Saturday, July 20, 2024
Homeઓપન સ્પેસમાનવતાના પયગંબર

માનવતાના પયગંબર

હે પયગંબર (સ.અ.વ.) અમે તમને દુનિયાવાળાઓ માટે દયા અને કૃપા બનાવીને મોકલ્યા છે.’ (ર૧ : ૧૦૭)

પ્રસ્તાવના :

પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) અને તેમના કાર્યસંબંધી અનેક ગેરસમજો અને અજ્ઞાનતા લોકોના મનમાં છે. તેમનું જીવનકાર્ય લોકો સમક્ષ છે. તેમની સાચી ઓળખ લોકોને કરાવવી એ જ એકમાત્ર ઉપાય છે. કુઆર્નના ઉપરોકત કથનથી સ્પષ્ટ થઈ જાય છે કે પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) માત્ર મુસલમાનો જ નહીં, અને માત્ર માનવજાતિ માટે જ નહીં બલ્કે આખી સૃષ્ટિ માટે કૃપા બનાવીને મોકલવામાં આવ્યા છે. તેમના જીવન-ચરિત્રનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવાથી જણાય છે કે આ પવિત્ર જીવન એક નિઃસ્વાર્થી, પરોપકારી અને સમગ્ર વિશ્વ માટે કરૃણાસાગર છે.

ધરમૂળથી ક્રાંતિ :

પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના આહવાનની મુખ્ય વિશેષતા એ છે કે વર્ણ, વંશ, ભાષા, દેશ વગેરે મતભેદોથી પર તેમાં સમગ્ર માનવજાતિને સંબોધન છે. આના દ્વારા જ એક અનુપમ અને અદ્વિતીય નૈતિક, સામાજીક, રાજકીય અને આર્થિક ક્રાંતિ ઉદભવી, જેને આજથી ૧૪૦૦ વર્ષો પહેલાં દુનિયાએ જોઈ. આધરમૂળ ક્રાંતિનું કેન્દ્રબિંદુ મનુષ્ય અને માનવતાનું કલ્યાણ હતું. પયગંબર સાહેબે એક પરિપૂર્ણ, તર્કસંગત અને વિશ્વબંધુત્વ પર આધારિત સમાજ-રચના સ્થાપવાના હેતુથી ‘એક જ માનવજાતિ અને એક જ નિર્માતા’ એ સત્ય વિશ્વ સમક્ષ સ્પષ્ટ કરીને મૂકી દીધુ.

અંતિમ પયગંબર

જ્ઞાનના બે મુખ્ય પ્રકાર છે : એક ભૌતિક જ્ઞાન. તેની પ્રાપ્તિ માટે સૃષ્ટિના અધ્યયન દ્વારા પ્રગતિ કરવાની ક્ષમતા મનુષ્યને આપવામાં આવી છે. બીજું આધ્યાત્મિક જ્ઞાન. આનું સંતોષકારક અને વાસ્તવિક જ્ઞાન મેળવવું મનુષ્યની ક્ષમતા બહાર છે. પયગંબર મુહમ્મદ (સ.અ.વ.)એ ભૌતિક અને આધ્યાત્મિક, એમ બંને જ્ઞાનપ્રાપ્તિ માટે માર્ગદર્શન આપ્યું છે. તેમણે જ મનુષ્યોને એ અંતિમ સત્યની ઓળખ કરાવી કે એક માત્ર અલ્લાહ જ સૃષ્ટિનો રચયિતા, નિર્માતા, પ્રભુ-પાલનહાર અને શાસક છે. સૃષ્ટિ, મનુષ્ય અને અધ્યાત્મનું સત્ય જ્ઞાન માનવ-જાતિને આપવા પ્રારંભથી જ અલ્લાહે કેટલાક મહાપુરૃષોને માધ્યમ બનાવ્યા, જેમને પયગંબર કે ઈશદૂત કહે છે. બધા જ પયગંબરોનો સંદેશ એક જ હતો. અલ્લાહે તેમના પર જ્ઞાન અને ગ્રંથ અવતરિત કર્યા. જુદી જુદી જાતિઓમાં અને પ્રદેશોમાં અંદાજે એક લાખ ચોવીસ હજાર પયગંબરો ધરતી પર આવ્યા. પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) આ પયગંબરોની શ્રૃંખલાની અંતિમ કડી છે. જે રીતે પહેલાંના પયગંબરોને ફરિશ્તા જિબ્રઈલના માધ્યમથી ઈશ-સંદેશ આપીને માર્ગદર્શન આપવામાં આવતું હતું, તે જ રીતે પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ને પણ તેમના જ માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું. અક્ષરક્ષાન ન હોવા છતાં તેમણે ઈશ-માર્ગદર્શન દ્વારા લોકોને જે શિક્ષણ આપ્યું અને તેના દ્વારા સમાજમાં જે આમૂલ પરિવર્તન કરી બતાવ્યું, તે જ બાબત તેમના ઈશદૂત હોવાનો અનુપમ અને મજબૂત પુરાવો છે.

સમગ્ર માનવતાના માર્ગદર્શકઃ

પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ જે મૌલિક શિક્ષણ આપ્યું છે, તે સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે-
લોકો !તમારો પ્રભુ અને પાલનહાર તે જ એકમાત્ર છે, જેણે તમારું સર્જન કર્યું છે. મૂર્તિઓની પૂજા ત્યજીને એક ઇશ્વરની ઉપાસના અને બંદગી કરો તેનું આજ્ઞાપાલન કરો. તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી અને હું ઇશ્વરનો દૂત છું. અલ્લાહે મને એ બધું જ જણાવ્યું છે જેનાથી તે પ્રસન્ન થાય છે અને એ બધું પણ જણાવ્યું છે જેનાથી તે નારાજ થાય છે. જે કોઈ મને અલ્લાહનો પયગંબર સ્વીકાર કરશે, અલ્લાહના ગ્રંથને (કુઆર્ન) સત્ય માર્ગદર્શન માનશે અને અલ્લાહના બતાવ્યા પ્રમાણે જીવન વ્યતીત કરશે, તે આલોક અને પરલોકમાં સફળ થશે. માર્ગદર્શન માત્ર અલ્લાહનું માર્ગદર્શન છે, અને આપણને એ આદેશ આપવામાં આવ્યો છે કે આપણે સમગ્ર સૃષ્ટિના સ્વામીને સમર્પિત થઈ જઈએ. દુનિયાનું આ જીવન એક કસોટી છે. એક દિવસે બધું જ અહીં મૂકીને આપણે દુનિયામાંથી વિદાય થવાનું છે. શાશ્વત જીવન તો પરલોકનું (આખિરત) જીવન છે. મૃત્યુ પછી તમામ લોકોએ પોતાના કર્મોનો હિસાબ ઇશ્વરને આપવાનો છે. તે તમારા સત્કર્મો મુજબ તમને જન્નત (સ્વર્ગ)નું ઇનામ આપશે કે પછી દુષ્કૃત્યો મુજબ જહન્નમ (નર્ક)ની સજા આપશે. સમગ્ર માનવજાત આદમ (અલૈ.)ની સંતાન છે અને તેઓ સૌ સમાન છે. કોઈ આરબને બિનઆરબ પર અને બિનઆરબને આરબ પર કોઈ ગોરાને કાળા પર અને કાળાને ગોરા પર કોઈ જ શ્રેષ્ઠતા પ્રાપ્ત નથી. જો કોઈને શ્રેષ્ઠતા પ્રાપ્ત છે તો તે સત્કર્મોને કારણે.

વિશ્વ આદર્શઃ

અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું જીવન એક એવાં અનુપમ વ્યક્તિનું જીવન છે, જે એક જ સમયે આદર્શ પિતા, આદર્શ મિત્ર, આદર્શ પતિ, આદર્શ માર્ગદર્શક, આદર્શ સેનાપતિ, આદર્શ શાસક અને માનવીય ક્ષમતાઓને સન્માર્ગે લઈ જનાર આદર્શ ધાર્મિક નેતા છે. આ તમામ વિશેષતાઓ તેમનામાં એકત્ર થઈ ગઈ છે. તેમનું જીવન-ચરિત્ર જીવનના દરેક ક્ષેત્રને પ્રભાવિત કરનારું છે અને મનુષ્યના આચાર વિચારને આધ્યાત્મિક બનાવવાનો ચમત્કાર તેનામાં જોવા મળે છે. પવિત્ર ગ્રંથ કુઆર્નમાં ઉલ્લેખ છે કે- ‘વાસ્તવમાં તમારા માટે અલ્લાહના રસૂલ ( (ઈશદૂત)માં એક ઉત્તમ આદર્શ હતો, દરેક તે વ્યક્તિ માટે જે અલ્લાહ અને પરલોકના દિવસની અપેક્ષા રાખતો હોય અને અલ્લાહનું પુષ્કળ પ્રમાણમાં સ્મરણ કરે.’ (૩૩ઃર૧)
પયગંબર (સ.અ.વ.)એ પોતાનો પરિચય કરાવતા કહ્યું- ‘મને એટલા માટે મોકલવામાં આવ્યો છે કે હું તમારા ચરિત્રને ઉત્તમ દરજ્જા પર પહોંચાડી દઉં.’

વૈશ્વિક આહવાન

પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ માત્ર ર૩ વર્ષના ઈશદૂત તરીકેના જીવનમાં એક મહાન સર્વાંગી ક્રાંતિ સમાજમાં આણી. તેનો પાયો અલ્લાહ પર આસ્થા અને પરલોકમાં તેના સમક્ષ ઉત્તરદાયિત્વની ભાવના હતી. તેમણે સમગ્ર માનવતાને આહવાન કર્યું-

‘ભાઈઓ ! ઈમાન લાવો અલ્લાહ પર અને તેની બંદગી કરો, તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી અને હું ઇશ્વરનો દૂત છું. આનાથી જ તમને મુક્તિ અને સફળતા પ્રાપ્ત થશે.

અનેકવિધ કુરિવાજો અને અંધશ્રદ્ધામાં ગ્રસ્ત લોકોને તેમણે એક ઇશ્વરની બંદગી અને તેના આજ્ઞાપાલન તરફ બોલાવ્યા- ‘અલ્લાહ જ આપણા સૌનો રબ છે જીવન અને મૃત્યુ તેના જ હાથમાં છે. કયામત (મહાપ્રલય) પછી ન્યાયના દિવસનો તે જ માલિક છે. તે એક જ છે અને સૌથી નિરપેક્ષ છે. ન તે કોઈનો વંશ છે, ન કોઈ તેનો વંશ છે, અને ન તો તેનો કોઈ સમકક્ષ છે. તે અનાદિ અને અનંત છે. તેની જ બંદગી કરો, તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી.’

આ આહ્વાન કરીને હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ મનુષ્યને મનુષ્યની બંદગીથી મુક્તિ અપાવીને જનસામાન્યનો અને તે રીતે આખા સમાજનો સંબંધ સીધો અલ્લાહ સાથે જોડી દીધો. પરિણામે દેવી-દેવતાઓના નામે ભલાભોળા લોકોનું શોષણ અને લૂટ બંધ થઈ. તેમણે કહ્યું- ભાઈઓ અલ્લાહ પરમ કૃપાળુ અને દયાળુ છેે. તેનાથી નિરાશ ન થાઓ. અલ્લાહની સામે રજૂ થાઓ, તે તમને માફ કરી દેશે. ખોટા માર્ગનો ત્યાગ કરનારનો સ્વીકાર અલ્લાહ અત્યંત કૃપા અને દયાથી કરે છે.

જીવન ધ્યેય :

માનવ જીવનનો ધ્યેય સ્પષ્ટ કરતાં પયગંબર સાહેબે કહ્યું- આલોક એ પરલોક (આખિરત)ની ખેતી છે. અહીં જે અને જેવું વાવીશું તે અને તેવું જ પરલોકમાં લણીશું. દુનિયાનું આ જીવન મોજશોખ અને ભોગવિલાસ માટે આપવામાં નથી આવ્યું. અલ્લાહ તમારા બધા જ કર્મોથી વાકેફ છે. ભૂતકાળ બની જતાં પ્રત્યેક દિન-રાત અને વહી જતી દરેક પળ આપણા સૌને અલ્લાહ સામે જવાબ આપવાના દિવસની સમીપ લઈ જઈ રહ્યા છે. ન્યાયનો દિવસ નજીક છે. પવિત્ર કુઆર્ન મનુષ્યોને સાવધાન કરી રહ્યું છે– ‘હે મનુષ્ય ! પોતાના ભવિષ્ય વિશે તું આટલો બધો ગાફેલ કેમ ? સાવધાન !’ આ ભાવનાથી સમાજમાં નવજીવન અને નવચેતનાનો સંચાર થયો. એક જ ઇશ્વરની ઉપાસના, જીવનના વાસ્તવિક ધ્યેય અને ઉત્તરદાયિત્વની ભાવનાના પાયા પર પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ એક આદર્શ સમાજનું નિર્માણ કર્યું.

આદર્શ સમાજની રચના :

અલ્લાહ સમક્ષ ઉત્તરદાયિત્વના દૃઢ વિશ્વાસથી વ્યક્તિ, પરિવાર અને સમાજ બધું જ સંપૂર્ણપણે બદલાઈ ગયું. કઠોર હતા તે મૃદુ બની ગયા, કંજૂસ હતા તે દાનવીર બની ગયા અને ક્રૂર હતા તે દયાળુ બની ગયા. આ વિશ્વાસથી સમાજમાંથી અત્યાચાર અને અન્યાય નષ્ટ થયા, બાળકીઓને જીવતી દાટી દેનારા તેમનું પ્રેમપૂર્વક જતન કરનારા બની ગયા, બીજાઓની ઇજ્જત-આબરૃના ભક્ષક તેમના રક્ષક બની ગયા. વ્યસનીઓ વ્યસનમુકત બની ગયા. પશુતાભર્યું જીવન વ્યતીત કરનારા લોકો બીજાઓ માટે આદર્શ બની ગયા. આ નવનિર્મિત સમાજમાં નીતિમત્તા દેખાવા લાગી. નીતિભ્રષ્ટ લોકો નીતિવાન બની ગયા.

પયગંબર (સ.અ.વ.)એ માત્ર બાળકીઓને જીવતી દાટી દેવાના ઘૃણાસ્પદ કૃત્યને સમાપ્ત કરવાની સાથે સંપૂર્ણ સ્ત્રી-જાતિને સન્માનિત કરી. સ્ત્રીઓને પોતાની પસંદના પુરૃષ સાથે લગ્ન કરવાનો અધિકાર આપ્યો. માતા-પિતા, પતિ અને પુત્રની સંપત્તિના વારસામાંથી ભાગ આપ્યો. શિક્ષણનો અધિકાર આપ્યો. મસ્જિદોમાં પ્રવેશવાની અનુમતિ આપી. દહેજના દૂષણને સમાપ્ત કર્યું, તેના સામે સ્ત્રીને લગ્ન સમયે મહેર (સ્ત્રી-ધન) આપવું અનિવાર્ય ઠેરવ્યું. અશ્લીલતા, નગ્નતા અને વ્યભિચારને ખતમ કરીને સ્ત્રીઓ માટે સભ્ય પોષાક અનિવાર્ય કર્યા. આપ (સ.અ.વ.)એ માતા-પિતા અને વડીલોના આદર-સન્માનની શીખ આપી તેમણે કહ્યું કે માતાના ચરણોમાં જન્નત છે અને માતા-પિતાના આજ્ઞાપાલન અને તેમની પ્રસન્નતાથી અલ્લાહ પ્રસન્ન થાય છે અને તેમની નારાજગથી અલ્લાહ નારાજ થાય છે.

વર્તમાન સમસ્યાઓનો ઇલાજ

માનસિક તાણ અને બાહ્ય દબાણ એ આજનો મહારોગ છે. ઇસ્લામે માનસિક રોગોના ઇલાજ માટે એક વિશિષ્ટ વૈચારિક ઢબ, વર્તન-વ્યવહારની રીત અને પ્રવૃત્તિઓની તાકીદ કરી, જેનું ઉદાહરણ આપણે પયગંબર સાહેબના જીવનમાં જોઈ શકીએ છીએ. એમાં ધીરજ, સહનશીલતા, સંતોષ, કૃતજ્ઞતા, સહાનુભૂતિ, પરોપકાર વગેરે ગુણોની કેળવણી તથા ઇર્ષ્યા અને લોભ-લાલચ અને નિંદા વગેરે દુર્ગુણોથી બચવાની તાકીદ કરવામાં આવી છે. કુઆર્નમાં ઉલ્લેખ છે કે- ‘સાંભળી લો, અલ્લાહના સ્મરણથી જ હૃદયોને શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે.’ (સૂરઃ રઅ્દ)

ઇસ્લામે દારૃ, માદક દ્રવ્યોના સેવન, જુગાર વગેરેને સંપૂર્ણપણે અવૈધ ઠેરવી દીધા. દુનિયાભરમાં આ પ્રકારની બૂરાઈઓની નાબૂદી માટે જે વૈશ્વિક અભિયાનો ચલાવવામાં આવે છે તેનો આરંભ આજથી ચૌદસો વર્ષ પહેલાં આ એલાન સાથે પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ કરી દીધું હતું કે,- ‘આ દારૃ અને જુગાર, વેદીઓ અને પાસાં, આ તમામ ગંદા શેતાની કામો છે, તેમનાથી બચો.’ તેમના એક જ આહ્વાન પર દારૃના બંધાણી લોકોએ દારૃના માટલાં ફોડીને શેરીઓમાં દારૃની નદીઓ વહાવી દીધી અને પછી જીવનભર તેનો સ્પર્શ સુદ્ધાં ન કર્યો. પયગંબર સાહેબે કહ્યું- ‘અલ્લાહે દારૃ પર ફિટકાર કર્યો છે, અને તેને પીવાવાળા અને પીવડાવવાવાળા પર અને તેને વેચનારા, ખરીદનારા અને તેને નીચોવવાવાળા પર અને ઉઠાવવાવાળા પર અને જેના માટે લઈ જવામાં આવે તેના પર પણ ફિટકાર કરી છે.’ (અબૂ દાઉદ)

પયગંબર સાહેબે પર્યાવરણના સંવર્ધન માટે સફાઈ અને શુદ્ધતા તથા વૃક્ષારોપણના હુકમો આપ્યા. કુઆર્નમાં ઉલ્લેખ છે કે- અલ્લાહ પવિત્રતા અપનાવનારાઓને ખૂબ પ્રેમ કરે છે. (સૂરઃ બકરહ). આપ (સ.અ.વ.)એ કહ્યું- ‘પવિત્રતા અને શુદ્ધતા અડધું ઈમાન છે.’ પયગંબર સાહેબે વૃક્ષારોપણને સદકો (દાન)થી સરખાવ્યું છે. તેમણે કહ્યું- ‘એક વ્યક્તિના હાથમાં એક છોડ છે અને તે જ વખતે કયામત શરૃ થઈ ગઈ હોય અને સૃષ્ટિનો વિનાશ નિશ્ચિત છે, તો પણ તે છોડ ધરતીમાં તે રોપી દે.’ તેમણે એ પણ તાકીદ કરી કે વૃક્ષ કાપવું હોય તો તેના બદલામાં એક વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવામાં આવે. એક વ્યક્તિ એક વૃક્ષ જમીનમાં રોપીને ઉછેરે છે તે વૃક્ષથી જયાં સુધી લોકો લાભાન્વિત થશે ત્યાં સુધી તેને પૂણ્ય મળતું રહેશે.’

જળ સંવર્ધન માટે હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ કહ્યું કે, ‘નદીના કિનારે રહેવા છતાં પણ પાણીના ઉપયોગમાં સાવધાની રાખવી જોઈએ.’ (બુખારી) તેમણે લોકોને સંબોધતા કહ્યું કે, ‘ભૂલો નહીં, પાણીના દરેક ટીપાનો હિસાબ તમારે આપવો પડશે.’ (મુસ્લિમ)

ઇસ્લામે આર્થિક સમાનતા અને ન્યાયના દૃષ્ટિકોણને માનવજીવનમાં આર્થિક શોષણના પ્રશ્નનો પ્રભાવી ઉકેલ દર્શાવ્યો છે. પયગંબર સાહેબે કુઆર્ન અને સુન્નત દ્વારા માનવતાને એ તાલીમ આપી છે- કુઆર્નમાં છે કે- ‘અને લોકો તમને પૂછે છે કે શું ખર્ચ કરીએ ? તમે તેમને કહી દો કે જે જરૂરતથી વધારે હોય તે ખર્ચ કરો.’ (સૂરઃ બકરહ). બીજી જગ્યાએ કહેવામાં આવ્યું- ‘તમે એકબીજાની સંપત્તિ પરસ્પર અનુચિત રીતે ન ખાઈ જાઓ.’ (સૂરઃ નિસા). પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ વ્યાજ લેનારા પર, આપનારા પર અને તેનો હિસાબ રાખનારા અને તેની સાક્ષી આપનારા પર ધિક્કાર કર્યો છે. (મુસ્લિમ) અને કહ્યું કે તમામ લોકો સમાન છે. કુઆર્નમાં ફરમાવવામાં આવ્યું- ‘અલ્લાહે તમરામાંથી કેટલાકને કેટલાક પર આજીવિકામાં શ્રેષ્ઠતા આપી છે. પછી જે લોકોને આ શ્રેષ્ઠતા આપવામાં આવી છે તેઓ પોતાની આજીવિકામાંથી પોતાના સેવકોને આપતા નથી કે તેઓ આમાં સમાન થઈ જાય, તો શું તેઓ અલ્લાહની કૃપાનો ઇન્કાર કરે છે ?’ (સૂરઃ નહલ)

આર્થિક દમનકારી વ્યવસ્થાથી મુક્તિ અપાવવા માટે વ્યાજ પર આધારિત વ્યવસ્થાને સમાપ્ત કરી દેવામાં આવી. તેમણે સમજાવ્યું કે વ્યાજથી માલમાં ગમે તેટલી વૃદ્ધિ કેમ ન થાય, પરંતુ છેવટે તેનું પરિણામ દુર્દશા અને બર્બાદી જ છે.

વંચિતોના અધિકાર

સમાજમાં નિરાધાર લોકો, શ્રમજીવીઓ, અપંગો, ગરીબો અને જરૂરતમંદોના પુનર્વસનના હેતુથી આપ (સ.અ.વ.)એ લોકોની માનસિકતામાં આમૂલ પરિવર્તન કર્યું. શ્રીમંતોના માલમાં નિર્ધનના ભાગને નિશ્ચિત કર્યો તેમજ શ્રમિકો વિશે આપ (સ.અ.વ.)એ આદેશ આપ્યો કે- ‘મજૂરનો પરસેવો સૂકાય તે પહેલાં તેની મજૂરી ચૂકવી દેવામાં આવે.’ (ઇબ્ને માજહ). મહેનતુ મજૂરોના હાથના છાલા અને ગટ્ટા જોઈને પયગંબર સાહેબ તેમના હાથને ચૂમી લેતા અને કહેતા કે- ‘આ હાથ તો જન્નતમાં જનારો હાથ છે.’ (બુખારી)

લાંચ અને ભ્રષ્ટાચારની કમાણી અંગે ધિક્કાર કરતાં ફરમાવ્યું, ‘હરામની કમાઈ દ્વારા ઉછરેલ માણસની કોઈપણ બંદગી અલ્લાહ સ્વીકારશે નહીં.’ સંગ્રહખોરી નાબૂદ કરવા માટે આપ (સ.અ.વ.)એ આદેશ આપ્યો કે- જેણે વધુ ભાવ લેવા માટે સંગ્રહખોરી કરી તેનો સંબંધ ઇશ્વર સાથે ન રહ્યો અને ઇશ્વરે જ તે વ્યક્તિ સાથે સંબંધ તોડી નાખ્યો.’

લાંચ અને ભ્રષ્ટાચારના દૂષણ અંગે આપ (સ.અ.વ.)એ તાકીદ કરી કે- ‘લાંચ લેનાર અને લાંચ આપનાર બંને પર અલ્લાહનો પ્રકોપ છે.’ (બુખારી, મુસ્લિમ)

સૌના માટે કૃપાઃ

પાળેલા પ્રાણીઓની દેખભાળ અને તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરવા અને તેમના પાલન-પોષણ સંબંધે આપ (સ.અ.વ.)એ લોકોને ચેતવ્યા- ‘લોકો! પ્રાણીઓને બાંધીને તેમના પર તીર-કામઠાં ન ચલાવો, તેમના પર દયા કરો, તેમને પેટ ભરીને ચારો-પાણી આપો અને તેમના સાથે અનુચિત વ્યવહાર જરાય ન કરતા.’ (અબૂ દાઉદ)

આમ, લોકોની સમસ્યાઓને સમાપ્ત કરીને એક આદર્શ સમાજ-વ્યવસ્થાની સ્થાપના કરવા માટે જનશિક્ષણ, પ્રશિક્ષણ અને સક્ષમ ઉદ્બોધનની સાથે યોગ્ય સંવાદ અને સન્માર્ગ આપ (સ.અ.વ.)એ જગતવાસીઓને બતાવ્યો.

એક અનોખો દૃષ્ટિકોણઃ

હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ બતાવેલ બંદગીનો માર્ગ સમગ્ર માનવીય જીવન વ્યવસ્થાને બંદગીમાં બદલી નાખે છે. વૈધ અને પવિત્ર રીતે અને મહેનતથી કમાણીના પ્રયત્નો પણ બંદગી છે. પરિવારના લોકો સાથે પ્રેમ અને સહાનુભૂતિનું વર્તન પણ બંદગી છે. જીવનના દરેક વ્યવહાર જેમ કે લગ્ન, વેપાર, ઉદ્યોગ, ઘર-સંસાર, આર્થિક સામાજિક અને રાજકીય વ્યવસ્થા, ઇશ્વરની આજ્ઞા અનુસાર હોય તો તે બધું જ ઇશ્વરની ઉપાસના છે. પયગંબર સાહેબનો આ જીવન-સંદેશ મનુષ્યને એક સંપૂર્ણ જીવન-વ્યવસ્થા પ્રદાન કરે છે.

શાંતિ દૂત

પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) શાંતિ, સલામતી, ન્યાય, દયા અને કરૃણાના સાગર છે. જેમણે આપને ખૂબ જ યાતનાઓ આપી અને આપની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું એવા કટ્ટર શત્રુઓને આપ (સ.અ.વ.)એ માફ કરી દીધ હતા. મક્કા પર આપને વિજય પ્રાપ્ત થયો તો આ તમામ લોકો આપના સામે ઉપસ્થિત હતા, આપ ઇચ્છતા તો બધાને મોતને ઘાટ ઉતારી શકતા હતા. તે વખતે આપ (સ.અ.વ.)એ પૂછયું ‘બતાવો, હું તમારી સાથે કેવો વ્યવહાર કરું ?’ લોકોએ કહ્યું- ‘તમે અમારા સજ્જન અને દયાળુ ભાઈ છો અને તમારાથી દયાની જ અપેક્ષા છે.’ તેમણે કહ્યું, ‘તમે સૌ આઝાદ છો, તમારા સાથે આજે કોઈ બદલો લેવામાં નહીં આવે.’સમગ્ર માનવજાતિના કલ્યાણ અને પારલૌકિક જીવનમાં તેમની મુક્તિ અને સફળતાની ચિંતા પયગંબર સાહેબને હંમેશા સતાવતી. આપ કહેતા કે- ‘હું લોકોને કમરથી પકડી પકડીને નર્ક (જહન્નમ)ની આગમાંથી બચાવવા ઇચ્છું છું પરંતુ લોકો છે કે પતંગિયાઓની જેમ આગમાં કૂદીને સમાપ્ત થઈ જવા ચાહે છે.’ જે વ્યક્તિ પણ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના પવિત્ર જીવનચરિત્ર અને આપની શિક્ષાઓનું અધ્યયન કરશે અને આપના સંઘર્ષ અને અવિરત પ્રયાસોને જોશે તેનું મન પોકારી ઉઠશે કે પયગબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) અલ્લાહના અંતિમ પયગંબર અને સમગ્ર માનવજાતિના ઉપકારક છે. આપ (સ.અ.વ.) પર અલ્લાહની સલામતી થાય

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments