આજે નોટબંધીને લગભગ બે મહિના થયા બાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધું થાળે પડી જવાની પ૦ દિવસની મુદ્દત બાદ પણ લોકોની મુશ્કેલીઓ ઘટતી દેખાતી નથી, બલ્કે એમ પણ કહી શકાય કે આ મુદ્દત દરમ્યાન લોકોની ગૂંચવણો વધી છે તો એ ખોટું નહીં હોય. દેશના અર્થતંત્ર ઉપર પણ આની ખોટી અસરો ઉપસી છે. નાના ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. નોટબંધીના આ એલાન અંગે જેટલા પણ અર્થશાસ્ત્રીઓના અત્યાર સુધી જેટલા પણ અભિપ્રાય સામે આવ્યા છે તેમનાથી પણ સરકારના આ નિર્ણયને સમર્થન ઓછું મળે છે અને તે ખોટો હોવાનો સૂર વધુ નીકળે છે. અને હવે તો ધીમે ધીમે સરકારી વલણમાં પણ ફેરફાર કે બદલાવ જોવા મળી રહ્યા છે. દા.ત. અગાઉ આ અમલ માટે જ્યાં Demonetisationની પરિભાષાનો ઉપયોગ થઈ રહ્યો હતો ત્યાં હવે એક બીજી પરિભાષા Remoneti-sationને પ્રચલિત કરવામાં આવી રહી છે. આવી જ રીતે આ અમલ કે પ્રક્રિયાના હેતુઓ પણ કેટલીક હદે બદલાતા દેખાઈ રહ્યા છે. જેમ કે શરૃઆતમાં તો આ કહેવામાં આવ્યું કે આનો હેતુ કાળા નાણાના પ્રવાહને અટકાવવાનો તેમજ ભાંગફોડને તથા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે વપરાતા આ કાળા નાણા ઉપર અંકુશ મૂકવાનો છે, પરંતુ હવે તેના સ્થાને આ કહેવાવા લાગ્યું છે કે આનો હેતુ કેશ-લેસ અર્થ-વ્યવસ્થાને અમલી બનાવવાનો હતો. એક તરફ પૂરતા પ્રમાણમાં નવી કરન્સી ઉપલબ્ધ કરાવાઈ રહી હોવાની અને કરાવાશેના દાવાઓ કરાઈ રહ્યા છે; જ્યારે બીજી બાજુ વધુમાં વધુ કેશ-લેસ અર્થવ્યવસ્થાની મોટી મોટી વાતો કહેવાઈ રહી છે. અલગ-અલગ મંત્રીઓ કે જવાબદારો અલગ-અલગ વાતો કરી રહ્યા છે. પરંતુ કોઈ નક્કર પગલા લેવાતા નથી અને મુશ્કેલીઓ દૂર કરવાની કે કેશ-લેસ વ્યવસ્થા દ્વારા સર્જાનારી ઘટનાઓની જવાબદારી સ્વીકારવાની પણ કોઈ જ વાત કહેવાતી નથી. રોજેરોજ નિત-નવી મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. આ મુશ્કેલીઓના શિકાર સામાન્ય લોકો જ બની રહ્યા છે. રાજકીય કે ધનિક વર્ગ આનાથી કયાં તો પ્રભાવીત થયો જ નથી અને જો કયાંક થયો પણ છે તો તે પણ નામ માત્રનો, જેનું પ્રમાણ નહિવત છે.
રોજેરોજ નવી નવી જાહેરાતો આ સંદર્ભે કરવામાં આવી રહી છે જે મુશ્કેલીઓ ઘટાડનારી ઓછી, આશંકાઓ વધારનારી વધુ જણાય છે. આવામાં હવે સરકારે ખૂબ જ ગંભીરતાથી આ અંગે નિર્ણય લેવો પડશે. પ૦ દિવસની મુદ્દત પણ પૂરી થઈ ચૂકી છે.
અહીં હાલમાં વેનેઝુએલામાં સરકારે નોટબંધીનો નિર્ણય સાત જ દિવસમાં પ્રજાના ભારે વિરોધના પગલે પાછો ખેંચી લીધો છે તે ખૂબ જ સૂચક છે. સાથે જ એ પણ યાદ રાખવાની જરૃર છે કે આ અગાઉ જ્યાં જ્યાં પણ નોટબંધીનો આવો નિર્ણય લેવાયો હતો તે દરેક જગ્યાએ નિષ્ફળ જ નીવડયો હતો.
ત્યાં ૧૧મી ડિસેમ્બરે ૧૦૦ બોલિવરની નોટ બંધ કરી ૫૦૦, ૨૦૦૦ અને ૨૦,૦૦૦ બોલિવરની નવી નોટો બહાર પાડવાની ઘોષણા કરી હતી. વેનેઝુએલાના મદૂરો સરકારે જૂની નોટો બદલવા માટેની મુદ્દતમાં નવી કરન્સીનો પુરવઠો ન જળવાતાં જૂની નોટો બદલવાના સમયમાં ૧૦ દિવસનો વધારો કરવામાં આવ્યો હતા. તેમાં પણ નવી કરન્સીનો પૂરતો પુરવઠો પૂરો ન પડાતાં લોકો માત્ર એક જ સપ્તાહમાં લાઈનોમાં ઊભા રહી કંટાળી ગયા. લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહ્યા પછી પણ નવી કરન્સી ઉપલબ્ધ ન હોવાના કારણે તેમની ધીરજ ખૂટી ગઈ હતી. આ અંગે યોગ્ય વ્યવસ્થા ન મળી રહેવાના લીધે સમગ્ર દેશમાં અરાજકતા વ્યાપી ગઈ હતી. રોકડની ભારે અછત સર્જાતાં ઠેરઠેર રમખાણો ફાટી નીકળ્યા હતા. ત્યાં પોલીસ તથા રમખાણકારો વચ્ચેના રમખાણોમાં ૩ લોકોના મોત થયા હતા. નવી કરન્સી સમયસર પહોંચી ન શકવાના કારણે રોકડનું સંકટ ઘેરૃં બનતાં લોકોએ સેંકડો દુકાનો અને બેન્કોમાં લૂંટફાટ ચલાવી હતી. ઘણાં સ્થળોએ કેશ-વાન લૂંટી લેવામાં આવી હતી. જ્યારે કેટલાક સ્થળે સુપર માર્કેટમાં પણ લૂંટ ચલાવાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ વેનેઝુએલાના કેટલાક રાજ્યોમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે સેના પણ તૈનાત કરવામાં આવી હતી. અલબત્ત નોટબંધીનો નિર્ણય હાલ તો ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ મદૂરોએ બીજી જાન્યુઆરી ૨૦૧૭ સુધી જ સ્થગિત કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. બાકી તો આવનાર સમય જ બતાવશે કે આ અંગે કયો અને કેવો નિર્ણય લેવાશે.!!! *