ભારત સરકારની અન્યાયી અને બંધારણીય ધોરણોના સ્પષ્ટ ઉલ્લંઘન પર આધારિત નીતિના કારણે મુસ્લિમ વિદ્યાર્થીઓને ફરીથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સીબીએસસી તરફથી પ્રગટ થયેલ પરિપત્રમાં ‘નીટ યુજી ૨૦૧૭’માં ઉર્દૂ ભાષાને સામેલ કરવામાં નથી આવી આ રીતે મહારાષ્ટ્રની સરકારી અને બિન-સરકારી કૉલેજોમાં વિવિધ મેડિકલ, પેરામેડિકલ અને સંબંધિત અભ્યાસક્રમો (MBBS, BDS, BAMS, BUMS, BHMS, BPTH, BOTH, BSc Nursing, BASP, BPO)ની ૨૦ હજારથી વધારે બેઠકો ઉર્દૂ મેડિકલ વિદ્યાર્થીઓની પહોંચથી દૂર કરી દેવામાં આવી છે કારણકે રાજ્ય સરકારના કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ સેલની ઘોષણા અનુસાર ઉપર દર્શાવેલ અભ્યાસક્રમોમાં પ્રવેશ નીટ યુજી ૨૦૧૭ના આધારે જ કરવામાં આવશે.
નીટ માટે ભાષાઓની યાદીમાં ઉર્દૂને અવગણીને ભારત સરકારે દેશના હજારો ઉર્દૂ મેડીકલ વિદ્યાર્થીઓના ભવિષ્યને અસુરક્ષિત કરી દીધા છે. ફકત મહારાષ્ટ્રમાં ઉર્દૂર્ માધ્યમ સાયન્સ જુનિયર કોલેજોની સંખ્યા ૧૬૮ છે અને દર વર્ષે ૧૫ હજારથી વધારે વિદ્યાર્થીઓ ૧૨મી કક્ષાની બોર્ડ પરીક્ષામાં ભાગ લે છે. હવે આ વિદ્યાર્થીઓને જબરદસ્તી એક એવી ભાષામાં પરીક્ષા આપવી પડશે જેમાં તેઓએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીનો અભ્યાસ નથી કર્યો. મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે આ એક ગંભીર સમસ્યા છે કારણ કે દેશમાં મેડિકલ એજ્યુકેશનમાં પ્રવેશ માટે નીટ એકમાત્ર રસ્તો છે. ઉર્દૂને નહીં સામેલ કરીને ભારત સરકારે દેશના હજારો લાયક વિદ્યાર્થીઓ માટે માર્ગ બંધ કરી દીધા છે. આ પગલાંથી લઘુમતી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની તકો ઘટી ગઈ છે. સરકારના આ પગલાનું કોઈ બંધબેસતુ નથી. ઉર્દૂ દેશની સૌથી વધારે બોલનારી ભાષાઓમાંથી એક છે. સરકારે નીટ ૨૦૧૩માં જ્યારે આ જ પ્રકારની ભૂલ કરી હતી ત્યારે મે, ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે અન્સાર અન્સારી માહીન ફાતિમા વિરુદ્ધ ભારત સરકાર (રીટ પિટિશન (સિવિલ) નં, ૧૬૮-૨૦૧૩) કેસમાં નિર્ણય સંભળાવતા નીટ પરીક્ષાનો પરીક્ષા પેપર ઉર્દૂ ભાષામાં પણ પ્રગટ કરવાનો આદેશ આપ્યો.
સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા ‘નીટ-૨૦૧૭’માં ઉર્દૂને સામેલ કરવા માટે નિયમિત પ્રયત્નો કરી રહી છે. આ જ સંદર્ભમાં SIOએ જિલ્લા, રાજ્ય અને કેન્દ્રીય સ્તરે નિરંતર પ્રતિનિધિત્વ કરીને દબાવ બનાવવાના પ્રયત્નો કર્યા છે. આ માટે સરકારને મેમોરેન્ડમ પણ આપવામાં આવ્યા છે. જેના પરિણામે આરોગ્ય અને શિક્ષણના રાજ્યમંત્રી, મહારાષ્ટ્ર અગ્રેશ મહાજને કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને એક પત્રના માધ્યમથી ઉર્દૂને નીટ ૨૦૧૭માં સામેલ કરવાની ભલામણ કરી છે. આ જ રીતે તેલંગાણાના મુખ્યમંત્રી કે.એસ.રાવે પણ પત્ર લખીને ઉર્દૂને નીટ યુજી ૨૦૧૭માં સામેલ કરવા કહ્યું છે.
કેન્દ્રીય સરકારના વર્તનને જોતાં SIOએ નીટ યુજી ૨૦૧૭માં ઉર્દૂને સામેલ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવાના નિર્ણય કર્યો છે.