Sunday, July 21, 2024
Homeબાળજગતરોઝા દ્વારા શૈતાનને પરાજિત કરી શકાય છે

રોઝા દ્વારા શૈતાનને પરાજિત કરી શકાય છે

મારી ઉંમર લગભગ ૧૭ વર્ષની થઈ ચુકી હતી છતાં રોઝો ક્યારેય પણ રાખ્યો ન હતો. રોઝો રાખવો તો દૂરની વાત હું તો રોજદારોને કહેતો કે, તમે ભૂખ્યા મરો છો? શું તમારા ઘરમાં ખાવાનું નથી… મારી આ વાત લોકોને જરાપણ પસંદ ન આવતી. છતાં કોઈ બગડતું નહતું બલ્કે મને સમજાવતા, પણ હું સમજવા તૈયાર જ ક્યાં હતો?

એક વખત મેં આ જ વાત મારા મિત્ર રહમતુલ્લાહને કહી, તે જાણતો હતો કે હું રોઝાની મજાક ઉડાવું છું. તેણે જવાબ આપ્યો, “જોઈ લે તે રોઝો રાખીને તને જાતે ખબર પડી જશે કે રોઝા ભૂખે મરવા માટે રાખવામાં આવે છે કે કોઈ બીજું કારણ છે.”

રહમતુલ્લાહ તો આમ કહીને જતો રહ્યો પણ મને વિચારતો કરી ગયો. રાત્રે સૂતી વખતે તેની જ વાત યાદ આવતી રહી. મનમાં થયું, ચાલો જોઈતો લઈએ રોઝો રાખીને શું થાય છે. છેવટે બધા લોકો રાખે જ છેને કોઈ વાત તો હશે જ ને? પાછું મનમાં આવ્યું કે, અરે જવા દો કોણ દિવસભર ભુખ્યો રહે. આ અસમંજસમાં રહીને છેવટે નક્કી કર્યું કે આવતી કાલે રોઝો રાખી જોઉ શું થાય છે?

મારા ઘરમાં માત્ર મા જ રોઝા રાખતી હતી. હું તો તેમની પણ મજાક ઉડાવતો હતો. પણ તે તો દુઆ જ કરતી હતી કે અલ્લાહ મને રોઝા રાખવાની સદ્બુદ્ધી આપે. મેં મારી મા ને કહ્યું, અમ્મીજાન! આજે મન પણ શહેરી માટે ઉઠાડજો, કાલે હું પણ રોઝો રાખીશ, મા ને તો આ સાંભળીને નવાઈ પણ લાગી અને ખુશી પણ થઈ. તેમણે એમ તો ન પૂછયું કે આ અચાનક રોઝા રાખવાનો ઇરાદો કેમ કર્યો – હા તેમણે ઘણી દુઆઓ આપીને કહ્યું, સારૃં બેટા જરૃર જગાડીશ.

મા એ ખરેખર શહેરીમાં ઉઠાડયો. મેં શહેરી ખાધી ને વિચાર્યું કે સુઈ જાઉં. મારી મા એ કહ્યું, “બેટા રોઝો રાખ્યો છે તો હવે રોઝાની જેમ રાખ.” મેં પુછયું, શું અર્થ છે તારો?, માએ સમજાવ્યું, “બેટા જ્યારે રોઝો રાખ્યો છે તો હવે જરાક વારમાં જ ફજરની અઝાન થવાની છે. વુઝુ કરીલે અને ફજર સુધી કુઆર્ન પઢી લે પછી ફજરની નમાઝ પઢી લેજે.”

મા ની વાત માની લઈને  હું ઉઠયો. વુઝુ કર્યું કુઆર્ન બાળપણ પછી તો પઢયું નહતું. અમુક યાદ હતું છતાં એક જગ્યાએ લાલટેન મુકી અને કુઆર્ન પઢવા લાગ્યો. કુઆર્ન સમજમાં તો  આવતું ન હતું પણ મનમાં થતું હતું કે પઢતો જ જાઉં. એટલામાં અઝાન સંભળાઈ અને મસ્જિદ જતો રહ્યો. ઘણા સમય પછી ફજરની નમાઝ પઢી ખૂબ રાહત લાગી.

ઘર આવીને વિચારવા લાગ્યો કે હવે શું કરું – રોઝો ન હોત તો નાસ્તાની તૈયારી કરતો. હજુ વિચારતો જ હતો કે દરવાજે ટકોરા પડયા. જોયુ તો મનુ વાણીયો ઊભો હતો. જોવી જ હોશ ઉડી ગયા કેમ કે હું તેનો કરજદાર હતો. તે ૧૧ રૃપિયા માંગતો હતો અને હું વાયદા જ કર્યે જતો હતો. જોકે આપવાની દાનત પણ ન હતી. મેં ફરીવાર ખોટો વાયદો કરીને ટાળવાનો પ્રયત્ન કર્યો પણ તે વાણીયો માન્યો જ નહીં. મા ને આ વાતની ખબર પડી ગઈ. તેણે કહ્યું, “બેટા રોઝા રાખીને જુઠ ન બોલાય, ખોટા વાયદા ન કરાય. રોઝો રાખીને પણ જૂઠ અન ેખોટી વાતોથી ન બચ્યા તો રોઝાનો અર્થ જ શું છે. ખાલી ભુખા જ મરવાનું ને!!”

“ભુખે મરવાનું” અરે આ તો હું રોઝાદારોને કહ્યા કરતો હતો. મેં માથી પુછયું, “શું રોઝા એટલા માટે રાખીએ છીએ કે ખોટી વાતોથી બચીએ.” માએ જવાબ આપ્યો, હા બેટા! રોઝા એટલા માટે જ રાખવામાં આવે છે કે ખોટી વાતોથી બચીને અલ્લાહને રાજી કરવામાં આવે.

મા ની આ વાત હું થોડી સમજ્યો – ન સમજ્યો – હું જો કે ગુસ્સામાં હતો અને મારા મોઢામાંથી વાણીયાને ગાળ પણ નીકળી ગઈ. આ સાંભળીને મારી મા એ મને ખૂબ ધમકાવ્યો. પોતાના પાસેથી વાણીયાને પૈસા આપીને રવાના કર્યો અને મને કહ્યું, કે વાણીયાને તેના પૈસા માંગવાનો હક હતો તમે જૂઠા વાયદા કર્યા તો તેને ગુસ્સો આવે જ ને. મારે તેની ખરીખોટી વાત સાંભળવી પડે. જ્યારે કે તમે તો ઉલટા તેને ગાળો દઈને ધમકાવો છો પછી રોઝો કેમ રાખ્યો છે?

મેં મનમાં કહ્યું, “મા વાત તો ખરી જ કહે છે હું ચૂપ થઈ ગયો વિચારવા લાગ્યો કે આજે તો ખરૃં થયું અમ્મા એ મારા અંદરના શૈતાનને દબાવી દીધો નહીંતર હું તો આજે તેનું વાણીયાપણું કાઢી જ નાખતો.”

હવે દિવસ ચઢી ગયો. હું માને કહીને હાજી કરીમની દુકાને નોકરી કરવા નીકળી ગયો. હું આજે દુકાને થોડો વહેલો પહોંચ્યો તો હાજી સાહેબને પણ નવાઈ લાગી, નહીંતર દરરોજ મોડા આવવાને કારણે તેમનો ઠપકો સાંભળવો પડતો હતો તેમણે હસીને કહ્યું, “અરૈ ભાઈ આજે તો તુ ખૂબ વહેલો આવી ગયો ને! અને આજે ખાલી કેમ છે. લંચ બોક્સ ક્યાં છે?” મેં કહ્યું, “આજે મેં રોઝો રાખ્યો છે.” હાજી સાહેબને પણ નવાઈ સાથે ખૂબ જ ખુશી થઈ.

હવે જ્યારે મે રોઝો રાખ્યો છે તો ઝુઠ શા માટે બોલું. તેમની દુકાન ગલ્લામાંથી દરરોજ થોડા પૈસા નફડાવી જ દેતો હતો આજે પણ મનમાં તો આવ્યું જ કે થોડા પૈસા કાઢી લઉ. પણ તરત જ મા ની વાત યાદ આવી કે રોઝા રાખીને પણ જૂઠ-ચોરી અને ખોટી વાતોથી જ ન બચ્યાં તો આવો રોઝો એ રોઝો નથી બલ્કે ભુખે મરવા જેવું છે.

મેં એ દિવસે દુકાનમાંથી એક પૈસા પણ ન કાઢયા. અને ચોરી ન કરવાના કારણે હું આજે ખૂબ જ ચુસ્ત અને નીડર હતો. નહીંતર અગાઉ તો આખો દિવસ મનમાં ધકધક થતું કે ક્યાંક હાજી સાહેબ જોઈ ન ગયા હોય.

બપોરે મને ભૂખ લાગી. મેં ક્યારેય રોઝો તો રાખ્યોે જ નહતો. હવે ભૂખ સતાવવા લાગી. આ હાલતમાં એક બિનમુસ્લિમ વિધવા સ્ત્રી પોતાના બે બાળકોને લઈને દુકાને આવી અને રડી રડીને કહેવા લાગી. “બાબુ મારા આ બે લાલ તદ્દન ભુખ્યા છે તમારા ખુદા માટે મને કંઈ આપો.” હાજી સાહેબે તેને થોડો પૈસા આપ્યા.

ભૂખનું નામ સાંભળીને મેં મનમાં કહ્યું – અરે કેટલી સખત હોય છે આ ભૂખ! આ લોકો કેવી રીતે ભૂખ સહન કરતા હશે? મને આજે જીવનમાં પ્રથમ વાર ભૂખા રહેવાનો અનુભવ થઈ રહ્યો હતો અને હવે મને ગરીબ અને દુખિયારી સ્ત્રીથી પ્રેમ થવા લાગ્યો. તે વખતે મારા પાસે તદ્દન થોડા પૈસા હતા. મેં તે સ્ત્રીને પાછી બોલાવી કે તરત જ મનમાં થયું કે, શું કરે છે આટલા પૈસાની તો ઇફતારી થઈ જશે. પણ મેં દિલની વાત ન માની, સમજી ગયો કે શૈતાન બહેકાવી રહ્યો છે. મેં પૈસા તે વિધવાને આપી દીધા. બિચારી ખૂબ દૂઆ આપતી રહી. હાજી સાહેબ પણ નવાઈથી મારું મોઢું જોવા લાગ્યા અને મેં સમજી લીધું કે રોઝા ભૂખે મારવા માટે નહીં બલ્કે ભૂખ્યાઓને ભૂખથી બચાવવા માટે રાખવામાં આવે છે.

આખો દિવસ દુકાન પર કામ કર્યું. પરંતુ આજે કોઈનાથી એક પૈસા માટે પણ બોલવાનું ન થયું. નહીંતર દરરોજ ગ્રાહક સાથે કંઈને કંઈ તકરાર તો થતી જ. પરંતુ આજે મેં શૈતાનને બહાર આવવાની તક જ ન આપી.

સાંજે જ્યારે હું ઘર જવા લાગ્યો તો હાજી સાહેબે કહ્યું, “ઊભા રહો મારી સાથે મારા ઘરે જ ઇફતારી કરી લેજો. અને આ સામાન તમારી મા માટે લેતા જાવ.” હાજી સાહેબે આમ કહીને થોડા ફ્રૂટ-મિઠાઈ અન નમકીન વગેરે એક થેલીમાં ભરીને મને આપી દીધા અને સાથે એક બોક્સ પણ આપ્યું. ઘરે આવીને મેં તે બોક્સ ખોલ્યું તો તેમાં મારા માટે બે જોડ કપડા અને જૂતા હતા. હું તેમની મહેરબાની પર ખૂબ ખુશ થયો અને મનોમન વિચારવા લાગ્યો કે આ બધું રોઝાના કારણે તો નહીં હોય? મા ને આપ્યું તો તેણે કહ્યું હા, એમ જ છે અલ્લાહે હાજી સાહેબના દિલમાં તારા માટે મહોબ્બત નાંખી દીધી. મેં મનોમન અલ્લાહનો ખૂબ આભાર માન્યો.

મગરિબના થોડા પહેલા હાજી સાહેબના ઘરે પહોંચ્યો ત્યાં બીજા પણ થોડા લોકો હતા. હાજી સાહેબે મને તેમના પાસે બેસાડયા. મે બધા સાથે રોઝો ઇફતાર કર્યો. તે પછી બધા સાથે નમાઝ પઢી. પછી ખાવાનું ખાઈને ઘર જવા નીકળ્યો તો પાછા હાજી સાહેબે પૈસા આપ્યા કે રીક્ષા કરી લેજો.

મેં પૈસા ખીસામાં મુક્યા ત્યાં ફરી શૈતાન મનમાં આવી ગયો કે હવે રોઝો તો પૂરો થઈ ગયો ને – પૈસા પણ મળ્યા છે ચાલો સિનેમા જોવા જઈએ. મનમાં આ વાત આવતા સિનેમાં તરફ જવા પણ લાગ્યો ત્યાં વિચાર આવ્યો કે અત્યારે રોઝો નથી તો શું થયું રોઝાનો મહિનો રમઝાન તો છે જ ને! આ મહિનો તો નેકી કમાવવાનો છે. શૈતાને ઘણો બહેકાવ્યો પણ મેં તેની એક વાત ન સાંભળી – સહિસલામત ઘર પહોંચી ગયો.

ઘરે આવ્યો તો મા એ કહ્યું, “બેટા એક વધુ કામ કરી લે તો આજનો રોઝો પુરો થઈ જશે. જા મસ્જિદમાં અને ઈશાની નમાઝ અને તરાવીહ પઢી આવ.” હું મસ્જિદ ગયો, એક કલાક ત્યાં લાગ્યો. તરાવીહથી ફારેગ થઈને ઘરે આવ્યો તો મન સતત કહી રહ્યું હતું કે કાલે ફરી રોઝો રાખીશ.

ખાટલા પર સુઈ જઈને દિવસભરની વાતો પર વિચારવા લાગ્યો તો મનુવાણીયાથી થોડી ખટપટ સિવાય કોઈ શૈતાની કામ થયું નથી. હું મનમાં ને મનમાં હસવા લાગ્યો કે, “આજે તો મેં શૈતાનની ધરપકડ કરીને તેને પરાજીત કરી દીધો.”

બસ આ જ મારો પ્રથમ રોઝો હતો. તે પછી આ જ સુધી મારો એક પણ રોઝો છૂટયો નથી. અને હું તે માટે અલ્લાહનો આભાર માનું છું કે તેણે મને રોઝા રાખવાની સદ્બુદ્ધી આપી અને રોઝાથી સંબંધિત મોટી મોટી વાતો મને જાણવા મળી જેમ કેઃ

(૧) રોઝા રાખવાથી બુરાઈ દૂર થઈ જાય છે.

(૨) રોઝા રાખવાથી ગરીબો પ્રત્યે હમદર્દી પેદા થાય છે.

(૩) રોઝા રાખીને શૈતાનની ધરપકડ કરીને પરાજીત કરી શકાય છે.

(૪) સૌથી મોટી વાત એ કે રોઝા રાખીને અલ્લાહને ખુશ કરી શકાય છે.

હવે હું દુઆ કરૃં છું કે હું સતત રોઝા રાખતો રહું અને તમામ ભાઈ-બહેનો પણ રોઝા રાખે. રમઝાનમાં પણ અને ક્યારેક ક્યારેક બીજા મહિનાઓમાં પણ. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments