Friday, December 13, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપપત્રકારત્વ અને ઇસ્લામ

પત્રકારત્વ અને ઇસ્લામ

પત્રકારત્વ જેને ભારત જેવા લોકશાહી દેશનો ચોથો સ્તંભ સમજવામાં આવે છે. હા ! જો કે આ સ્તંભ સાચા અર્થમાં કાર્યરત રહે અને તેની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવે તો અન્ય ત્રણ સ્તંભ સંસદ, ન્યાય તંત્ર અને વહીવટી વિભાગને પણ કાબુમાં રાખવાની ત્રેવડ આ જાગીરમાં ચોક્કસ પણે નિહાળી શકાય છે. આજે કોઇ સ્થાનિક, પ્રાદેશિક કે રાષ્ટ્રીય સમસ્યા કે ઘટના હોય તેના માટે કંઇ પ્રકારનો લોકજુવાળ ઉભો કરીને સામાન્યજનની માનસિકતા કઇ પ્રકારે પ્રેરવી છે તેની ગુરૃચાવી આ સ્તંભમાં ચોક્કસ જોઇ શકાય છે.

વર્તમાન પરિસ્થિતીમાં આટલી મજબૂત એવી આ ચોથી જાગીર માટે યક્ષ પ્રશ્ન એ છે કે શું આ તંત્ર પોતાની જવાબદારી યથાયોગ્ય રીતે આ સમાજ અને રાષ્ટ્રના હિત અને વ્યવસ્થાને સુચારૃ રૃપે જાળવી રાખવા માટે અંજામ આપે છે ? આ બાબતે મારો અંગતમત તો એ છે કે આજની વર્તમાન પરિસ્થિતીમાં ઉભી થયેલી આર્થિક સંકળામણ હોય કે રાજકીય અરાજકતા હોય અથવા પછી સમાજમાં ઉભી થયેલી સંઘર્ષમય માનસિકતા હોય કે પછી શિક્ષણનો ખુલ્લો વેપાર આ બધા પાછળ કદાચ ચાવીરૃપ ભૂમિકા આ ચોથી જાગીરને જ ગણી શકાય. આ બધા પાછળનું સૌથી મોટું કારણ એ જ છે કે અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રને પણ મૂડીવાદનું ગ્રહણ લાગી ગયું છે. અને કોઇ નાની ઘટના હોય કે કોઇ મોટો વિસ્ફોટ પરંતુ તેની પાછળ સૌથી મોટુ કારણ અને પ્રેરકબળ માત્ર પૂંજીવાદી માનસિક્તા જ છે. આજના મોટો ભાગના મીડિયા ગૃહો મોટા મોટા પૂંજીપતિઓના મુઠ્ઠીમાં જ કેન્દ્રિત થયેલા છે પછી સમજી શકાય કે આની પાછળ કેવી માનસિકતા કામ કરતી હશે. મારી દૃષ્ટિએ આ ક્ષેત્ર તેની ચોથા સ્તંભ રૃપ ભૂમિકા સાચા અર્થમાં ત્યારે જ નિભાવી શકે જ્યારે તેની બુનિયાદ માત્રને માત્ર સત્ય જ હોય. સત્યનું સૌંદર્ય જેમાંથી પ્રગટતું હોય એને જ મારી દૃષ્ટિએ સમાજનું જવાબદાર પત્રકારત્વ ગણી શકાય. સત્ય હંમેશા સનાતન હોય છે અને જે સનાતન હોય એ ક્યારેય સમય સંજોગ કે સ્થળ બદલાતા બદલાય નહીં. જમાનો બદલાય સમય બદલાય કદાચ મુલ્યો પણ બદલાય પણ… સત્ય ક્યારેય બદલાતુ નથી. જવાબદારી અને કર્તવ્ય પરાયણતામાંથી સાચુકલું સત્ય ક્યારેય છટકી ન શકે. સાચો પત્રકાર સુર્યના આકરા તડકાનું વર્ણન કરે. પણ જે પત્રકાર સુરજ જેવા સુરજના દઝાડી રહેલા આકરા તડકાને પણ ચાંદની રૃપે રજૂ કરે ત્યારે સમજુ વાચકને જરૃરથી વહેમ ઉભો થાય કે કાંતો સુરજ નકલી છે કાંતો પત્રકાર પેલા સુરજનો ગુલામ ! શબ્દોના સફારી સ્યુટ પહેરાવીને અહેવાલને રૃડો રૃપાળો પણ ન બનાવાય, કે એને કૃત્રિમ આંસુ અને કૃત્રિમ લોહીનો મેકઅપ કરાવી લોકોની સસ્તી સહાનુભૂતિ ઉઘરાવવા માટે પણ એને કોરા કાગળમાં છુટો ન મુકાય. આજે રાજક્ષેત્રમાં કોઇ કોઇનો મિત્ર પણ નહીં, દુશ્મન પણ નહીં જેવો ભ્રામક અને જીવલેણ વિચાર બોમ્બ રમતો મુકાયો છે તેમ જ સત્યતા મરો સંસ્કાર મરો, પત્રકારનું તરભાણું ભરો ! એ સિદ્ધાંત દુર્ગંધ મારતી કલમો દ્વારા વહેતો થયો છે. ખરા અર્થમાં પત્રકારત્વનું ક્ષેત્ર ત્યારે જ સમાજ પ્રતિ જવાબદાર અને ચોથી જાગીર પુરવાર થશે જ્યારે પત્રકાર પોતાના વિચારો, શબ્દો, દર્શન, ચિંતન-મનન અને વાસ્તવિક્તા સાથે સહેજ પણ કોમ્પ્રોમાઇઝ એટલે કે સમાધાન અને બાંધછોડ નહીં કરે.

ઉપરાંત જો આપણે અખબાર પત્રો કે ટીવી ચેનલો પર નજર કરીએ તો આપણને ધ્યાન પર આવે છે કે કદાચ કેટલાક અખબાર પત્રો કે ટીવી ચેનલો સમાચાર આપવા માટે નહીં પરંતુ જાહેરાતોનો બોધ વરસાવી વચ્ચે વચ્ચે ક્યાં સમાચાર જોવા મળે છે, ઘણા લીડીંગ કહી શકાતા અખબાર પત્રોના મુખ્યગણાતા પહેલા કે છેલ્લા પાનામાં ઘણી વખતે ભાગ્યે જ આપણને સમાચારો નસીબ થતા હોય છે. ખરેખર તો ભારતીય પત્રકારત્વ ધારો હેઠળ અને પ્રેસ કાઉન્સિલના નિયમાર્ન્તગત આખા સાચાર પત્રમાં કે ટીવી ચેનલમાં ચાલીસ ટકાથી વધુ જગ્યા કે સમય જાહેરખબરો આપી ન શકાય. જેની ઇસ્લામી કાયદા મુજબ પણ સખત મનાઇ ફરમાવવામાં આવી છે. પરંતુ આજે તો સમાચારપત્રો કે ટીવી ચેનલો જાહેરખબરો આપવા માટે સમાચાર આપતા હોય તેવું પ્રતિત થતું હોય છે. આ સમાચાર માધ્યમો આજે રીતસરનો એક ધંધો બની ગયા છે અને આ ક્ષેત્રમાં મોટાભાગે મૂડીવાદી તાકતોનો પગપેસારો થઇ ગયેલો હોય સંપૂર્ણ મીડિયા જગત આજે મુડીવાદની કઠપુતળી સમાન બની ગયેલું પ્રતિત થાય છે. કોઇપણ પ્રકારના એવા સમાચાર કે ઘટના કે જેનાથી આમ જનતા કે સામાન્ય માણસને કશું જ લેવા દેવા નથી અને તેની આ જન સમુદાય પર કોઇ દુરોગામી અસરો થાય છે પરંતુ મુડીવાદી સમુહને જો આની અસર થાય છે તે સમાચાર કે ઘટનાને હરી ફરીને રીપીટ કરવામાં આવતા હોય છે જ્યારે તેની બીજુ બાજુ કે જે કોઇ સમાચાર કે ઘટના જે સામાન્ય જન સમુદાયથી બહું જ સાંકળતી હોય અને હા તેની કોઇ જ અસર મુડીવાદી હિત ધરાવનાર સમુહને થતી ન હોય તો તેની એક આંછેરી ઝલક માત્ર પ્રસ્તુત કરવામાં આવે છે.

આજે પ્રિન્ટ કે ઇલેકટ્રોનિક મીડિયામાં જાહેર ખબરો પછી સૌથી વધુ પ્રસ્તુત કરવામાં આવતી જો કોઇ બાબત હોય તે કદાચ મારી દૃષ્ટિએ ક્રાઇમને લગતા સમાચાર હોય છે. એક પત્રકારત્વના વિદ્યાર્થીની રૃએ એક ચર્ચાગોષ્ટીમાં ભાગ લેવાનો મોકો મળ્યો ત્યારે એક સંનિષ્ઠ અને પીઢ પત્રકારશ્રીએ ખુલ્લા મને આ બાબત સ્પષ્ટતા સાથે સ્વિકારી અને તેની ગંભીરતા પણ વર્ણાવી કે આજે બન્ને , પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયામાં ક્રાઇમને લગતા સમાચાર મોટા પ્રમાણમાં પ્રસ્તુત કરવામાં આવે છે. જેની સમાજ પર દુરોગામી ગંભીર અસરો ઉભી થવી સંભવિત છે અને ઇસ્લામી કાનૂન મુજબ કોઇપણ પ્રકારના સમાચાર પર નકારાત્મક અસર ઉભી કરી શકે તેવા સમાચાર પ્રસ્તુત કરવા એ એક ગંભીર ગુનો બને છે. પરંતુ આજના સમાચાર માધ્યમોમાં એવા ક્રાઇમના સમાચાર કે જેની સમાજ પર બોધ ગ્રહણ કરી શકાય તે પ્રકારની માહિતી સભર બાબતોને નાણાંની ખુલ્લી કોથળીઓના ઇશારે પ્રસ્તુત થતા અટકાવી દેવાય છે.

આપણે સમાજ પ્રતિ જવાબદાર કેવી રીતે સમજી શકીએ. ઇસ્લામની દૃષ્ટિએ સમાજના દરેક વર્ગના અવાજ અને સમસ્યાને વાચા આપતું મીડિયા જ કે જે સાચા અર્થમાં પોતાના તટસ્થ પત્રકારત્વની જવાબદારી નિભાવતું હોય અને જે ન એક ધંધાની હેસીયતથી પરંતુ સાચા અર્થમાં સમાજ અને લોકશાહી રાષ્ટ્રની ચોથી જાગીર બનીને પોતાની સમાજ પ્રતિ જવાબદારી નિભાવતું મીડિયા પત્રકારત્વ જ એક ઇસ્લામી પત્રકારત્વ કે ઇસ્લામી મીડિયા કહી શકાય અને ઇસ્લામી મીડિયાની તાતી જરૂરીયાત છે જેમાં કદાચ કોઇ બેમત ના હોય શકે.

મીડિયા અંગે ઇસ્લામી દ્રષ્ટિકોણ ઃ-
ઇસ્લામે જીવનની દરેક બાબતે માનવીનું માર્ગદર્શન કર્યું છે. આ દીન-ઇસ્લામ દરેક યુગના સંજોગોમાં માનવને માર્ગદર્શન પુરૃં પાડે છે. કુઆર્ન અને હદીસ તથા ઇસ્લામી શિક્ષણના વાચનથી વર્તમાન યુગના મહત્વપૂર્ણ વિભાગ અર્થાત્ મીડિયા અંગે પણ સૈધ્ધાંતિક આદેશો મળી આવે છે. અહીં અમે એ આદેશો પ્રત્યે સંકેત કરીએ છીએ જેને અમલમાં મૂકી મીડિયા માનવતાના કલ્યાણ અને સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ, વિકાસ અને સફળતા પ્રાપ્તિનું અત્યંત મહત્વપૂર્ણ અને લાભદાયક માધ્યમ બની શકે છે.

અમે આરંભમાં જણાવ્યું છે તેમ મીડિયાનો મૂળભૂત હેતુ લોકોને માહિતી પૂરી પાડવાનો, એમનું માર્ગદર્શન કરવાનો અને મનોરંજન પુરૃં પાડવાનો છે. આ ત્રણેય કાર્યો બજાવવા નીચેના સિધ્ધાંતો દ્રષ્ટિ સમક્ષ રાખવા જરૂરી છે.

૧. સમાચારોની સચ્ચાઇ ઃ સમાચારો અને માહિતીનું પ્રસારણ સચ્ચાઈ અને હકીકતોના આધારે થવું જોઈએ. જે સમાચારની ખરાઈ અને સચ્ચાઈ અંગે સંતોષ ન હોય એવા સમાચાર પ્રસરિત કરવા ન જોઇએ. જુઠ્ઠાણા અને અફવાઓ ફેલાવવા ન જોઇએ અને હકીકતને પામવા સંશોધન કરવું જોઈએ.કુઆર્ને હકીમમાં ફરમાવવામાં આવ્યું છે ઃ
“હે લોકો જેઓ ઈમાન લાવ્યાં છો, જો કોઈ દુરાચારી તમારી પાસે કઈ સમાચાર લઇને આવે તો તેની ચકાસણી કરો, ક્યાંક એવું ન બને કે તમે કોઇ જૂથને અજાણતા નુકસાન કરી બેસો અને ત્યારબાદ પોતાની કરણી ઉપર પસ્તાવો કરો.” (અલહુજુરાત ઃ૬)

૨. સત્ય ન છુપાવો ઃ આ સંદર્ભમાં એ બાબત પણ દ્રષ્ટિ સમક્ષ રાખવી જોઇએ કે માત્ર સાચા સમાચારો જ પ્રસારિત કરવા જોઇએ. ખોટી અફવાઓ ફેલાવવી ન જોઈએ એટલું જ નહીં બલ્કે સત્ય છુપાવવાનું પણ ટાળવું જોઇએ. કુઆર્નમાં શહાદત-સાક્ષીને નહીં છુપાવવાનો આદેશ આપવામાં આવ્યો છે અને શહાદતનો અર્થ કોઈ કેસમાં અદાલત સમક્ષ હાજર થઈ સાક્ષી આપવા પૂરતો જ મર્યાદિત નથી. શહાદતનો સાચો અર્થ એ છે કે વ્યક્તિ જે સત્ય જાણતી હોય તેનાથી બીજાઓને પણ વાકેફ કરે, તેને છુપાવે નહીં, કુઆર્નમાં ફરમાવવામાં આવ્યું છે ઃ
“અને શહાદત કદાપિ ન છુપાવો જે શહાદત છુપાવે છે એનું હૃદય ગુનાથી ખરડાયેલુ છે અને અલ્લાહ તમારા કર્મોથી અજાણ નથી.” (અલબકરહઃ૨૮૩)

શહાદત સંતાડવાનો સરળ અર્થ એ જ છે કે વ્યક્તિ કોઇ ઘટના નિહાળે અથવા કોઈ વાત સાચી અથવા ખોટી હોવાનું જાણતી હોય પરંતુ બીક, લાલચ અથવા બીજા કોઈ હિત કે લાભ ખાતર એને જાહેર કરવાનું મળે. પરંતુ કુઆર્નના આ આદેશમાં એ તમામ પ્રયત્નોનો પણ સમાવેશ થઈ જાય છે જે સત્ય સ્પષ્ટ અને જાહેર ન થાય એવા આશયથી કરવામાં આવતા હોય. આમાં એ બાબતનો પણ સમાવેશ થાય છે કે વ્યક્તિ સત્યને વિકૃત કરીને રજૂ કરે અને લોકોની નજરમાં સત્યને શંકાસ્પદ બનાવી દે.

કુઆર્નમાં ફરમાવવામાં આવ્યું છે.
“અને અસત્યનો ઢોળ ચઢાવી સત્યને શંકાસ્પદ ન બનાવો અને ન જાણીબૂઝીને સત્યને સંતાડવાની કોશિશ કરો.” (અલબકરહઃ૪૨)

આ આયતમાં મીડિયા દ્વારા આચરવામાં આવતીએ તમામ પ્રવૃત્તિઓથી અટકાવવામાં આવ્યાં છે જેના દ્રારા મૂળ ઘટના અથવા કોઇના નિવેદનને તેના મૂળ શબ્દો સાથે ચેંડા કરી, અર્થઘટન દ્વારા એનો જુદો જ અર્થ કરવામાં અને ઉપદ્રવ્યના આશયથી તેને વિકૃત્ત કરી રજૂ કરવામાં આવે છે.

૩. સત્ય પ્રિયતા અને નિષ્પક્ષતા ઃ કોઇ ઘટના અથવા નિવેદનના સમાચાર રજૂ કરતી વખતે ન્યાયપૂર્વક વર્તવું જોઇએ. દરેક પ્રકારની રંગપૂરણી, સમીક્ષા અને પક્ષપાતથી દૂર રહેવું જોઇએ. દરેક પરિસ્થિતિમાં ન્યાયપૂર્વક વર્તવું જોઇએ અને કોઈના પ્રેમ કે દુશ્મનાવટના કારણે ન્યાય ઉચ્ચારવાથી અટકવું જોઇએ નહીં. અલ્લાહતઆલા ફરમાવે છે.
“અને જ્યારે વાત ઉચ્ચારો ન્યાયની (વાત) ઉચ્ચારો,ભલે બાબત પોતાના સંબંધીઓની કેમ ન હોય.” (અલ અન્ફાલ ઃ૧૫૨)

૪. અન્યના ખાનગી જીવનની વાતો જાણી લેવા ઉત્સુક રહેઃ વર્તમાન યુગમાં જે રીતે વિવિધ લોકોના વ્યક્તિગત સંજોગો અંગે વિવિધ માધ્યમો દ્વારા જાણવાની કોશિશ કરવામાં આવે છે અને પછી રસપ્રદ બનાવવા માટે ખૂબ મીઠું-મરચું ભભરાવી પીરસવામાં આવે છે તેની કુઆર્ને મનાઇ ફરમાવી છે.
“હે લોકો જેઓ ઈમાન લાવ્યા છે વધુ પડતા અનુમાન કરવાથી બચો, કારણ કે અમુક અનુમાનો ગુના હોય છે, જિજ્ઞાસામાં ન પડો.” (અલહુજુરાત ઃ૧૨)

વલા તજસ્સુસ અર્થાત લોકોના સમાચારો જાણવાની ઉત્સુકતા દાખવવાથી મના કરવામાં આવ્યું છે. આનું કારણ એ છે કે બીજા લોકોની ગુપ્ત કે ખાનગી અને વ્યક્તિગત બાબતો કે વ્યવહારોને શોધીને એમની ખામીઓ જાણવી એ અનીતિ છે જેના કારણે જાતજાતની બદીઓ જન્મ લે છે. અલ્લાહ ફરમાવે છે “કોઇ જૂથની દુશ્મનાવટ તમને એટલા ઉશ્કેરી ન દે કે તમે ન્યાયથી ફરી જાઓ, ન્યાય દાખવો એ તકવાની નજીક છે.” (અલમાઇદહઃ૮)

“હે લોકો જેઓ ઈમાન લાવ્યાં છો, ન્યાયના ધ્વજવાહક અને ખુદાવાસ્તોના સાક્ષી બનો, જો કે તમારા ન્યાય અને તમારી સાક્ષીની માર તમારી પોતાની જાત અથવા તમારા પોતાના માતા-પિતા અને સંબંધીઓ પર જ કેમ ન પડતી હોય. બાબતના પક્ષકારો પછી માલદાર હોય કે ગરીબ,અલ્લાહ તમારા કરતાં એમનો વધુ શુભેચ્છક છે. તેથી પોતાની મનેચ્છાઓના અનુસરણમાં ન્યાય કરવાથી દૂર ન રહો અને જો તમે સાચી વાત ન ઉચ્ચારો અને સચ્ચાઇ જાહેર કરવાનું ટાળો તો જાણી લો કે તમે જે કાંઇ કરો છો તેની અલ્લાહને ખબર છે.” (અનનિસા ઃ૧૩૫)

૫. બદી અને નિર્લજજતાના પ્રસારની મનાઇ ઃ
ઇસ્લામ એ બાબત પસંદ નથી કરતો કે સમાજમાં મનોરંજન અથવા બીજી કોઇ જરૃરિયાતના નામે નિર્લજ્જતા અને બદીનો પ્રસાર કરવામાં આવે. તેથી જ ઇસ્લામે બદી અને અશ્લીલતાના ઉત્તેજન અને પ્રસારને સ્પષ્ટપણે હરામ ઠેરવ્યા છે.અને જે લોકો આ પ્રવૃત્તિમાં રાચે છે તેમને ભયંકર યાતનાની ધમકી આપી છે. નિર્લજજ્તા, અશ્લીલતા અને બદીઓને ઉત્તેજન સમાજની સુધારણા અને માનવીના ચારિત્ર્ય ઘડતરના કાર્યક્રમ માટે હળાહળ ઝેર સમાન છે. માનવીની નૈતિક તંદુરસ્તી માટે તે અત્યંત જીવલેણ અને નુકસાનકારક છે.

“અને નિર્લજ્જતાની વાતોની નજીક પણ ન ફરકો પછી તે જાહેર હોય કે છુપી.”(અલઅન્ફાલઃ૧૫૧)
બદી કે બુરાઈઓનો ઉલ્લેખ ગમે તે બહાના હેઠળ કરવામાં આવે તેનાથી એનો ફેલાવો થાય છે. એના કારણે લોકોના આંખ અને કાન બદીઓથી વાકેફ થઇ ટેવાઇ જાય છે. એમના હદયમાં બુરાઈઓ પ્રત્યેની નફરત ઓછી થઇ જાય છે. અલ્લાહનો ઇરશાદ છે;

“જે લોકો એ બાબત પસંદ કરે છે કે મોમિનોમાં બુરાઈનો ફેલાવો થાય એના માટે દુનિયા અને આખિરતમાં પીડાકારક યાતના છે. અને ખુદા જાણે છે અને તમે નથી જાણતા.”

૬. પવિત્ર અને ઉચ્ચ ધ્યેય ઃ મીડિયા દ્વારા લોકોને પવિત્ર અને ઉચ્ચ હેતુઓ માટે કાર્ય કરવા પ્રોત્સાહિત કરવા જોઇએ. એવી બાબતો રજુ ન કરવી જોઇએ જેનાથી માનવતાને કોઇ લાભ થવાનો ન હોય અને જે બાબતોમાં મગ્ન થઇ માનવી અલ્લાહ એના આદેશો અને માનવોના હક્કોથી ગાફેલ થઇ જાય.

અલ્લાહતઆલા પોતાના ગ્રંથમાં ફરમાવે છે;
“અને માનવીઓ પૈકી કોઇ એવું પણ છે જે અલ્લાહથી ગાફેલ કરનારી વાતો ખરીદે છે જેથી, સમજ્યા વિચાર્યા વિના બીજાઓને સન્માર્ગથી ચલિતકરે અને એ માર્ગની હાંસી ઉડાડે. આવા જ લોકો માટે અપમાનિત કરનાર યાતના છે.”
અત્રે એ વાત સ્પષ્ટ કરી દઇએ કે પ્રસારણ માધ્યમો મૂળતઃ ખોટા કે ખરાબ નથી. આ પ્રસાર માધ્યમો ઉપર જે લોકોનો અંકુશ છે તેઓ એનો દુરૃપયોગ કરી રહ્યાં છે. જો ઉપર ઉલ્લેખ કરવામાં આવેલ સિધ્ધાંતો મુજબ મીડિયાની પુનઃરચના કરવામાં આવે તો આ જ મીડિયા અત્યંત કારગત અને સમાજ માટે લાભકારક માધ્યમ પુરવાર થઈ શકે છે. જીવનના અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રે પણ ઇસ્લામનું માર્ગદર્શન તદ્દન સ્પષ્ટ છે.આના દ્વારા મુસ્લિમો અન્ય કોમોને માર્ગદર્શન પુરૃં પાડી શકે છે. ખુદ ઇસ્લામના સંદેશના પ્રસારણ માટે પણ પ્રસારણ માધ્યમોનો ઉપયોગ જરૂરી છે. આ હેતુ સિદ્ધ કરવા તેના યોગ્ય ઉપયોગની ક્ષમતા કેળવવી જરૂરી છે. આની ——કોર્પોરેટ મીડિયાની માઠી અસરોથી પોતાને અને લોકોને સુરક્ષિત રાખવા સઘન પ્રયત્નો કરવા જોઇએ.

* સુધારણાના ઉપાયો ઃ ભારતમાં કોર્પોરેટ મીડિયાની માઠી અસરો ઘટાડવા સરકાર ઉપર નીચેની બાબતો અંગે લોકો દ્વારા દબાણ લાવવું જોઇએ.

૧. ટીવી ચેનલો, ફિલ્મો અને અખબારો ઉપર અશ્લીલતા નિવારક કાયદાઓનો સખ્તાઇપૂર્વક અમલ કરવો જોઇએ, સેન્સર બોર્ડમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારો અટકાવવા જોઇએ.

૨. વેપારી ધોરણે પ્રસારણ કરનાર સંસ્થાઓને લાયસન્સ આપવા માટે આકરા નિયમો ઘડી કાઢવા જોઇએ,જેમ કે બાળકો માટેના કાર્યક્રમો અને સમાચારોના પ્રસારણ દરમ્યાન જાહેરાતો કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઇએ અથવા આકરી શરતો જોઇએ.

૩. ચૂંટણી ઝુંબેશ દરમ્યાન રાજકીય પ્રશ્નોની જાહેરાતો ઉપર પ્રતિબંધ મૂકવો જોઇએ.પ્રેસ કાઉન્સિલ ઓફ ઇંડિયા જેવી સંસ્થાઓ પોતાનું કામ અસરકારક રીતે કરી શકે તે માટે વિવિધ સામાજિક સંગઠનોને પણ તેમાં પ્રતિનિધિત્વ આપવું જોઇએ.
ટેલિવિઝન ઉપર વેપારી જાહેરાતો મર્યાદિત કરવા માટે નીતિ-નિયમો ઘડવા બોર્ડે પગલાં લેવા જોઇએ જેથી મીડિયામાં વેપારી જાહેરાતોનો ભરાવો ઓછો કરી શકાય.

૪. સરકાર તરફથી પરંપરાગત જાહેર પ્રસારણ માધ્યમોને સંપૂર્ણપણે બિનવ્યાપારી બનાવવા માટે અને પ્રજાને જવાબદેહ બનાવવા માટે આપતા ભંડોળમાં વધારો કરવો જોઇએ. ખાસ કરીને સમાચારો અને લોકહિતના કાર્યક્રમ તૈયાર કરવા માટે તેમને પુરતું ભંડોળ પુરૃં પાડવું જોઇએ જેથી કોર્પોરેટ મીડિયા દ્વારા સમાચારો એકત્ર કરવા બાબતે દાખવવામાં આવતાં બેદરકારીભર્યા વલણથી પેદા થનાર શૂન્યાવકાશને પૂરી શકાય અને પ્રજાને સત્ય આધારિત માહિતી મળી શકે.
આ ઉપરાંત દેશમાં વિવિધ સામાજિક જુથો દ્વારા વૈકલ્પિક મીડિયાને ઉત્તેજન આપવું જોઇએ. પ્રજામાં ઊંડા મૂળિયા ધરાવતાં બિનવ્યાપારી અને પ્રજાકીય ટીવી ચેનલો અને રેડિયો સ્ટેશનો શરૃ કરવા જોઇએ. સરકારે આ યોજનાની સફળતાના માર્ગમાં આવનારા અવરોધો દૂર કરવા જોઇએ.

Email : mfarukahemad@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments