ભાઈઓ ! જે નમાઝના આટલા બધા ફાયદાઓથી તમે પરિચિત થયા, એ ફાયદાઓ હવે નમાઝ શા માટે નથી આપી રહી, તે તમને બતાવી દેવા ચાહું છું. તમે નમાઝ પઢો છો, છતાંય અવધૂત શા માટે ? અને શા માટે બાતિલપરસ્તો તમારા પર સરસાઈ ભોગવે છે ? અને શા માટે તમે દુનિયામાં દુર્દશા અને કંગાલિયતમાં સબડી રહ્યા છો ?
આ પ્રશ્નનો ટૂંકો જવાબ તો એ છે કે તમે નમાઝો પઢતા જ નથી, અને જો પઢો છો તો ખુદા અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે બતાવેલી રીત મુજબ પઢતા નથી. જેથી તમે એ ફાયદાઓની આશા રાખી શકો નહીં, જે મોમિનને ઉન્નતિની ટોચે લઈ જનારી નમાઝથી મળે છે. પણ હું એ જાણું છું કે ફક્ત આટલો ટૂંકો જવાબ આપને સંતોષ આપી શકશે નહીં. આથી જરા વિસ્તારથી આ બાબત તમને સમજાવીશ.
એક ઉદાહરણ – ઘડિયાળનું –
ઘડિયાળ તો તમે બધાએ જોઈ હશે. તેમાં ઘણાં ભાગો એક-બીજા જોડે બેસાડેલા હોય છે, એ પણ તમે જાણો છો. જ્યારે તેને ચાવી ભરવામાં આવે છે, તો તેના બધા ભાગો પોતપોતાની ક્રિયા શરૃ કરે છે અને આ ક્રિયાનું પરિણામ બહારના સફેદ ડાયલ ઉપર તમે જુઓ છો. એટલે કે ઘડિયાળના બંને કાંટાઓ ફરીને એક-એક સેકન્ડ અને એક-એક મિનિટ બતાવવા લાગી જાય છે. જરા ધ્યાનપૂર્વક વિચાર કરજો, ઘડિયાળની બનાવટ પાછળનો હેતુ એ છે કે તે સાચો સમય દેખાડે. આ હેતુ માટે ઘડિયાળના યંત્રના એ સર્વે ભાગોને એકઠા કરવામાં આવ્યા છે, જે સાચો સમય દેખાડવા માટે જરૂરી હતા. એ બધાને પછી એવી રીતે જોડવામાં આવ્યા છે કે એ બધા મળીને રીતસર ક્રિયા કરે અને દરેક ભાગ એ જ કામ અને એટલું જ કામ કરતો રહે, જે સાચો સમય દેખાડવા માટે એણે કરવું જોઈએ. એ ભાગોની ગતિ અટકી ન પડે અને તેઓ નિયમિત કામ કરતા રહે, એ માટે ચાવી ભરવાનો નિયમ નક્કી કરવામાં આવ્યો છે. આવી રીતે ચાવી ભરવામાં આવે, ત્યારે જ ઘડિયાળ ખરો સમય બતાવવા લાયક બને છે.
ઘડિયાળને તમે ચાવી ભરો નહીં, તો એ સમય દેખાડશે નહીં તેમજ ચાવી ભરવાની રીત મુજબ ચાવી ન ભરો, તો એ સાચો સમય બતાવશે નહીં. તમે એના કેટલાક ભાગોને કાઢી નાખીને ચાવી ભરો, તો તેનાથી કંઈ વળશે નહીં. જો તમે તેના કેટલાક ભાગોને કાઢી નાખીને તેમની જગ્યાએ સિંગર મશીનના ભાગો લગાવી દેશો અને પછી ચાવી ભરશો તો એનાથી, ન તો એ સમય દેખાડશે કે ન એ કપડું સીવશે.
વળી જો તમે તેના બધા ભાગોને તેના અંદર જ રહેવા દઈને ખોલી નાખીને એક-બીજાથી છૂટા પાડી દો અને ચાવી ભરો તો પણ કોઈ ભાગ ચાલ પકડશે નહીં. જોવામાં તો બધા ભાગો એના અંદર મોજૂદ હશે, પણ ફક્ત બધા ભાગો અંદર હોવાથી એ હેતુ સરશે નહીં, જે માટે ઘડિયાળની રચના કરવામાં આવી છે; કારણ કે એમની ગોઠવણ અને એમના એક-બીજા સાથેના સંબંધને તમે તોડી નાખ્યો છે, જેને લઈને તેઓ ચાલ પકડી શકતા નથી.
ઘડિયાળની આ જે સર્વ સ્થિતિઓ મેં વર્ણવી છે, તેમાં જો કે ઘડિયાળની હસ્તી અને તેને ચાવી ભરવાની ક્રિયા બંને નકામા થઈ જાય છે ખરા, પરંતુ એને દૂરથી જોનાર એવું કહી શકતો નથી કે એ ઘડિયાળ નથી અથવા તમે ચાવી ભરતા નથી. તે તો એમ જ કહેશે કે એ ઘડિયાળ જ છે, જેથી તેના ફાયદાઓની પણ એ આશા રાખશે. આવી રીતે દૂરથી તમને ચાવી ભરતો જોઈને એ એવો જ ખ્યાલ કરશે કે તમે હકીકતમાં ઘડિયાળને ચાવી ભરી રહ્યા છો, તેથી એ ક્રિયાનું જે પરિણામ આવી શકે છે, તેની પણ ચોક્કસ આશા રાખશે. પણ આ આશા કેવી રીતે પૂરી થાય, જ્યારે એ ફક્ત દૂરથી જોવા માટેની ઘડિયાળ હોય અને હકીકતમાં એમાં સમય દેખાડવાનો ગુણ જ બાકી રહ્યો ન હોય.
ઉમ્મતે મુસ્લિમાનો હેતુ –
ઘડિયાળના આ દાખલાથી તમે બધી વાત સમજી શકશો. ઇસ્લામને આ જ ઘડિયાળ રૃપ ધારી લો. જેમ ઘડિયાળનો હેતુ સાચો સમય દેખાડવાનો છે, તેમ ઇસ્લામનો હેતુ એ છે કે તમે જમીન ઉપર ખુદાના ખલીફા એટલે કે ખુદાના પ્રતિનિધિ બનીને રહો. તમે જાતે ખુદાના હુકમ મુજબ વર્તો, બીજાઓ પર ખુદાનો હુકમ ચલાવો અને બધાને ખુદાના કાનૂનને તાબે બનાવીને રાખો. આ હેતુ સ્પષ્ટ રીતે કુઆર્નમાં વર્ણવ્યો છે કે –
”હવે દુનિયામાં એ ઉત્તમ જૂથ તમે છો, જેને માનવીઓના માર્ગદર્શન અને સુધારા માટે ઊભું કરવામાં આવ્યું છે. તમે ભલા કાર્યોની આજ્ઞા આપો છો, બૂરા કાર્યોથી રોકો છો અને અલ્લાહ ઉપર ઈમાન ધરાવો છો.” (સૂરઃ આલે ઇમરાન, આ. ૧૧૦)
”અને આવી રીતે અમે તમે મુસલમાનોને એક ‘ઉમ્મતે વસત’ બનાવ્યા છે, જેથી તમે દુનિયાના લોકો ઉપર સાક્ષી રહો…” (સૂરઃ બકરહ, આ. ૧૪૩)
”અલ્લાહે વચન આપ્યું છે, તમારા પૈકી એ લોકોને જેઓ ઈમાન લાવે અને સદ્કાર્ય કરે કે તે તેમને એવી જ રીતે ધરતી ઉપર ખલીફા બનાવશે, જેવી રીતે તેમના અગાઉ થઈ ગયેલા લોકોને બનાવી ચૂક્યો છે.” (સૂરઃ નૂર, આ. ૫૫)
”હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! આ કાફિરો (અધર્મીઓ) સાથે લડાઈ કરો, અહીં સુધી કે ઉપદ્રવ બાકી ન રહે અને દીન સંપૂર્ણપણે અલ્લાહ માટે થઈ જાય.”
(સૂરઃ અન્ફાલ-૩૯)
ઇસ્લામના હુકમો ઘડિયાળના ભાગોની જેમ એક-બીજા સાથે જોડાયેલાં –
આ હેતુને પૂર્ણ કરવા માટે ઘડિયાળની જેમ ઇસ્લામમાં પણ તે બધા ભાગોને એકત્ર કરી ગોઠવવામાં આવ્યા છે, જે એ હેતુ માટે જરૂરી અને યોગ્ય હતા. હવે એ ભાગો કયા છે, એ આપણે જાણીએ. દીનના અકીદા (આસ્થાઓ), ચારિત્ર્યના સિદ્ઘાંતો, વ્યવહારના નિયમો, ખુદાના હક્કો, ખુદ આપણી જાતના હક્કો, જેના સાથે તમને કામ પડવાનું હોય તે સર્વ દુન્યવી ચીજોના હક્કો, કમાવવાના કાયદાઓ, ખર્ચ કરવાની રીતો, યુદ્ઘ અને સંધિના નિયમો, રાજ ચલાવવાના કાયદાઓ અને ઇસ્લામી શાસનની તાબેદારી કરવાની રીતો, આ સર્વ ઇસ્લામના ભાગો છે. તેમને ઘડિયાળના ભાગોની જેમ એક-બીજા સાથે ગોઠવીને એવી રીતે જોડવામાં આવ્યા છે કે એમાં ચાવી ભરો એટલે બધા જ ભાગો એક-બીજા સાથે મળીને ચાલવા લાગશે અને એમની ક્રિયાઓનું સાચું પરિણામ, એટલે કે ઇસ્લામનો પ્રભાવ અને દુનિયા ઉપર ખુદાઈ કાનૂનનું વર્ચસ્વ બરોબર એ જ રીતે દેખાવા લાગશે, જેવી રીતે આ ઘડિયાળના ભાગોની ક્રિયાથી બહારના સફેદ ડાયલ પર એનું પરિણામ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. ઘડિયાળમાં એના ભાગોને એક-બીજા સાથે એકત્ર રાખવા માટે સ્ક્રુઓ અને પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવી જ રીતે ઇસ્લામના તમામ ભાગોને એકત્ર રાખવા માટે અને તેમની સુયોગ્ય ગોઠવણી કાયમ રાખવા જે વસ્તુઓ રાખવામાં આવી છે, તેે જમાઅતી તંત્રના નામે ઓળખવામાં આવે છે. આમાં પહેલી વસ્તુ મુસલમાનોનો એક એવો સરદાર છે, જે દીનનું સાચું જ્ઞાન અને તકવાના ગુણો ધરાવતો હોય. જમાઅતના બધા બુદ્ઘિશાળીઓ મળીને તે સરદારની સહાયતા કરે, જમાઅતના હાથ-પગ (સામાન્ય લોકો) એનું અનુસરણ કરે. એ સર્વની શક્તિઓ વડે સરદાર ઇસ્લામી કાનૂનોને લાગુ કરે અને લોકોને એનો ભંગ કરતા અટકાવે. આ રીત મુજબ, જ્યારે બધા ભાગો એક-બીજાથી જોડાઈ જાય અને તેમની ગોઠવણ રીતસરની થઈ જાય, તો ગોઠવણને ટકાવી રાખવા અને તેને બરાબર કામે લગાડવા માટે ચાવીની જરૂરત હોય છે.
બસ, આ ચાવી તે નમાઝ છે, જે દરરોજ પાંચ વખત પઢવામાં આવે છે. સૌ કોઈ જાણે છે કે ઘડિયાળને સાફસૂફ રાખવાની પણ એટલી જ અગત્યતા છે અને તે સાફસૂફી એ રોઝાઓ છે, જે એક વર્ષમાં ૩૦ દિવસ માટે રાખવામાં આવે છે. ઘડિયાળને તેલ આપવાની પણ જરૂરત હોય છે અને આ તેલ ઝકાત છે, જે એક વર્ષમાં એક વખત એ ભાગોને પૂરૃં પાડવામાં આવે છે. આ તેલ કંઈ બહારથી નથી આવતું, બલ્કે આ જ ઘડિયાળના કેટલાક ભાગો તૈયાર કરે છે અને બીજા સૂકાયેલા ભાગોને તેલવાળા કરીને સહેલાઈથી એ ચાલી શકે એવા બનાવી દે છે. ઘડિયાળને કદી-કદી ઓવર-હોલિંગ કરવાની પણ જરૂરત રહે છે. આ ઓવરહોલિંગ તે હજ્જ છે, જે જીવનમાં એકવાર કરવું જરૂરી છે અને આથી વધુ પણ જેટલી વખત કરવામાં આવે તેટલું ઉત્તમ છે.
વેરણ-છેરણ ભાગોને જોડવું લાભદાયી નથી –
હવે તમે વિચાર કરો કે ચાવી આપવી, સાફસૂફી કરવી, તેલ આપવું અને ઓવરહોલિંગ કરવું એ ક્યારે લાભદાયી થઈ શકે ? જ્યારે આ ફ્રેમમાં આ જ ઘડિયાળના બધા ભાગો મોજૂદ હોય, એક-બીજા સાથે વ્યવસ્થિત રીતે જોડાયેલા હોય અને તેઓ એટલી હદે સક્રિય હોય કે ચાવી આપવાની સાથે જ ચાલવા લાગે અને તેમનું પરિણામ દેખાવા લાગે. પણ અહીં તો જુદી જ વસ્તુનો ભાસ થાય છે. પ્રથમ તો તે જમાઅતી તંત્ર જ અસ્તિત્વ ધરાવતું નથી, જેના વડે આ ઘડિયાળના ભાગોને એકત્ર કરવામાં આવ્યા હતા. પરિણામ શું આવ્યું એ જાણો છો ? બધા સાંધા ઢીલા પડી ગયા અને એક-એક ભાગ જુદો થઈને વિખરાઈ ગયો. હવે જેને, જે ફાવે તે કરે છે. કોઈ રોક-ટોક કરનાર જ નથી. પ્રત્યેક જણ આપખુદ છે. એનું દિલ ચાહે તો ઇસ્લામના કાયદાનું અનુસરણ કરે અને ન ચાહે તો ન કરે. આટલેથી પણ દિલને ઠંડક ન વળી અને તમે આ ઘડિયાળના ઘણા ભાગોને કાઢી નાખીને તેમની જગ્યાએ પોત-પોતાની પસંદગીના બીજા મશીનોના ભાગો લગાડ્યાં. કોઈ સિંગર મશીનનો ભાગ પસંદ કરીને લઈ આવ્યું, તો કોઈએ લોટ દળવાની ઘંટીનો ભાગ લગાડ્યો, તો કોઈને મોટરનો ભાગ પસંદ પડ્યો તો તેને આ ઘડિયાળમાં લગાવી દીધો. હવે તમે મુસલમાન પણ છો અને બેંકથી વ્યાજની લેવડ-દેવડ પણ તમારા હાથે ચાલી રહી છે. વીમા કંપનીઓમાં વીમા પણ ઊતરાવો છો. અદાલતમાં જૂઠા કેસો પણ લડી રહ્યા છો. નાહક અને બાતિલપરસ્તોની વફાદારીપૂર્વક સેવા પણ બજાવી રહ્યા છો. પુત્રીઓ, બહેનો અને પત્નીઓને શ્રીમતીઓ અને મેમસાહેબો પણ બનાવી રહ્યા છો. બાળકોને ભૌતિકવાદ (ધન-દોલતની પૂજા)નું શિક્ષણ આપી રહ્યા છો. ગાંધીજીનું અનુસરણ પણ કરી રહ્યા છો, લેનિનના ગીતો પણ ગાઈ રહ્યા છો. મતલબ કે કોઈ બિનઇસ્લામી વસ્તુ એવી નથી રહી, જેને લાવીને આપણા મુસલમાન ભાઈઓએ ઇસ્લામની ઘડિયાળની ફ્રેમમાં લગાડી ન હોય. સમયની પ્રત્યેક ચાલતી વસ્તુ અને વિચારને સ્વીકારી લેવામાં આવે છે અને તેનું થીગડું ઇસ્લામ સાથે જોડી દેવામાં આવે છે.
ભાગોની દુરસ્તી વગર પરિણામ નહીં –
આ બધું કરવા છતાં તમે ઇચ્છો છો કે ચાવી આપવાથી ઘડિયાળ ચાલવા લાગે અને જે હેતુ માટે તેને બનાવવામાં આવી છે, તે હેતુ તે પાર પાડે. સાફસૂફી, તેલ અને ઓવરહોલિંગ કરવાના એ જ લાભો પણ પ્રાપ્ત થાય, જે આ કામો માટે મુકર્રર છે. જો બુદ્ધિનો જરા જેટલો પણ ઉપયોગ કરશો, તો તરત જ તમોને એ સમજાઈ જશે કે આ ઘડિયાળની જે દશા તમે કરી મૂકી છે, તે દશામાં તો જીવનભર ચાવી આપવાનું કે સાફસૂફી અને ઓવરહોલિંગ કરવાનું કોઈ જ પરિણામ આવી શકતું નથી. જ્યાં સુધી તમે તેને બહાર લાવીને લગાડેલા ભાગોની જગ્યાએ અસલી ભાગોને, જેમ તેઓ શરૃઆતમાં હતા, તેવી જ રીતે લગાડી નહીં દો, ત્યાં સુધી કદાપિ તમારી એ પરિણામની આશા ફળીભૂત થશે નહીં, જે પરિણામ આ ઘડિયાળથી પહેલાં ક્યારેક આવ્યું હતું.
ઇબાદતો અસરહીન થવાનું મૂળ કારણ –
ભાઈઓ ! સારી રીતે સમજી લો કે તમારી નમાઝ, રોઝા, ઝકાત અને હજ્જ પરિણામ વિનાના થઈ જવાનું ખરું કારણ આ જ છે. પ્રથમ તો એ જ જુઓ કે તમારામાંથી નમાઝ પઢનારા, રોઝા રાખનારા, ઝકાત અદા કરનારા છે કેટલા ? જમાઅતી તંત્ર વેરવિખેર થઈ જવાના કારણે પ્રત્યેક જણ સંપૂર્ણ સ્વતંત્ર બની ગયો છે. ચાહે તો આ ફરજોને અદા કરે, ન ચાહે તો ન કરે, કોઈ પૂછનાર જ નથી; અને જેઓ અદા કરે છે, તેઓ પણ કેવી રીતે અદા કરે છે, તે જાણો છો ? નમાઝમાં જમાઅતની પાબંદી નહીં અને કદાચ હોય તો પણ મસ્જિદોમાં ઇમામત માટે એવા લોકોને ચૂંટવામાં આવે છે, જેઓ દુનિયામાં બીજા કોઈ પણ કામ માટે લાયક હોતા નથી. મસ્જિદના રોટલા ખાવાવાળા, દીની ફરજોને કમાઈનું સાધન સમજનારા, અભણ, અશક્ત અને ચારિત્ર્યની ઉણપવાળા લોકોને તમે એ નમાઝ માટે ઇમામ બનાવ્યા છે, જે તમને ખુદાનો ખલીફા અને ખુદાનો પ્રતિનિધિ બનાવવા માટે નક્કી કરવામાં આવી હતી ! એ રીતે રોઝા, ઝકાત અને હજ્જની જે સ્થિતિ છે, તે પણ અવર્ણનીય છે.
આમ છતાં પણ તમે, અલબત્ત એમ કહી શકો છો કે હજુ પણ ઘણા એવા મુસલમાનો છે, જેઓ દીની ફરજોને જરૃર બજાવી લાવે છે, પણ જેમ કે આગળ કહેવામાં આવ્યું છે, તે મુજબ ઘડિયાળના એક-એક ભાગને અલગ કરીને તેની જગ્યાએ બહારની અસંખ્ય વસ્તુઓ તમે દાખલ કરી છે, એ કારણે હવે સાફસૂફી કરવી ન કરવી, તેલ આપવું કે ન આપવું, ઓવરહોલિંગ કરવું કે ન કરવું એ બધુંય સરખું છે. આ કામોનું ઇચ્છિત પરિણામ આવી શકતું નથી. તમારી આ ઘડિયાળને દૂરથી જોવામાં આવે તો એ ઘડિયાળ જ લાગશે. તેને જોવાવાળા કહેશે કે આ તો ઇસ્લામ છે અને તમે મુસલમાન છો. તમે જ્યારે આ ઘડિયાળને ચાવી આપો છો અને સાફસૂફી કરો છો, તો દૂરથી જોનાર એ જ સમજે છે કે હકીકતમાં તમે ચાવી આપો છો અને સાફસૂફી કરો છો. કોઈ એમ નથી કહી શકતું કે આ નમાઝ નમાઝ નથી અથવા આ રોઝા રોઝા નથી, પણ જોનારને શું ખબર કે આ બહાર દેખાતી ફ્રેમની અંદર કેવા-કેવા પ્રપંચો તાંડવ-નૃત્ય કરી રહ્યા છે !
આપણી અફસોસનાક હાલત –
ભાઈઓ ! તમારી આ મઝહબી ક્રિયાઓ આજે પરિણામ-શૂન્ય કેમ થઈ ગઈ છે, એનું કારણ મેં જણાવી દીધું છે અને એ પણ બતાવી દીધું છે કે નમાઝો પઢવી અને રોઝા રાખવા છતાં પણ તમે ખુદાઈ ફોજદાર થવાના બદલે અસત્યથી પરાજિત અને પ્રત્યેક જુલ્મોનો ભોગ કેમ બની રહ્યા છો ? જો તમે માઠું ન લગાડો, તો હું તમને આનાથી પણ અફસોસનાક વસ્તુ કહું. તમને પોતાની હાલત માટે દુઃખ અને મુસીબતની લાગણી તો જરૃર છે, પણ તમારામાંના એક હજાર માણસોમાંથી નવસો નવ્વાણુંથી પણ વધારે માણસો એવા છે, જે આ પરિસ્થિતિને બદલી નાખવાના ખરા ઉપાય માટે તૈયાર નથી. તેઓ ઇસ્લામની આ ઘડિયાળમાંથી તેમની પસંદગીના બહારના ભાગોને દૂર કરીને તેની જગ્યાએ અસલી ભાગોને પુનઃ વ્યવસ્થિત કરવાની વાત સાંભળવા સુદ્ધાં તૈયાર નથી. કારણ કે આ ઘડિયાળમાંથી બહારની વસ્તુઓને કાઢી નાખવામાં આવશે, તો તેમની પોતાની પસંદગીની કંઈક વસ્તુઓ પણ કાઢી નંખાશે અને જ્યારે અસલી ભાગોનું જોડાણ કરવામાં આવશે, તો ન છૂટકે તેમને પણ એની સાથે બંધાવું પડશે. ખુદાની પસંદગી આગળ તેમની પસંદગીને જતી કરવી પડશે. એટલે આ કામ રાજી-ખુશીથી આપ-મેળે કરવા કોઈ તૈયાર થાય એ ઘણું અઘરું છે.
આથી તેઓની એ જ ઇચ્છા છે કે આ ઘડિયાળ એવી જ રીતે ભીંતની શોભા બની રહે, દૂરથી લોકો તેના દર્શન કરતા રહે અને તેમના આગળ એ ઘડિયાળના પરાક્રમોના લાંબા વર્ણનો કરવામાં આવે. આથી આગળ વધીને કેટલાક લોકો, જેઓ આ ઘડિયાળ (ઇસ્લામ)ના વધુ ચાહકો છે, તેઓ એવું ઇચ્છે છે કે આ ઘડિયાળને ખૂબ સારી રીતે દિલ લગાવીને ચાવી ભરવી જોઈએ, સાફસૂફી, તેલ કે ઓવરહોલિંગ ખૂબ મહેનતપૂર્વક કરવા જોઈએ, પણ કદાપિ એ ઘડિયાળના નકલી ભાગોને દૂર કરીને એની જગ્યાએ જ અસલી ભાગોને પુનઃ એકત્ર કરવાનો વિચાર સુદ્ધાં ન કરવો જોઈએ.
કાશ, હું પણ તમારી હા માં હા મેળવતો ! પણ શું કરૃં, જે કંઈ જાણું છું એના વિરુદ્ધ કહી શકતો નથી. હું તમને ખાત્રી અપાવું છું કે જે દશામાં તમે આજે પડ્યા છો, તેમાં પાંચ વખતની નમાઝો ઉપરાંત, તહજ્જુદ, ઇશ્રાક અને ચાશ્તની નમાઝો પણ પઢો, પાંચ-પાંચ કલાક સુધી દરરોજ કુઆર્ન પઢો અને રમઝાન-શરીફ ઉપરાંત બાકીના અગિયાર મહિનામાં પાંચ મહિનાના વધુ રોઝા રાખી લો, તો પણ કંઈ જ પ્રાપ્ત થશે નહીં. ઘડિયાળની અંદર એના બધા અસલી ભાગો યોગ્ય રીતે ગોઠવાયેલા મોજૂદ હોય તો જરા જેટલી ચાવી આપવાથી, આથી ઊલ્ટી સ્થિતિના ઘડિયાળને જો તમે જીવનભર ચાવી આપતા રહો તો પણ તે ચાલશે એ આશા જ વ્યર્થ સમજો. (માટે જ્યાં સુધી આ ઇસ્લામ રૃપી ઘડિયાળને ગેરઇસ્લામી ભાગોથી પવિત્ર કરવામાં આવે નહીં, ત્યાં સુધી ફરજ ઇબાદતો તેમની ખરી અસર કદાપિ દેખાડી શકશે નહીં.)