બિહારમાં ચુંટણીઓની મોસમ પુરબહાર ખીલી ઉઠી છે. બિહારમાં ૧૨ ઓકટોબર થી ૫ નવેમ્બર સુધીમાં ૫ તબક્કામાં ૩૮ જિલ્લાની ૨૪૩ વિધાનસભા સીટો માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ લખાય છે ત્યાં સુધીમા પહેલો ૧૨ ઓકટોબર અને બીજું ૧૬ ઓક્ટોબરનો તબક્કો ૧૬ જિલ્લાઓની ૮૧ વિધાનસભા સીટો સાથે ચુંટણી પુરી થઇ ચુકી છે. જ્યારે આપ આ લેખ સર્વેક્ષણ રીપોર્ટ વાંચતા હશે ત્યાં સુધીમાં બિહાર ચુંટણીઓની મોસમમાં લગભગ ચાર તબક્કા ૨૯ જિલ્લાની ૧૮૬ સીટો સાથે પુર્ણ થઈ ચુકયા હશે.
બિહારની વર્ષ ૨૦૧૫ની વિધાનસભા ચુંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૪ની લોકસભા ચુંટણીઓના ભારે વિજયને દોહરાવવાનો સંકલ્પ કર્યો છે. તેના કટ્ટર હરીફો જનતાદળ યુનાઈટેડ અને રાષ્ટ્રીય જનતાદળ બંને એ સાથે મળીને ભાજપ સામે મહાગઠબંધનની રચના કરી છે અને તેઓ જોરદાર ટક્કર આપી રહ્યા છે. બિહારમાં ભાજપ માટે લાભદાયક પરિબળ એ છે કે કેન્દ્રમાં તેની પાસે સત્તા છે અને મોટુ નુકશાન એ છે કે રાજકીય દૃષ્ટીએ નિતીશકુમાર અને લાલુ પ્રસાદ યાદવ જેવા મોટા રાજકરણીઓ અત્યારે તેની વિરૂદ્ધ છે. ૨૦૧૪ની લોકસભા ચુંટણીઓમાં ભાજપ એટલે કે એનડીએ એ બિહારમાં સારી કામગીરી બજાવી હતી. ચુંટણી પંચનો ઉપયોગ કરીને સંસદીય મતવિસ્તારો પર કબજો જમાવ્યો હતો. તેમાં ભાજપ, લોકજનશક્તિ પાર્ટી, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી વગેરે વિધાનસભાની ૨૪૩માંથી ૧૭૨ સીટો પર લીડ મળી હતી. આ ૧૭૨ સીટો પૈકી આરએલએસપીને ૧૭, એલજેપી ને ૩૪ અને ભાજપને ૧૨૧ બેઠકો મળી હતી, જે લગભગ બહુમતી મળી ગણી શકાય. તેની સામે લાલુપ્રસાદની રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસને મળીને ૩૨ સીટો મળી હતી. જેમાં લાલુપ્રસાદના આરજેડીને ૧૮ અને કોંગ્રેસને ૧૪ બેઠકો મળી હતી. હવે બિહાર વિધાનસભા ૨૦૧૫ની ચુંટણીઓમાં એનડીએ માટે કપરા ચઢાણ રહેશે તેવું બે તબક્કામાં થયેલા મતદાનના આંકડા અને પછીની પરિસ્થિતી જોતા લાગી રહ્યું છે. બાકીના ત્રણ તબક્કાઓના ચુંટણી પ્રચાર અને જીરો લેવલ પરિસ્થિતિનો ચિતાર જોતા જણાઇ રહ્યું છે કે, એનડીએ અર્થાત મોદીને તેના સામેના પક્ષો ભારે ટક્કર આપી રહ્યા છે. પરિસ્થિતિ જોતા જણાઇ રહ્યું છે કે આ વિધાનસભાની ચુંટણીઓને બિહારની જનતાએ બહુ જ ગંભીરતાપૂર્વક લીધી છે. બે તબક્કા પછીની પરિસ્થિતિનો ચિતાર જોતા ભાજપે મોદીની પૂર્વનિર્ધારીત ચુંટણી સભાઓ રદ કરવાનું શરૃ કરી વડાપ્રધાનને ડૂબતા જહારમાંથી ઉતારી લેવાની વ્યુહરચના ઘડવામાં લાગી ગઈ હોય તેવું જણાય રહ્યું છે. ચુંટણીસભાઓ રદ કરવા પાછળનું કારણ નવરાત્રીનું અપાઈ રહ્યું છે પરતુ અત્રે ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે નવરાત્રી દરમિયાન જ મોદી અમેરિકામાં હતા અને ન્યુયોર્કના મેડિસન સ્કવેર પર ભાષણ આપતા હતા.
દિલ્હીના સેન્ટર ફોર પોલીસી રિસર્ચ માટે તૈયાર કરવામાં આવેલા અહેવાલનો નિષ્કર્ષ એવું કહે છે કે, તમામ રાજકીય પક્ષોમાં જાતિ સમીકરણ સામાન્ય છે, પણ તે આ ચુંટણીઓમાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે, અને મતદારોનું મન કળી શકાય તે પરિસ્થિતિ નથી. બિહારમાં લક્ષ્યાંકો બદલાઈ ગયા હોય તેવું સ્પષ્ટપણે પ્રતિત થઈ રહ્યું છે. *
– mfarukahemad@gmail.com