Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપમુઝફ્ફરનગરથી દાદરી સુધી ક્યારે થંભશે આ નફરતનું દાવાનળ

મુઝફ્ફરનગરથી દાદરી સુધી ક્યારે થંભશે આ નફરતનું દાવાનળ

દાદરીમાં મુહમ્મદ અખલાકને બીફ રાખવાની અફવાઓ વચ્ચે ઝનૂની ટોળાએ જે બેરહમીથી મોતને ઘાટ ઉતાર્યો તેના પડઘાઓ શાંત થાય તે પહેલાં જ શિમલાથી નોમાન નામના વ્યક્તિની હત્યાના સમાચાર આવ્યા છે. નોમાન કથિત રીતે ગાયની હેરાફેરી કરતો હતો અને જીવદયાના શૂરાઓએ તેને પણ પોતાની નફરતનો શિકાર બનાવી દીધી. સ્પષ્ટપણે આ ઘટનાઓમાં ગાય માતા માટે શ્રદ્ધા નહીં પરંતુ મુસલમાનો માટેની નફરત આંખે ઉડીને વળગી રહી છે. કેન્દ્રમાં જ્યારથી ભાજપ સરકાર બિરાજમાન થઈ છે ત્યારથી મુસલમાનો વિરુદ્ધની હિંસાનો દોર વણથંભ્યો બન્યો છે. પૂણેના મુસ્લિમ એન્જીનીયરની હત્યાનો મામલો હોય, ગુજરાતમાં ભરુચ અને દાહોદના કિસ્સા હોય, બલ્લબગઢમાં મુસલમાનોને મસ્જીદ બનાવવાના વિરોધમાં ભયભીત કરીને તેમની મિલકતો ઉજાડવાની ઘટના હોય કે ટોયોટો સર્વિસ સેન્ટરમાં મુસ્લિમ યુવકની હત્યા હોય, બધી જ ઘટનાઓ દેશભરમાં કાયદા વ્યવસ્થાનો કોઈ ડર બાકી રહ્યો હોય તેવુ જણાતુ નથી.

૧૨૦ કરોડના દેશમાં જો વીસેક કરોડ લોકો કાયમી ભય સાથે જીવે તો તેવા દેશનું ભવિષ્ય કેવું હોય તે સમજવું ખૂબ આસાન છે. આ ઘટનાઓએ ચોક્કસથી ઘણા લોકોના અંતરાત્માને ઝંઝાડી દીધી છે અને તે કારણસર લગભગ પચાસ જેટલા સાહિત્યકારોએ પોતે જીતેલ પારિતોષિકો પાછા આપવાનો સિલસિલો પણ ચાલૂ કર્યો છે. તેમની નજરો સામે માત્ર મુસલમાનોને નહીં પરંતુ અંધશ્રદ્ધા વિરુદ્ધ અભિયાન ચલાવનાર પનસરે અને કલબુર્ગી જેવા લોકોની હત્યાઓએ પણ તેમની ધીરજ ખૂટવી દીધી છે. તેમની કલ્પનાનું ભારત તેવુ હતું જેવું રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે જ્યાં ભયને કોઈ સ્થાન ન હોય અને જ્યાં માથું ઉંચકીને જીવન જીવી શકાય.

ભયનું સામ્રાજ્ય જેમ જેમ ફેલાઈ રહ્યું છે ત્યારે ઘણાં લોકોએ અપેક્ષા કરી હતી કે ટ્વીટર અને સેલ્ફીના શોખીન વડાપ્રધાન પણ આ મામલે ટ્વીટ કરીને મામલાને વખોડશે અને બગડી રહેલી સ્થિતિને નિયંત્રિત કરવા પગલા ભરશે. પરંતુ મસમોટો ભાષણો કરવામાં મહારથી એવા પ્રધાનમંત્રીને દિવસો સુધી આ વિષય પર મોઢુ ખોલવાની કોઈ જરૃર જ ન જણાઈ. અખ્લાકની હત્યાના બે જ દિવસોમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ શાસકોને તેમનો રાજધર્મ બતાવતા કહ્યું કે આ રાજ્યની જવાબદારી છે કે પોતાના નાગરિકોની જાનની રક્ષા કરે. અમેરિકા અને વિશ્વભરના મીડિયાએ પણ ભારતમાં લઘુમતિઓ વિરુદ્ધ વકરતી જતી સ્થિતિને વખોડી કાઢી. આ વધી રહેલા દબાણ વચ્ચે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દખલગીરી કરીને વકતવ્ય આપ્યું કે ભારત વિવિધતા ભર્યો દેશ છે અને કોઈ એક ધર્મસમૂહ વિરુદ્ધ નફરતને કદાપિ સ્થાન ન હોવું જોઈએ. ગુજરાતમાં ૨૦૦૨માં જે હત્યાઓનું તાંડવ યોજાયુ હતુ અન તે ઘટનાઓને ક્યારેય જાહેર જીવનમાં ચર્ચાનો વિષય ન બનાવવો તે નરેન્દ્ર મોદીનો વ્યૂહ રહ્યો છે. આ જ ઘટનાઓએ મોદીને હિંદુ હૃદયસમ્રાટ બનાવ્યો અને જો તેના પર રંજ કરવામાં આવે તો તેમની લોખંડી પ્રતિભાને પ્રતિકુળ અસર પડે તેવા વિચારો ધરાવતા મોદી માટે દાદરી અંગે અફસોસ થશે તેવું વિચારવુ તેમનાથી વધારે પડતી અપેક્ષા હતી. પરંતુ દિલ્હી ગુજરાત નથી તેવું સારી પેઢે જાણનાર મોદીને અંતે પરાણે દુખ વ્યક્ત કરવું પડયુ. આ દુઃખ કોઈ રેલીમાં નહી પરંતુ પહેલાથી પ્રશ્નો ફિક્સ હોય તેવા એક અખબારી ઇન્ટરવ્યુમાં વ્યક્ત કર્યું. અહીંયા પણ છપ્પની છાતી ધરાવનાર મોદી સાવ બકરી બની ગયા હોય તેમ ફરિયાદ કરવા લાગ્યા કે આ બાબતમાં કેન્દ્ર શું કરી શકે? દુનિયાભરમાં એકસોવીસ કરોડ ભારતીયોનો ઝંડો પકડી ચાલનાર મોદી કહે છે કે તેઓ શું કરી શકે? જો તેઓ ધારે તો ઘણું કરી શકે તેમ છે. મુહમ્મદ અખ્લાકની હત્યામાં જેઓ સૂત્રધાર હતા તેમનો ભાજપ સાથેનો સંબંધ પણ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં ભાજપને દુઃખ થયુ હોય તે બાબત તો દૂરની છે પણ તેનો રાજકીય લાભ કઈ રીતે ખાટવા તેના પ્રયોજનોમાં તેઓ વ્યસ્ત થઇ ગયા છે. સંઘ અને ભાજપની છત્રછાયામાં જીવનાર સંસ્થાઓ આ ટાણે અખ્લાકના હત્યારાઓના પરિવારોને આશ્વાસન આપી રહ્યા છે કે તેઓ શ્રેષ્ઠ વકીલોને લગાવી તેમને કાનૂની રીતે દરેક શક્ય મદદ કરશે. શક્ય છે કે આગળ જઈને આ હત્યાઓમાંથી કોઈને ચૂંટણીઓ માટે પાર્ટી ટિકીટ આપવામાં આવે અને જો તે વિજય મેળવે તો તેને મંત્રી પણ બનાવવામાં આવે!!!

મુઝફ્ફરનગરમાં રમખાણો પછી જે ધ્રુવીકરણ થયું હતું અને જે કારણે ઉત્તરપ્રદેશમાં ૮૦માંથી ૭૦થી પણ વધૂ બેઠકો મેળવી હતી તેના ઇનામ સ્વરૃપે સંગીત સોમને કેન્દ્રિય પ્રધાન બનાવી દીધો તે બાબત જગજાહેર છે. સંઘ અને ભાજપને આ બાબતનું કોઈ દુઃખ નથી તેની પુષ્ટી કરતો એક વધૂ અહેવાલ આપ્યો છે. આ અહેવાલ પ્રમાણે સંઘના સામયિક પંચજન્યમાં ગૌહત્યાના દોષિતોને મોતને ઘાટ ઉતારી દેવા તેવી વૈદિક દલીલો સાથેનો લેખ પ્રકાશિત થયો છે. નફરતની બુનિયાદો પર ચણેલી આ વિચારધારાને વેદો અને પૌરાણિક ગ્રંથોને પણ પોતાના હિત ખાતર વાપરવામાં કોઈ શરમ કે સંકોચ થતો નથી. આ લોકો તો આગળ વધીને કુઆર્નમાં પણ ગૌહત્યાનો નિશોધ છે તેવી બનાવટી વાતો ઉભી કરીને જાહેર માર્ગો પર મસમોટા હોર્િંડગ્સ લીધા હતા. તેમની આ રાજકીય ગતિવીધિઓને પૂર્ણ કરવામાં કેટલાંક હરખઘેલા મુસ્લિમ ધર્મગુરુઓ પણ આગળ આવ્યા છે. વડાપ્રધાન સાથે બેઠક કરવા મળે, અખબારોમાં થોડા ફોટા પડે, કોઈ વિદેશયાત્રાઓના પ્રયોજનો થઈ ગયા તેટલા સસ્તા ભાવમાં તેઓ પોતાના ઈમાન સત્તા આગળ ગિરવે રાખવા તૈયાર થઈ જાય છે. હિંદુ અને મુસ્લિમ એમ બંને સમૂહોએ પોતે જે પણ ખુદા અથવા ઇશ્વરને માનતા હોય તેને સાક્ષી રાખીને પોતાની જાતને પ્રશ્નો કરવા પડશે કે તેમનુ ંપ્રતિનિધિત્વ તેઓ કોને સોંપવા માંગે છે. શું તેઓ સત્તાની લાલસા હેતુસર નિર્દોષોના લોહીની નદીઓ વહાવી દે તેવા નેતાઓ ઇચ્છે છે કે કે નૈતિકતાના મૂલ્યોની કદર કરી ન્યાયની સ્થાપના કરનારા આગેવાનોને પસંદ કરે છે.

આ સમય તે લોકોને પણ પારખવાનો છે જેઓ પોતાની જાતને બિનસાંપ્રદાયિકતાના ધ્વજવાહક ગણાવે છે. અહીં ઉલ્લેખ કોંગ્રેસ પક્ષ માટે છે જેઓ લઘુમતિઓના વોટ તો ઇચ્છે છે પરંતુ હિંદુત્વના નામે ફેલાતી નફરત સામે મક્કમપૂર્વક ઉભા રહેવાને રાજકીય જોખમ ગણે છે. નરેન્દ્ર મોદીએ જે કોંગ્રેસમુક્ત ભારતનું સૂત્ર આપ્યું છે તે હકીકત બનતા સમય નહીં લાગે જ્યાં સુધી કોંગ્રેસ કોઈપણ નફરતની રાજનીતિને હરાવવાની પ્રબળ રાજકીય ઇચ્છા નહીં દાખવે. ટીવી પર અને સામયિકોમાં બયાનો આપવા એક અલગ બાબત છે અને જમીન પર ભય વચ્ચે રહેતા લઘુમતિઓમાં જાનની બાજી લગાવી દેવી તે અલગ બાબત છે. કોંગ્રેસ કરતા હિંદુત્વના રાજકરણ સામે બાથ ભીડવામાં તો લાલુપ્રસાદ યાદવ, મમતા બેનર્જી, નીતિશ કુમાર અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ વધારે અસરકારક સાબિત થયા છે.

દેશની બહુમતિ જનતાએ પણ સમય કાઢી વિચારવું જોઈએ કે જે નફરત અને હિંસાના રાજકારણને તેઓ દૂધ પાઈ રહ્યા છે તે દેશને ક્યાં લઈ જશે. આ દાનવો મોટા થઈને માત્ર લઘુમતિઓને નહીં પરંતુ સમાજને પણ ભરખી જશે. ભાજપ અને સંઘમાં વિચારશીલ હોય તેવા અને તેમને સાથ આપતા લોકોએ વિચારવુ જોઈએ દુનિયા ખૂબ ઝડપથી બદલી રહી છે. ટેકનોલોજીની ક્રાંતિઓ સીમાડા મીટાવી રહી છે ત્યાં આ નફરતનું રાજકારણ કોઈને પોસાય તેમ નથી. મોંઘવારી દૂર કરવી હોય, ગરીબી દૂર કરવી હોય, વિકાસ કરવો હોય તો સમગ્ર વિશ્વના ખભેખભા થવંુ પડશે. આવા સમયમાં જો લોકોને સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓને લઈને ભેદભાવ રાખવામાં આવશે તો આ સપનાઓ માત્ર સપના જ રહેશે.

મુસલમાનોએ પણ નાસીપાસ થવાના બદલે દરેક અત્યાચાર સામે અવાજ ઉઠાવવાની શક્તિ એકઠી કરવી પડશે. બિનસાંપ્રદાયિકતાનો બોજ ભલે તેમના ખભા પર ખૂબ ભારે સાબિત થાય તેમણે રાજકીય પહેલ કરેને લોકો સમક્ષ મૂકવી પડશે કે ઇષભય પર આધારિત સમાજનું નિર્માણ કઇ રીતે કરી શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments