ન્યાયપાલિકાનો તિરસ્કાર કે અનાદર નો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચા નો વિષય ત્યારે બન્યો જ્યારે પ્રશાંત ભૂષણે 27મી અને 29મી જૂને વિવાદાસ્પદ ટ્વિટ કરી ન્યાય પાલિકા અને મુખ્ય ન્યાયાધીશો મામલે ટિપ્પણી કરી. ભારત જેવા લોકશાહી દેશમાં તમામ સંવિધાનિક સર્વોચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન રાજનૈતિક કે સામાજિક હસ્તીઓ પર ટીકા-ટિપ્પણી એ કોઈ નવી વાત નથી. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર એવા હજારો ચેટસ ટ્વીટ્સ સ્ટેટ્સ વગેરે હોય છે જે લોકોના તિરસ્કાર, ગુસ્સા, વિશ્વાસ, અંધવિશ્વાસ, વ્યંગ, કલા વગેરેને પ્રતિબિંબિત કરે છે. ઘણી વખત લોકશાહીમાં વાણી સ્વતંત્રતા પર ગરમાગરમ ચર્ચાઓ પણ થાય છે પરંતુ તે તમામ ચર્ચાઓ વ્યક્તિઓની માનસિકતા, વિચારો અને શ્રદ્ધા ને અનુરૂપ બદલાતી હોય છે. પ્રશાંત ભૂષણનો મામલો પણ વાણી સ્વતંત્રતાનો જ છે પરંતુ તેમને મળેલી સ્વતંત્રતાનાં તેમનાં અધિકારનો ઉપયોગ ન્યાયપાલિકા અને તેના ન્યાયાધીશો વિશે કરતા ફરી વાણી સ્વતંત્રતાની ચર્ચાએ જોર પકડયું છે.
લોકશાહી નું સૌથી મહત્વનો અને મજબૂત સ્તંભ ન્યાયતંત્ર છે. ન્યાયતંત્રનું ભ્રષ્ટ થવું, સરકાર તરફી ચૂકાદાઓ આપવા અને પોતાની વિચારધારા મુજબ અવલોકન કરવું અને કારણો આપવા એ લોકશાહીની હત્યા સમાન છે. અને ત્યાર પછી સરકાર સરમુખત્યારશાહી કે હિટલરશાહી તરફ આગળ વધે છે અને પછી તેનો પ્રથમ ટાર્ગેટ વાણી સ્વતંત્રતા પર કાપ મૂકવાનું હોય છે કે જેથી લોકોમાં વિરોધ કે તિરસ્કારને જન્મતા પહેલા જ દાટી શકાય.
ભૂષણે 27મી જૂનના ટ્વિટમાં લોકશાહીને નષ્ટ કરવા પાછળ છેલ્લા છ વર્ષનો ઉલ્લેખ કરતાં સુપ્રીમ કોર્ટને અને તેના છેલ્લા ચાર મુખ્ય ન્યાયાધીશોની ભૂમિકાને જવાબદાર ઠેરવ્યું હતું જ્યારે ૨૯મી જૂનના ટ્વિટમાં મુખ્ય ન્યાયાધીશ બોબડેની ચર્ચાસ્પદ હાર્લી ડેવિડસન બાઇક પર સવાર તસવીર સામે તેમણે સાથે તેમણે લખ્યું કે નાગપુરના એક બીજેપી નેતાની માલિકીની તે બાઈક 50 લાખ નું મૂલ્ય ધરાવે છે અને તેમણે માસ્ક કે હેલમેટ ધારણ કર્યું નથી અને બીજી તરફ કોર્ટ આ સમયે lockdown ના કારણે બંધ છે અને લોકો ન્યાય હાંસલ કરવાના તેમના બુનિયાદી અધિકારથી વંચિત છે.
ભૂષણની બંને ટવિટ ન્યાયપ્રિય લોકો માટે ન્યાય પાલિકા અનાદર સમાન એટલા માટે ન હોઈ શકે કેમકે છેલ્લા ૬ વર્ષના કેટલાક ચુકાદાઓ ન્યાયને શરમાવે તેવા છે જેમાં કાશ્મીર મુદ્દો અને બાબરી મસ્જિદ નો ચુકાદો મૂખ્ય છે. ફાસીવાદી વિચારધારાએ 2014માં સત્તા ગ્રહણ કરી ત્યારથી ન્યાયપાલિકા દબાણ હેઠળ હોય તેવું સ્પષ્ટ પ્રતીત થાય છે.
કોર્ટ દ્વારા સુઓમોટો આ મામલાને ન્યાયપાલિકાના અનાદર તરીકે ખટલો ચલાવવો કેટલાક અંશે વાજબી છે તે હું વ્યક્તિગત રીતે માનું છું કોર્ટ દ્રારા લક્ષ્મણ રેખાની વાત કરવામાં આવી છે કે વાણી સ્વતંત્રતા ની કોઈ તો મર્યાદા હોય!!! ખરેખર વાણી સ્વતંત્રતા તમને વાણીવિલાસ કરવાની પરવાનગી આપતો નથી. તમારું વાણી સ્વાતંત્ર્યનું અધિકાર બીજાના મૂળભૂત અધિકાર પર તરાપ ન મારી શકે. કોર્ટે નોંધ્યું છે કે ન્યાયપાલિકાની કામગીરી અને તેના ન્યાયાધીશો પર આ રીતે સોશિયલ પ્લેટફોર્મ પર ટીપ્પણી લોકોના ન્યાયપાલિકા પર અને તેના ન્યાયાધીશો પર રહેલ વિશ્વાસને ડગાવી મુકશે તેથી ભૂષણ કસૂરવાર છે અને તેમને સજા થવી જોઈએ.
ભૂષણ પર પહેલેથી ન્યાય પાલિકાનાં અનાદરનો એક કેસ ૨૦૦૯થી ચાલે છે જેમાં તેમણે 16માંથી આઠ મુખ્ય ન્યાયાધીશો ભ્રષ્ટ છે તેમ કહ્યું હતું અત્યારે પોતાનો ચુકાદો કોર્ટે અનામત રાખ્યો છે અને ભૂષણને ફેરવિચારણા કરવા અને પોતાનો વિચાર બદલવા સમય આપ્યો છે અને ચોક્કસ સમયે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.
દેશમાં ભ્રષ્ટાચાર એ તમામ હદો વટાવી દીધી હોય સામાન્ય માણસની એકમાત્ર આશા ન્યાયપાલિકા પર જ હોય છે તેથી કોર્ટની ભૂમિકા અવિરતપણે નિષ્પક્ષ અને નીડર હોવી જોઈએ. તબ્લિગ જમાતના કોરોના વાયરસ ફેલાવવા મામલે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો સરકારના ગાલ પર સણસણતા તમાચા સમાન છે અને આવા ચૂકાદાઓ ન્યાયપાલિકા પર આશા અને વિશ્વાસ ના અહેસાસને વધુ મજબૂત બનાવે છે. લોકશાહીમાં ન્યાયતંત્રની અડગતાની સાથે સાથે જાગૃત નાગરિકો (પ્રશાંત ભૂષણ જેવા) અવશ્ય હોવા જોઈએ જે ન્યાય પાલિકાઓ અને ન્યાયાધીશોને ભટકતા અટકાવી શકે અને સરકારોને અને સરકારી કર્મચારીઓનો મદમસ્ત થતા અટકાવી શકે.
અદાલતો અને જેલોની સમગ્ર વ્યવસ્થાના પ્રણેતા એવા ઈસ્લામી શાસનના ખલીફાઓએ એવા આદર્શ દ્રષ્ટાંતો અંકિત કર્યા છે કે જે આધુનિક ન્યાયપાલિકાઓ માટે લાઈટહાઉસ નું કામ કરે છે. ઇસ્લામી શાસનના ચોથા ખલીફા હઝરત અલી રદી. નો એક કિસ્સો અહીં વર્ણન ને પાત્ર છે તેમના ઘોડા ની બેઠક એટલે કે જીન ચોરાઈ ગઈ તેમણે એ જીન બજારમાં વેચાતી જોઈ, ખલીફા હોવાથી તે તેમની ચોરાયેલી વસ્તુ બળપૂર્વક આસાનીથી લઈ શકતા હતા અને સજા પણ કરી શકતા હતા પરંતુ તેમણે ન્યાયપાલિકાને પ્રાપ્ત ઉચ્ચ સ્થાનને જાળવી રાખતાં ચોરની વિરુદ્ધ કેસ કર્યો અને પુરાવાના અભાવે કેસ હારી ગયા ખલીફાએ ફેંસલાને સ્વીકારી લીધો અને કોર્ટમાંથી નીકળી ગયા. ચોર ખલીફાના આ અમલથી કોર્ટની નિષ્પક્ષતા અને નીડરતાથી (કે તેણે ખલીફા વિરૂદ્ધ ફેંસલો કર્યો) એટલો પ્રભાવિત થયો કે તેણે ખલીફાને તેમનાં ઘોડા ની બેઠક પરત કરી અને માફી માંગી અને તરત જ ઇસ્લામ ધર્મ અંગિકાર કરી લીધુ.
ન્યાયપાલિકા પોતાના સ્થાનની ગરિમા જાળવી રાખે તો સમગ્ર દેશમાં અન્યાય નો ઉદ્ભવ સ્થાન પર મહદઅંશે બ્રેક લાગી જાય. લોકોમાં અપરાધ કરવાનો ડર નથી રહ્યો એટલા માટે કે તેમને પૂરો વિશ્વાસ છે કે કોર્ટમાં વ્યવહાર થી તેઓ બચી જશે આ માનસિકતા બદલવી હોય તો કોર્ટે ચોક્કસ પોતાની ભૂમિકાને નિષ્પક્ષ અને નીડર રાખી ચૂકાદાઓ આપવા પડશે જેથી ન્યાયપાલિકા પર લોકોએ ટીકા-ટિપ્પણી કરવાનો પ્રશ્ન જ ન ઉદ્ભવે અને ન્યાય પાલિકાએ પણ પોતાના અનાદર બાબતે ખટલો ન ચલાવવો પડે. કુરાનનો સ્પષ્ટ આદેશ છે,
હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! ન્યાયના ધ્વજવાહક બનો અને અલ્લાહ માટે સાક્ષી આપનારા બનો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષીની વિરુધ્ધ અસર સ્વયં તમારા પર અથવા તમારા માતા-પિતા અને સગાઓ પર જ કેમ ન પડતી હોય. મામલાથી સંબંધ ધરાવનાર પક્ષ ચાહે ધનવાન હોય કે ગરીબ, અલ્લાહ તમારાથી વધુ તેમનો શુભેચ્છક છે, આથી પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરીને ન્યાયથી હટો નહીં અને જો તમે અધૂરી અને પક્ષપાતપૂર્ણ વાત કહી અથવા સાચી વાત કહેવાનું ટાળ્યું તો જાણી લો કે જે કંઈ તમે કરો છો અલ્લાહને તેની ખબર છે.
હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! ન્યાયના ધ્વજવાહક બનો અને અલ્લાહ માટે સાક્ષી આપનારા બનો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષીની વિરુધ્ધ અસર સ્વયં તમારા પર અથવા તમારા માતા-પિતા અને સગાઓ પર જ કેમ ન પડતી હોય. મામલાથી સંબંધ ધરાવનાર પક્ષ ચાહે ધનવાન હોય કે ગરીબ, અલ્લાહ તમારાથી વધુ તેમનો શુભેચ્છક છે, આથી પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરીને ન્યાયથી હટો નહીં અને જો તમે અધૂરી અને પક્ષપાતપૂર્ણ વાત કહી અથવા સાચી વાત કહેવાનું ટાળ્યું તો જાણી લો કે જે કંઈ તમે કરો છો અલ્લાહને તેની ખબર છે. (કુર્આન, 4ઃ132)