Tuesday, June 25, 2024
Homeમનોમથંનનવી રચાનારી સરકાર બિનસાંપ્રદાયિક બંધારણ માટે પડકારરૃપ હોઇ શકે છે

નવી રચાનારી સરકાર બિનસાંપ્રદાયિક બંધારણ માટે પડકારરૃપ હોઇ શકે છે

તંત્રી લેખ …

ભારતે જનાદેશ આપી દિધો છે અને એ નિશ્ચિત પણે ભાજપ (મોદી)ની તરફેણમાં ગયો. સરકાર રચવા માટે આવશ્યક ૨૭૨ બેઠકોનો આંક કે જે નરેન્દ્ર મોદીનું લક્ષ્ય હતુ તે તેમણે પ્રાપ્ત કરી લિધું. ઇન્દિરા ગાંધીની હત્યા જેવા બાહ્ય કારણસર કોંગ્રેસને ૧૯૮૪માં મળેલી પ્રચંડ બહુમતી પછી પહેલીવાર કોઇ એક પક્ષને લોકસભા ચુંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી છે. દેશના રાજકીય ઇતિહાસ માટે એ વળાંકરૃપ ઘટના ગણાય તેમજ અત્રે એ પણ સ્પષ્ટ છે કે હવે રચાનારી સરકાર બિનસાંપ્રદાયિક બંધારણ માટે પડકારરૃપ હોઇ શકે છે. કારણ કે કોઇ એક જ નેતા અને તે પણ ફાસીવાદી સમુહના સ્પષ્ટ ચહેરારૃપ નરેન્દ્ર મોદી જેવા વિવાદાસ્પદ નેતા લાગ-લગાટ હાઇ પ્રોફાઇલ પ્રચાર મારાથી ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં બે તૃતીયાંશ જેટલી બેઠકો જીતી શકે, એ શક્ય લાગતુ ન હતું, ફકત રાજકારણમાં જ નહીં, સમાજકારણમાં પણ મોટા પાયે ધ્રુવીકરણ કરનાર પરિબળ તરીકે પંકાયેલા મોદીને પણ આટલી અપેક્ષા નહોતી. ખુદ તેમના પક્ષના વડા એવા રાજનાથસિંહે ચુંટણીના બધા જ તબક્કાના અંતે કહેલું કે એનડીએ ૩૦૦ સીટો મેળવશે. ખૈર, કારણ ગમે તે હોય અને ગમે તે ષડયંત્ર કે ચાલબાજી હોય શકે છે પરંતુ તેમણે પોતાના મિશન ૨૭૨+માં સ્પષ્ટ સફળતા હાંસલ કરી છે.

ભાજપની ચોખ્ખી બહુમતીથી કોંગ્રેસનો ચોખ્ખો સફાયો થઇ ગયો છે. આઝાદી પછી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસની કદી ન આવી હોય એટલી ઓછી બેઠકો આવી છે. પ્રથમવાર કોંગ્રેસની આવી કારમી હાર થઇ છે. ૧૯૭૧માં કે કટોકટી કે પછી ૧૯૮૯માં કે ત્યાર બાદ જ્યારે પણ કોંગ્રેસની હાર થઇ છે ત્યારે આટલી હદે કરૃણ હાર કદાપી થઇ નથી. કોંગ્રેસના રૃઢીવાદી રાજકારણ અને ‘અમે તો રાજ કરવા સર્જાયેલા પક્ષ’ તરીકેની માન્યતાનું મૂળમાંથી નિકંદન નિકળી ગયુ છે. કોંગ્રેસના સુપડા જ નહી પણ ઘણુ બધુ સાફ થઇ ગયુ છે. આ માટે હવે કોંગ્રેસે આત્મમંથન જ નહીં પણ હવે ઘણુ બધું કરવું પડશે. હવે વાસ્તવિક્તા સ્વિકારીને આકરી મહેનત કર્યા વિના વિકલ્પ બનાય એમ નથી. કપરા દિવસોનો કોંગ્રેસને અનુભવ છે અને રાખમાંથી બેઠા થવાનો પણ તેને અનુભવ છે.

ભાજપ કે નરેન્દ્ર મોદીને મળેલી અણધારી અને અનપેક્ષીત સફળતા કે જેની આશા ખુદ મોદીને પણ નહોતી તેના પાછળ કેટલાક વિશેષ કારણો એક સામાન્ય બુદ્ધિજીવીને ઉડીને આંખે વળગે તેમ છે. જેમાં મુખ્યત્વે અંતિમ સમયનું વ્યવસ્થાતંત્ર સાથેનું ષડયંત્ર કે જેમાં બુથ મેનેજમેન્ટ સહિત વોટીંગ મશીન સાથે તેમજ મત ગણતરીમાં ચેંડા સંભવ છે. દા.ત. ખુદ વારાણસીની બેઠકને લઇએ તો ત્યાં થયેલા કુલ મતદાન કરતાં મતગણતરી પછી બધા જ ઉમેદવારોને મળેલા મતોનો સરવાળો કુલ મતદાનના સરવાળા કરતાં ૧૯૨૨ જેટલા મત વધારે બતાવે છે. અહિં સવાલ ૧૯૨૨ મતનો નથી. પરંતુ આવી ભૂલ અન્ય ક્યાં નહી હોય અને કેવા પ્રકારની સીસ્ટમ છે તેના પર સવાલ છે. તેવી જ રીતે ગુજરાતની એક તરફી કોંગ્રેસ તરફી ચુંટાયેલી મનાતી સાબરકાંઠા સીટ કે જ્યાં ખુદ ભાજપના દિગ્ગજો તેને હારેલી માનતા હતા ત્યાં ભાજપના ઉમેદવારે અધધધ એંશી હજાર કરતાં વધુની લીડ મેળવી છે. આવી જ રીતે અન્ય કારણો તરફ નજર કરીએ તો સ્પષ્ટ પણે યુ.પી., ગુજરાત, રાજસ્થાન, આસામ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યમાં મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ અને હિન્દુત્વનો મુદ્દો અસરકારક સાબિત થયેલો પ્રતિત થાય છે. ખૈર, હવે કારણો ગમે તે હોય તેની ચર્ચાનું કોઇ પરિણામ નથી પરંતુ અહિંયા સવાલ સીસ્ટમ પર થાય છે. અને આ હકીકત કદાચ કોઇ શાણા, સમજદાર કે જાગૃત નાગરીકથી છુપાયેલી રહે તેમ નથી. આ ઉપરાંત અન્ય કારણો પર પણ નજર કરીએ તો ૧૦ વર્ષથી કોગ્રેસ શાસિત સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર સહિત અનહદ અને બેરોકટોક ભ્રષ્ટાચાર, કુદકે ને ભૂસ્કે વધતી મોંઘવારી તેમજ છેલ્લા એક વર્ષથી મીડિયાનો એક તરફી પ્રવાહ પણ એટલો જ જવાબદાર હોવો સંભવ છે.

હવે, જ્યારે ચુંટણી પૂર્વે ખુદ નરેન્દ્ર મોદીએ દેશની પ્રજાને હથેળીમાં ચાંદની સાથે જ્યારે ધોળાદિવસે તારા દેખાડવાના સપના બતાવ્યા છે એ રીતે એમણે હવે સૌને સાથે રાખીને દેશની એક્તા – અખંડતાને મજબૂત રાખીને સૌનો સમાન વિકાસ કરવા કટિબદ્ધ બનવું પડશે. સ્પષ્ટ બહુમતી સાથે જીતેલી સરકારના માથે ઉંચી અપેક્ષાઓ અને જવાબદારીઓનો બોજો હશે. તેની પાસે કામ નહીં થવાના બહાના હાથવગાં નહી રહે અને રાજકીય હુંસાતુંસીથી વધારે પેચીદી એવી વહીવટી બાબતો અને મુશ્કેલીઓ સાથે પનારો પાડવાનો આવશે એક હથ્થું શાસનથી ચલાવેલુ ગુજરાતનું શાસન અને દેશના શાસન ચલાવવામાં ઘણો ફરક છે. આમ તેમની સામે અનેક પડકારો છે અને તેનો સામનો સરળ નહીં હોય. નરેન્દ્ર મોદીની સંઘ પરિવાર સાથેની નિકટતા અને ખરૃં જોતા સંઘ પરિવારનો મોદી પરનો મદાર ચિંતાનો વિષય ગણાતો રહ્યો છે. એવી જ રીતે, આંતરીક અસલામતીના બહાને ભય પેદા કરીને ધ્રુવીકરણ સર્જવાની રાજનીતિ પણ મોદી સાથે સંકળાતી રહી છે. આવી ઘણી બધી બાબતોમાં નરેન્દ્ર મોદી ‘ગુજરાત મોડલ’ અપનાવવાનું ચાલુ રાખે છે કે પછી સંપૂર્ણ બહુમતી મળ્યા પછી વડાપ્રધાન પદની ગરીમાને છાજે એ રીતે પોતાનું વર્તન ઢાળે છે એ જોવાનું રહ્યું. તેમ છતાં નરેન્દ્ર મોદી દેશના દરેક નાગરીકમાં વિશ્વાસ જળવાઇ રહે એ રીતે સરકાર ચલાવી દેશના સળગતા પ્રશ્નોનો હલ લાવી દેશનો સર્વાંગી વિકાસ સાધે એવી ઇશ્વર એમને સદ્બુદ્ધિ આપે, અને સવાસો કરોડ જન-જનના કદમતાલ સમાન સહકારથી ૨૧મી સદીના વિકાસમાં મોદી ગેમચેન્જર બને અને દેશના સ્વપ્નો સાકાર થાય એ જ અભ્યર્થના.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments