Saturday, November 2, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપબિહાર વિધાનસભા ચૂંટણી : એક નજર

બિહાર વિધાનસભા ચૂંટણી : એક નજર

બિહારની ચુંટણીઓના પડધમ ક્યારનાય સંભળાતા હતા. એ ચુંટણીઓની તારીખો જાહેર થઈ જવાની સાથે જ દરેક પક્ષ પોતાના સાજ સજાવવા લાગી ચુક્યા છે. બિહાર એટલે આપણા રાજ્યનું વસ્તીની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ પછીનું બીજુ રાજ્ય. બિહારમાં અત્યાર સુધીમાં ૨૩ મુખ્યપ્રધાન થઈ ગયા છે અને આ જ બિહારમાં ૭ વખત રાષ્ટ્રપતિ શાસન પણ લાગી ચૂક્યું છે.

૧૨ ઓકટોબરથી પાંચમી નવેમ્બર દરમ્યાન પાંચ તબક્કે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે અને ચુંટણી રૃપી યુુદ્ધના મંડાણ થઈ ચૂકયા છે. પક્ષોએ પોતાના બાણ ખેંચીને પૂરા જોશ સાથે ચૂંટણી રૃપી આ યુદ્ધમાં ઝંપલાવવાની તૈયારીઓ આદરી દીધી છે. દરેક પક્ષોએ આ યુદ્ધમાં રણચંડી બનીને ‘કરો યા મરો’ના નારા સાથે સામ-દામ-દંડ-ભેદની નીતિ પર અમલ કરી ઝંપલાવી દીધું છે. બિહાર ચુંટણીમાં મુખ્ય બે પક્ષો છે એક મહાગઠબંધન (જનતાદળ-યુ, રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ અને અન્ય). બીજો એનડીએ (ભાજપ, લોજપા, રાલોસપા, હમ અને અન્ય) બન્ને પક્ષો ચુંટણીમાં વધારે સીટો મેળવી બિહારના સીએમ પદ પર બિરાજવા સામેના પક્ષના ઘટક પક્ષોને ઢીલા પાડી જુદા પાડવાની ચાલ રમીને તેના કાંગરા ખેરવવા ઉપરાંત પોતાના ઘટક પક્ષોને સીટોની વહેંચણીમાં થોડુક આઘુપાછુ કરી સેટીંગ કરી આપવા સહીત દરેક પ્રકારના હથકંડા અપનાવી રહ્યા છે. સાથે જ, જાહેરમંચ પર, મીડિયાની પ્રેસ કોન્ફરન્સમાં કે ટીવી ચેનલના લાઈવ ઇન્ટરવ્યુમાં સત્તાના નશામાં ચકચૂર થઈ મદમસ્ત બની અશોભનીય વાણી-વિલાસ પર ઉતરી સામે વાળાને હલકો ચિતરવાની લ્હાયમાં પોતાના કપડા જાતે જ ઉતારવાની હોડમાં લાગી ગયા હોય તેવું સામાન્ય બુદ્ધિ ધરાવતી પ્રજાને લાગી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી દેશભરમાં થતી મોટી ચુંટણીઓની જેમ આ બિહાર ચુંટણીમાં પણ નરેન્દ્ર મોદી મીડિયા અને સામાન્ય જન સમુદાયમાં ચર્ચાની એરણે રહ્યા છે, એ પછી તેમની વાક્પટૂતાના લીધે હોય કે દેશના ઉચ્ચતમ એવા વડાપ્રધાન પદને છાજે ના એવી હલકી ભાષાના ઉપયોગના લીધે હોય. પરંતુ તેમણે પોતાની જાતને ચર્ચાની એરણે ટકાવી રાખી છે. બિહાર વિધાનસભાની ચુંટણીએ તેની ચુંટણીની સાથે સાથે બિહાર રાજ્યની પણ હરાજી કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દેશના ઉચ્ચ હોદ્દા પર બિરાજેલ વડાપ્રધાનની રૃએ જ્યારે ભાષણમાં પોતાના ખિસ્સામાંથી ખૈરાત આપતા હોય તેમ ૮૦ કરોડ, ૯૦ કરોડ કરતાં કરતાં ૧ અબજ ૨૫ કરોડ રૃપિયાનું પેકેજ આપવાનું વચન આપ્યું છે. અત્રે યાદ રહે કે સંસદની ચુંટણી દરમ્યાન પણ બિહારને ખાસ દરજ્જો આપી બિહારનો વિકાસ કરી બિહારની જનતાને ‘અચ્છે દિન’નું વચન આપ્યું હતું. લોકસભાની જેમ રાજ્યસભામાં પણ પોતાની બહુમતી પૂરવાર કરવા આરએસએસની રાજકીય પાંખ એવા ભાજપને બહુ જ તાલાવેલી લાગેલી છે અને આથી જ તે રાજ્યોની વિધાનસભાઓમાં પોતાનું વ્યક્તિબળ યેનકેન પ્રકારે વધારવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. જેથી તે રાજ્યસભામાં લાંબાગાળે પોતાની બહુમતી સ્પષ્ટ કરવાની સાથે પોતાના એજન્ડા જે તેે રાજ્યમાં બહુજ સરળતાથી અમલી બનાવી શકે.

મહાગઠબંધનમાં મોટો છેદ પાડવામાં મોદીના સારથી એવા અમીત શાહે જો કે તેઓ આ પ્રકારના કામોમાં બહુ માહેર છે – તેમણે મોટો જુગાર રમી એક સમયે ‘મુલ્લા મુલાયમ’ તરીકે ઓળખાતા ઉત્તરપ્રદેશની શાસકપાર્ટી સમાજવાદી પક્ષના સુપ્રીમો મુલાયમસિંહ યાદવને ખસેડી તેમને પોતાની જ રીતે ચુંટણી લડાવી મહાગઠબંધનના મોટી સંખ્યામાં વોટ તોડવાની વેતરણ પાર પાડી દીધી છે. બીજી તરફ મુસ્લિમોના હામી હોવાનો મુખોટો પહેરી ફરતાં મિસ્ટર ઔવેસીએ પણ બિહારમાં કે જ્યાં પોતાની કોઈ પૃષ્ઠભૂમી નથી કે ભૂતકાળની કોઈ અસરો ત્યાંની જનતા પર પ્રતિપાદિત થયેલી નથી તો પણ તેઓ આ ભયાનક ભપકેલી ભાંજગળમાં ભય વગર કુદી પડયા છે. જે પણ પહેલી નજરે તો ભાજપનો ગેમપ્લાન નંબર-૨ જ હોવાનો વરતારો હોય તેવું પ્રતિત થાય છે કે જેથી કરી મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થઈને આડકતરી રીતે ભાજપને ફાયદો થઈ શકે છે. જો કે બીજી તરફ મહાગઠબંધનને કોંગ્રેસની વર્ષોથી રહેલી ઢીલી અને ખોખલી નીતિ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત બિહાર વિધાનસભામાં કોંગ્રેસની શ્રુલ્લક સભ્યો રૃપી ભાગીદારી હતી જે આ વર્ષે પણ કંઇ ખાસ ઉકાળી શકે તેવું જણાઈ રહ્યું નથી. એવી જ રીતે એનડીએમાં પણ સીટોની વહેંચણીને લઈને મોટી રામાયણ ઉભી થવા પામી છે. લોજપાના બન્ને બાપ-દિકરાને અમિતશાહ દ્વારા વારંવાર સમજાવવા છતાં ૧૫ સપ્ટેમ્બરના મંગળવારે દિલ્હીમાં ચિરાગ પાસવાને બફાટ કર્યો કે અમને આપેલા વચન પ્રમાણે સીટો ફાળવી નથી અને જેવી રીતે ઉપેન્દ્ર કુશાવાહની રાલોસપાને ટીકીટ ફાળવી છે તે જ ફોર્મ્યુલાના આધારે અમને પણ ટીકીટો મળવી જોઈએ. પોતાની એનડીએ થી નારાજગી બાબતે ચિરાગે ‘આગ લાગી હોય તો જ ધૂમાડો નિકળે’ જેવા મહાવરા સાથે ટુંકમાં જવાબ રજૂ કરી ઘણું કહી દીધું છે. જેની અસર આવનાર સમયમાં વરતાય તેવી સંભાવનાઓ હાલ ઊભી થઈ ગઈ છે. સાથે એનડીએના અન્ય પક્ષ ‘હમ’ (કે જે હમણાં જ જીતનરામ માંજી દ્વારા ફુટી નિકળેલો એક નવો ફણગો છે)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર યાદવે પણ પોતાના પક્ષને ટીકીટ વહેંચણીમાં અન્યાય થયો હોવાના કારણે રાજીનામું આપ્યું હોવાના અહેવાલો સંભળાઇ રહ્યા છે.

બિહાર અને ઉત્તરપ્રદેશ એવા રાજ્યો છે કે જ્યાં જાતિવાદનું જોર દેશમાં સૌથી વધુ છે. બિહારમાં શરૃઆતથી અત્યાર સુધી સતત પછાત અને દલિત વર્ગનું જ વર્ચસ્વ રહેલું છે. દલિત અને મહાદલિત ઉપરાંત પછાત વર્ગની ૬૭ ટકાથી વધારે વસ્તી તેમજ મુસ્લિમો પણ ત્યાં ૧૬ ટકા જેટલી મોટી વસ્તી સાથે સારૃ વજન ધરાવે છે. સવર્ણોની વસ્તી બિહારમાં માત્ર ૧૫ ટકા જેટલી જ છે.

આમ બન્ને મહાપક્ષોએ આંતરીક ખેંચતાણની સાથે આ મહાયુદ્ધ રૃપી ચુંટણીમાં ઝંપલાવી બિહારની ભોળી ગણાતી શાણી પ્રજાને મનાવવામાં સફળ રહી શું પરિણામો મેળવે છે તેમજ બિહારની શાણી અને સમજદાર જનતા હકીકતોને સામે રાખી પોતાની બુદ્ધિચાર્તુયનો ઉપયોગ કરી કઇ બાજુ પલ્લું નમાવે છે તે તો આવનારો સમય જ બતાવશે. *

mfarukahemad@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments