Thursday, September 12, 2024
Homeમનોમથંનરમઝાન : એક પ્રશિક્ષણનો મહીનો

રમઝાન : એક પ્રશિક્ષણનો મહીનો

યુવાસાથીનો આ અંક આપના હાથમાં આવશે ત્યાં સુધીમાં કદાચ પવિત્ર રમઝાન મહીનાની શરૃઆત થઈ ગઈ હશે. રમઝાનનો મહીનો ભરપૂર રહેમતો અને બરકતોનો મહીનો છે. આ મહીનો આપણા માટે એક વિશેષ પ્રશિક્ષણ અને જીવન સાથે સંઘર્ષ કેળવવાની તાલીમ આપનારો છે. આથી આ મહીનામાં આપણે આપણાથી શક્ય એટલી વધુ આપણા સર્જનહાર પાલનહાર માલિકની ઉપાસના કરીએ અને તે માટે જ વધુમાં વધુ આપણા માર્ગદર્શક ગ્રંથ કુઆર્નની તિલાવત (પઠન) અને વિશેષ નમાઝો અને ખુદાની યાદમાં મગ્ન રહીને આ ટ્રેનિંગના મહીનાનો પુરેપુરો લાભ લઈ પોતાની જીવનમાં ઈશભય અને મૃત્યુપછીના જીવનમાં જવાબદારી (Accountability)નો અહેસાસ ઉભો કરીને પોતાના જીવનને દરેક નાની મોટી ખરાબીઓ અને બદીઓથી પવિત્ર કરી વધુમાં વધુ સુશોભિત કરવાના પ્રયત્ન કરીએ.

કુઆર્નમાં વર્ણવવામાં આવ્યું છે કે, “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! તમારા માટે રોઝા ફરજિયાત બનાવવામાં આવ્યા, જેવી રીતે તમારી અગાઉ નબીઓના અનુયાયીઓ માટે ફરજિયાત બનાવવામાં આવ્યા હતા.”(સૂરઃબકરહ-૧૮૩). પહેલા તો આ આયતથી એ બાબત સુસ્પષ્ટ થાય છે કે અલ્લાહ તરફથી જેટલા પણ કાનૂન અવતરીત કરવામાં આવ્યા છે તે ક્યારેય રોઝાની ઇબાદતથી ખાલી નથી રહેવા પામ્યા.

અગાઉ બતાવ્યા મુજબ રમઝાનનો મહીનો એક પ્રશિક્ષણનો મહીનો છે. રમઝાનની એક મહીનાની ટ્રેનીંગ માત્રથી બાકીના અગિયાર મહિનામાં આપણા મનોમસ્તિષ્ટને તાજગી બક્ષીને હંમેશા આપણને એક માલિકના ગુલામ-બંદા હોવાનો અને એક જવાબદારીનો અહેસાસ ઉભો કરાવે છે.

આજે આપણે સમાજની જે વિકટ પરિસ્થતીને નિહાળીએ છીએ અને આજે સમગ્ર વૈશ્વિકસમાજ જે અનૈતિકતાની ગર્તામાં ધકેલાય રહ્યો છે, ક્યાંક નાહકનું કોઈની સંપત્તિનો કબજો તો ક્યાંક નિર્દોષોની કત્લેઆમ વળી ક્યાંક ભ્રષ્ટાચાર રૃપી ભોરિંગનો ભરડો તો ક્યાંક વ્યભિચારની વ્યાપકતા અને આ મોટા અસમાજિક રાક્ષસોના લીધે જ સામાન્ય જનને સ્પર્શતી સમસ્યાઓ જેવી કે મોંઘવારી, ગરીબી, મોંઘુ શિક્ષણ, સામાન્ય જન સાથે અતિશ્યોક્તિ ભર્યો જોર-જુલમ, સંગ્રહખોરીના લીધે જીવન જરૂરી વસ્તુઓના આસમાની ભાવ, ફેશનના નામે બેશરમીની હદપાર, આરોગ્ય અને શિક્ષણમાં રીતસરનો વ્યાપાર, અતિદારૃણ ગરીબીમાં જીવન વ્યતીત કરનારાઓનો કોઈ હામી નહી માત્ર સર્વે ને પોતાની એશ-અય્યાશી અને સુખ-સાહયબીની ફિકર આવી અતિગંભીર સામાજિક બિમારીઓનું મૂળ ઇસ્લામની દૃષ્ટિએ માત્રને માત્ર ઈશભયની કમી છે. આપણા સર્જનહાર-પાલનહારના બંદા અને ગુલામ હોવાના અહેસાસની કમી કે તેની સમજદારીથી દૂરી અને તેવી જ રીતે આપણા આ જીવનના ટુંકા રોકાણના અંતે મૃત્યુ પછીના જીવનમાં આપણા સર્જનહાર સામે આપણા હીસાબ આપવાની જવાબદારી (Accountability) વિશે આપણી બેપરવા કે નિષ્કાળજી.

હું, તમે, આપણે અને બધાએ સૌએ આવા પવિત્ર રમઝાન માસમાં પોતાની જાતને પ્રશિક્ષિત કરી અને આત્મવિશ્વાસથી ભરપૂર પોતાની જાતને સુશોભિત કરી આપણે સૌએ આ વિશ્વ માનવ સમુદાય રૃપી સાંકળની એક એક કળી બનીને આ સાંકળને મજબૂત કરી વિશ્વસમાજને ભરડામાં લીધેલા આ ભોરિંગથી સમાજને બચાવી પવિત્ર કરી સમાજની નવરચના માટે કટિબદ્ધ થઈએ તે આજના આ વિકટ સમયની તાતી જરૃર છે અને ઇસ્લામનું પણ સુસ્પષ્ટ માર્ગદર્શન છે અને સર્જનહાર પાલનહારની પણ દુનિયામાં માનવને પેદા કરવાનો આ જ હેતુ છે જેને આવો, આપણે સૌ સાથે મળીને સિદ્ધ કરીએ…

આપણા સૌનો સર્જનહાર પાલનહાર અલ્લાહ-ઈશ્વર આપણા સૌની ભરપૂર મદદ કરે અને મૃત્યુ પછીના જીવનમાં આપણા સદ્કાર્યો આપણને સફળતા અપાવવામાં સાક્ષી બને. આમીન…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments