Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસરમઝાન અને નવયુવાનો

રમઝાન અને નવયુવાનો

રમઝાનનું નામ સાંભળતાં જ  ખૈર તથા બરકત અને  રહેમતનો વિચાર મન-મસ્તિષ્કમાં ખૂબ જ ઝડપથી ઉભરવા લાગે છે અને હકીકત પણ આ જ છે કે આ મહિનામાં અલ્લાહતઆલા દરેક વ્યક્તિ ઉપર પોતાની રહેમતો અને બરકતોની વર્ષા કરે છે. તેની રહેમતો અને બરકતો માત્ર મુસ્લિમ સમાજ માટે જ નહીં બલ્કે દરેક વર્ગ અને દરેક કોમ માટે હોય છે. આથી રમઝાન માત્ર મુસલમાનો માટે જ નહીં બલ્કે સમગ્ર માનવતા માટે ખૈર-તથા બરકત લઈને આવે છે.

રમઝાન સાથે સૌનો સંબંધ વિવિધ પ્રકારનો હોય છે. દા.ત. મહિલાઓ, બાળકો, નવયુવાનો અને વૃદ્ધ લોકો. આ તમામ લોકો વિવિધ રીતે અને જુદી જુદી ઢબે રમઝાનથી લાભાન્વિત થાય છે. આથી આપણે અહીં આ વાતને સંક્ષિપ્તમાં જોઈશું કે રમઝાનમાં એક યુવાન કેવી રીતે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરી શકે છે. અને તેના માટે કેવું આયોજન હોવું જોઈએ.

રમઝાન અને નવયુવાન સંબંધે જ્યારે વાત થાય છે તો હું આ જ કહીશ કે રમઝાનુલ મુબારકથી જો કોઈ સૌથી વધુ લાભ ઉઠાવી શકે છે તો તે યુવાનો જ છે. કેમ કે રમઝાનમાં કેટલીક વખત રોઝા રાખવાના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો વિ. તમામ લોકો કમજોરીનો ભોગ બની જાય છે. પરંતુ જ્યાં સુધી યુવાનોની વાત છે તો તેમનામાં જોશ, જુસ્સો, હિંમત અને તાકત વિ. વસ્તુઓ ઉચ્ચ કક્ષાએ હોય છે. આના કારણે તે રમઝાનમાં તેઓ કમજોરી અનુભવતા નથી, સિવાય એ લોકોના કે જેઓ સુસ્તી અને ગફલતનો ભોગ બની ગયા હોય.

જ્યાં સુધી રમઝાનથી લાભાન્વિત થવાની વાત છે તો આના માટે સૌ પ્રથમ આયોજનની જરૂરત છે. સંપૂર્ણ ભાવના સાથે અને તે આ અર્થમાં કે આપણે રમઝાનના મહત્ત્વ અને તેના દરજ્જાને સમજી ગંભીરતા અને તત્પરતા સાથે આયોજન કરીએ. તેનું ઉદાહરણ એવું છે જેવી રીતે એક નોટબુક બનાવનાર વેપારી શાળાઓ શરૃ થતાં પહેલાં સંપૂર્ણ ધ્યાન અને ધગશ સાથે નોટબુકો બનાવવા માટે આયોજન કરે છે. જેથી કરી સમય આવ્યે પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકે અને કોઈ પણ પ્રકારની કમી રહી ન જાય.

નવયુવાનોનો એક ઘણો મોટો વર્ગ જે નિરર્થક બાબતો અને બૂરાઈમાં ડૂબેલો છે અને રમઝાન તેમના પર એવી રીતે પસાર થઈ જાય છે જે રીતે વરસાદનું લાભદાયક પાણી સખત પત્થર ઉપર પડે છે, અને વહીને વેડફાઈ જાય છે. કેમ કે તે જમીન નરમ અને સમતળ નથી હોતી, અથવા એ લાયક નથી હોતી કે પાણીથી લાભ ઉઠાવી શકે. આથી નવયુવાનોએ સૌ પ્રથમ પોતાના દિલનું નિરીક્ષણ કરવું જોઈએ કે આપણું હૃદય રમઝાનની ને’મતો અને બરકતોથી લાભાન્વિત થવા માટે તૈયાર છે કે નહીં. અને જો નથી તો પહેલાં પોતાના હૃદયની સ્થિતિને એવા લાયક બનાવવાની જરૂરત છે.

પ્રશ્ન આ છે કે હૃદયની એ સ્થિતિ કેવી રીતે ઉદ્ભવશે ! તો તેના માટે સૌ પ્રથમ જરૂરી વસ્તુ આ છે કે આપણે પોતાના હૃદયને સાફ કરીએ. ગંદા વિચારોથી, ખોટી ધારણાઓથી, ખોટા વિચારો અને દૃષ્ટિકોણોથી, જે રીતે એક ખેડૂત વરસાદ પહેલા અસમતળ જમીનને સમતળ કરવા માટે હળ ચલાવે છે, તેમાંથી કાંકરીઓ અને બિનજરૂરી વસ્તુઓને દૂર કરે છે અને જમીનને ઉપજાઉ બનાવે છે અને વરસાદના આગમન પહેલાંથી જ પૂરી તૈયારી સાથે વરસાદનું સ્વાગત કરે છે, બિલકુલ એવી જ રીતે આપણે પણ રમઝાનનું સ્વાગત કરવું જોઈએ. જેથી કરી આપણે પણ તેની રહેમતો અને બરકતોથી ફાયદો ઉઠાવી શકીએ.

હવે આવો, આપણે જોઈએ કે રમઝાનમાં આપણું આયોજન કેવું હોવું જોઈએ, જેના પરિણામે આપણે રમઝાન દરમ્યાન પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કરી શકીએ.

રમઝાનના કાર્યોને આપણે બે ભાગોમાં વહેંચવા જોઈએ. (૧)હુકૂકુલ્લાહ (અલ્લાહના હક્કો) અને (ર)હુકુકુલ ઇબાદ (બંદાઓના હક્કો) રમઝાન આપણને આ બંને પ્રકારની ઇબાદતોમાં મધ્યમમાર્ગી વલણ અપનાવવાનું શીખવે છે અને આ જ ‘તકવા’ (સંયમ)નો મૂળ હેતુ પણ છે, કે આપણે ‘હુકૂકુલ્લાહ’ અને ‘હુકૂકુલ ઇબાદ’ એમ બંનેના હક્કો અદા કરતાં પોતાનું જીવન ગુજારીએ.

હુકૂકુલ્લાહ

રમઝાનના સંદર્ભમાં ‘હુકૂકુલ્લાહ’ના ચાર મુખ્ય ઘટકો છે . (૧) રોઝા (૨) નમાઝ (૩) કુઆર્ન અને (૪) ઝિક્ર તથા અઝ્કાર

(૧) રોઝા: રમઝાનુલ મુબારકની સૌથી મહાન ભેટ રોઝા છે. રોઝા એ ઇબાદત છે જેને અલ્લાહતઆલાએ પોતાના માટે વિશેષ રાખ્યા. દા.ત. અલ્લાહતઆલાએ સ્વયં ફરમાવ્યું કે રોઝા મારા માટે છે, અને હું પોતે તેનો બદલો (વળતર) આપીશ. (હદીસ) આ હદીસથી સ્પષ્ટ રીતે રોઝાનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે. દેખીતું છે કે તમામ ઇબાદતો અલ્લાહ માટે જ છે, પરંતુ તેમ છતાં અલ્લાહે માત્ર રોજા માટે આ કહ્યું કે રોઝા મારા માટે છે, અને તમામ ઇબાદતોનું વળતર અલ્લાહ જ આપે છે પરંતુ તેમ છતાં અલ્લાહે કહ્યું આનું વળતર હું આપીશ.

તેનું કારણ આ છે કે રોઝા એકમાત્ર એવી ઇબાદત છે કે જેનો સંબંધ અલ્લાહ અને બંદા વચ્ચે ખાસ છે.  અન્ય ઇબાદતોમાં બંદા  ઉપર તમામ લોકોની નજર હોય છે અને લોકો આનાથી વાકેફ રહે છે, પરંતુ રોઝામાં જે કૈફિયત બંદાની હોય છે તેનાથી માત્ર અલ્લાહતઆલા જ વાકેફ હોય છે. બંદાની પ્યાસ તેની ભૂખ અને તેની અશક્તિથી માત્ર અલ્લાહતઆલા જ વાકેફ હોય છે. આથી આપણે આ વાતનો પણ પ્રયાસ કરવો જોઈએ કે આપણે આ ઇબાદતને વધુ ને વધુ બહેતર બનાનવવાનો પ્રયાસ કરીએ. જૂઠ, ગીબત, બૂરી નજર, લડાઈ, ઝઘડા અને ગુસ્સા જેવી બૂરાઈઓ કે જે રોઝાને મકરૃહ (ખરાબ) કરી દે છે તેનાથી બચીએ.

રોજાથી વ્યક્તિની શારીરિક,બૌદ્ધિક અને આધ્યાત્મિક પ્રગતી થાય છે. પરંતુ આ વાત વ્યક્તિ ઉપર છે કે તે રોજાથી કેટલો લાભાન્વિત થાય છે. ઇમામ ગઝાલી રહ. કહે છે કે રોજા ત્રણ પ્રકારના હોય છે.
(૧) સામાન્ય લોકોના રોજા (અવામ કા રોજા) (૨) વિશેષ લોકોના રોજા (ખ્વાસ કા રોજા) (૩) નિકટ વર્તી લોકોના રોજા (મુકર્રીબીન કા રોઝા)

સામાન્ય લોકોના રોજામાં તે લોકો છે કે જેઓ માત્ર ખાન-પાન અને જાતિય (જીન્સી) અમલ છોડી દે છે અને બાકીનું જીવન સામાન્ય જીવન જેવું જ હોય છે તેમાં કોઇ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી. વિશેષ લોકોના રોજામાં તે લોકો છે જેઓ પુરા શરીરનું રોજા રાખે છે,તેમના પેટ,આંખો,જીભ અને તેમના બધા અંગોનું રોઝા હોય છે.નિકટતમ લોકોના રોજામાં તે લોકો છે જેઓ આ બંને પ્રકારના રોજાની સાથે સાથે વિચાર અને ઉમંગોનું રોઝા પણ રાખે છે.એટલે કે તેઓનો અલ્લાહથી ગાઢ સંબંધ હોય છે, કુઆર્નની તિલાવત કરતી વખતે તેમની અસરો પોતાના હૃદય ઉપર લે છે સાથે જ સમાજની પરિસ્થિતિને પણ સારી રીતે સમજે છે અને સમાજની સમસ્યાના ઉકેલ માટે કુઆર્નમજીદ શું કહે છે અને તેને કેવી રીતે પ્રસ્થાપિત કરી શકાય તે માટે સતત ચિંતન અને મનન કરતા રહે છે આમ તેઓ રોજાથી ‘ગહેરો અસર’ Deep Impact લે છે.

ઉપરોક્ત ત્રણે પ્રકારના રોજદારો આપણા સમાજમાં મૌજુદ છે પરંતુ કમનસીબીની વાત આ છે કે તેમાં સૌથી વધારે સંખ્યા પહેલા પ્રકારના રોજાદારોની છે અને સૌથી ઓછી સંખ્યા ત્રીજા પ્રકારના રોજાદારોની. આ માટે આપણે આ વાતની સંપુર્ણ કોશીશ કરવી જોઇએ કે આપણે ત્રીજા પ્રકારના રોજા રાખનારામાં શામેલ થઇ જઇએ.

(૨) નમાઝઃ નવ યુવાનોનું સામાન્ય દિવસોમાં આ વલણ હોય છે કે નમાઝથી ગફલત અને બેદરકારી દાખવે છે. પરંતુ રમઝાન મહિનાની શરૃઆત થતાં જ આવા નવયુવાનોથી મસ્જિદો ભરાઈ જાય છે. પરંતુ અફસોસજનક બાબત આ છે કે પથી ૧૦ રમઝાન પછીથી ફરી મસ્જિદો ખાલી થવી શરૃ થઈ જાય છે. આથી આ વખતે રમઝાનમાં આપણે પોતાના આયોજનમાં આ વસ્તુ સામેલ રાખીએ કે આપણે જમાઅત સાથે તમામ નમાઝો અદા કરવાની કોશિશ કરીશું અને અમારી એક પણ નમાઝ ‘કઝા’ થવા નહીં દઈએ. આ આપણું પ્રથમ કાર્ય હોવું જોઈએ. પછી નમાઝમાં આ વાત પણ સામેલ છે કે આપણે સુન્નત તથા નિફ્લ વિ.નું બરાબર પાલન કરીશું. કેમ કે રમઝાનમાં દરેક નેક કાર્યનું વળતર-સવાબ ૭૦ ગણું જેટલું વધારીને આપવામાં આવે છે. આથી આપણે પ્રયત્ન્ કરીએ કે ‘કયામે લૈલ’ (તરાવીહ), સુન્નતો અને તહજ્જુદનું પણ આયોજન હોય.

(૩) કુઆર્ન: રમઝાન અને કુઆર્ન વચ્ચે ખૂબજ ગાઢ સંબંધ છે. કુઆર્નમજીદમાં આની સ્પષ્ટ આયત પણ છે કે રમઝાન એ મહિનો છે જેમાં અમે કુઆર્ન નાઝીલ કર્યું. દેખીતું છે કે કુઆર્ન નાઝિલ થવાની સ્થિતિમાં રમઝાનની મહત્તા વધી જાય છે. આથી જ રમઝાનમાં વિશેષરૃપે કુઆર્નમજીદને પઢવા, સાંભળવા અને સમજવાનું આયોજન કરવામાં આવે છે. આથી આપણે પણ આપણી લાયકાત મુજબ કુઆર્નમજીદ પઢવું જોઈએ. જે લોકોને કુઆર્ન વાંચતા નથી આવડતું તેમણે તે શીખવું જોઈએ. જે લોકો વાંચી શકે તેમણે સંપૂર્ણ કુઆર્ન તિલાવત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અને આ વાતનો પણ પ્રયાસ કરવો જોઈએ કે કુઆર્નને અનુવાદ સાથે વાંચવામાં આવે, અને સમજવામાં આવે. કેમ કે રોઝાનો મૂળ હેતુ ‘તકવા’ (સંયમ) હાસલ કરવાનો છે અને કુઆર્નને સમજવા માટે અને તેનાથી હિદાયત પામવા માટે સૌ પ્રથમ શરત અલ્લાહ રબ્બુલ આલમીને ‘તકવા’ જણાવી છે. આથી આ કારણે આખા રમઝાન મહિનામાં તરાવીહ દ્વારા કુઆર્ન સાંભળવામાં ઓ છ.

(૪) ઝિક્ર તથા અઝ્કારઃ રમઝાનુલ મુબારક મહિનાને ૩ ભાગોમાં વ્હેંચવામાં આવ્યો છે. (૧) રહમત (ર) મગફિરત અને (૩) જહન્નમથી નજાત (મુક્તિ) અને ત્રણેય દશક સંબંધિત દુઆઓ પણ શીખવાડવામાં આવી છે. આથી આ દુઆઓને પઢવાનું આયોજન-પાલન દરેક નમાઝ બાદ કરવું જોઈએ. ઇફતાર વખતે વિશેષ દુઆઓનું પાલન કરવું જોઈએ. કેમ કે ઈફતાર વખતની દુઆ અલ્લાહતઆલા અવશ્ય કબૂલ કરે છે. આ ઉપરાંત શબેકદ્ર માટે પણ દુઆઓ મોજૂદ છે. અને આ રાતનું ખૂબ જ મહત્ત્વ છે. આથી આ રાતમાં પણ દુઆઓ વધુમાં વધુ પઢવી જોઈએ. શક્ય હોય તો એ’તેકાફ પણ કરવું જોઈએ. અલ્લાહનો સામીપ્ય પ્રાપ્ત કરવા એ ખૂબ જ મહત્ત્વનું છે.

હુકૂકુલ ઇબાદઃ

રમઝાનને હમદર્દી અને દરગુજરનો મહિનો કહેવામાં આવ્યો છે. એટલે કે આ સહાનુભૂતિ અને ગમ-ખ્વારીનો મહિનો છે. આથી આપણે આ વાતનો પ્રયાસ કરવો જોઈએ કે આ જ મહિનામાં આપણે ખુદાના માર્ગમાં વધુમાં વધુ ખર્ચ કરીએ. ખર્ચ કરવાનો અર્થ માત્ર રૃપિયા-પૈસા ખર્ચ કરવાનો નથી, બલ્કે માલની સાથે સાથે આપણે આ વાત માટે પ્રયત્ન કરવા જોઈએ કે આપણે કોઈ યતીમ કે મિસ્કીનને ખાવાનું પહોંચાડીએ. પોતાના પાડોશીને ત્યાં ઇફતારી મોકલવાની વ્યવસ્થા કરો. ઇદના આગમન પહેલાં કોઈ મિસ્કીનને શોધીને તેના માટે કપડાં સીવડાવો.

ટૂંકમાં આ કે આપણાથી જેટલું બની શકે તે આપણી પૂરી ફિકરથી કરવા પ્રયત્ન કરીએ.

અંતિમ વાતઃ

રમઝાન મહિનામાં શૈતાનને તો કેદ કરી દેવામાં આવે છે, પરંતુ જે શૈતાન માનવીની અંદર છૂપાયેલો છે  તે સતત માનવીની સાથે અને ખાસ કરીને નવયુવાનો સાથે લાગેલો રહે છે અને નવયુવાનોને રમઝાનમાં પણ, ખરાબ નજર, ખરાબ ભાષા અને ખરાબ નિય્યત ઉપર ઉભારતા રહે છે, જેના પરિણામે આપણી તમામ ઇબાદતો આમ ને આમ પડી રહી જાય છે કે વ્યર્થ જાય છે. આથી આ અવસરે એ તમામ ગંદા અને નિરર્થક કામોથી પોતાને બચાવવા ખૂબ જ જરૂરી છે. આટલું કરીશું ત્યારે કયાંક આપણે રમઝાનથી સાચા અર્થમાં લાભાન્વિત થઈ શકીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments