હું મોટો થયો ત્યાં સુધીમાં તોઔ મુહમ્મદ અલીની બોકસીંગઔ કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ચુકી હતી. તે સમયે અમારી પાસે ટેલીવીઝન હતુ જ નહીં અને તેથી જ અલીની યાદગાર લડાઈઓ અને ૮૦ના દાયકાઓના તેમના શો બાઉટ્સ જોવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. મારો ઉછેર અલીની જીવન કરતા પણ મોટી છબિ સાથે થયો હતો જેનું કારણ મારા કાકા હતા જે અલીના દિવાના હતા અને હંમેશા મારા પિતા સાથે તેમના બાબતે ચર્ચા કરતા હતા. મારા કાકાના ઘરે એક નાનકડુ જિમ હતું જ્યાં તેઓ અને તેમના મિત્રો કલાકો સુધી કસરત કરતા અને પોતાની જાતને અરીસા સામે જોઈ હરખાયા કરતા હતા.
મારા કાકા બોકસીંગની દંતકથાને મુહમ્મદ અલી સિલે તરીકે સંબોધતા કારણકે ઉર્દુમાં તે આ રીતે જ લખાતુ હતું. મારા પિતા તેમને હંમેશા સુધારતા અને કહેતા તે ક્લે છે નહીં કે સિલે. આમ અલીનું અવસાન મારા માટે એક રીતે અંગત ખોટ પણ છે. એવું લાગે છે જાણે કોઈનું પરિવારનું સ્નેહી અમને છોડીને જતુ રહ્યું હોય. પરંતુ આ ખોટના ભાર નીચે હું એકલો દબાયેલો છું તેમ નથી. વિશ્વભરના હજારો લાખો લોકો અને તેમાં તેઓ પણ શામેલ છે જેઓને રમતગમતમાં રુચી નથી તેવા લોકોને પણ ખોટની આવી જ અનુભુતિ થઈ છે. આમ તો ઘણાં લોકો જેમાં હું પણ શામેલ છું જેઓ બોકસીંગની રમતને અમાનવીય અને ક્રુર ગણાવે છે.
તો શું છે એ બાબત જેણે અલીને મહાનતમ બનાવી જે પોતાને પણ ટિખળ સ્વરૃપે મહાનતમ કહેતા અને શું હતું તેમનામાં જેથી તે રમતગમતના વિશ્વમાં સૌથી વધૂ લોકચાહના મેળવી ગયા?
તેમની આ દંતકથા અને વિશ્વભરમાંથી પ્રેમ મેળવવામાં એક ફાળો તો તેમની અદ્ભૂત બોકસીંગ કારકિર્દી છે. જેમાં તેઓએ ૬૧ ફાઈટ્સમાંથી ૫૬માં વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત તેમનામાં ઉમદા ઇન્સાનની શાલીનતા અને તેમની જબરદસ્ત રમૂજવૃત્તિએ પણ તેમને આ પ્રસિદ્ધી અપાવી. આ બાબતમાં કોઈ શંકા નથી કે તેઓ વિશ્વના એવા પ્રથમ સુપરસ્ટાર હતા જ્યારે હજુ મીડિયા દ્વારા રોજ બનાવાતા અને બદનામ કરાતા સિતાઓનો યુગ શરૃ થયો ન હતો.
દુનિયાભરના મુસલમાનો તે પછી મોરોક્કોના હોય કે મલેશિયાના અલી પાછળ પાગલ હતા કારણ કે તે હવે તેમનામાનો એક થઈ ગયો હતો. આમ પણ નવમુસ્લિમોને મુસલમાનો દ્વારા ખૂબ લાગણીઓ મળતી હોય છે. પરંતુ એવું નથી કે મુહમ્મદ અલી જ એકમાત્ર નવમુસ્લિમ છે, તેમના જેવા તો ઘણાં રહ્યા છે જેમાં હેવીવેઈટ બોકસીંગ ચેમ્પીયન માઈક ટાઈસન પણ શામેલ છે. પરંતુ અલીને જે પ્રેમ મળ્યો છે તેવો બીજા કોઈને મળ્યો નથી.
વિશ્વભરના સામાન્ય મુસલમાનો જેઓ અત્યાચાર, અન્યાય અને ભ્રષ્ટ સત્તાઓના તાબા હેઠળ મજબૂરીનું જીવન વ્યતિત કરતા હતા તેમના માટે મુહમ્મદ અલી તેમનો ભાઈ હતો. એવો ભાઈ કે જે તેમના માટે લડવા તૈયાર હતો અને એવો શૂરવીર હતો કે કોઈ પણ તાકાત સામે અવાજ ઉઠાવતા ડરતો ન હતો. તેણે મુસલમાનોમાં આશા અને પોતાની શ્રદ્ધાઓ માટે ગર્વ જગાડયો હતો કે આ ધર્મ સંકુચિત વિભાજનોથી ખૂબ આગળ વિશ્વભરના લોકોને એક સમુદાય બનાવવાની શિક્ષા આપે છે.
પરંતુ મુસલમાનો સિવાયની દુનિયાનું શું? શું હતું કે અલીને વિશ્વભરના લોકો પોતાની સાથે જોડી શકતા હતા? અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા અલીને સમગ્ર વિશ્વ આટલો પ્રેમ કેમ કરતું હતું? અહીંયા પણ તેમની બોકસીંગ કારકિર્દી નહીં પણ તેમનું અદ્ભૂત વ્યક્તિત્વ કારણભૂત હતું?
અલી પોતાના અને પોતાના લોકોના અધિકારો માટે એવા સમયે ઉભા થયા હતા જ્યારે આવું કરવું આફ્રિકન અમેરિકન માટે અકલ્પનીય હતું. આવું કરવામાં તેમણે ક્યારેય દોષભાવના ન દેખાડવાની હિંમતનું પ્રદર્શન કર્યું હતું. પોતાની સમગ્ર કારકિર્દી અને જીવનમાં અલીએ આ જ દૃઢતા, નીડરતા, સાહસ અને નૈતિકતાનો પરિચય આપ્યો હતો.
જ્યારે અલીએ ઇસ્લામ અંગીકાર કર્યો ત્યારે તેણે દરેક મંચ પરથી નિડર થઈને તેનુ એલાન કર્યું અને પોતાને ફરી ગુલામીના નામ સાથે બોલાવવામાં ન આવે તેનો આગ્રહ કર્યો. આ બધુ એવા સમયમાં જ્યારે અમેરિકામાં મુસલમાનોની સંખ્યા જૂજ હતી.
વિયેતનામ સામે યુ.એસ.ના યુદ્ધમાં પણ અલીએ આ જ દૃઢતા સાથે જોડાવાની ના પાડી દીધી હતી. પોતાની કમાઉ કારકિર્દી, નામ અને પ્રસિદ્ધીને પોતાના આદર્શો માટે ત્યાગ કરવા અલી તૈયાર હતો અને અહીં સુધી કે તેના માટે જેલનો કારાવાસ ભોગવવા માટે પણ તેને કોઈ સંકોચ ન હતો.
યુદ્ધમાં શામેલ ન થવાની તેની ભાવના પાછળ પોતાનો લોકો માટે તેમની કરુણા હતી. અલી કહ્યું હતું કે જો મને એવું લાગ્યું હોત તો કે યુદ્ધમાં શામેલ થવાથી મારા બે કરોડ વીસ લાખો લોકોને આઝાદી મળશે તો તેઓએ મારી પાસે વિનંતી કરવાની જરૃર ન હતી અને હું કાલે જ શામેલ થઈ જાત. મારી માન્યતાઓ માટે અડગ રહેવા માટે મારે કંઇ ગુમાવવાનું નથી. શું હું જેલમાં જઈશ? તો શું? અમે તો એમ પણ ૪૦૦ વર્ષોથી જેલમાં જ છીએ.
અલીની લડાયકતા, વિનમ્રતા અને માનવતા માટેનો પ્રેમ હતો જેણે તેને હંમેશ માટે ચેમ્પીયન બનાવી દીધો. જ્યારે અલી હુંકાર કરતો અને હું સર્વશ્રેષ્ઠ છું તેવા બણગાં મારતો ત્યારે લોકો પણ તેની સાથે ઝુમી ઉઠતા અને તેઓ સારી રીતે જાણતા કે અલી ઉપરછલ્લા હુંકાર નીચે સોનાનું હૃદય ધરાવતો અને દરેકની પીડાથી પોતાને જોડતો એક દયાળું વ્યક્તિ છે.
આ જ કારણ હતું કે દુનિયા તેની સાથે હસતી અને રડતી હતી. ૧૯૯૬માં જ્યારે પોતાના શરીરની બિમારીના કારણે ખૂબ પ્રયાસો સાથે ગૌરવભેર છટાથી જ્યારે તેણે ઓલમ્પીકની મશાલ સળગાવી હતી ત્યારે વિશ્વભરના લોકોની આંખોમાં આંસુ સરી પડયા હતા. ઓબામાએ ‘Audacity of Hope’ અર્થાત્ નિડર આશાની વાત કરી અને જઈને વ્હાઈટ હાઉસમાં પોતાનું સ્થાન બનાવ્યું તેના કેટલાય સમય પહેલા અલીની નિડરતાએ આફ્રીકન અમેરિકનો અને અમેરિકામાં હાંસિયા પર ધકેલાયેલાઓની વેદનાને અવાજ આપ્યો હતો.
જો મુહમ્મદ અલી, માર્ટીન લુથર, કિંગ જુનિયર અને માલ્કમ એક્સ ન હોત તો ઓબામા માટે વ્હાઈટ હાઉસ માત્ર એક સ્વપ્ન બનીને જ રહ્યું હોત.
એવું નથી કે અલીએ માત્ર રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પર અસર નાખી હોય પરંતુ સેંકડો જિંદગીઓને તેણે બદલી નાખી અને આમા તેઓ શામેલ છે જેઓએ અલીને ક્યારેક બોકસીંગ રીંગમાં પોતાના દાવ અજમાવતા જોયા ન હતા. આ બાબતનો પુરાવો છે વિશ્વભરમાંથી આવી રહેલી લાગણીઓ જેઓ અલીની દુનિયામાંથી વિદાય અંગે શોકમાં ગરકાવ થયા.
ગાર્ડિયનમાં ગેરી યંગ કહે છે કે તે “અલીને ખબર હતી કે આ પૃથ્વી પર તેનું શું કામ હતું – તે હતું લોકોને પ્રેરણા આપવાનું.” અલીએ આવનારી પેઢીઓ માટે કેટલી ઉમદા, પ્રેરણાદાયી, અસમાન્ય અને સુંદર જીવનગાથા છોડી છે.
ઓબામા કે જેઓ અલી દ્વારા સોની લિસ્ટનને નોક આઉટ કરતી વખતે જે ગલ્વસ પહેર્યા હતા તે પોતાના અભ્યાસખંડમાં પ્રદર્શિત કરે છે તેમના શબ્દોમાં કહીએ તો મુહમ્મદ અલીએ દુનિયાને ઝકઝોળી નાંખી અને દુનિયા તેના કારણે વધૂ સારી બની છે અને આપણે સૌ તેનાથી લાભાન્વિત થયા છે. તેઓ પાછળ એક પહેલા કરતા સારી દુનિયા અને અમેરિકા મુકી ગયા છે. પરંતુ હવે ક્યારેય બીજો મુહમ્મદ અલી નહીં આવે, ક્યારેય નહીં.