જીવન અનેે મૃત્યુ પ્રત્યે વ્યક્તિનો અભિગમ તેના વ્યવહાર, વર્તન અને સ્વભાવને સ્વરૃપ આપવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરે છે.
જે જીવનથી ડરે છે તે મૃત્યુને વ્હાલુ કરે છે.
જે મૃત્યુથી ડરે છે તે જીવનને વ્હાલુ કરે છે.
જે જીવન અને મૃત્યુ બંનેથી ડરે છે તે ન જીવે છે ન જીવવા દે છે.
જીવન અને મૃત્યુ બંનેથી જે નથી ડરતો તે બીજા માટે જીવે છે અને મરે છે.
વ્યક્તિઓનો આ અભિગમ આખા સમાજ ઉપર અસર અંદાજ થાય છે. કારણ કે વ્યક્તિ એ મૂળભૂત રીતે આખા સમાજનો અંગ છે.
આજે ઠેર – ઠેર જોવા મળતી “આત્મહત્યા” અને “આત્માહત્યા” નું વધતું પ્રમાણ આ વિષય ઉપર ઊંડુ મનોમંથન માંગી લે છે.
આ સમસ્યાનો મૂળ ઉદ્ભવ સ્થાન એ વિશ્વભરમાં પ્રસાર પામેલી મુખ્યત્વે બે વિચાર સરણીઓનું પરિણામ સ્વરૃપ છે. આજે જીવનને હરિફાઇનું સ્વરૃપ આપી દેવામાં આવ્યું છે. માનવીની મૂળભૂત જરૂરતો સુદ્ધા મેળવવામાં એક હરિફાઇ લાગેલી છે. બીજુ આજે સમગ્ર વિશ્વમાં એક ડર અને શંકાનું વાતાવરણ નિર્માણ પામેલું છે. જેના ફળસ્વરૃપે આખો માનવ સમાજ એક વિશિષ્ટ સંકટનો સામનો કરી રહ્યો છે. આ વાતાવરણ નિર્માણ કરવામાં વિશ્વનો એક ખાસ વર્ગ કે જેણે “ન્યુ વર્લ્ડ ઓર્ડર”ની સ્થાપનાનું બીંડુ ઉઠાવેલ છે તેઓ અગ્ર સ્થાને છે. તેઓ અને તેના સાથીદારોએ ઊભી કરેલી આ પરિસ્થિતિનો માનવ સમાજના વિવિધ વર્ગો તેમજ વ્યક્તિઓ જુદી – જુદી રીતે સામનો કરે છે.
કેટલીક વ્યક્તિઓ જીવનની આ હરિફાઇને જોઇને જ ગભરાય છે. તો કેટલીક વ્યક્તિઓ આ હરિફાઇમાં થાકી જાય છે. આ જીવનને સંપૂર્ણ જીવન માનનારાઓ જ્યારે નાસીપાસ થાય છે ત્યારે તેમના માટે આવુ જીવન અર્થવિહીન બની જાય છે. આવા લોકો જીવનથી ગભરાઇને આત્મહત્યાનો માર્ગ અપનાવે છે. જીવનની ક્ષુલ્લક બાબતોમાં હરિફાઇથી ત્રાસીને લોકો આ માર્ગ અપનાવે છે. તો વળી કેટલાક મૂળભૂત જીવન જરૃરિયાતની વસ્તુઓ માટે પણ લાગેલી હરિફાઇનો સામનો ન કરી શકતા જીવન ટૂંકાવે છે. આપણા સમાજમાં બાળકોથી લઇ વૃદ્ધો સુધી તેમજ સ્ત્રીઓ અને પુરુષો એમ દરેક પ્રકારના લોકો આ રોગથી પીડાઇ રહ્યા છે.
વ્યક્તિઓમાં બીજો એક વર્ગ એવો પણ છે કે જે મૃત્યુથી ડરી ગુલામીનો માર્ગ અપનાવે છે. વિશ્વમાં ચાલતી વિવિધ અન્યાયી અને અત્યાચારી વ્યવસ્થાઓ દ્વારા ઊભી કરવામાં આવેલી પરિસ્થિતિઓને આવા લોકો નતમસ્તક થઇ સ્વીકારી લે છે. આ જીવનને સંપૂર્ણ જીવન માનતા આવા ગુલામ લોકો કોઇ પણ પ્રકારનું હિંમતવાળુ કામ કરવા માટે ક્યારેય તૈયાર થતા નથી. તેમને પોતાને પોતાનું આ જીવન બરબાદ થઇ જવાનો ડર લાગે છે. વિશ્વ સમાજમાં માનવીઓનો બહુ મોટો સમુદાય આ વિચારસરણીનો જોવા મળે છે. તેઓ કાલ્પનિક દુનિયામાં જીવે છે અને તેમના માલિકો તેમને સ્વપ્નોમાં રાચેલા રાખે છે. તેઓ રોજ મરે છે અને રોજ જીવે છે. કદાચ મરવાના વાંકે જીવે છે.
માનવ સમૂદાયનો બહુ મોટો વર્ગ આજે અત્યાચાર અને શોષણથી પીડિત છે. તેમને જીવવું છે પણ જીવવા દેવામાં આવતા નથી. આવા લોકોની રોજબરોજની જિંદગી અનિશ્ચિતતા અને ભયમાં વીતે છે. તેમના જીવનનિર્વાહની સાધનસંપત્તિનો છિનવાઇ જવાનો ડર તેમને કાયમ રંજાડતો રહે છે. પોતે માનવી હોવાની વાસ્તવિક્તા પૂરવાર કરવા માટે તેઓએ કાયમ ઝઝૂમવું પડે છે. તેઓ હંમેશથી એક વિશિષ્ટ વર્ગની શારીરિક, માનસિક, આર્થિક અને ભૌતિક સેવા માટે જ જન્મયા છે તેવો તેમને કાયમ અહેસાસ કરાવવામાં આવે છે. આ પરિસ્થિતિથી નિરાશ થઇ તેઓ એક વિશિષ્ટ માનસિકતાનો ભોગ બને છે. જે તેમને બદલો લેવા માટે પ્રેરિત કરે છે. તેઓ અન્યાયનો સામનો અન્યાયથી કરે છે. અને પછી ચાલે છે હિંસા અને ખુવારીનુ વિષચક્ર.
વિશ્વમાં એક સૂક્ષ્મ માનવસમૂદાય એવો પણ છે જે ન જીવનથી ગભરાય છે ન તો મૃત્યુથી ગભરાય છે. આવા લોકો જ બીજા માટે જીવે છે અને મરે છે. રોજબરોજ જોવા મળતી વિવિધ સમસ્યાઓ તેમને તેમના ધ્યેય થી રજભાર પણ ચલિત કરી શકતી નથી. સમગ્ર માનવ સમાજનું જીવન તેમના જીવનમાં સમાયેલું હોય છે. તેમના સુખ, તેમના દુઃખ માનવજાતના સુખ અને દુઃખ સાથે સંકળાયેલા હોય છે. તેઓ ન્યાય અને શાંતિની સ્થાપના માટે હંમેશા અગ્રેસર હોય છે. તેઓ ન અન્યાય કરે છે ન અન્યાય સહે છે. માનવી તરીકેની ગરીમા તેઓ સાચા અર્થમાં ભોગવી જાણે છે. તેમના માટે આ જીવન એક અનંત કિંમતી જીવનનો સૂક્ષ્મ ભાગ છે. જેનું વચ્ચેનું સ્ટેશન મૃત્યુ છે. આ માન્યતાના કારણે જ તેઓ આ જીવનને પણ ખૂબ કિંમતી જાણે છે અને મૃત્યુને એક ઘટના માને છે. આવા લોકો જ માનવજાત માટે આશાનું કિરણ છે. તેઓ થોડા છે પરંતુ તેમની અસરો સાર્વત્રિક છે. અને તેથી જ વિશ્વમાં જીવન હજુ બાકી છે. વિશ્વમાં અન્યાય, અત્યાચાર અને શોષણના ઝંડાધારીઓ માટે આવા લોકો એક બહુ મોટી અડચણ ઊભી કરે છે. તેથી આવા લોકોને ચિત્ર-વિચિત્ર રીતે બદનામ કરવામાં આવે છે. તેઓ ન્યાય અને સમાનતાનો ઝંડો હેઠો મૂકી દે તે માટે તેમને દબાવવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવે છે.
પરંતુ માનવજીવનમાં પ્રાણ ફૂકવાની જવાબદારી જે તેમના શિરે મુકવામાં આવેલી છે તેને પરિપૂર્ણ કરવા તેઓ કટિબદ્ધ હોય છે. ન્યાય અને શાંતિના પ્રકાશથી માનવીનું આ જીવન અને પરલોકના જીવનને પ્રકાશિત કરવા માટે તેઓએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તે માટે તેઓ જીવન પર્યન્ત પ્રમાણિકતાથી પોતાનું કર્તવ્યપાલન કરતા રહેશે. કુઆર્ને આ લોકોને નીચે મુજબ આદેશ આપ્યો છે.
”હે લોકો, જેઓ ઇમાન લાવ્યા છો ! અલ્લાહ માટે સચ્ચાઇ ઉપર કાયમ રહેવાવાળા અને ન્યાયની સાક્ષી આપવાવાળા બનો, કોઇ જૂથની દુશ્મનાવટ તમને એટલા ઉત્તેજીત ન કરી દે કે તમે ન્યાયથી ફરી જાઓ. ન્યાય કરો, આ તક્વા (અલ્લાહથી ડરવા) સાથે વધુ સુસંગત છે.” (કુઆર્ન સૂરઃ માઇદહ આયત ૮)
”હે લોકો, જેઓ ઇમાન લાવ્યા છો ! ન્યાયના ધ્વજવાહક બનો અને અલ્લાહ માટે સાક્ષી આપનાર બનો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષીની વિરુદ્ધ અસર સ્વયં તમારા ઉપર અથવા તમારા માતા-પિતા અને સગાઓ જ પર કેમ ન પડતી હોય. મામલાથી સંબંધ ધરાવનાર પક્ષ ચાહે ધનવાન હોય કે ગરીબ, અલ્લાહ તમારાથી વધુ તેનો શુભેચ્છક છે. આથી પોતાની મનેચ્છાનું અનુસરણ કરીને ન્યાય કરવાથી ચૂકો નહી અને જો તમે પક્ષપાત વાત કરી અથવા સાચી વાત કહેવાનું ટાળ્યું તો જાણી લો કે જે કઇ તમે કરો છો અલ્લાહને તેની ખબર છે.” (કુઆર્ન સૂરઃ નિસા આયત ૧૩૫) /