ઉત્તરપૂર્વના ત્રિપુરાની ચૂંટણીઓના પરિણામો ઘણાં રાજકીય વિશ્લેષકો માટે આશ્ચર્યજનક હતા. ૨૫ વર્ષથી લહેરાતો સામ્યવાદનો પરચમ જમણેરી વિચારધારા ધરાવતા BJP-IPFTના ગઠબંધન દ્વારા ધ્વસ્ત થયો. ચૂંટણીઓના પરિણામની સાથે વડાપ્રધાન નરેન્દ્રમોદી અને સત્તાધારી પક્ષના પ્રમુખ અમિત શાહે પક્ષના કાર્યકરોને ધન્યવાદ આપતા ભાષણમાં કહ્યું કે આ ‘ડાબેરીઓ-સામ્યવાદ મુક્ત ભારત’ તરફનું પગલું છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ માત્ર ચૂંટણીઓનો વિજય નથી, પરંતુ વિચારધારાનો વિજય છે. પક્ષના કાર્યકરો અને સમર્થકોએ પોતાના નેતાઓના આ પ્રતિકાત્મક વિધાનોને જાણે ઝીલી લીધાં હોય તેમ ત્રિપુરાના બેલોનિયામાં સ્થિત વ્લાદિમિર લેનીનની પ્રતિમાને બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરવામાં આવી. સાથે જ રાજ્યના જુદા જુદા પ્રદેશોમાં CPI (M)ના કાર્યકરો અને ઓફિસોને હિંસાની લપેટમાં લેવામાં આવ્યા.
રાજ્યના ગવર્નરે આ હિંસાને વખોડવાને બદલે કહ્યું કે, એક વિજયી વિચારધારા અન્ય પુરાણી વિચારધારાએ સ્થાપિત તથ્યો/ મૂલ્યોને હટાવી શકે છે. થોડા જ કલાકોમાં તમિલનાડુના રાજકીય નેતા એચ.રાજાએ ટ્વિટ કરતાં લખ્યું કે લેનીન પછી પેરિયારનો વારો છે. અમે ત્યાંના કાર્યકરોએ દ્રાવિડિયન ક્રાંતિના પ્રચારક પેરિયારની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું. જ્યારે બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં અલ્ટ્રા-લેફ્ટ સમર્થકોએ RSS વિચારક શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને કાલીમા પોતી.
વાસ્તવમાં, પ્રતિમાઓને ધ્વસ્ત કરવાની પદ્ધતિ કોઈ નવી નથી. પહેલા પણ બ્રિટિશ રાજની મૂર્તિઓને આઝાદી પછી ઠેરઠેર પાડી દેવામાં આવી છે. ત્યાર પછીના ઇતિહાસમાં જે ડાબેરીઓ આજે ઉહાપોહ કરી રહ્યા છે તેઓએ પણ ૭૦ના દાયકામાં મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદની મૂર્તિઓને નષ્ટ કરી છે. મૂર્તિઓ અને પ્રતિમાઓને નષ્ટ કરવાની પ્રક્રિયા એ ઇતિહાસને નાશ કરવાના પ્રયત્નોના ભાગરૃપે છે અને નવી પ્રતિમાઓને સ્થાપિત કરવી એ ફકત જૂની પ્રતિમાઓની જગ્યા લેવા પૂરતી નથી, પરંતુ તે સત્તાધીશ પક્ષની વિચારધારામાં લાગુ ન પડતી પ્રતિમાઓની વિચારધારાને ધ્વસ્ત કરી પોતાની વિચારધારાના પ્રસારના ભાગરૃપે હોય છે.
પ્રતિમાઓ એ વિશ્વમાં રાજકીય વિચારધારાના પ્રતીકસમાન રહી છે. પ્રતિમાઓ સત્તાના ચિહ્નો સમાન છે. તે વિધ્વંસક રાજકીયતા અને સાંપ્રદાયિક રાજકીયતા સાથે સંકળાયેલી રહી છે. સામ્રાજ્યવાદના ફેલાવા દરમ્યાન પણ અંગ્રેજોએ વિવિધ દેશોમાં પોતાના વિચારકો અને વાઇસ રોયની પ્રતિમાઓ સ્થાપિત કરી. તેના જ ભાગ રૃપે ભારતવર્ષના મોટા શહેરો જેવા કે કોલકાતા, ચૈન્નાઈ, મુંબઈ વિગેરેમાં બ્રિટિશરાજ દરમ્યાન વિવિધ અંગ્રેજ વાઇસરોયની પ્રતિમાઓ જોવા મળે છે, જે પાછળથી આઝાદી પછી ઘણી ખરી નષ્ટ કરવામાં આવી અને તેને ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ જેવા સ્વાતંત્ર્ય ચળવળના પ્રણેતાઓની મૂર્તિઓ દ્વારા બદલવામાં આવી. પોતાની વિચારધારાના પ્રણેતાઓ-વિચારકોની પ્રતિમા સ્થાપિત કરવી એ જાણે કે વિચારધારાને ફેલાવવા, સ્થાપિત કરવા અને વિશાળ જન-સમૂહમાં સ્વીકૃત બનાવવાની સરળ પદ્ધતિ સમાન છે. વિચારધારા જ્યારે તાર્કિક અને બૌદ્ધિક મૂલ્યો આધારિત સ્વીકૃત થવાની કુશંકાઓ સેવાય છે ત્યારે સત્તાધીશો તેને પ્રતીકો, ચિહ્નો અને પ્રતિમાઓ દ્વારા પ્રસારવાના પ્રયાસો કરતા હોય તેવું પ્રતીત થાય છે. મારી માન્યતા મુજબ પ્રણેતાઓની પ્રતિમાઓથી વિચારધારાને ફેલાવવી એ બૌદ્ધિક સ્તરે વિચારધારાને સ્વીકૃતિ નથી. પરંતુ લોક સમૂહની જનમાનસ અને લાગણીઓને ઉદ્દેશવા સમાન છે. તેથી જ જ્યારે વિચારધારા અને વૈચારિક મૂલ્યો ડગમગતા નજરે પડે ત્યારે જનસમૂહની લાગણીઓને ઉશ્કેરવા ક્યાંક તો પોતાના વિચારકો-આદર્શોની ભવ્ય મૂર્તિઓ બાંધવામાં આવે છે, તો ક્યારેક વિરોધી વિચારકોની મૂર્તિઓને કાલીમા પોતવામાં કે ધ્વસ્ત કરવામાં આવે છે. વિચારકો અને વૈચારિક ક્રાંતિઓના પ્રણેતાઓની પ્રતિમાઓનું ધ્વંશ એ સત્તાધારી પક્ષની લઘુતાગ્રંથિથી ઓછું કંઈ જ ન કહી શકાય.
હકીકતમાં, પ્રતિમાઓની સ્થાપના એ Ideologue થી Idol તરફનું પ્રયાણ છે જે તેના સમર્થકોને તેમની વિચારધારા દ્વારા બૌદ્ધિક સશક્તિકરણને બદલે માત્ર તે વિચારથી લાગણી-વિભોર કરવાના પ્રયત્નો છે. આપણે તેનાથી ઉપર ઊઠીને જનમાનસની વૈચારિક પરિપક્વતા તરફ કદમ ઉઠાવીએ ત્યારે જ આ લાગણીઓની ઉશ્કેરણીમાં થતી હિંસાથી બચી, સંવાદના સેતુને બાંધી શકાશે.