Tuesday, June 25, 2024
Homeઓપન સ્પેસમુસ્લિમ રાષ્ટ્રીયતાનો આધાર આસ્થા છે

મુસ્લિમ રાષ્ટ્રીયતાનો આધાર આસ્થા છે

મુસલમાન એક ઉમ્મત (સમુદાય) છે. આ વાત અલ્લાહના અંતિમ પયગંબર સ.અ.વ.એ ત્યારે કહી જ્યારે મદીના પધાર્યા પછી તેમણે ઇસ્લામી રાજ્યનું બંધારણ તૈયાર કર્યું. જેથી લોકોના મામલાઓ યથાયોગ્ય રાખવા માટે મુસલમાનો અને યહુદીઓ તેમજ મુશરીકો (અનેકેશ્વરવાદીઓ) દરમ્યાન જે સંઘિઓ થઈ તેમાં આપ સ.અ.વ.એ ફરમાવ્યું, “મુસલમાન, ભલે તેમનો સંબંધ મક્કાના કુરૈશથી હોય કે યસરબ (મદીના)ના રહેનારાઓથી હોય અને જે લોકો તેમના અનુસરણમાં તેમના સાથે ભળી જાય, તેમના સાથે રહીને દીન માટે સંઘર્ષ કરે, તે બધા (એક સમૂદાય છે) એક ઉમ્મત છે.”

જે દિવસે આ સંધિ નક્કી થઈ તે ઇસ્લામી રાજ્યનો પ્રથમ દિવસ હતો. અને એ જ દિવસે આ વાત બંધારણીય રીતે નક્કી થઈ ગઈ કે મુસલમાન પરસ્પર એક ઉમ્મત છે. ઈમાનવાળાઓના અહેસાસ અને સભાનતામાં પણ એ વાત તદ્દન સ્પષ્ટ થઈ ચૂકી હતી અને તેમનું અમલીજીવન પણ આ વાસ્તવિકતાની બોલતી તસ્વીર બની ગઈ હતી. એટલા માટે જ્યારે કોઈ આ મહાન સિદ્ધાંતથી દૂર થતો જણાય તો તેને જાતજાતની વાતો સાંભળવી પડતી હતી કે તારામાં હજૂ અજ્ઞાાનતાના અંશો દેખાઈ રહ્યા છે જેથી તે પશ્ચાતાપ સાથે અલ્લાહથી ક્ષમા યાચના કરતો.

બદ્રના યુદ્ધકેદીઓ

જ્યારે મુસલમાનો બદ્રના યુદ્ધમાં વિજ્યી થયા અને તેમને શત્રુઓના મુકાબલામાં પ્રભુત્વ પ્રાપ્ત થયું તો તેમણે દુશ્મનોને કતલ પણ કર્યા અને તેમને બંધકો પણ બનાવીને કેદ કરી લીધા. અલ્લાહના રસૂલ સ.અ.વ.એ આ યુદ્ધ કેદીઓ સંદર્ભે સહાબાઓથી સલાહ માંગી. હઝરત ઉમર રદી.એ કહ્યું કે, મારી સલાહ એ છે કે આપ સ.અ.વ. ફલાણાને (જે હઝરત ઉમરનો નજીકનો સંબંધી હતો) મારા હવાલે કરી દો અને હું તેની ગર્દન ઉડાવી દું – અકીલ બિન અલી તાલીબને હઝરત અલી રદી.ના હવાલે કરી દો જેથી તે પોતાના ભાઈને ખતમ કરી દે, અને હઝરત હમઝહ રદી.ને તેમનો ફલાણો સંબંધી આપી દો કે તેઓ તેને મારી નાંખે કે જેથી અલ્લાહ તઆલા જાણી લે અમારા દીલોમાં આ મુશરેકીનો માટે કોઈ જગ્યા નથી. (વળી તેઓ ફરીથી આપણા સામે યુદ્ધમાં ન આવે.)

અને આ વાસ્તવિકતા છે કે સત્યનો ઇન્કાર અને સત્ય વિરુદ્ધ ષડયંત્રો કરનારાઓ સંબંધે મુસલમાનોના મનમાં જરાપણ નરમાશ નથી આવી. ભલે તે મશરેકીન તેમના પોતાના ભાઈ – દીકરા – દીકરીઓ – બાપ – મા જ કેમ ન હોય, કેમ કે અકીદો અને આસ્થાનો સંબંધ લોહીના સંબંધ કરતા ચડીયાતો છે.

આ વાત માત્ર ઇમાન ધરાવનારા પુરૃષોના જ સ્વભાવ અને આદતમાં ન હતી બલ્કે દાવતના આ માર્ગમાં ઈમાનવાળી સ્ત્રીઓ પણ પરસ્પર એક જ વિચારની હતી. અહીં તેમના સંબંધે અમુક દૃષ્ટાંતો જૂઓ …

* ઇબ્ને સઅદે ઝુહરીથી વર્ણન મેળવ્યું છે કે મક્કાના સરદાર અબુ સુુફયાન બિન હરબ મદીના આવ્યા અને હુદૈબિયાની સંધિને (જે તેમણે જ તોડી નાંખી હતી) તાજી કરવા નબી સ.અ.વ.થી મુલાકાત કરી, પરંતુ આપ સ.અ.વ.એ તેમની તરફ ધ્યાન જ ન આપ્યું તો તેઓ થોડીવાર એમ જ ઊભા રહ્યા અને પછી પોતાની દીકરી અને ઉમ્મતની મા હઝરત ઉમ્મે હબીબા રદી. પાસે ચાલ્યા ગયા. તેમના ઘરમાં જ્યારે અબુ સુફયાન અલ્લાહના રસૂલ સ.અ.વ.ના બિસ્તર ઉપર બેસવા ગયા તો ઉમ્મે હબીબા રદી.એ તે બિસ્તર ખેંચી લીધો. તે ઉપર અબુ સુફયાને કહ્યું, બેટી, હું તમને આ બિસ્તરથી વધારે વ્હાલો છું કે આ બિસ્તર તમને મારાથી વધારે વ્હાલો છે? ઉમ્મતની મહાન મા એ જવાબ આપ્યો, “આ અલ્લાહના રસૂલ સ.અ.વ.નો બિસ્તર છે, તમે તેના ઉપર નથી બેસી શકતા કેમકે તમે મુશ્રિક હોવાના કારણે નાપાક અને અપવિત્ર છો.” – સંપૂર્ણ અંતર અને દૂરી … એક તરફ મુશરીક બાપ અને મોમિન દીકરીના સંબંધમાં અંતર અને બીજી તરફ ઈમાન અને શિર્કના વચ્ચે તદ્દન સંપૂર્ણ તફાવત… બંને વચ્ચે કોઈ મેળ સુમેળ હોઈ શકે જ નહીં… તદ્દન સ્પષ્ટ તફાવત જેમાં કોઈ પણ છૂટછાટને અવકાશ જ નહીં… બાપ હોય કે કોઈ પણ … કોઈ પણ ઝંડો ઈમાનના ઝંડાથી બુલંદ હોઈ શકે જ નહીં…

* અહમદ અને બઝ્ઝારે હઝરત અબ્દુલ્લાહ બિન ઝુબૈરથી વર્ણન મેળવ્યું છે કે, કતીલા બિન્તે અબ્દુલ ઉઝ્ઝા (હઝરત અસ્મા બિન્તે અબુબક્ર અને હઝરત આયશા રદી.ની મા) પોતાની દીકરી અસ્મા બિન્તે અબુબક્રના પાસે ઘી, રોટલી અને કબાબનો તોહફો (ભેટ) લઈને ગઈ. કતીલા મુશરીક હતી. એટલા માટે હઝરત અસ્મા રદી. પોતાની માની આ ભેટ સ્વીકારવાથી ઇન્કાર કરી દીધો અને તેમને ઘરમાં પણ પ્રવેશવા ન દીધા. હઝરત આયશા રદી.એ આ સંબંધે અલ્લાહના રસૂલ સ.અ.વ. સામે રજૂઆત કરી જે ઉપર અલ્લાહ તઆલા તરફથી કુઆર્નની આ આયત અવતરી.

“અલ્લાહ તમને એ વાતથી નથી રોકતો કે તમે તે લોકો સાથે સદાચાર અને ન્યાયનું વર્તન કરો જેમણે દીન (ધર્મ)ના મામલામાં તમારાથી યુદ્ધ કર્યું નથી અને તમને તમારા ઘરોમાંથી કાઢયા નથી. અલ્લાહ ન્યાય કરનારાઓને પસંદ કરે છે.” (સૂરઃમુમ્તહિના-૮)

આ આયતના અવતરણ પછી આપ સ.અ.વ.એ આજ્ઞાા આપી કે તેઓ તેમની મા નો તોહફો સ્વીકારી લે અને તેમને તેમના ઘરમાં પણ પ્રવેશવા દે.

આમ આ રીતે નબી સ.અ.વ.થી પ્રશિક્ષિત હઝરત અસ્મા રદી.એ આ વાત પોતાના મનથી સ્વીકારી લીધી હતી કે ઇસ્લામ શિર્કથી જોજનો દૂર છે. એટલા માટે તેમની પોતાની મા જેમના તેમના ઉપર અનેક હક્કો લાગુ પડતા હતા, જેમના ઘણા ઉપકારો અને અધિકારો હતા, પરંતુ કેમકે તે મુશરીક હતા, એટલા માટે તે પોતાની જ દીકરીના ઘરમાં દાખલ ન થઈ શકી. જ્યાં સુધી અલ્લાહના રસૂલ સ.અ.વ.એ પરવાનગી ન આપી. હકીકત એ છે કે અલ્લાહની તરફ આમંત્રણ આપનારા આ પુરૃષો અને સ્ત્રીઆએ સમસ્યા અને પ્રશ્નની વાસ્તવિકતા સમજી લીધી હતી. જેથી તેમણે પોતાની જાતને શિર્કથી તદ્દન વેગળી અને અલિપ્ત કરી નાંખી અને સાચા અર્થમાં ઇસ્લામી દા’વતના આવાહક અને અગ્રણી ધ્વજવાહક બની ગયા. ઇસ્લામી રાજ્યને ઊભું કરનાર બની ગયા અને સમગ્ર જગત માટે આદર્શ નમૂનો બની ગયા.

મુસ્લિમ રાષ્ટ્રીયતા

અમુક મુસલમાનો, જેમાં ઘણા પોતાને ઇસ્લામના ઉપદેશકો કહે છે અજ્ઞાાનતા અને જહાલતના ઝંડાઓ લઈને પણ ચાલી રહ્યા છે અને તેના આધિન પોતાના જૂથો બનાવવામાં રચ્યાપચ્યા રહે છે. તેઓ એ વાતે ઝઘડી રહ્યા છે કે આનો સંબંધ ફલાણા શહેરથી છે અને ફલાણા ઇલાકાનો રહેનારો છે. ફલાણી નાતનો-જાતનો કે બિરાદરીનો છે. આ આપણી ભાષા બોલે છે એટલે આપણો છે! પેલો બીજી ભાષા બોલે છે – જુદો છે! આ તો અરબ છે, તુર્કી છે, અફઘાની છે, મદ્રાસી છે, ગુજરાતી છે – આ મસ્લકનો છે – તે મસ્લકનો છે – જહાલતના આ ઝંડા આધિન પોતપોતાની હરોળો ઊભી કરીને મુસલમાનો એક બીજાને ખરાબ અને ગંદા  નામોથી પોકારે છે – પરસ્પર ઝઘડે છે, લડે છે અને ગંદા પૂર્વગ્રહો આધિન ખૂનામરકી સુધી પહોંચી જાય છે. હવે આવા લોકોને પોતાના દીનથી – પોતાની ઉમ્મતથી – પોતાના સમૂદાયથી – પોતાની રાષ્ટ્રીયતાથી શું નિસ્બત, શું સંબંધ – જે દીનની સેવા અને ઝંડાને બુલંદ કરવાનો દાવો અને ઘોષણા કરે છે તેની જ ઘોર ખોદી રહ્યા છે અને એક ઉમ્મતની કલ્પના તદ્દન છિન્નભિન્ન થઈ રહી છે.

આપણા પથપ્રદર્શક સ.અ.વ. આપણને આ બધાથી આ પૂર્વગ્રહો અને ચડસાચડસીથી દૂર રહેવાની શિખામણ અને તેના દુષ્પરિણામોથી ચેતવ્યા છે. અને આવું કરનારાઓને કહ્યું છે, “શું તમે અજ્ઞાાનતાથી વાતો પોકારો છો જ્યારે કે હું તમારા દરમ્યાન મોજૂદ છું. – આને છોડી દો આ ખૂબ ગંદી ચીજ છે.”

શું આજે અલ્લાહના રસૂલની આ મહાન વાતો જીવંત નથી? જેના ઉપર આપણે અમલ કરતા નથી – શું આજના આ કપરા સમયમાં આ તમામ પૂર્વગ્રહોને તરછોડીને ફરીથી “એક ઉમ્મત” થઈ જવાનો સમય આવી નથી ગયો??? *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments