“અને હે પયગંબર ! ભલાઈ અને બૂરાઈ સમાન નથી. તમે બૂરાઈને તે ભલાઈથી દૂર કરો જે સર્વોત્તમ હોય. તમે જોશો કે તમારા સાથે જેની શત્રુતા હતી, તે આત્મીય મિત્ર બની ગયો છે. આ ગુણ પ્રાપ્ત થતો નથી, સિવાય તે લોકોને જેઓ ધૈર્યથી કામ લે છે અને આ દરજ્જો પ્રાપ્ત થતો નથી સિવાય તે લોકોને જેઓ ખૂબ ભાગ્યશાળી છે અને જો તમે શેતાન તરફથી કોઈ ઉશ્કેરણી અનુભવો તો અલ્લાહનું શરણ માગી લો, તે બધું જ સાંભળે અને જાણે છે.” (સૂરઃ હા-મીમ અસ્-સજદહ-૪૧, આયતઃ૩૪-૩૬)
અર્થાત્ :
આ આદેશો એવા સમયે આપવામાં આવ્યા હતાં જ્યારે ઇસ્લામના સંદેશનો આક્રમક અને હઠાગ્રહપૂર્વક વિરોધ કરવામાં આવી રહ્યો હતો. અને તેનો તિરસ્કારપૂર્વક અસ્વીકાર કરવામાં આવી રહ્યો હતો. કાફિરો પોતાની આંધળી દુશ્મનાવટમાં જાતિમત્તા, માનવતા અને શિષ્ટ વર્તનની તમામ મર્યાદાઓ વટાવી ચુક્યા હતા. ઉત્સાહના અતિરેકમાં વિરોધીઓએ પેગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિરુદ્ધ દરેક પ્રકારના જુઠ્ઠાણાઓનો આશ્રય વધી રહ્યો હતો. આ જ એ સમૃદ્ધ હેતુ જ્યારે પેગંબરને તેમના દુશ્મનોની તાકાતને કચડવાની પદ્ધતિ શીખવાડવામાં આવી. અત્રે એ વાત નોંધનીય છે કે વિપરીત સંજોગોમાં પણ, કુર્આને પેગંબરને બદીને નેકી વડે હટાવવાનો આદેશ આપ્યો.આમાં પહેલાં એ મુદ્દા ઉપર ભાર મુકવામાં આવ્યો છે કે નેકી અને બદી એક સમાન નથી. કહેવાનો આશય એ છે કે જો કોઈ તમારી સાથે ખરાબ વ્યવહાર કરે અને આમ છતાં તમે એને માફ કરી દો તો ચોક્કસ પણે તમારૂં આ કૃત્ય ભલાઈનું કૃત્ય છે. પરંતુ સૌથી ઉચ્ચ કક્ષાનું ભલાઈનું કાર્ય એ છે કે તમે એ લોકો પ્રત્યે સદ્વર્તન દાખવો જેઓ તમારી સાથે ખરાબ વ્યવહાર કરે છે. આ વ્યવહારનું અપેક્ષિત પરિણામ સાંભળતા એ આવશે કે તમારો સૌથી ખરાબ શત્રુ પણ તમારો ખાસ મિત્ર બની જશે.•