Tuesday, June 25, 2024
Homeમનોમથંનન્યાયતંત્ર અંતે હાઈજેક કરવામાં મોદી સરકાર સફળ

ન્યાયતંત્ર અંતે હાઈજેક કરવામાં મોદી સરકાર સફળ

ચાલીસ વર્ષ અગાઉ આપણા દેશમાં તત્કાલીન સરકારે ન્યાયતંત્રની સ્વંત્રતા તથા નિષ્પક્ષતાને નબળા પાડવાનો એક ખાસ હેતુસરનો મિથ્યા પ્રયાસ કર્યો હતો, પરંતુ જે તે સમયે સરકાર તેના મિશનમાં બહુ સફળતા પ્રાપ્ત કરી શકી ન હોતી. કમનસીબે ચાર દાયકાનો વહેણ બાદ વર્તમાન સરકાર ન્યાયતંત્રને હાઈજેક કરવામાં સફળ થઈ ગઈ છે. ન્યાયતંત્રની ઉચ્ચસ્તરની નિમણૂંકોમાં સીધો ચંચુપાત કરવાની સરકાર અને રાજકીય પક્ષોને મહામૂલી અને રાજકીયપક્ષો જેના માટે લાંબા સમયથી તડપી રહ્યા હતા એવી તક પૂરી પાડતો અદાલતી નિમણૂંક પંચ ખરડો સંસદના બંને ગૃહોમાં નિર્વિધ્નપણે કોઈપણ જાતના વિપક્ષી પ્રતિકાર વગર પસાર કરાવવામાં ભાજપ પ્રેરિત એનડીએ સરકાર તમામ કોઠી આસાનીથી ભેદી શકી છે અને એક જ ઝાટકે ઉચ્ચન્યાયતંત્રમાં નિમણૂંકોની વર્તમાન કોલેજીયમ પ્રથાનો મૃત્યુઘંટ વગાડી દેવામાં આવે.

તટસ્થ નિરીક્ષકો, ન્યાયતંત્રમાં બિરાજમાન નિવૃત અને વર્તમાન ઉચ્ચ ન્યાયવિદો તથા તટસ્થ્ય વિશ્લેષકો નવી નિમણૂંક વ્યવસ્થાને ન્યાયતંત્રમાં તટસ્થતા માટે બિલકુલ જોખમરૃપ અને ભયંકર માની રહ્યા છે. એમનું માનવું છે કે જજોની નિમણૂંંકો નવી વ્યવસ્થા વડે ન્યાયતંત્રની સ્વતંત્રતા ખતમ કરી નાખવામાં આવી છે. અને હવેથી ન્યાય માટે નિષ્પક્ષતા તથા ગરિમા તેમજ સ્વાભિમાન જાળવવાનું પણ મુશ્કેલ અને અશક્ય બની જાશે. નિરીક્ષકોના મતે કોલોજીયમ સિસ્ટમના સ્થાને કાયદા મુજબ ઊભી થનારી નવી વ્યવસ્થામાં ન્યાયતંત્ર માટે અનેક ભયસ્થાનો રહેલાં છેે.

એટલે જ દેશના મુખ્યન્યાયમૂર્તિ જસ્ટીસ આર.એમ. લોધાએ સ્પષ્ટ શબ્દોમાં સાચું જ કહ્યું કે ન્યાયતંત્રમાં ઉચ્ચસ્થાને બેસવા માટે કોણ લાયક છે તેનો નિર્ણય સક્ષમ ન્યાયવિદ્ જ કરી શકે. રાજકીય નેતાઓ આવી પસંદગીનો નિર્ણય લેવાની કોઈ લાયકાત ધરાવતા નથી. એ તરફ લોધાએ સૂચક પરોક્ષ ઇશારો કર્યો છે અને એમની વાત સો ટચના સોના જેવી છે. કારણ કે નવા પંચનું માળખું અને ચહેરો અને મહોરો જ દર્શાવે છે કે હવે પછી દેશની તમામ વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતોમાં થનારી નિમણૂંકો રાજકીય રંગ ધરાવતી હશે અને રાજકીય પક્ષોનો પ્રતિનિધિઓ તરીકે પંચમાં સભ્યપદ શોભાવનારાઓ ન્યાયતંત્રની ઉચ્ચ નિમણૂંંકને રાજકીય ખેંચાખેંચીનું સાધન બનાવી દેશે એ વિશે કોઈ શંકા કરવા જેવું રહ્યું નથી. કોલેજીય સિસ્ટમની નાબૂદી અને બાદબાકી માટે સરકાર અને સરકાર તરફી માનસ ધરાવતા કેટલાક ન્યાયવિદો અને કાયદા નિષ્ણાંતો એવું કારણ રજૂ કરે છે કે કોલેજીયમ સિસ્ટમ પારદર્શક ન હોતી એટલે નવી વ્યવસ્થા ઊભી કરવાની ફરજ પડી છે. પણ આ દલીલ ગળે ઊતરે એમ નથી. કોઈ ઇમારતની દીવાલમાં તિરાડ પડે તો આખી ઇમારત તોડી પડાતી નથી પણ તેનું મરામત કામ કરવામાં આવે છે અને તિરાડ પૂરી દેવામાં આવે છે. જો પારદર્શકતા નહોતી તો તે લાવવા માટે અનેક માર્ગો હતા પણ આ સરકાર કોઈપણ ભોગે ન્યાયતંત્રની તમામ પ્રક્રિયામાં સીધો હસ્તક્ષેપ કરવા તલપાપડ બની હતી એટલે કોઈપણ સાચી દલીલ પણ સ્વીકારવા એ તૈયાર ન થાય એ સ્વાભાવિક છે. અને સરકાર તરફી પદ્ધતિસર મીડિયા મારફત તેમજ સરકારી ટેકેદાર ચોક્કસ નિષ્ણાંતો મારફત ન્યાય વિરોધી હવામાન ઊભુ કરવાની રીતસર ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

ખરડો જે ઝડપે લોકસભા અને રાજ્યસભા બન્નેમાં પસાર થઈ ગયો તે જોતાં લાગે છે કે રાજકીય પક્ષોને ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ કરવા સામે કોઈ વાંધો ન હોતો. એટલે જ શરૃઆતમાં કોંગ્રેસે પણ વિરોધનું નાટક કર્યું, ડાબેરીપક્ષોએ પણ બે-ચાર ટીકાત્મક વિધાનો કરીને આત્મસંતોષ માની લીધો પણ સંસદના બંને ગૃહોમાંથી કોઈ ગૃહમાં ખરડાને રોકવાની કોઈ કોશીશ વિરોધપક્ષોએ કરી નથી. હવે પછી દરેક નિમણૂંંક રાજકીય સોગઠાબાજી અને રાજ-રમતનો શિકાર બનીને રહી જશે કેમકે નવા પંચમાં અધ્યક્ષ ભલે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ હોય પરંતુ સભ્ય તરીકે એમાં કાયદામંત્રી વિપક્ષના નેતાનું પણ ચાલશે, રાજ્યોના ગર્વનરો અને મુખ્યમંત્રીઓનું પણ તેમાં મંતવ્ય સાંભળવાનું રહેશે. એટલે નવું પંચ વાસ્તવમાં રાજકીય પક્ષના સંગઠન જેવું લાગશે. ક્ષમતા, લાયકાત, કાનૂની અભ્યાસ ગુણવત્તા જેવા માપદંડો સદંતર અભરાઈએ મૂકી દેવામાં આવશે. પંચના સભ્યો તરીકે રાજકીય પ્રતિનિધિઓની ટકાવારી વધારે રહેશે અને એમની જ બહુમતી રહેશે પરિણામે મુખ્યન્યાયમૂર્તિ તથા પંચના સભ્ય બીજા સીનિયર મોસ્ટ જજનું કંઇ ઉપજે એવું નથી.

અંતમાં એવું કહી શકાય કે હવે દેશનું ન્યાયતંત્ર માત્ર રાજકીય અખાડા જેવું થઈને રહી જશે અન ન્યાયતંત્ર માટે હવે … દિન આગએ ….!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments