ઇતિહાસની અટારીએથી ………………………. પ્રશિક્ષણના પગલાં
વિખ્યાત ઇસ્લામી ઇતિહાસકાર ઇબ્ને ઇસ્હાકે હઝરત સઅદ બિન અબી વક્કાસ (રદી.)ના હવાલાથી વર્ણન કર્યું છે – તેઓ કહે છે કે બની દિનાર નામક કબીલાની એક સ્ત્રી જેમના પતિ, ભાઈ અને પિતા ઉહદના યુદ્ધમાં શહીદ થઈ ગયા હતા. જયારે આ સ્ત્રીને તેમના શહીદ થયાના સમાચાર આપવામાં આવ્યા તો તેણીએ સમાચાર આપનારને પૂછ્યું, “અલ્લાહના રસૂલ (સ.અ.વ.)ની શું હાલત છે?” તેણે કહ્યું, હે બહેન! તેઓ તદ્દન સલામત છે. આપ (સ.અ.વ.) અલ્લાહના આભાર સાથે એ જ હાલતમાં છે જેવી હાલતમાં તમે ઇચ્છો છો. તો એ સ્ત્રીએ કહ્યું, હું તેમને જોવા માંગુ છું. તેથી મને સંતોષ થઈ જાય. જેથી તે સ્ત્રીને અલ્લાહના રસૂલ (સ.અ.વ.) તરફ આંગળી ચીંધીને બતાવવામાં આવ્યું કે આપ (સ.અ.વ.) પેલા છે. જ્યારે તેણે આપ (સ.અ.વ.)ને પોતાની આંખોથી જોઈ લીધા તો કહ્યું, “અલ્લાહના રસૂલ (સ.અ.વ.)ને જોઈ લીધા પછી હવે મારા માટે પ્રત્યેક મુસીબત તુચ્છ છે.”
(અલબિદાયા/૪/૪૭)
ઉહદના યુદ્ધમાં પ્રારંભમાં મુસલમાનો મક્કાના હુમલાખોરો ઉપર વિજયી થઈ ગયા હતા પરંતુ મુસલમાનોના એક સમુહની ભૂલના કારણે રણયુદ્ધનું પાસુ પલટાઈ ગયું અને મુસલમાનો ઉપર હુમલાખોરો છવાઈ ગયા અને ઘણા મુસલમાનો શહીદ થઈ ગયા. કોઈકે એ અફવા પણ ફેલાવી દીધી કે મુહમ્મદ (સ.અ.વ)ને મારી નાંખવામાં આવ્યા. આ ખબર ફેલાતાના સાથે જ યુદ્ધ મેદાનમાં જાણે સોપો પડી ગયો. સહાબા હતપ્રભ થઈ ગયા જાણે ભાંગી પડયા. અમુક લોકોએ તલવારો હાથમાંથી ફેંકી દીધી કે હવે લડાઈનો શો અર્થ? આ અફવા જોતજોતામાં મદીના શહેર સુધી પહોંચી ગઈ. સમગ્ર મદીના હાલી ઉઠ્યું અને લોકોની ચીસો અને રોક્કળના અવાજ છેક યુદ્ધ મેદાન સુધી પહોંચવા લાગ્યા. મુસલમાનોની જીંદગી માટે આ અત્યંત કઠીન દિવસ હતો અને આ દિવસે જે અનેક પ્રસંગો લોકોના અનુભવમાં આવ્યા તેમનો આ એક વિખ્યાત પ્રસંગ છે, જેનો સંબંધ એક એવી સ્ત્રી સાથે છે જેને લોકો ખબર આપે છે કે તેનો પતિ, તેનો ભાઈ અને તેનો બાપ આ યુદ્ધમાં માર્યા ગયા છે. અને જે તેના માટે સમગ્ર જીવનની પૂંજી હતા તેઓ સત્યના માર્ગે શહીદ થઈ ચૂક્યા છે. પરંતુ તે સ્ત્રી તેમને એ જ કહેતી રહે છે કે મને એ બતાવો કે અલ્લાહના રસૂલ (સ.અ.વ)ની હાલત શું છે? જ્યારે તેમનાથી કહેવામાં આવ્યું કે તેઓ સહી-સલામત છે તો તેણીએ કહ્યું હું તેમને જોવા માંગુ છું. જ્યારે તે સ્ત્રીએ આપ (સ.અ.વ)ને જોઈ લીધા તો બોલી ઊઠી કે, “હે અલ્લાહના રસૂલ (સ.અ.વ) આપ સહી-સલામત છો તો પછી પ્રત્યેક મુસીબત તુચ્છ છે.”
છેવટે આ દીને આ સ્ત્રીઓ સાથે એવું શું કરી દીધું હતું કે તેમણે રોકકળ કરવાનું અને હાય-હાય કરવાનું છોડી દીધુ હતું અને છાતી પીટવાનું કે વાળ ખેંચવાનું ત્યજી દીધું હતું. તેઓ ઈમાન અને ચેતનાના વર્તુળમાં કદમ મૂકીને છેવટે પોતાના ભાઈ, બાપ અને પતિના મૃત્યુની પીડા પણ ભૂલી ગઈ. દરેકની નજર માત્ર અને માત્ર પોતાના કાઈદ, પોતાના રહબરની સલામતી ઉપર જ મંડાયેલી છે. કેમકે તેમની સલામતી ઉપર જ આ સંદેશની સફળતા અને તેના વર્ચસ્વનો આધાર છે.
આ દીને આ કારનામું કેવી રીતે અંજામ આપ્યું કે ખન્સા જે પોતાના ભાઈના મોત ઉપર સમગ્ર આરબ વિકલ્પમાં ચીસો પાડી પાડીને તેના મરસિયા પઢતી હતી. સૂર્યોદય સાથે તેને તેનો ભાઈ યાદ આવતો અને સૂર્યાસ્ત સુધી તેની યાદમાં ડૂબેલી રહેતી. આ ખન્સા જે કવિચિત્રી હતી પોતાના ભાઈના શોકમાં વિવિધ કવિતા પંક્તિઓ ઉચ્ચાર્યા કરતી હતી. જ્યારે કાદસીયાનું યુદ્ધ થયું તો તેના ચાર દીકરા આ યુદ્ધમાં શહીદ થઈ ગયા ત્યારે તેણે એમ કહ્યું, “અલ્લાહનો આભાર અને તેની પ્રશંસા છે, જેણે મને મારા દીકરાઓની શહાદતથી ગૌરવ, સન્માન અને આબરૃ અર્પણ કર્યા.”
અલ્લાહની પ્રશંસા! પરિસ્થિતિમાં કેટલો ચિત્ર વિચિત્ર બદલાવ આવી ગયો કેવું પરિવર્તન આવી ગયું! ઇચ્છાઓ અને આરઝુઓમાં કેવો ફેરબદલ થઈ ગયા કે એક મુસ્લિમ સ્ત્રી જેનું માનવની હેસિયતથી અસ્તિત્વ સમાજ માટે શ્રાપની નિશાની હતું, તે જ સ્ત્રી સંજોગોની દિશાને બદલી નાંખનારી, ચેતના અને જાગૃતિ લાવવાની દ્યોતક બની ગઈ. હવે દીનનો સંદેશ તેની તમન્ના અને ખ્વાહીશ અને નબી (સ.અ.વ) તેના કાઈદ બની ગયા અને તેને જે ચીજની ચિંતા રહેવા લાગી તે ઇસ્લામનું પ્રભુત્વ અને રસૂલ (સ.અ.વ)ની સલામતી અને સુરક્ષા હતી.
અલ્લાહના રસૂલ (સ.અ.વ)નો પ્રેમ એ ઈમાનનો આધાર અને નિશાની છે. તો આપ (સ.અ.વ)નું અનુસરણ અને આજ્ઞાપાલન આ પ્રેમની અમલી દલીલ છે. મારા મુસલમાનો ભાઈ અને બહેન! માનવવંશની આ જ ખાસિયત છે જે માનવશ્રેષ્ઠ અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ)ના હાથે અસ્તિત્વમાં આવી અને ચોતરફ છવાઈ ગઇ.