Friday, December 13, 2024
Homeમનોમથંનનવી પેઢી માનવીય સ્પર્શ ઝંખે છે

નવી પેઢી માનવીય સ્પર્શ ઝંખે છે

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓની ઉનાળાની રજાઓની શરૃઆત થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને યુવાનોએ અલગ-અલગ રીતે વેકેશન માણવાનો પ્લાન બનાવી લીધો હશે. પણ કોણ જાણે કેમ એવું પ્રતિત થાય છે કે ‘વેકેશન કેમ ગાળવું’ જેવા વિષયો પર આજકાલ ઘણાં બધા લેખો અને વકતવ્યો આપવામાં આવે છે. જાણે રજાઓ ગાળવી પણ સ્વભાવિક ન રહેતા કૃત્રિમ અને બનાવટી બનાવી દેવામાં આવી હોય છે.

માત્ર થોડાં સમય પહેલાં જ બાળકો વેકેશનની રજાઓ સાથે જ સૂર્યના ઉદય વખતની રમતો, સૂર્ય માથા પર આવે ત્યારની જુદી રમતો અને સૂર્યના આથમવાની સાથે શોર-કિલ્લોલ સાથેના અંધકારની રમતો રમતા એવું સ્મરણ થાય છે. પરંતુ હવે ઘણી બધી રમતો જાણે લુપ્ત થઈ ગઈ છે અને વડીલો બાળકો કંઇ જ આઉટડૉર રમતો નથી રમતા તેવી ફરિયાદ કરતાં સાંભળવા મળે છે. આ ફરિયાદ કેટલી વ્યાજબી છે? કેમ કે સમય અને જમાના સાથે બધું બદલાય છે તેમ બાળકોના મનોરંજનના સાધનો પણ બદલાઈ શકે. પરંતુ આજના મનોરંજનના સાધનો યુવાનો/ બાળકોને એકલતાપણાં તરફ ધકેલતા હોય એમ લાગે છે. પહેલાની રમતોમાં બાળકો વચ્ચે સંવેદના તથા પ્રેમ, ગુસ્સો, રિસાઈ જવું – મનાવી લેવું જેવી લાગણીઓની આપ-લે શીખતા હતા. પરંતુ હવેના જમાનામાં બાળકો આ બધુ ભુલ્યા છે.

માહિતી પ્રસારણ અને માહિતીનું લોકતાંત્રીકરણના આ જમાનામાં લોક-માધ્યમ એટલે કે સોશ્યલ મીડિયાનો વિવેકપૂર્ણ અને ઉચિત ઉપયોગ અનિવાર્ય છે. શું દિનપ્રતિદિન અમાનવીય બનીને યાંત્રિકતાથી નિયંત્રિત થવું એ જ આપણુ નિમિત્ત બની ગયું છે. શા માટે માનવીય લાગણીઓ, સંવેદના અને ચેતનાનો સંપૂર્ણ ખાલીપો વર્તી રહ્યો છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ દ્વારા આજનો વિદ્યાર્થી અને યુવાન શું બહોળી વસ્તી સાથે ખરેખર જોડાઈ ગયો છે? શું એ વાસ્તવિકતા નથી કે ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના જમાનામાં વિદ્યાર્થી ટેકનોલોજી અને ગેજેટ્સના તાંતણામાં પોતે જ ઉલઝી ગયો છે અને દિન-પ્રતિદિન નવા નવા માનસિક રોગોનો શિકાર બનતો જાય છે. યાંત્રિકતાની હદ એ છે કે મનુષ્યના સંબંધોની ઘનિષ્ઠતા સતત ઘટતી જઈ રહી છે અને વ્યક્તિગત ઓળખની સ્વાયત્તા માટે સતત સંઘર્ષ વધતો જઈ રહ્યો છે અને એટલે જ સોશ્યલ મીડિયા બનાવટી ‘લાઈક્સ’ મેળવવાનું સાધન બની ગયું છે. કુદરતે અર્પેલાં સંવેદનશીલ-લાગણીસભર મન માટે અત્યંત જરૂરી છે કે સંવેદનહીનતામાંથી બહાર નીકળીને એકલવાયુંના આવરણને તોડી નાંખીએ અને સ્વજનો અને મિત્રો સાથે સંવાદ અને આપ-લે શરૃ કરીએ. ભારતીય સંસ્કૃતિમાં તો રૃદન પણ સંવાદનું એક માધ્યમ કહેવાય છે. જ્યાં સાસરિયાના ત્રાસથી ત્રસ્ત ગામડાની દિકરી મા કે માસીના ખભા પર માથુ ટેકીને રડીને પોતાનો આખો કિસ્સો વર્ર્ણવી દેતી હતી. પરંતુ આજે ક્યાં મુલાકાતના સમયની તંગી હોય ત્યાં બેસીને સુખ દુઃખની વાતચીત કે આંસુ સારી લેવાનો વિકલ્પ જ ક્યાં રહે છે.

ઉપરાંત પુસ્તકો સાથેનો લગાવ પણ ખૂબ ઘટ્યો છે. પુસ્તકોનો દિલમાં ઝાંખવાનો સિલસિલો જાણે લુપ્ત થઈ ગયો છે. પુસ્તકોને દિલથી લગાવતા અને સ્પર્શ કરતા ઘણાં ઓછા જોવા મળે છે. પુસ્તકોને મિત્ર માનતા પાઠકો કે જેઓને પુસ્તકો ક્યારેક સાંત્વના આપે, તો ક્યારેક ઠપકો આપે અને ક્યારે રિસાઈ જાય અને દિલથી મનાવો તો પુનઃ મિત્ર બનાવે. પુસ્તકો જાણે એક સંસાર છે જે ક્યારેક વહાલ કરતી માતાની ભૂમિકા ભજવે છે, તો ક્યારેક સ્નેહ વેરતી બહેન, ક્યારેક દાદીમાની લોરી બની જાય છે તો ક્યારેક દાદાના અનુભવોનું સંકલન. પરંતુ આજકાલ ઘણી ઉદાસ રહે છે. ગુમસુમ રહે છે. આવો સોશ્યલ મીડિયાના જાળમાંથી નીકળી ફરીથી પુસ્તકોને ગલે લગાવીએ. આ પુસ્તકો જ આજે યાંત્રિક બની ગયેલી ભૌતિકતાવાદની દુનિયામાંથી કાઢી મનોમસ્તિષ્કને શાંતિ અપાવી શકે છે અને સંવેદનશીલ બનાવી શકે છે. વડીલો અને શિક્ષકોને હું યાદ કરાવવા માંગુ છું કે ચેતનાની સાથે આજની નવી પેઢીને એક મુઠ્ઠીભર સંવેદના અને માનવ સ્પર્શની જરૃર છે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments