હજરત મુહમ્મદ (સ.અ.વ.)એ ફરમાવ્યું :
“તમારા માંથી જે વ્યક્તિ કોઇ બુરાઇને જુએ તો તેને પોતાના હાથ (શક્તિ)થી બદલી નાખે. જો આવું ન થઇ શકે તો જીભથી તેને બદલવાનો પ્રયત્ન કરે, જો આ પણ ન થઇ શકે તો હૃદયમાં તેને બદલવાની તડપ રાખે અને આ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો છે. ” (મુસ્લિમ)
એક અન્ય રિવાયતમાં છે, કે રસૂલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું :
“મારી અગાઉ જે નબી પણ અલ્લાહ તરફથી પોતાની ઉમ્મતમાં આવ્યા તેમની ઉમ્મતમાં નિખાલસ અને પ્રાણ આપી દેનારા સાથીયો થયાં જે તેમની રીતને મજબૂતાઇપૂર્વક અપનાવતા અને તેમના આદેશ પ્રમાણે ચાલતાં. ત્યાર બાદ એમના પછી એવા કપૂત પેદા થઇ જાય છે જેઓ દાવો કરે છે પરંતુ અમલ નથી કરતા અને એ કાર્યો કરે છે જે કરવાનો તેમને આદેશ આપવામાં નથી આવતો. તો જે વ્યક્તિ આવા લોકો વિરૂદ્ધ પોતાના હાથ વડે અથાક પ્રયત્ન-સંઘર્ષ કરે તે મોમિન છે. જે વ્યક્તિ આવા લોકો વિરૂદ્ધ પોતાની જીભથી સંઘર્ષ કરે તે મોમિન છે અને જે વ્યક્તિ આવા લોકો વિરૂદ્ધ પોતાના હૃદયની (લાગણીઓ) દ્વારા સંઘર્ષ કરે તે મોમિન છે અને તે પછી રાઇના દાણા બરાબર પણ ઇમાન નથી.” (મુસ્લિમ)
આ હદીસો ઉપરથી ખબર પડે છે કે નેક કાર્યોનો હુકુમ કરવો અને બુરા કાર્યોથી રોકવું પણ ઇમાનનો એક અનિવાર્ય તકાદો છે. આજે સમાજ ઉપર અત્યાચાર, દૂષણો, સટ્ટબજાર, નગ્નતા, અનૈતિકતા, અન્યાય વગેરે ના વાદળો ઘેરાઇ ગયા છે. દરેક વ્યક્તિ વ્યથીત છે. નાના-મોટા, સ્ત્રી-પુરૃષ, યુવાન અને વૃદ્ધ તેમજ અભણ હોય કે શિક્ષિત સર્વે આ બુરાઇયોની વેદનાથી પીડિત છે. સમાજ રૃપી શરીરના કોઇ પણ અંગ ઉપર આંગળી મૂકતાં એક અસહ્ય ચીસ નિકળી પડે છે જાણે કે કોઇકે ઘા પર મરચું નાખ્યું હોય. આટલું નહીં પણ સમાજમાં દેખાતા આ કેન્સર જેવા દુષણો દિવસે ને દિવસે વધતા જાય છે. આ સમાજમાં સજ્જનોની સંખ્યા અસમાજિક તત્વો કરતાં વધુ હોવા છતાં સમાજની હાલત આમ કફોડી શાને છે ? આમ એટલાં માટે કે સજ્જનો સંગઠિત નથી, નિષ્ક્રીય અને ડરપોક થઇ ગયા છે. તેઓ સ્વાર્થી થઇ ગયા છે. પોતે સુખી હોવાથી (વાસ્તવમાં તે ભ્રમણા છે) સમાજને પણ સુખી સમજે છે. હું તો સુરક્ષિત છું પ્રભાવિત નથી. મુશ્કેલી આવશે ત્યારે જોઇશ. આવા વિચારોના કારણે સમાજમાં દૂષણો ફેલાય છે. જો સમાજમાં ફેલાતી દરેક પ્રકારના અન્યાય, બુરાઇયો, અનૈતિકતા અને અશ્લીલતા વગેરેને નાબૂદ કરી વાસ્તવિક સુખમય, શાંતિમય સમૃદ્ધ સમાજનું સ્વપ્ન જોવું હોય તો આગ લાગે ત્યારે કુંવો ખોદવોની માનસિકતાથી પર થઇ નબી. (સ.અ.વ.) એ આપેલા કથન પ્રમાણે જીવન વ્યતિત કરવામાં આવે તો આજે સમાજ પ્રેમ અને શાંતિનું પારણંુ બની શકે છે.