Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસબદલાતા રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં મુસ્લિમોની રુપરેખા

બદલાતા રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં મુસ્લિમોની રુપરેખા

યુવાસાથી રાઉન્ડ ટેબલ પેનલ ડિસ્કશનમાં બદલાતા રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં મુસ્લિમોની રૃપરેખા વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જેમાં પેનાલિસ્ટ તરીકે મોલાના હબીબુર્રહમાન મતાદાર (સેક્રેટરી, ઇકરા એજ્યુકેશન કેમ્પસ), ઉમર વહોરા (સેક્રેટરી, ઇસ્લામી રીલીફ કમીટિ), મુહમ્મદ તાહિર હકીમ (એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ), મોલાના શફી આલમ (ઇમામ, ચારતોડા બડી મસ્જિદ) અને વાસિફ હુસૈન (પ્રમુખ, એસ.આઈ.ઓ. ગુજરાત)એ ભાગ લીધો હતો.

દેશમાં પ્રવર્તમાન ભાજપ સરકાર પુર્ણ બહુમતી સાથે સત્તારૃઢ થઈ છે. આ સરકારની જમણેરી માનસિકતા હોઈ દેશમાં ફાસીવાદ અને કોમવાદને વેગ મળવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. આ પરિસ્થિતિમાં મુસ્લિમોએ કઈ રીતે પોતાની એકતા જાળવવી, કઈ રીતે પોતાના હક્કો અને ન્યાય મેળવવા અને રાજકીય રીતે મજબૂત થવા શું શું કરવું વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવી ખૂબ આવશ્યક છે. પેનલિસ્ટ દ્વારા જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. જેના કેટલાક મહત્વના અંશો અત્રે પ્રસ્તુત છે.

  • દેશમાં આવી રહેલ રાજકીય પરિવર્તન અને મુસલમાનો પર તેની અસરો

રાજકીય પરિવર્તનને કારણે દેશના કાયદાઓ અને નીતિમાં ફેરફાર થવાની શક્યતાઓ છે. હાલમાં જ જજોને નિમવાની કોલેજીયમ પદ્ધતિને રદ કરવામાં આવી છે, કોલેજીયમ પદ્ધતિને રદ કરીને જે પદ્ધતિ દાખલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, તેમાં સરકારની દખલગીરી સ્પષ્ટ છે. ન્યાયતંત્રમાં સરકારની દખલગીરીથી ન્યાય પ્રક્રિયા દુષિત થવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે. આ સરકાર લઘુમતિને અસર કરે તેવી નીતિ બનાવી શકે છે. અને અત્યારે જે સવલતો અને લાભો મળી રહ્યા છે તેનાથી વંચિત રાખવાનો પ્રયાસ પણ કરી શકે છે. પેનલિસ્ટ આ બાબતે એક મત હતા કે મુસ્લિમોએ ભારતમાં ઇસ્લામ પ્રત્યે જે ગેરસમજો ફેલાયેલી છે તેને દૂર કરવી જોઈએ. અત્યારે બે ધર્મ વચ્ચે જે ખાઈ બની છે તેનું એકમાત્ર કારણ આ છે કે આપણે આપણા ધર્મને સારી રીતે પ્રસ્તુત કરી ન શક્યા.

  • આ પરિસ્થિતિમાં મિલ્લતની એકતા, સંપ અને સંગઠિતતા માટે ઉપાય

આ સંજોગો ખુબજ નાજૂક છે. મુસ્લિમોએ સાથે મળીને એક ઉમ્મત બની પોતાના બાહ્ય પ્રશ્નોને હલ કરવાનો પ્રયાસ કરવાનો રહેશે. મજ્લિસે મુશાવરત અને ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ જેવી સંસ્થાઓ બધી જ વૈચારિક અસંગતતા ધરાવતા લોકોને એકઠુ કરે છે. તેમજ આવી વૈચારિક અસંગત્તા ધરાવતા લોકોએ પોતે પણ ઝગડવાનું બંદ કરવું પડશે કે જેથી આપણી શક્તિ અને એકતાથી આપણી એક સમાન સમસ્યાઓનો નિરાકરણ લાવી શકાય અંદરોઅંદર ઝગડવાનું બંદ કરવું જોઈએ. પેનલિસ્ટો તરફથી સ્પષ્ટ સંકેત હતો કે આપણે દેશમાં બંધારણની રીતે હક્કો મેળવવા હોય અને શોષણ થતું અટકાવવું હોય તો તે આપણી એકતા વગર શક્ય નથી. જો આપણે અંદરોઅંદર લડતા રહ્યા તો ઉમ્મત વેર-વિખેર થઈ જશે.

  • બદલાયેલ રાજકીય પરિસ્થિતિમાં મુસલમાનો અને તેમની સંસ્થાઓ/ સંગઠનોની પ્રાથમિક્તા

મુસ્લિમ સંસ્થાઓ/ સંગઠનોએ સૌપ્રથમ એક પ્લેટફોર્મ પર આવવંું પડશે. ઉમ્મતના પ્રશ્નો જેમકે શિક્ષણ, સ્વાસ્થ્ય, જેવા વિષયો પર પોતાનો અવાજ બુલંદ કરવો જોઈએ.  દેશના કોઈપણ ખુણે મુસ્લિમોને ખોટા કેસમાં ફસાવવામાં આવે કે અન્ય રીતે હેરાન કરવામાં આવે તો તે પરિસ્થિતિમાં મુસ્લિમ સંસ્થાઓએ તેને ન્યાય અપાવવાના પ્રયત્નો કરવા જોઈએ. સાથે-સાથે મુસ્લિમ સંસ્થાઓએ મુસ્લિમોમાં રાજકીય બાબતોની સમજ પેદા કરવાની અને માહિતગાર કરવાની કોઈ યોજના અમલમાં મુકવી જોઈએ કે જેથી રાજકીય સમજ તેમનામાં લાવી શકાય. સાથે-સાથે તેમનામાં જોવા મળતા પુર્વગ્રહોને પણ દૂર કરવાની તાતી જરૃર છે. ગૌણ બાબતોને લઈને ઉમ્મતના જુદા-જુદા આલીમોમાં મતભેદ જોવા મળે છે. આવી ગૌણ બાબતો દીનમાં કોઈ ખાસ સ્થાન ધરાવતી નથી. તેથી તે બાબતોને પોતાના સુધી સીમિત રાખીને ઉમ્મતના મુખ્ય અને મહત્વના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમ પેનલિસ્ટના મંતવ્યો હતા.

  • મુસલમાનો અને મુસ્લિમ સંસ્થાઓ/ સંગઠનોની રાજકીય કાર્યપદ્ધતિ અને વ્યુહરચના કેટલી ઉચિત અને યોગ્ય છે? તેને વધુ સારી બનાવવાના ઉપાયો

દેશના મુસ્લિમોની રાજકીય સમજશક્તિ અને રાજકીય વ્યુહરચનાને સમજવાની આવડત બહુ ઓછી છે. તેથી તેમને જાગૃત કરવાની તાતી જરૃર છે. રાજકારણને મુસ્લિમો ગંદુ સમજે છે અને ગંદકીમાં પડવું માગતા નથી. તેથી ઉમ્મતના કેટલાક વર્ગોને રાજકીય બાબતોની ગતાગમ સુદ્ધા પડતી નથી. ‘કોઈપણ સરકાર હોય તેનાથી અમને શું ફેર પડે’ વાળી માનસિકતા હોવાને કારણે મુસ્લિમ સંસ્થાઓએ જાગૃતિના કાર્યક્રમો કરવાની આવશ્યક્તા છે. આવનારા દિવસોમાં તેમની માનસિકતાને જો રાજકીય સમજને ગહન કરતા ન શિખવાડવામાં આવ્યું તો હંમેશની રીતે મુર્ખ બનતા રહેશે. દેશના મુસ્લિમો આ તરફ ઉદાસિનતા સેવી રહ્યા છે, જે ચિંતાના વિષય છે. મુસ્લિમોમાં રાજકીય સમજની અછત હોવાને કારણે ઘણીવાર એવા કૃત્યો કરી બેસે છે જેનાથી નિર્દોષ લોકો હેરાન થાય છે. ઉમ્મતને ફાયદો પહોંચાડવાને બદલે નુકસાન પહોંચાડી બેસે છે. પેનલિસ્ટો દ્વારા આ બાબત પર ભાર મુકવામાં આવ્યો કે મુસ્લિમ સંસ્થાઓએ રાજકીય કાર્યપદ્ધતિ અને વ્યુહરચના ઘડવા માટે મુસ્લિમ આગેવાનોને સાથે રાખી લાંબાગાળાના ઉપાયો કરવા જોઈએ.

  • સરકાર સાથે આપણા સંબંધોનું સ્વરૃપ, સરકારથી વાતચીત કરવાના એજન્ડા અને પ્રાથમિકતા

પેનલિસ્ટો આ બાબતે સહમત હતા કે ભારતમાં આપણે નાગરિક તરીકે રહીએ છીએ તેથી આપણા હક્કો અને ન્યાય મેળવવા સરકાર પાસે જવામાં કંઇ ખોટું નથી. સરકાર સાથે વાતચીતનો દોર શરૃ કરવો જોઈએ. તેની સાથેના વૈચારિક મતભેદો જે પણ હોય તેને બાદ કરતા સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને પોતાની સમસ્યાઓને રજૂ કરવી જોઈએ. છેવટે આ સમસ્યાઓનો હલ સરકારની શામેલગીરી વગર શક્ય નથી. લોકશાહી દેશમાં સરકારની ફરજ છે કે તે દરેક નાગરિકના પ્રશ્નોનો નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ રહે. તેની આ ફરજને આપણે અહસાસ કરાવવાની જરૃર છે. આપણી ભાષા અને વાત કરવાનો વલણ વધારે પડતો નરમ કે ચાપલુસી ઝલકે તેવો ન હોવો જોઈએ. બધા જ નાગરિકો સરકારની નજરમાં સમાન હોવા જોઈએ અને દેશની જનતાને એક સમાન વિકાસ કરવા માટે કટિબદ્ધ હોવી જોઈએ. આ બાબતને મજબૂત દલીલોથી સમજાવવું પડશે કે જેથી મુસ્લિમોની આર્થિક અને સામાજીક પરિસ્થિતિને વધારે સારી બનાવી શકાય. સરકારથી સારા સંબંધો વિકસાવવાના પ્રયત્નો કરવો જોઈએ. મુસ્લિમ વિસ્તારોમાં જોવા મળતા વિકાસ અને મુસ્લિમ સિવાયના વિસ્તારોમાં જોવા મળતા વિકાસમાં આભ-જમીનનો ફેર જોવા મળે છે, આ પ્રાથમિકતા હોવી જોઈએ.

  • સરકાર દ્વારા વિવાદાસ્પદ બાબત, જેમકે સમાન સિવિલ કૉડ જેવા મુદ્દાને છેડવામાં આવે તો મુસ્લિમોની પ્રતિક્રિયાઃ

સરકારના એજન્ડામાં ભલે કોમન સિવિલ કૉડ, કલમ-૩૭૦ કે રામ-જન્મ-ભૂમિ હોય છતાં તેમના માટે આ વિવાદિત મુદ્દાને છેડવાની અને મરજી મુજબ ઉકેલ લાવવાનું આસાન નહીં હોય. દેશમાં હિન્દુ મેરેજ એક્ટ, મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ પછી ઘણા કાયદાઓ અમલમાં છે. જો એક સમાન કાયદા ઘડવામાં આવે તો તેની અસર ફકત મુસ્લિમ સમાજને થશે તેમ નથી. પરંતુ તેની અસરો હિન્દુ, જૈન વગેરે ધર્મના લોકોને પણ થશે. ભારતમાં જુદા-જુદા ધર્મના લોકો રહે છે અહીં ઘણી બધી પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ જોવા મળે છે. તેથી જો સમાન સિવિલ કૉડને દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેના માટે વિરોધનો વંટોળ બધા જ ધર્મના લોકો તરફથી ઉઠશે. કારણકે તમામ ધર્મમાં લગ્ન, વારસો, છુટા-છેડા વગેરે બાબતો સંવેદનશીલ છે અને તેના માટે લોકોમાં જબરદસ્ત લગાવ જોવા મળે છે. તેથી આવા મુદ્દાઓને છેડવું સરકાર માટે મુશ્કેલ છે. પેનલિસ્ટોમાં આ બાબતે સહમતી જોવા મળી હતી કે લોકોમાં તેમની ધર્મની બાબતોમાં સમાન સિવિલ કૉડ દાખલ કરવું અત્યંત કપરૃં છે.

  • બદલાયેલી પરિસ્થિતિમાં ઇસ્લામની સ્થાપનાનું કામ કરતી સંસ્થાઓ અને સંગઠનો માટે કરવાના કાર્યક્રમો

પેનલિસ્ટોએ તહરીકે ઇસ્લામીને આ રાજકીય પરિસ્થિતિમાં ઘણા કાર્યક્રમો સુચવ્યા હતા. જેમકે બિનમુસ્લિમોમાં પ્રવર્તિ ઇસ્લામ વિશેની ગેરસમજોને દૂર કરવા માટે ઇસ્લામની દા’વત આપવી જોઈએ. દા.ત. એક બિનમુસ્લિમે કે અઝાનનો અર્થ અને તેના હેતુથી તદ્દન અજાણ હતો તેણે એક પેનલિસ્ટને પ્રશ્ન કર્યો હતો કે અઝાન માઈકથી કેમ આપો છો? જ્યારે તેને અઝાનના અર્થ અને હેતુથી માહિતગાર કરવામાં આવ્યું ત્યારે તેની ગેરસમજ દૂર થઈ. ભારતમાં મુસ્લિમોએ પોતાને ઇસ્લામની છબી તરીકે પ્રસ્તુત કરવા જોઈએ. બીજું શિક્ષણની ખુબ જરૃર છે. ભારતમાં મુસ્લિમોની શૈક્ષણિક પરિસ્થિતિ સૌથી ખરાબ છે. તેની સંપૂર્ણ વિગત કેટલાક વર્ષો પહેલા સાચર કમીટિએ આપી હતી. આ કમીટિના સુચનો મુસ્લિમોએ ધ્યાનથી વાંચવા જોઈએ. તેમાં મુસ્લિમોની શૈક્ષણિક પરિસ્થિતિ દલીતો કરતા પણ ખરાબ છે. આજના ટેકનોલોજી વાળા યુગમાં પણ મુસ્લિમો સૌથી વધુ નિરક્ષર જોવા મળે છે. તેથી મુસ્લિમોમાં શિક્ષણનો વ્યાપ ખૂબ વધારવો જોઈએ. પેનલિસ્ટોએ સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ પર ભાર મુકતા જણાવ્યું હતું કે મુસ્લિમોના મોટા વિસ્તારોમાં હોસ્પિટલની સવલત હોવી જોઈએ. આર્થિક પરિસ્થિતિને સુદૃઢ કરવા માટે અને વ્યાજથી બચવા માટે વ્યાજરહિત બેંકિંગ પદ્ધતિ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. મુસ્લિમ વિસ્તારોમાં વ્યાજરહિત સોસાયટી ખોલવાના પ્રયત્નો કરવા જોઈએ. તેમજ લૉ કોલેજ અને મેડિકલ કોલેજને ખોલવાના સાધનો તપાસવા જોઈએ.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments