Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસપ્રેમ અને બલિદાન એટલે શું ? એક દૃષ્ટાંત...

પ્રેમ અને બલિદાન એટલે શું ? એક દૃષ્ટાંત…

મક્કાના અસત્યવાદીઓની સ્ત્રીઓ, બાળકો અને યુવાનોનું ટોળું અલ્લાહના રસૂલ સલ્લ.ના સાથી અને સહાબા હઝરત ખૂબૈબ બિન અદી રદી.ને ડગલે ને પગલે મોતની તરફ ધકેલી રહ્યા હતા. જેઓ એક પ્રપંચને આધિન મક્કાવાળાઓની કેદમાં સપડાઈ ગયા હતા. મક્કાવાળાઓનો હેતુ એ હતો કે તેમને મૃત્યુ દંડ આપીને મુહમ્મદ સલ્લ.થી બદ્રના યુદ્ધમાં કતલ થઈ ગયેલાઓના મોતનો બદલો લઈ લેવામાં આવે. મક્કાના કુરૈશના ટોળાએ આ દૃશ્ય જોયુ કે હઝરત ખૂબૈબ રદી. ધીરે ધીરે લાકડાના માંચડા તરફ આગળ વધી રહ્યા હતા… તદ્દન શાંત અને સ્વસ્થ ચાલ સાથે… કોઈપણ પ્રકારના ઉદ્વેગ કે ભય વગર… પછી લોકોએ ખૂબૈબ રદી.નો રોબદાર અવાજ સાંભળ્યો… તેઓ કહી રહ્યા હતા કે, “જો તમે લોકો મને પરવાનગી આપો તો હું મારા કતલ પહેલાં બે રકઅત નમાઝ પઢી લું તે પછી તમે લોકો જે ઇચ્છો તે મારા સાથે કરી શકો છો…” નમાઝની છૂટ આપવામાં આવી. હઝરત ખૂબૈબ રદી. કા’બાના સન્મૂખ થઈને નમાઝ માટે ફાંસીના માંચડા ઉપર જ ઊભા થઈ ગયા. અને બે રકઅત નમાઝ અત્યંત સ્વસ્થતાપૂર્વક અદા કરી. નમાઝથી ફારેગ થઈને હઝરત ખૂબૈબે કહ્યું, “ખુદાની કસમ જો મને એ અંદેશો ન હોત કે તમે લોકો એમ સમજશો કે મૃત્યુના ડરથી હું નમાઝને લાંબી કરી રહ્યો છું, તો હું હજુ લાંબી નમાઝ પઢતો.”

તે પછી તે નિર્દયી લોકોએ ખૂબૈબ બીન અદી રદી.થી બદલો લેવાનું શરૃ કર્યુ. તેઓ તેમના શરીરના એક એક અંગના ટૂકડા કાપતા જતા હતા અને કહેતા જતા હતા કે તમે ઇચ્છશો કે અત્યારે તમારી જગ્યાએ અહીં મુહમ્મદ સલ્લ. હોત? હઝરત ખૂબૈબના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું અને અનહદ પીડા થઈ રહી હતી પરંતુ તેઓ જવાબમાં સતત એમ જ બોલી રહ્યા હતા કે, “અલ્લાહની કસમ, હું તો ક્યારેય એમ પણ ન વિચારું કે હું મારા ઘરવાળાઓ સાથે મોજ મસ્તીમાં સુખેથી રહું અને મુહમ્મદ સલ્લ.ના પવિત્ર શરીરના કોઈ ભાગમાં એક કાંટો પણ ભોંકાઈ જાય.” કેટલી મહાન ભાવના અને ખેવના પોતાના આદર્શ અને પ્રેમાળ રહનુમા તરફ… હઝરત ખૂબૈબની આ અદા એટલે જ સમગ્ર ઉમ્મતમા પસંદપાત્ર થઈ ગઈ કે તેમના પછી જાલીમોના હાથે કતલ થનાર પ્રત્યેક શહીદે આ બે રકઅત નમાઝ પઢવાનો ક્રમ જારી રાખ્યો, અને આજે પણ આ ક્રમ યથાવત છે – આમ જ્યારે હઝરત ખૂબૈબ બિન અદી રદી.એ છેલ્લા શ્વાસ લીધા ત્યારે અનહદ તલવારો અને ભાલાઓ આપના ઉપર વરસી ચૂકયા હતા.

આ હતું તે આશ્ચર્યજનક પાત્ર જે ઇસ્લામના મહાન સપૂત હઝરત ખૂબૈબ બિન અદી રદી.એ રજૂ કર્યું અને જે દ્વારા તેમણે ઇતિહાસમાં એ વાત સુરક્ષિત કરી દીધી કે તેમને અલ્લાહના અંતિમ પયગંબર સલ્લ.થી ઉત્કૃષ્ઠ પ્રેમ અને પોતાની આસ્થા સાથે જબરદસ્ત લગાવ હતો અને જેની સુરક્ષા માટે પોતાનું મોત કે પોતાનું બલિદાન તેમની નજરમાં વધારે કિમતી ન હતું. તેમના આ કિરદાર અને ચરિત્રએ મક્કાના નવયુવાનો ઉપર જબરદસ્ત પ્રભાવ ઊભો કર્યો અને તેમને એ સબક આપી દીધો કે સાચી જિંદગી અલ્લાહના માર્ગમાં સંઘર્ષ છે, ભલે ને આ માર્ગમાં પછી મોત જ કેમ ન આવી જાય? તેમણે એ પણ બતાવી દીધું કે સાચુ અને દૃઢ ઈમાન આવા અલભ્ય અને નિરાળા કારનામાઓ અંજામ આપી શકે છે અને હેરત પમાડે તેવા ચમત્કાર ઊભા કરી શકે છે. આ ઘટનાએ તે સમયના અઢળક લોકોને એ વાત પણ તદ્દન નિઃશબ્દ સમજાવી દીધી કે જેનાથી તેમના સાથીઓ આટલી હદે અપ્રતિમ સ્નેહ અને પ્રેમ ધરાવે છે તે આ જગતનો અંતિમ નબી સ.અ.વ. છે અને જેને અલ્લાહનું સમર્થન પ્રાપ્ત છે.

આવું કેવી રીતે શક્ય છે એવું વિચારતા કરી મુકનાર આ ચરિત્ર એ મક્કાવાસીઓ ઉપર લાંબાગાળાની અસરો ઊભા કરી. જેથી સઈદ બિન આમીર અલ જમહી રદી. જેઓ તે વખતે અસત્ય સાથે હતા અને તે વખતે ત્યાં હાજર હતા. જ્યારે હઝરત ખૂબૈબ રદી.ને શહીદ કરવામાં આવી રહ્યા હતા. સઈદની હાલત એ હતી કે ખૂબૈબની શહાદતનું તે દૃશ્ય જીવનભર તેમની આંખો આગળથી હટતુ ન હતું કે ખૂબૈબ ફાંસીના માંચડા સાથે ઊભા રહી સંતોષપૂર્વક નમાઝ પઢી રહ્યા હતા. આ ઘટનાએ તેમના ઉપર એટલી ઊંડી અસર ઊભી કરી કે સઈદ ત્યાં ઊભા ઊભા જ કુરૈશના આ દુષ્કર્મો અને અમાનવીય અત્યાચારથી પોતાની જાતને અળગી કરી દે છે અને તેમની મૂર્તિઓને તરછોડીને અલ્લાહના દીનમાં દાખલ થવાની ખુલ્લેઆમ ઘોષણા કરી દે છે.

મોટા અને મહાન ચારિત્ર્યના લોકો આવા જ કારનામાઓ અંજામ આપે છે કે તેમના નિઃશબ્દ કામો પ્રયત્નો અને ઉદ્બોધનો કરતા અનેક ઘણી અસરો ઊભી કરે છે. અને તેમની હિંમત અને દૃઢતા પ્રત્યેક ઝાલીમના પાયાઓને હચમચાવી નાંખે છે.

અલ્લાહના નબી સલ્લ.એ સહાબાના દીલોમાં ઈમાન અને અકીદાનો એવો મજબૂત છોડ રોપી દીધો હતો કે અલ્લાહના માર્ગમાં તેમણે પોતાના જાન-માલની કોઈ જ દરકાર ન કરી. તેમના દીલમાં નબીનો પ્રેમ અને સંબેધ માત્ર ઉપરછલ્લો ન હતો બલ્કે હૃદયના અત્યંત ઊંડાણ સુધી પહોંચી ગયો હતો અને આ જ કારણ હતુ કે તેમના સમીપ મૃત્યુ તદ્દન તુચ્છ અને સરળ બની ગયું હતું.

વાસ્તવિક તરબિયતનો આરંભ અહીંથી જ થાય છે. એટલે કે અત્યંત ગાઢ પ્રેમ જે મુરબ્બીને પોતાના આધિન લોકો સાથે જોડી રાખે છે, જ્યારે આ સંબંધ પ્રગઢ બની જાય છે તો મુરબ્બીની વાતો અને આદેશો અમલના સ્વરૃપમાં ઢળી જાય છે. મુરબ્બીની તાલીમાત તરત જ અમલી સ્વરૃપ ધારણ કરી લે છે અને નેકી અને ભલાઈ અને સદ્ભાવના એટલી ફેલાઈ જાય છે કે વાતાવરણ તેની સુગંધથી સુગંધિત થઈ જાય છે.

શું આપ એ ચાહો છો કે આપ પણ એક સફળ મુરબ્બી બનો? તો લોકોના હૃદયમાં પોતાનાથી પ્રેમના સંબંધ અને સંપર્ક શોધી જુઓ. આ વિશ્વના સૌથી શ્રેષ્ઠ મુરબ્બી હઝરત મુહમ્મદ સ.અ.વ.એ પોતાના સાથીઓ સાથે આવુ જ કર્યું હતું. અને આવું જ પ્રત્યેક મુરબ્બીએ પોતાના આધિનો સાથે કરવું જોઈએ. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments