Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપમુસ્લિમોનો રાજકીય વ્યવહાર

મુસ્લિમોનો રાજકીય વ્યવહાર

આપણાં દેશમાં સામાન્ય ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. સમગ્ર દેશવાસીઓની જેમ મુસ્લિમો પણ ચૂંટણી તરફ આકર્ષિત થયા છે. તેઓની સમ્મુખ આ પ્રશ્ન ફરી ઊભરી આવ્યો છે, જે દેશની સ્વતંત્રતાના સમયથી સતત તેમને મુંજવતો રહ્યો છે, અને તે છે કે ભારતમાં તેઓનો રાજકીય વ્યવહાર શું હોવો જોઇએ? જો કે આ પ્રશ્નનો ઉત્તર એ પણ આપી શકાય અને અપાય પણ છે કે મુસ્લિમોને મુસ્લિમ હોવાની હેસિયતથી દેશના રાજકારણમાં શામેલ થવાની કોઇ જરૃર જ નથી. પણ વાસ્તવિક્તા એ છે કે મુસ્લિમોનું લોક માનસ આ વિચાર સ્વિકારતુ નથી. તેઓ સાચી રીતે વિચારે છે કે દેશના રાજકીય પ્રવાહમાં શામેલ થવું ખુબજ આવશ્યક છે, કેમકે રાજકારણ અને રાજકીય વ્યવસ્થાની ખૂબી છે કે તે જીવનના એકે એક પાસાને પ્રભાવિત કરે છે. મુસ્લિમોની આ લાગણીથી બે પ્રશ્નો ઉદ્ભવે છે. આધારભૂત પ્રશ્ન એ કે રાજકારણને પ્રભાવિત કરવાના પ્રયત્નોનો ઉદ્દેશ્યો શું હોવો જોઇએ ? આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે પરિસ્થિતિ સાથે વર્તમાન વ્યવસ્થાનો પ્રકાર અને મુસ્લિમોની હેસિયત સમજવી ખૂબ જ જરૂરી છે. બીજો પ્રશ્ન એ છે કે રાજકારણ ઉપર પ્રભાવિત થવાના રસ્તાઓ ક્યા છે ? અને આ બાબતે કઇ સીમાઓ અને નિયમો અનુસરવા પડશે.

રાજકીય પ્રવૃત્તિઓના ઉદ્દેશ્ય :

જ્યારે ઉદ્દેશ્યની વાત કરીએ તો તે વ્યક્તિઓ જે માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે જ રાજકારણમાં આવતા હોય છે, તેઓને એક બાજૂ રાખી સામૂહિક ભાવના સાથે કાર્ય કરવાવાળાઓનું આકલન થવું જોઇએ. નિરીક્ષણથી જણાઇ આવે છે કે એવા મુસ્લિમો માટે રાજકીય પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય મુસ્લિમ સમસ્યાઓનો ઉકેળ માત્ર છે. આ ઉદ્દેશ્યના મહત્વને નકારી ન શકાય. દરેક નિરીક્ષક આ વાસ્તવિક્તાથી ભલીભાંતિ અવગત છે કે ભારતનો મુસ્લિમ વિવિધ સમસ્યાઓથી ગ્રસ્ત છે. આ સમસ્યાઓના ઉકેળ માટે રચનાત્મક સંકલ્પ અને બીજા પ્રયત્નો સાથે રાજકીય વ્યવસ્થાનો સહારો પણ આવશ્યક છે. આનું મહત્તમ મહત્વ હોવા છતાં આ ઉદ્દેશ્ય એક મર્યાદિત ઉદ્દેશ્ય છે. વિશ્વનો દરેક સમાજ પોતાની સમસ્યાઓ માટે ચિંતિત હોય જ છે, અને તેના ઉકેળ માટે પણ પ્રયત્નશીલ હોય છે. જો મુસ્લિમો પણ બીજા સમૂહોની જેમ એવો એક સમૂહ માત્ર હોત, જેઓ સંજોગોવશાત ભેગા થઇ ગયા હોય, તો તેઓની પ્રવૃત્તિઓની આ મર્યાદિત ઉદ્દેશ્ય કોઇ અજુગતી બાબત ન કહેવાતી પણ મુસ્લિમો માત્ર એક સમુહ નથી એક સૈદ્ધાંતિક ઉમ્મત છે જે માનવતાના માર્ગદર્શન કાજે બનાવવામાં આવેલ છે. આ ઉમ્મતની કોઇ પણ પ્રવૃત્તિને તેની આ જવાબદારીથી મુક્ત રાખી ન શકાય.

આથી મુસ્લિમોની રાજકીય પ્રવૃત્તિઓનો હેતુ તેના હોદ્દાના અનુરૃપ જ હોવો જોઇએ. કુઆર્ને કરીમની આયત આ વિષયમાં આપણું માર્ગદર્શન કરે છે જેમાં ઉમ્મતના હોદ્દા અને ન્યાયની સ્થાપનાનો આદેશ અપાયેલ છે. આ આયતનું અર્થઘટન વિશાળ ફલક ધરાવે છે. જે શીખામણ આપવામાં આવેલ છે તે એક બાજુ ઇસ્લામી રાજ્ય માટે સંવિધાનની ગરજ સારે છે અને બીજી બાજુ (જો ઇસ્લામી રાજ્ય સ્થાપિત ન હોય તો વર્તમાન રાજકીય વ્યવસ્થાની ભીતર) મુસ્લિમોની રાજકીય પ્રવૃત્તિના હેતુઓ વર્ણવે છે.

“હવે દુનિયામાં તે ઉત્તમ સમુદાય તમે છો, જેને મનુષ્યોના માર્ગદર્શન અને સુધારણા માટે મેદાનમાં લાવવામાં આવેલ છે. તમે ભલાઈના આજ્ઞા આપો છો, બુરાઈથી રોકો છો અને અલ્લાહ પર ઈમાન ધરાવો છો.” (સૂરઃઆલે ઇમરાન-૧૧૦), “અમે પોતાના રસૂલોને સ્પષ્ટ નિશાનીઓ અને માર્ગદર્શન સાથે મોકલ્યા અને તેમના સાથે ગ્રંથ અને તુલા ઉતાર્યા જેથી લોકો ન્યાય ઉપર કાયમ થાય, અને લોખંડ ઉતાર્યું જેમાં ઘણું બળ છે અને લોકો માટે ફાયદાઓ છે. આ એટલા માટે કરવામાં આવ્યુ જેથી અલ્લાહ એ જાણી લે કે કોણ તેને જોયા વિના તેના અને તેના રસૂલોની મદદ કરે છે, નિઃશંક અલ્લાહ ખૂબ શક્તિશાળી અને પ્રભુત્વશાળી છે.” (સૂરઃહદીદ-૨૫)

આદરણીય શબ્બીર એહમદ ઉસ્માની સાહેબ ઉપરોક્ત આયતની વ્યાખ્યામાં લખે છે ઃ “અલ્લાહની પુસ્તક લોકોની આસ્થા, વર્તણુંક અને આચરણની સુધારણા કાજે અને ન્યાયના પંથ ઉપર ચલાવવા મોકલવામાં આવી છે. સંભવ છે તુલા શબ્દ શરીઅત માટે વાપરવામાં આવ્યો હોય જે સમગ્ર મન અને શરીરના ક્રિયા કલાપોના ગુણ દોષ જોખી આપે છે.”

જે લોકો આકાશીય ગ્રન્થથી પણ સીધો માર્ગ ન પામી શકે અને ન્યાયના ત્રાજવાની સ્થાપના ન કરી શકે તેઓને બોધપાઠ આપવો પડે અને અત્યાચારી અને માથાભારી લોકો ઉપર અલ્લાહ અને તેના રસૂલના આદેશોનું ગૌરવ અને સત્તા સ્થાપિત કરવી પડે. જિહાદની શિક્ષા એટલે આપવામાં નથી આવી કે અલ્લાહ તમારી સહાયનો મોહતાજ છે. (વાસ્તવિક્તા એ છે કે) એને તમારી વફાદારીની પરીક્ષા કરવી છે, જે બન્દાઓ આ પરીક્ષામાં સફળ થશે તેઓને ઉચ્ચ દરજ્જાઓ પ્રાપ્ત થશે.

ઉપરોક્ત આયતના પ્રકાશમાં મુસ્લિમોની રાજકીય પ્રવૃત્તિના જે ઉદ્દેશ્યો સામે આવે છે તે આ પ્રમાણે છે.
(૧) વર્તમાન રાજ્યની કાર્યશૈલી ઉપર એવો પ્રભાવ પાડવો કે રાજ્ય દ્વારા નેકીયોની સ્થાપનાનો માર્ગ મોકળો થઇ શકે.
(૨) રાજ્ય દ્વારા બદીઓના ઉન્મૂલનનું કાર્ય થઇ શકે.
(૩) રાજ્યને ન્યાય અને સમાનતાની સ્થાપના માટે સમર્પિત બનાવી શકાય. સ્પષ્ટ છે કે વર્તમાન પરિસ્થિતિમાં આ ઉદ્દેશ્યો એ દરજ્જામાં તો પ્રાપ્ત નથી થઇ શકતા જે દરજ્જામાં ઇસ્લામી રાજ્યમાં પ્રાપ્ત થઇ શકે છે પણ જ્યાં સુધી વર્તમાન રાજ્યને નેકિયો પ્રત્યે સમર્પિત અને ન્યાય અને સમાનતાની સ્થાપનાનું નિમિત્ત બનાવી શકાય એવું કરવું પ્રશંસનીય અને વંછિત છે. આ ઉદ્દેશ્ય તે સિવાયના છે જે પહેલાથી જ અપેક્ષિત છે એટલે કે મુસ્લિમ સમસ્યાઓનો ઉકેળ.

લોકો પર સાક્ષી :

મુસ્લિમોની જવાબદારીની વ્યાખ્યા માટે કુઆર્ન લોકો પર સાક્ષીની સંજ્ઞા આપે છે.

“અલ્લાહના માર્ગમાં જિહાદ (તનતોડ પ્રયાસ) કરો, જેવી રીતે જિહાદ કરવાનો હક છે. તેણે તમને પોતાના કામ માટે ચૂંટી લીધા છે, અને દીન (ધર્મ)માં તમારા ઉપર કોઇ તંગી નથી રાખી. કાયમ થઇ જાઓ પોતાના પિતા ઇબ્રાહીમની મિલ્લત (પંથ) પર. અલ્લાહે પહેલાં પણ તમારું નામ ‘મુસ્લિમ’ (આજ્ઞાંકિત) રાખ્યું હતું અને આ (કુઆર્ન)માં પણ (તમારુ નામ આ જ છે), જેથી રસૂલ તમારા પર સાક્ષી રહે અને તમે લોકો પર સાક્ષી રહો. તો નમાઝ કાયમ કરો, ઝકાત આપો અને અલ્લાહથી જોડાઇ જાઓ. તે છે તમારો રક્ષખ, ખૂબજ સારો છએ તે સંરક્ષક અને ખૂબ જ સારો છે તે સહાયક.” (સૂરઃહજ્જ-૭૮)

ઉપરોક્ત આયતમાં હોદ્દાની રૃએ મુસ્લિમોનું કર્તવ્ય વર્ણવામાં આવ્યું છે. આયતમાં મુસ્લિમોથી કહેવામાં આવ્યું છે કે રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)એ જે દીનની સાક્ષી તમારા ઉપર પોતાની વાણી અને વર્તન થકી આપી છે, એ જ દીનની સાક્ષી તમને આખી માનવતા પર આપવાની છે.

આ વાસ્તવિક્તા જાણી લીધા પછી કે મુસ્લિમોનું કર્તવ્ય સત્યની સાક્ષી છે, એ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું આ કર્તવ્યના એવા તકાદાઓ પણ છે જેના સંબંધ રાજકીય પ્રવૃત્તિઓ સાથે હોય ?

આ વિષય પર વાત કરતા મૌલાના અબુલ્લૈષ નદવી સાહેબ લખે છે, “મારા નજીક ઇલેકશનમાં મુસ્લિમોની ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હોઇ શકે કે તેઓ આ મેદાનમાં સત્યની સાક્ષી આપી શકે.”

એક મુસ્લિમ માટે સૌથી મોટો સત્ય, જેના પર આખુય દીન (ઇસ્લામ) અવલંબિત છે, એ છે કે આ સૃષ્ટિનો એકમાત્ર સૃષ્ટા અલ્લાહ છે અને એ જ વાસ્તવિક માલિક અને શાસક છે. ઇન્સાન તેનો દાસ અને આધીન છે, જેને તેના માલિક અલ્લાહે થોડી આઝાદી આપેલ છે, અને એ સ્વતંત્રતાનો ઉપયોગ પણ પોતાની મરજી પ્રમાણે નહીં બલ્કે તે માલિકની ઇચ્છા અને સીમામાં જ થવો જોઇએ. એક દાસ હોવાની હેસિયતથી આ તેના માટે અનિવાર્ય પણ છે અને લાભદાયક પણ છે.

આથી જ્યારે સૌથી મોટી સચ્ચાઇ આ જ છે તો ઇલેકશનમાં ભાગ લેવાનો ઉદ્દેશ્ય પણ મૂળરૃપે આ સત્યની સાક્ષી અને પ્રસાર જ હોવો જોઇએ.

આદરણી લેખકે મુસ્લિમોને તેમના કર્તવ્ય ‘સત્યની સાક્ષી’ પ્રત્યે જાગૃત કરવા માટે જે તાર્કિક વાતો કરી છે, તેનાથી લાભાંવિત થવું જ ઘટે. ઉપસંહારમાં મૌલાના લખે છે, “મુસ્લિમોને આ વાત ધ્યાને રાખવી જ જોઇએ કે ઇસ્લામમાં જ તેમની મુક્તિ છે. વળી તેમની સાચી હેસિયત એક નિમંત્રક જમાતની છે, તે માત્ર એક લઘુમતિ જમાત નથી. એટલે તેઓએ એવો માર્ગ કદાપિ સ્વીકાર ન કરવો જોઇએ જે તેમને ઇસ્લામથી વધુ વેગળા કરી દે. અને આવું કરવાથી તેઓ એક કૌમ અને સમૂહની રીતે તો કદાચ કોઇ લાભ પ્રાપ્ત કરી શકે પણ તેમની નિમંત્રક તરીકેની છાપ ભુંસાઇ જશે.”

અલ્લાહની રાજ્યસત્તા :

મુસ્લિમોના હોદ્દાની ઉપરોક્ત સમજૂતિના પ્રકાશમાં મુસ્લિમોની રાજકીય પ્રવૃત્તિનો એક બીજો ઉદ્દેશ્ય સામે આવે છે કે જ્યારે રાજકીય વિષયે વાતચીત થઇ રહી હોય ત્યારે ઇસ્લામી દાવતના આ મહત્વપૂર્ણ સિદ્ધાંત તરફ દેશવાસીઓનું ધ્યાન આકર્ષિત કરવાના પ્રયાસો થવા જોઇએ. ઇસ્લામી દાવતનો આ મહત્વપૂર્ણ સિદ્ધાંત અલ્લાહની રાજ્યસત્તા છે. જમાઅતે ઇસ્લામી હિન્દના બંધારણમાં અકીદા (આસ્થા) લા ઇલાહ ઇલ્લલ્લાહ…ની વ્યાખ્યામાં કહેવામાં આવ્યું છે કે, “આ અકીદા (આસ્થા)નો પ્રથમ ભાગ, એટલે કે અલ્લાહતઆલાના એક માત્ર ઇલાહ હોવા અને બીજા કોઇનું ઇલાહ ન હોવાનો અર્થ એ છે કે તે જ અલ્લાહ આપણા સૌ મનુષ્યોનો વાસ્તવિક ઉપાસ્ય અને હાકિમે તશ્રિઇ (નિયમ અને કાનૂન બનાવવાવાળો, આજ્ઞા આપનાર, સૃષ્ટિનો સર્જનહાર અને પ્રારબ્ધ બનાવનાર) છે, બંદગી (ઉપાસના)નો હક્કદાર અને વાસ્તવિક મુતાઅ (ખરેખર જેની આજ્ઞાનું પાલન કરવામાં આવે) તે જ છે અને આમાંથી કોઇ હેસિયતમાં કોઇ તેને ભાગીદાર નથી.”

આ હકીકત જાણવા અને સ્વીકારવાથી અનિવાર્ય બને છે કે મનુષ્ય અલ્લાહતઆલા સિવાય કોઇને રાજ્યસત્તાનો માલિક અને સર્વોચ્ચ શાસક ન સમજે, કોઇને સ્વયં આદેશ આપનાર અને મનાઇ કરવાનો અધિકાર ધરાવનાર ન સમજે, કોઇના માટે એવો વિશ્વાસ ન રાખેે કે મૌલિક રૃપે કાયમી અને સ્થાયી રીતે તે શારેઅ (ધર્મશાસ્ત્ર બનાવનાર) અને કાનૂન ઘડનાર છે, તેમજ તે બધા આજ્ઞાપાલનને જે અલ્લાહની આજ્ઞાપાલન અને તેના કાનૂન હેઠળ ન હોય સાચા અને વૈધ સ્વીકાર કરવાથી ઇન્કાર કરી દે, કારણ કે પોતાના રાજ્યનો એક જ કાયદેસર અને ઉચિત માલિક તેમજ પોતાના સર્જનનો એક જ કાયદેસર અને ઉચિત શાસક અલ્લાહ (ઇશ્વર) છે. તેના સિવાય કોઇને હકીકતમાં માલિકી અને શાસનનો હક જ પહોંચતો નથી.

અલ્લાહની રાજ્યસત્તા એકેશ્વરવાદનું એક મહત્વપૂર્ણ પાસુ છે. મુસ્લિમોના ઇમાનનો તકાદો છે કે તેઓ પોતે એકેશ્વરવાદને ધારણ કરે અને સમસ્ત મનુષ્યોને આની તરફ આહવાન કરે. મુસ્લિમો તરફથી જો સભાન રીતે આ કાર્ય આરંભાય તો મુસ્લિમો પ્રત્યે ઉદ્ભવેલ કેટલીક ભ્રાંતિઓ આપ મેળે સમાપ્ત થઇ જશે. બીજુ સુખદ પરિણામ એ આવશે કે મુસ્લિમોથી અવાર નવાર કરવામાં આવતા કેટલાટ અનુચિત આગ્રહો પણ રોકાઇ જશે. (જેમકે વન્દે માતરમ ગાવાનો આગ્રહ અથવા મિથ્યા કર્મકાંડો સાથે જોડાવવાનો આગ્રહ.)

મુસ્લિમોની રાજકીય પ્રવૃત્તિઓના જે ઉદ્દેશ્યો અત્યાર સુધી સામે આવ્યા છે, તે છે;
(૧) રાજ્યને ભલાઇઓના પ્રસાર અને બુરાઇઓને રોકવાનું માધ્યમ બનાવવું.
(૨) રાજ્યને ન્યાયની સ્થાપના માટે તત્પર કરવું.
(૩) મુસ્લિમોની સમસ્યાઓનો ઉકેળ.
(૪) એકેશ્વરવાદ, વિશેષરૃપે અલ્લાહની રાજ્યસત્તા તરફ આહ્વાન.

બુરાઇઓની ઓળખ :

આ ઉદ્દેશ્યોમાં એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય બુરાઇઓને રોકવાનો છે. હવે જોવું પડશે કે તે બુરાઇઓ કઇ છે જે આપણા દેશમાં સામાજિક માળખામાં પ્રવેશી ગયેલ છે.
નિરીક્ષણથી માલૂમ પડે છે કે સામુહિક જીવનને વધુ પ્રભાવિત કરનાર એ બુરાઇઓ નીચે પ્રમાણે છે.
(૧) અશ્લીલતા અને બેશરમી.
(૨) જીવનમાં કૃત્રિમ આવશ્યક્તાઓનો વધારો (ઉપભોક્તાવાદ).
(૩) ભ્રષ્ટાચાર અને કમાઇના અવૈધ રસ્તાઓ.
(૪) બળશાળી વ્યક્તિઓ, સમુહો અને સ્વયં રાજ્ય તરફથી નિર્બળો પર અત્યાચાર અને તેઓના અધિકારો પર તરાપ.
(૫) અન્યાયી નિયમો અને કાનૂન.
(૬) આક્રમક જાતિવાદ.
(૭) નિરંકુશ અર્થતંત્ર.
(૮) વૈશ્વિક સામ્રાજ્યવાદના આધીન થવું.
(૯) પ્રચાર, પ્રસારના માધ્યમો દ્વારા ઝૂઠ અને ભ્રમણાઓનો ફેલાવો.
(૧૦) સામાજિક અને આર્થિક શૌષણ.
(૧૧) ઊંચ-નીચ, અસ્પૃશ્યતા અને અસમાનતા.
(૧૨) અસીમિત વિજ્ઞાન અને ટેકનોલોજી.

આ બદીઓને દૂર કરવા માટે જ્યાં સમાજની સુધારણા અને જનમત કેળવવાની જરૃર છે ત્યાં જ રાજ્યની ભૂમિકા પણ અગત્યની છે. કેમકે કેટલાક રાજ્યો પોતે જ બદીઓ ફેલાવતી હોય છે અને કેટલીક બદીઓ રાજ્યની બેપરવાહી અને અનઆવડતના કારણે પનપે છે અને કેટલીક બદીઓ તો રાજ્ય સત્તા જ મટાડી શકે છે. રાજ્યની છબી સારી હોય તો જ સામુહિક જીવનમાંથી બદીઓ નાબૂદ થઇ શકે.

જનમતની કેળવણી :

મુસ્લિમોથી જે રાજકીય પ્રવૃત્તિ વાંછિત છે તે કેટલાક ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે જોડાયેલ છે, જે ઉપર વર્ણવામાં આવ્યા છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે આ ઉદ્દેશ્યોને ધ્યાને રાખી રાજ્યનું ચરિત્ર સુધારવાની વ્યવહારૃ કાર્ય પ્રણાલી શું હોઇ શકે? કદાચિત આ વાસ્તવિકતાથી કોઇપણ અસંમત નહીં હોય કે પ્રાથમિક કાર્ય તો જન-મતની કેળવણી જ છે. જમાઅતે ઇસ્લામીના બંધારણમાં જમાઅતની કાર્ય પદ્ધતિનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે ઃ “જમાઅત પોતાના ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે રચનાત્મક અને શાંત પદ્ધતિઓ અપનાવશે, અર્થાત તે પ્રચાર-પ્રસાર, શિખામણ અને વિચારધારાની પ્રસિદ્ધિના માધ્યમથી માનસ અને ચારિત્ર્યની સુધારણા કરશે અને સામુહિક જીવનમાં અપેક્ષિત સદાચારપૂર્ણ કાન્તિ લાવવા માટે જનમતને પ્રશિક્ષિત કરશે.”

જનમતને પ્રશિક્ષિત કરવાનું કાર્ય વિચાર વિમર્શ વડે કરી શકાય છે. આ વિચારોની આપલેનું વર્તુળ ખાનગી બેઠકોથી પબ્લિક પ્લેટફોર્મ સુધી વિસ્તરેલ છે. આ કાર્ય માટે પારંપરિક રીત એટલે પ્રવચન, પત્રકારત્વ અને સાહિત્ય ઉપરાંત નવી પદ્ધતિઓ જેમ કે ઇલેકટ્રોનિક મીડિયા અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ થઇ શકે છે. જનમતની કેળવણી માટે સંસ્થાઓ પણ બનાવી શકાય છે. ઇસ્લામી મિઝાજનો તકાદો એ છે કે આવા વિચારોની અભિવ્યક્તિ શાલીન, તાર્કિક અને આયોજનબદ્ધ હોવી જોઇએ. મુસ્લિમો તરફથી જે વાત પણ મુકવામાં આવે તેની સત્યતા અને ઉપયોગિતા પર તેમને પોતે પુરો વિશ્વાસ હોવો જોઇએ. પોતાની વાત સિદ્ધ કરવા એવી વાત ન કરે જે સત્યથી વેગળી અને અશોભનીય હોય. મનુષ્યો પર સાક્ષી આપનાર આવા સમુહથી આ ઉચ્ચ માપદંડ અપેક્ષિપ છે.

જનમતની કેળવણીનો તકાદો છે કે દરેક વ્યક્તિ સુધી વાત પહોંચાડવામાં આવે, જોકે સમાજમાં કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે જે સામુહિક વિચારધારાને સારી રીતે પ્રભાવિત કરી શકે છે, એવી વ્યક્તિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત થવુ જોઇએ. એવા લોકોમાં પત્રકાર, મીડિયાથી જોડાયેલ લોકો સામાજિક અને રાજકીય સંસ્થાઓના આગેવાનો અને કાર્યકરો શામેલ છે. આવી વ્યક્તિઓનો દૃષ્ટિકોણ સારો હોય તો રાજકારણ અને રાજકીય વ્યવસ્થાની સુધારણા સરળ બની જાય છે. પુરી મર્યાદા સાથે આવી વ્યક્તિઓ જોડે મુલાકાતોનો મહત્વ ઓછો નથી. મુલાકાતની આ પ્રક્રિયામાં સાતત્ય હોય તો સારૃ પરિણામ આવી શકે છે.

સ્પષ્ટ છે કે જનમતના પ્રશિક્ષણ માટે એ સમસ્ત વિષયો પર વિચાર વિમર્શ થઇ શકે છે જે સાંપ્રત હોય. જોકે જરૂરી છે કે વિચારોની અભિવ્યક્તિ દાવતે ઇસ્લામી સાથે સુસંગતતા માટે બે વાતોની કાળજી રાખવી અનિવાર્ય છે. પ્રથમ તો એ કે વિચારોની અભિવ્યક્તિ દરમિયાન ઇસ્લામનો આધારભુત સંદેશ અવશ્ય રજૂ કરવામાં આવે જેથી સંમુખ વ્યક્તિ મુસ્લિમોની સાચી હેસિયતથી અવગત થઇ શકે.

બીજી વાત જે ધ્યાનમાં રાખવા જેવી છે તે છે ઇસ્લામી દૃષ્ટિબિન્દુથી સમસ્યાની છણાવટ. વાતચીત સામાજિક વિષયો પર હોય કે આર્થિક અથવા રાજકીય વિષયો પર જરૂરી એ છે કે સમસ્યાઓના કારણો અને ઉકેળનો પરિચય ઇસ્લામના પ્રકાશમાં આપવો. વર્તમાન બુરાઇઓ પર અંકુશની વાત કરતા હોઇએ ત્યારે એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ બુરાઇઓ માનવ પ્રકૃતિની વિરૂદ્ધ છે અને શાશ્વત નૈતિક મુલ્યો સાથે પણ મેલ નથી ખાતી. એવી જ રીતે જે સારી વાતોના ફેલાવની વાત કરીએ તેનો સંબંધ પણ માનવ પ્રકૃતિ સાથે સ્થાપિત કરવો જોઇએ અને આના માટે જ્ઞાન અને ચિંતનની ખુબ જ જરૃર છે.

સામુહિક સંસ્થાઓ :

જનમતના પ્રશિક્ષણ ઉપરાંત રાજકારણ પર પ્રભાવ નાખવાનો બીજો રસ્તો સામુહિક સંસ્થાઓને પ્રભાવિત કરવાનો છે. સામુહિક સંસ્થાઓ પર પ્રભાવશાળી થવાના બે માર્ગો છે.
(૧) સંસ્થાથી બહાર રહી તેના ઉદ્દેશ્યો, કાર્ય પદ્ધતિ અને પ્રવૃત્તિઓને સચ્ચાઇ માટે સમર્પિત અને નેકિયો માટે પ્રતિબદ્ધ બનાવવાના પ્રયત્નો કરવામાં આવે.
(૨) સંસ્થામાં સંમ્મિલિત થઇ તેના ઉપર પ્રભાવ નાખવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે.

પહેલા માર્ગ તો ગમે તે સમયે અપનાવી શકાય છે, પણ બીજો માર્ગ ત્યારે જ અપનાવી શકાય જ્યારે તે સંસ્થામાં શામેલ થવામાં કોઇ શરઇ બાધા ન નડતી હોય.

કેટલાક લોકોનો મંતવ્ય છે કે જો આપણો આશય સારો હોય તો કોઇપણ સંસ્થામાં સમ્મિલિત થવામાં કોઇ વાંધો નથી બલ્કે કાન્તિના કાર્ય માટે અનિવાર્ય છે. પણ આ વિચાર યોગ્ય નથી. આશયની પવિત્રતા સાથે ઇસ્લામ સાધન અને કાર્ય પદ્ધતિની પવિત્રતાનો આગ્રહી પણ છે. એટલે જ કોઇ પણ સંસ્થામાં સમ્મિલિત થતા પહેલા એ ખાત્રી કરી લેવી જરૂરી છે કે તે સંસ્થામાં શામેલ થવામાં કોઇ શરઇ બાધા તો નથી.

જે મહત્વપૂર્ણ સંસ્થાઓમાં શામેલ થવુ શરઇ રીતે વૈદ્ય ન હોય તેમની સુધારણાનો એક જ માર્ગ છે. એ કે સંસ્થાથી બાહર રહી તેને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરવા. જનમતને પ્રશિક્ષિત કરી જો શરઇ બાધાઓ દૂર કરી શકાતી હોય તો તેના પ્રયત્નો અવશ્ય કરવા જોઇએ. શરઇ સીમાઓને ઓળંગીને આગળ વધવાના પ્રયત્નો કરાશે તો આ મંઝિલ તરફ કૂચ નહી પણ પીછેહઠ કહેવાશે.

રાજકીય વ્યવસ્થા પર પ્રભાવ નાખવાનો ત્રીજો રસ્તો વૈકલ્પિક સામુહિક સંસ્થાઓ સ્થાપવાનો છે. ઉદાહરણ રૃપે આજકાલ દુનિયામાં એવી સંસ્થાઓનો પ્રભુત્વ વધતો જાય છે જેમને એન.જી.ઓ. કહેવામાં આવે છે. આવી સંસ્થાઓએ રાજ્યના કેટલાક કાર્યોને પોતાના કાર્યક્ષેત્રમાં સમાવી લીધા છે અને આ કારણે સામુહિક જીવનને પ્રભાવિત કરવાની તક તેઓને મળેલ છે. નવી દુનિયાની આ રીતથી મુસ્લિમો લાભ લઇ શકે છે અને રાજ્યથી પ્રભાવિત થવાના સ્થાને રાજ્ય પર પ્રભાવ પાડી શકે છે. શરત એક જ છે કે મુસ્લિમો દ્વારા સ્થાપેલ આ સંસ્થાઓનું ધરાતલ દીની (ઇસ્લામી) હોય, તેમના ઉદ્દેશ્યો શુદ્ધ હોય, કાર્યપદ્ધતિ સાચી હોય, તેમની પ્રવૃત્તિ શરઇ સીમાઓની અંદર થાય અને તેમનું વ્યવસ્થાપન ઇસ્લામી વિચારધારા ધરાવનાર ઇમાનદાર લોકોના હાથોમાં હોય.
(લેખક જમાઅતે ઇસ્લામિ હિન્દના પ્રશિક્ષણ વિભાગના સેક્રેટરી અને જામિઆ મિલ્લિયા ઇસ્લામીયા દિલ્હીમાં પ્રોફેસર છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments