે. તમામ ધાર્મિક સિદ્ધાંતોનો નિષ્કર્ષ પ્રેમ, સહાનુભૂતિ, સત્ય અને અહિંસા હોય છે. વિવિધ ધર્મ અને શ્રદ્ધાઓમાં વિશ્વાસ રાખનારા જો ધાર્મિક શિક્ષા અને આદર્શોને અનુસરે તો ઘણા ધાર્મિક અને જાતીય ભિન્નતાને કારણે ઉદ્ભવતા સંઘર્ષને સહેલાઈથી નિવારી શકાય. હાલના સંઘર્ષમયી સમયમાં ધર્મ લોકોને સંગઠિત કરવામાં અને અત્યાચાર, અન્યાય અને શોષણથી મુક્ત કરી નૈતિક સિદ્ધાંતો પર આધારિત સમાજની સ્થાપના કરવામાં અસરકારક સાબિત થઈ શકે તેમ છે.

ઇસ્લામનો અર્થ થાય છે શાંતિ અને વ્યક્તિની અલ્લાહને બિનશરતી સમર્પણની ભાવના. અલ્લાહ આ દુનિયાનો સર્જનહાર હોવાથી તેણે પોતાના સર્જનને સારી રીતે જીવન જીવવા માટે નીતિ-નિયમો ઘડયા છે. જીવનનો સાચો મર્મ અને સત્યને ઓળખવા માટે અલ્લાહે પોતાના પયગમ્બરોને (સંદોશાવાહકો) જુદા જુદા સમયે અને જુદા જુદા સ્થળોએ મોકલ્યા. હઝરત મુહમ્મદ સ.અ.વ. દુનિયામાં આખરી નબી તરીકે લોકોને સાચો રસ્તો બતાડવા અને સત્ય શીખવાડવા આવ્યા. તેમણે તેમની સત્ય માર્ગની શિક્ષાઓ આવનારી પેઢીઓ માટે છોડી આ દુનિયાથી વિદાય લીધી. તેમણે શીખવાડયું કે વૈશ્વિક ભાઈચારો એ ઇસ્લામનો ધ્યેય છે. કારણ કે તે સમગ્ર માનવજાત માટે જરૂરી છે. ઇસ્લામ સ્ત્રીઓનો આદર શીખવાડે છે અને સમાજના નબળા વર્ગોનો ઉત્થાન કરી મનેચ્છાઓ મુક્ત અને ડર મુક્ત સમાજને અસ્તિત્વમાં લાવવા માગે છે. તે સંગઠિત થઈ જીવવાનો સંદેશો આપે છે અને એવી તમામ બાબતોથી રોકે છે જે વ્યક્તિને હિંસા, મુર્ખતા, છીછરાપણું અને ધાર્મિક અશાંતિ ફેલાવવા માટે પ્રેરે.

આ કમનસીબી છે કે ઘણાં મુસ્લિમો આજે પવિત્ર કુઆર્ન અને મુહમ્મદ સ.અ.વ.ની શિક્ષાઓથી જોજનો દૂર છે. તેઓ પોતાની બિન-ઇસ્લામિક જીવનશૈલીને ઇસ્લામિક રીતે ફેલાવી રહ્યા છે. બીજા ધર્મના લોકોની પણ આ જ પરિસ્થિતિ છે. કેટલાક તત્વો લોકોને સાચા માર્ગેથી ભટકાવીને ધર્મનો ઉપયોગ અસ્થાયી ફાયદો હાંસલ કરવા માટે કરે છે. ધાર્મિક વિવિધતાને લોકોમાં ઝેર ફેલાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે જે હિંસામાં પરિણમે છે.

એકંદરે ધર્મના અનુયાયીઓથી જે ભૂલ થાય છે તેે છે ધાર્મિક શિક્ષાને ઓછું કરવાની અને ધર્મને પોતાના સ્વાર્થ પ્રમાણે સમજાવવાની. જેના પરિણામ સ્વરૃપે ધાર્મિક ઉપદેશકની વૈશ્વિક છબીને નુકશાન પહોંચે છે. આમ ધર્મ સીમિત અને સાંપ્રદાયિક પુરવાર થાય છે. આવું જ કઈક ઇસ્લામ સાથે બન્યું છે.

માનવજાતની ઉન્નતિ થાય તેવી તમામ ઇસ્લામી શિક્ષાઓની ચર્ચા અહીં શક્ય નથી તેથી કેટલાક મુદ્દાઓની ચર્ચા અત્રે પ્રસ્તુત છે.

૧. વૈશ્વિક ભાઈચારો

ઇસ્લામ વૈશ્વિક ભાઈચારો પ્રસ્તુત કરે છે અને મુહમ્મદ સ.અ.વ. તમામ માનવજાત માટે રહેમત છે. વૈશ્વિક ભાઈચારાને મુહમ્મદ સ.અ.વ. અને તેમના સહાબાઓના જીવન અને શિક્ષાઓ પરથી જાણી શકાય. ઉદાહરણ રૃપે મુહાજિર અને અન્સાર વચ્ચે તાલમેલ બેસાડવું, સુલેહહુદેબીયા અને ફતેહમક્કા સમયે મુહમ્મદ સ.અ.વ.નું વર્તન અને હજ્જતુલ વિદાય સમયે આપ સ.અ.વ.નું સંબોધન વગેરે.

ભારતના મહાન સંતોમાંના સ્વામી વિવેકાનંદ ઇસ્લામની વૈશ્વિક ભાઈચારાની શિક્ષાઓથી ખુબજ પ્રભાવિત હતા. તેમણે નેનીતાલમાં એક મુસ્લિમ મિત્ર સરફરાઝ હુસૈનને લખ્યું હતું “મારો અનુભવ છે કે જો કોઈ ધર્મે વખાણવા લાયક રીતે સમાનતાને હાંસલ કર્યું હોય તો તે ઇસ્લામ છે અને એકમાત્ર ઇસ્લામ છે. તેથી હું દૃઢપણે માનંુ છું કે વૈવ્હારિક ઇસ્લામની મદદ વગર વૈદાંતીઝમની થીયરી સારી હોવા છતાં માનવજાતિ માટે સંપૂર્ણપણે મુલ્યહીન છે.” (ધી કમ્પ્લીટ વર્કસ ઓફ સ્વામી વિવેકાનંદ પા. ૪૧૪-૪૧૬)

૨. માનવજાતીનો રક્ષણ

ઇસ્લામની દૃષ્ટિએ વ્યક્તિ અલ્લાહનો સૌથી મહત્ત્વનો અને પવિત્ર સર્જન છે. પવિત્ર કુઆર્ન કહે છે, “કોઈ જીવની હત્યા ન કરો જેને અલ્લાહે હરામ (અવૈધ) ઠેરવ્યો છે” (સૂરઃ બની ઇસરાઈલ-૧૭ઃ૩૩). ઇસ્લામ માને છે કે વ્યક્તિની હત્યા એ સમગ્ર માનવજાત માટે ગુનો છે અને એક વ્યક્તિનો જીવ બચાવવો સમગ્ર માનવજાતિ માટે જીવ બચાવવા બરાબર છે. ઘણા રસ્તાઓ છે જીવ બચાવવાના દા.ત. એક વ્યક્તિ ઘાયલ અવસ્થામાં રસ્તા પર પડયો હોય તમે તેને હોસ્પિટલ લઈ જાવ અને તેનો જીવ બચાવો. એક વ્યક્તિ ભૂખના કારણે કણસ્તો હોય અને તમે ખાવાનો આપો અને તેનો જીવ બચાવો. તમે એક તરછોડાયેલ બાળકને રસ્તા પર જુઓ અને તેને ઉપાડો અને તેની સેવા કરો. આ કરૃણાંના તમામ કાર્યોને માવનજાતિની સેવા માનવામાં આવે છે. એક શાસક તેની પ્રજાની જીવનની સુરક્ષા માટે જવાબદાર છે. આ અહેસાસને જીવંત કરતા હઝરત ઉમર રદી.એ વૃદ્ધો અને અનાથોને પેન્શન આપવાની શરૃઆત કરી હતી. તેમણે બયતુલમાલમાંથી તેવી સ્ત્રીઓને પણ પેન્શન આપવાનો આદેશ કર્યો જેઓ અનાથોની સંભાળ રાખતી હતી.

મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું, “લોકો દ્વારા તમારી સાથે કરવામાં આવતા વર્તન જેવો જ વર્તન બીજા લોકો સાથે ન કરો. લોકો તમારૃં ભલું કરે તો તમે તેમનું ભલું કરો અને જો તેઓ તમને ઇજા પહોંચાડે અને તમે પણ તેમને ઇજા પહોંચાડો એ યોગ્ય નથી. તમે પોતાની ઉપર કાબુ રાખો. તેથી જો લોકો તમારૃં ખોટું કરે તો પણ તમે બદલામાં તેની સાથે ખોટુ ન કરો.”

૩. સ્ત્રીઓ અને સમાજના નબળા વર્ગોનો આદર

ઇસ્લામના ઉત્થાન પહેલા આરબની કબીલા સંસ્કૃતિ પુરૃષ પ્રધાન હતી અને સ્ત્રીઓ માટે બેધ્યાન હતી. સ્ત્રીઓ એક ઉપભોગના સાધન તરીકે જોવાતી જ્યારે નબળા ગુલામો તરીકે. આ સ્થિતિને ઇસ્લામે ક્રાંતિ લાવી બદલી નાંખ્યું અને સ્ત્રીઓ અને નબળાને વ્હારે આવ્યું. ઇસ્લામે પ્રતિપાદિત કર્યું કે સ્ત્રી દરેક સંજોગોમાં આદરને પાત્ર છે. તમામ અનૈતિક સંબંધોને હરામ ઠેરવવામાં આવ્યા. પવિત્ર કુઆર્ન કહે છે, “વ્યભિચારની નજીક ન ફરકો. તે ઘણું જ ખરાબ કૃત્ય છે અને ઘણો જ ખરાબ માર્ગ.” (સૂરઃ બની ઇસરાઈલ-૧૭ઃ૩૨). વ્યભિચાર કુટુંબ વ્યવસ્થાને વેરવિખેર કરી નાંખે છે. તે બાળકોના લાભ વિરૂદ્ધ કામ કરે છે. તે હત્યા, દુશ્મની, મિલ્કતની પ્રતિષ્ઠાને નુકશાન તરફ દોરી જાય છે અને સમાજના પાયા હચમચાવી નાંખે છે.

તદ્ઉપરાંત સ્ત્રીઓના આધ્યાત્મિક, આર્થિક, સામાજીક અને બૌદ્ધિક અધીકાર માટે ઇસ્લામ ખુબજ મદદગાર છે. હાલની કોઈપણ સરકાર સાચી ભાવના સાથે આ હક્કો સ્ત્રીને આપે તો જરૃર સમાજમાં સ્ત્રીના દરજ્જામાં વધારો થશે.

૪. સામાજીક અને આર્થિક નીતિ

ઇસ્લામ ફકત જીવવાનું નહીં પરંતુ સુંદર રીતે જીવન જીવવાનું કહે છે. આ ધર્મ શું પાસે રાખવું અને શું પાસે ન રાખવું જોઈએ એમ બંને શીખવાડે છે. ઇસ્લામની તમામ શિક્ષાઓમાં તેના આધ્યાત્મિક વિકાસ પર જોર આપવામાં આવ્યું છે. ઇસ્લામ ઇચ્છે છે કે સમાજનું સામાજીક માળખું આધ્યાત્મિક અને નૈતિક આધાર પર રચાવવું જોઈએ. કે જેથી નાગરિકોમાં એકતા અને સમાનતાનો અહેસાસ પેદા થાય. સંપત્તિ કેટલાક હાથોમાં જમા થાય તેના કરતા તે સતત ફરતી રહે તેવું ઇસ્લામ ઇચ્છે છે. તેવું એટલા માટે કે જેઓ ઓછામાં ઓછી રોકડ, પશુધન અને ખેત પેદાશો ધરાવતા હોય તેમના પર ઝકાત ફર્ઝ (કમ્પલસરી)કરવામાં આવી છે. દુનિયાના તમામ સાધનોનો માલિક અલ્લાહ છે અને વ્યક્તિ જેટલા સાધનો ધરાવે છે તે તેનો ટ્રસ્ટી છે અને તેની જવાબદારી છે કે ગરીબો અને જરૂરતમંદોને તેમના હક્કો પહોંચાડે. ગરીબો અને જરૂરતમંદોને હક્ક પહોંચાડવું એ વ્યક્તિ માટે દાન નથી આ તો તેમના હક્કો છે. જે સમાજના એક અંગ હોવાના કારણે તેમને પ્રાપ્ત થયા છે. આવું કુઆર્નમાં ઘણી જગ્યાએ કહેવામાં આવ્યું છે. એક જગ્યાએ કુઆર્ન કહે છે, “નેકી (સદાચાર) એ નથી કે તમે તમારા ચહેરા પૂર્વ તરફ કરી લીધા કે પશ્ચિમ તરફ, બલ્કે નેકી એ છે કે મનુષ્ય અલ્લાહને અને આખિરત (પરલોક)ના દિવસને અને ફરિશ્તાઓને અને અલ્લાહે અવતરિત કરેલ ગ્રંથને અને તેના પયગંબરોને હૃદયપૂર્વક માને અને અલ્લાહના પ્રેમમાં પોતાનું પ્રિય ધન સગાઓ અને અનાથો પર, નિર્ધનો અને મુસાફરો પર, મદદ માટે હાથ લંબાવનારાઓ પર અને ગુલામોની મુક્તિ પર ખર્ચ કરે, નમાઝ કાયમ કરે અને ઝકાત આપે અને નેક (સદાચારી) એ લોકો છે કે જ્યારે વચન આપે તો તેને પૂરૃં કરે અને તંગી તથા મુસીબતમાં તથા સત્ય અને અસત્યની લડાઈમાં ધૈર્યથી કામ લે. આ છે સાચા લોકો, અને આ જ લોકો સંયમી (મુત્તકી) છે.” (સૂરઃ બકરહ-૨ઃ૧૭૭).

૫. ધાર્મિક મિલ્કતો અને સંસ્થાઓનો આદર

ઇસ્લામ લોકોને પોતાની તરફ આમંત્રિત કરે છે. પરંતુ તેના માટે લોકોને મજબૂર કરવાનો સખત વિરોધી છે. તે બીજા ધાર્મિક સ્થળોને નાબૂદ કરવાની મંજૂરી નથી આપતો. પુજા અને બંદગી જ્યાં થાય છે તેવા દરેક ધાર્મિક સ્થળોની સુરક્ષાની ઇસ્લામ તરફેણ કરે છે. કુઆર્ન કહે છે, “આ તે લોકો છે જેમને પોતાના ઘરોમાંથી નાહક કાઢી મૂકવામાં આવ્યા, માત્ર એ કસૂર માટે કે તેઓ કહેતા હતા, ”અમારો રબ (પ્રભુ) અલ્લાહ છે.” જો અલ્લાહ લોકોને એકબીજા દ્વારા હટાવતો ન રહે તો ખાનકાહો-મઠો, ગિરજાઘરો અને યહૂદીઓના ઉપાસનાગૃહો અને મસ્જિદો, જેમાં અલ્લાહનું નામ પુષ્કળ લેવામાં આવે છે, તમામ ધ્વસ્ત કરી દેવામાં આવતા.” (સૂરઃ હજ્જ-૨૨ઃ૪૦). ઉલ્લેખનીય છે કે આ આયતમાં મસ્જિદનું રક્ષણ ચર્ચ, યહુદી ઉપાસના ગૃહો અને બીજા ધાર્મિક સ્થળોની સુરક્ષાના ઉલ્લેખ પછી કરવામાં આવ્યું છે. ઇસ્લામ તમામ પ્રકારના અન્યાય અને કુશાસન વિરૂદ્ધ તમામ નાગરિકોની હિતની તરફેણ કરે છે. કુઆર્ન કહે છે, “હવે દુનિયામાં તે ઉત્તમ સમુદાય તમે છો, જેને મનુષ્યોેના માર્ગદર્શન અને સુધારણા માટે મેદાનમાં લાવવામાં આવેલ છે. તમે ભલાઈની આજ્ઞાા આપો છો, બૂરાઈથી રોકો છો અને અલ્લાહ પર ઈમાન ધરાવો છો.” (સૂરઃ આલે ઇમરાન-૩ઃ૧૧૦). ઇસ્લામની તમામ શિક્ષાઓ અને મુહમ્મદ સ.અ.વ.ના ઉપદેશો શાંતિના ખ્યાલની સાથે બિલકુલ બંધ બેસે છે. જેમકે ઇસ્લામ શબ્દનો અર્થ જ શાંતિ થાય છે.

૬. નિષ્કર્ષ

ઉપરની ચર્ચા દ્વારા એક સંક્ષિપ્ત ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે કે કઈ રીતે ઇસ્લામ શાંતિ અને સૌહાર્દનું પ્રતીક છે અને સમાજમાંથી હિંસાને નાબૂદ કરવાની તરફેણ કરે છે. હું માનું છું કે મુસ્લિમોની રહેણી કરણી ઇસ્લામના આદેશો અને મુહમ્મદ સ.અ.વ.ના ઉપદેશો મુજબ નથી. તેથી સાચો ઇસ્લામ પ્રસ્તુત થવાનો બદલે લોકો ઇસ્લામને જેહાદ, જિઝ્યા, તીન તલાક અને આતંકવાદના નામથી ઓળખે છે.
આજે સમયની તાતી જરૃર છે કે ઇસ્લામ અને બીજા તમામ ધર્મોના સાચા વિદ્વાનો અને બૌદ્ધિકો આગળ આવે અને દુનિયાને ધર્મની ખરી શિક્ષાઓથી વાકેફ કરે. તેમણે જોવું જ જોઈએ કે કઇ રીતે ઇસ્લામ સમાજના તાંતણોને ધર્મચુસ્ત અને તાલમેલ સાથે બાંધી રાખે છે. ભારત દુનિયાની મહાન લોકશાહી ધરાવે છે અને આ ધરતી ઘણાં ધર્મોને સમાવે છે. આપણે જોવું જોઈએ કે લોકશાહી વ્યવસ્થાને દેશમાં કાર્યરત રાખવા માટે ધર્મની ખુબીઓ જેવી કે મુલ્યો, નૈતિકતા, સત્ય, પ્રેમ અને કરૃણાને કઈ રીતે ભેળવી શકાય. તેના માટે ધાર્મિક ચર્ચા ફકત ચર્ચવા માટે નહીં પરંતુ માનવતા કાજે કરવી જોઈએ. આપણે ધર્મને તેના સાચા અર્થમાં સમજવું જોઈએ નહીં કે તેના અનુયાયીઓની જીવનશૈલી અને એતિહાસિક પશ્ચાદભૂમીમાં. તમામ ધર્મોમાં રહેલા સામાન્ય મુલ્યોને તમામ ધર્મોમાં શોધવું જોઈએ અને તેને હાંસલ કરવા તરફ દોરાવવું જોઈએ. દરેક ધર્મમાં માનનારા લોકોને ધર્મની બે ટોચની ભાવના – ઇશ્વર પ્રત્યેની ફરજો અને તેના સર્જન પ્રત્યેની ફરજોનો બોધ આપવો જોઈએ. આ તેમની અંદર રહેલી મનેચ્છાઓ અને ડરને દૂર કરશે અને પરસ્પર વિશ્વાસના અહેસાસનો વિકાસ થશે. સામાજીક માળખું બધાને સાથે લઈ પ્રેમ, સંયમ અને આત્મસંમાન સાથેના જીવન તરફ દોરી જશે. ચાલો સાથે મળીને કાર્ય કરીએ અને સારા માટેની આશા રાખીએ. *

(લેખક ડિપાર્ટમેન્ટ ઓફ પોલીટીકલ સાઇન્સ, બનારસ હિંદુ યુનિ.માં પ્રોફેસર છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments