ગીબત (કોઈની ગેરહાજરીમાં તેની નિંદા કરવી) એક બહુ મોટો ગુનાહ અને વિનાશકારી બૂરાઈ છે. તેમાં બહુ વિષ ભરેલું છે. અહીં કહેવાનો તાત્પર્ય એટલો છે કે જ્યારે મોટાઓ બાળકો સામે નિંદા કરે છે ત્યારે તેનો પ્રભાવ અનાયાસે જ નાના બાળકો પર પડે છે.
એક બહેનને પોતાના સાસરીયા પક્ષના સંબંધીઓની ગેરહાજરીમાં તેમની નિંદા કરવાનો શોખ હતો. જ્યારે તેમના ઘરે કોઈ પડોશણ કે સહેલી કે પિયર પક્ષના સંબંધીઓ આવતા ત્યારે તે જીવ ભરીને પોતાના સાસરીયાઓની નિંદા કરતી. તેના બાળકો પણ તેની વાતો ખૂબ ધ્યાનથી સાંભળતા. બાળકો થોડા મોટા થયા ત્યારે પોતે જ પોતાના દાદા, દાદી, કાકાઓ અને ફઈઓની બૂરાઈઓ ગણાવવા લાગ્યા.
મોટા થઈને બાળકોનું મન એવું બની ગયું કે તેમના ખાનદાનમાં દરેક લોકો ખરાબ છે. તમામ લોકો તેમના માતા પિતાના શુભેચ્છકો નથી અને તેમના હક્કોે ખાઈ જનારા છે. આખા કુટુંબમાં માત્ર તેમના મા-બાપ જ સારા છે અને બીજા બધા લોકો ખરાબ છે. થોડા સમય પછી તેમના મનમાંથી તેમના માબાપ માટે પણ આદર ઓછો થઈ ગયો. સ્વાભાવિકપણે આ વસ્તુ લાંબી ચાલી શકે તેમ ન હતી કે દાદા-દાદી, કાકાઓ, કાકીઓ અને ફઈઓ બધા ખરાબ છે અને ફકત તેમના પિતા જ ગંદકીમાં એક ગુલાબનું ફૂલ છે. આદરનો આખો મહેલ જો ખંડેર થઈ જાય તો મજબૂત દિવાલ પણ વિકૃત લાગવા માંડે છે. મા એ આખાય કુટુંબની ઘોર ખોદી નાખી અને સાથે બાપના સન્માનને પણ માટીમાં મેળવી દીધું. તે સમય પણ આવ્યો જ્યારે બાળકોએ પોતાના બાપની પાઘડી ઉછાળી અને માની સાથે દુરવ્યવહાર પણ કર્યો.
છોકરીઓનું મન એવું બન્યું કે સાસરે ફકત પતિ જ નેક વ્યક્તિ હોય છે અને બીજા તમામ લોકો નફરતના કાબેલ હોય છે. તેમનાથી જેટલા છેટા રહો તો સારૃં છે. તેમણે સાસુ અને નણંદોને પહેલાથી જ ચઢેલી નજરે જોયા અને ક્યારે પણ તેમને અજમાવવાની કોશિશ પણ ન કરી. આ કોઈ અતિશ્યોકતા નથી પણ અનુભવ છે. અને કોઈ એક સ્ત્રીની નહીં પણ ઘણાં ઘરોની દાસ્તાન છે.
હું એક એવી મહિલાથી પણ વાકેફ છું જેણે પોતાના બાળકો સામે માત્ર પોતાના સસરા પક્ષના જ નહીં પરંતુ પોતાની શૌક્યના પણ હંમેશા વખાણ જ કર્યા. બાળકોના મનમાં દાદા-દાદી માટે ખૂબ આદરભાવ પેદા કર્યો. જ્યારે બાળકોએ ક્યારેક કાકી અને ફોઈ વિશે ફરિયાદ કરવાની હિંમત કરી તો તેને સખ્તાઈ થી ટોકી દીધા. પરિણામસ્વરૃપે સમગ્ર કુટુંબનો આદર રાખનાર બાળકો પોતાના માતા-પિતાને આદરણીય ગણવામાં પણ તેટલા જ ગુણયલ સાબિત થયા. મોટાઓના આદરના આલીશાન મિનારા સમય સાથે વધૂ બુલંદ થયા.
જે બાળકોનું પ્રશિક્ષણ નિંદાના છાંયડામાં થયું તેઓ વિષભર્યા છોડ જેવા થઈ જાય છે. પછી તેમનાથી કોઈ સારી અપેક્ષા રાખવી મુશ્કેલ થઈ જાય છે. તેમની નજરોમાં દરેક વ્યક્તિ બહુ ખરાબ, સ્વાર્થી અને નફરતના કાબેલ થઈ જાય છે. જ્યારે માસૂમ બાળકોના મસ્તિષ્કોને નિંદાના ઝેરથી બચાવવામાં આવે છેે ત્યારે તેમના મનમાં સંબંધીઓ માટે આદર અને પ્રેમની લાગણીઓ જન્મે છે. તેમના સામે જ્યારે તેમના કુટુંબીઓના દિલ ખોલીને વખાણ કરવામાં આવે છે ત્યારે તેઓ કુટુંબ માટે એક ફળદ્રુપ વૃક્ષ બની જાય છે. જેના ફૂલો ખુશ્બુદાર અને ફળો ખૂબ મીઠા હોય છે. નિંદાના ઝેરે ઇસ્લામી આંદોલનને પણ ખૂબ નુકસાન પહોંચાડયું છે. હું એવા તહરીકી બુઝુર્ગોથી પણ વાકેફ છું જેઓ પોતાની અંગત બેઠકોમાં કેટલાક સાથીઓની ખૂબ જ નિંદા કરે છે. કોઈના ચારિત્ર્ય પર હુમલો થાય છે, કોઈની સામર્થ્ય ઓછુ આંકવામાં આવે છે તો કોઈના વિચારોમાં નબળાઈઓ શોધવામાં આવે છે. આ નિંદાઓ તેમના બાળકો પણ ધ્યાનથી સાંભળે છે. આખરે બાળકોનું મન એ બને છે કે તેહરીકે ઇસ્લામીમાં નીચેથી ઉપર સુધી બધા ભ્રષ્ટ અને સ્વાર્થી લોકો છે. તેહરીક પોતાના માર્ગથી ભટકી ગઈ છે અને પોતાની મંઝીલ ભૂલી ગઈ છે. માત્ર અમારા પિતા અને તેમના બે ચાર મિત્રો જ નિખાલસ અને સત્ય માર્ગ પર ચાલી રહ્યા છે. અમારા પિતાએ તો તેહરીક માટે મોટી કુર્બાનીઓ આપી છે પરંતુ લોકો તેમની જરા પણ પરવા કરતા નથી. અર્થ એ કે તેહરીકના વૃક્ષ નીચે એવી પેઢી તૈયાર થઈ રહી છે જે આગેવાનોને સ્વાર્થી અને અનુયાયીઓને નિખાલસતાથી ખાલી સમજે છે. તેની નજરમાં તેના પિતા મૂર્ખ હતા કે આવા ખોટા લોકો વચ્ચે ફસાઈ ગયા. એટલે જ નવી પેઢીએ પોતાની જાતને આ કથિત “મૂર્ખતા”થી દૂર રાખી.
નિંદાનો શોખ રાખનારા લોકો જરા ધ્યાન આપે કે નિંદાના કારણે તેમના બાળકોનું વ્યક્તિત્વ કેવું ભાંગે તૂટે છે તો કદાચ તેમના ભવિષ્ય અને વ્યક્તિત્વ ઘડતર માટે પોતાને આ બૂરાઈથી પાક કરી લે.