સફળ થઈ ગયો તે જેણે પવિત્રતા અપનાવી અને પોતાના રબ (પ્રભુ)નું નામ યાદ કર્યું, પછી નમાઝ પઢી.
(સૂરઃ અલ-આ‘લા – ૧૪ – ૧૫)
અલ્લાહની ભક્તિની ઘણી રીતે છો પરંતુ તેમાં સૌથી ઉત્તમ છે સલાત. જેને ઉર્દુમાં આપણે નમાઝ કહીએ છીએ. સલાતનો એક અર્થ સરગોશી થાય છે એટલે નમાઝમાં વ્યક્તિ એક પ્રકારે અલ્લાહ સાથે વાત કરે છે. એટલે જ અલ્લાહના રસૂલ સ.અ.વ.એ કહ્યું, નમાઝ ઈમાનવાળાની મે’રાજ છે. નમાઝમાં કુઆર્નની તિલાવત છે, દુઆ છે, અલ્લાહની પ્રશંસા અને ગુણગાન છે, તકબીરે તેહરીમા અને ઝિક્ર છે. એના સિવાય દુનિયાભરમાં જે તે ધર્મમાં તેનાં ઉપાસ્યોની ઉપાસનાની જે રીતોનો ઉલ્લેખ તેમના ગ્રંથો અને અમલમાં જોવા મળે છે એ બધાનું શ્રેષ્ઠ સંયોજન નમાઝમાં છે. વ્યક્તિ ઊભો રહી પોતાના ઉપાસ્યની ભક્તિ કરે, તેના સામે માથું ટેકવે, ઝૂકીને પ્રણામ કરે, સષ્ટાંગ કરે, બેસીને ભજન કરે. નમાઝની પદ્ધતિ શ્રેષ્ઠતમ રીત છે. જેટલા પણ પૈગમ્બરો આવ્યાં છે એ તમામે નમાઝની તાલીમ આપી છે જો કે તેમની પદ્ધતિમાં આંશિક ફર્ક હોઈ શકે. એક વ્યક્તિ જ્યારે એ સત્યનો એકરાર કરે કે અલ્લાહ એક અને અદૃશ્ય છે, મુહમ્મદ સ.અ.વ. અલ્લાહના આખરી રસૂલ છે અને તેમણે કયામતના દિવસે પોતે કરેલા કર્મોનો હિસાબ કિતાબ આપવાનો છે તો તેની દલીલરૃપે સૌથી પહેલી ફરજ જે તેમને અદા કરવાની આવે તે નમાઝ છે. નમાઝના મહત્ત્વનું અંદાજ આ બાબતથી પણ લઈ શકાય કે કયામતના રોજ સૌથી પહેલા જે પ્રશ્ન પૂછવામાં આવશે તે નમાઝ વિશે હશે. પહેલા સવાલના જવાબમાં જ ગોથા ખાઈ જાય તો તેની સફળતાની આશા ઓછી થઈ જાય છે. પયગમ્બર મુહમ્મદ સ.અ.વ. એ એટલે પોતાના અનુયાયીઓને તાલીમ આપી હતી કે નમાઝ જન્નતની ચાવી છે. નમાઝ વાસ્તવમાં પોતે બંદા હોવાના એહસાસને જીવંત રાખે છે. નમાઝ વ્યક્તિમાં અહંકાર અને ઘમંડ જેવા દુર્ગુણોને નિર્મૂળ કરવામાં મદદરૃપ છે. દિવસમાં પાંચ વાર અલ્લાહના દરબારમાં આપવામાં આવતી હાજરી તેના અંદર જવાબદારીનો એહસાસ પેદા કરે છે. અલ્લાહ સર્વ જ્ઞાની અને સૌની સાંભળનાર છે ની ભાવનાને દૃઢ કરે છે. નમાઝ વ્યક્તિમાં માત્ર આધ્યાત્મિક શક્તિનો સંચાર નથી કરતી બલ્કે અલ્લાહનું સામિપ્ય પણ આપે છે અને આગળ વધી ચારિત્ર્યીક નૈતિકતા અને સામાજિક રચનામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
નમાઝથી માત્ર આખિરતના ફાયદા નથી બલ્કે દુનિયાના પણ ફાયદો મળે છે. કોઈ પણ તકલીફ અને સમસ્યા સામે અડીખમ ઊભા રહેવાની શક્તિ નમાઝ પુરી પાડે છે. એટલે જ કુઆર્ને સંકટના સમય નમાઝ અને ધૈર્યથી મદદ લેવાની તાકીદ કરી છે. તેના મહત્ત્વનો અંદાજ આ રીતે પણ મળી શકે કે યુદ્ધ જેવી કપરી પરિસ્થિતિમાં પણ આપ સ.અ.વ.એ નમાઝ છોડી નથી. હા ઇસ્લામની તાલીમ સરળતાનો ભાવ પોતાની અંદર રાખે છે. નમાઝના મહત્ત્વ અને ફાયદાઓનાં જ લીધે તે કોઈ પણ પરિસ્થિતિમાં માફ નથી. એટલે આદેશ આ છે કે વ્યક્તિ બીમાર હોય તો પણ સાંકેતિક રીતે પઢે પરંતુ કોઈ પણ સ્થિતિમાં માફ નથી. નર્કમાં જનારા લોકોના જે લક્ષણો કુઆર્ને દર્શાવ્યા છે તેમાં એક અનાથને ખાવાનું ન આપવાનું અને નમાઝ નહીં પઢવાનું છે. શું પ્રકાશ વગરના સૂર્યનું અસ્તિત્વ હોઈ શકે!! ના, તો પછી બેનમાઝી ઈમાનવાળાનું અસ્તિત્વ કેમ હોઈ શકે!! ઇસ્લામે આવા ઈમાનવાળાનું વિચાર સુદ્ધા પણ આપ્યો નથી.